October 6, 2011

ભારત વિશ્વનું સૌથી સસ્તું ટેબ્લેટ પીસી લોન્ચ કરી રહ્યું છે જે ડિસેમ્બર સુધીમાં બજારમાં મળવા લાગશે તેમ તેના ઉત્પાદકનું કહેવું છે.

વિદ્યાર્થીઓના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવેલું આ ટેબ્લેટ કોલેજોમાં માત્ર રૂ. 1,750 (35 ડોલર)માં મળશે , જોકે તેના ઉત્પાદનમાં રૂ. 3,000 નો ખર્ચ થાય છે. બાકીની રકમ સરકાર સબસિડી દ્વારા ભરપાઈ કરશે જે આઇટીને શિક્ષણનો અભિન્ન હિસ્સો બનાવવા માંગે છે.

ગૂગલના એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર સંચાલિત આ ટેબ્લેટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે વાઇફાઇ કનેક્ટિવિટી અને ક્લાઉડ સ્ટોરેજ ધરાવશે. તેમાં 256 એમબીની રેમ , બે જીબીનું એસડી મેમરી કાર્ડ , 32 જીબી એક્સ્પાન્ડેબલ મેમરી સ્લોટ અને બે યુએસબી પોર્ટ હશે.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ અને ભારતીય મૂળના કેનેડિયન સુનીત સિંઘ ટુલીએ રિટેલ ભાવ જણાવવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું હતું કે , ફાઇવ સ્ટાર હોટેલમાં બે વ્યક્તિના શાકાહારી ભોજન જેટલો ખર્ચ આવશે.

સુનીત સિંઘ યુકે સ્થિત કંપની ડેટાવિન્ડના સ્થાપક છે જેમણે પોકેટ સર્ફર પણ બનાવ્યું છે. ટુલીએ જણાવ્યું હતું કે , અમે વિશ્વને બતાવવા માંગતા હતા કે ચીન જો ભાવનું તળિયું તોડી શકતું હોય તો ભારત વધુ સારી રીતે કામ કરી શકે છે.

વિશ્વ બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તા ટેબ્લેટ્સમાં એચપીનું 99 ડોલરનું ટચપેડ અને એમેઝોનનું 199 ડોલરનું કિંડલ સામેલ છે. ભારતમાં સસ્તા ટેબ્લેટની શરૂઆત દેવરાજ ગ્રૂપના 99 ડોલરના પીપર પીસીથી થાય છે. વેસ્પ્રો ઇપેડ રૂ. 7,000 માં મળે છે.

એન્ડ્રોઇડ પર આધારિત એચસીએલ પેડ રૂ. 10,000 માં ઉપલબ્ધ છે. ભારતી એરટેલ અને રિલાયન્સે અનુક્રમે રૂ. 10,000 થી રૂ. 13,000 ની રેન્જમાં ટેબ્લેટ પીસી લોન્ચ કર્યાં છે.

ડેટાવિન્ડ દ્વારા ઉત્પાદિત 35 ડોલરનું ટેબ્લેટ માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલ અને આઇઆઇટીના ટેક્નોલોજિસ્ટ્સના દિમાગની ઊપજ છે. બે વર્ષ અગાઉ 10 ડોલરમાં એક પીસી લોન્ચ કરવામાં આવ્યું હતું જે માત્ર એક સ્ટોરેજ ડિવાઇસ સાબિત થયું હતું.

35 ડોલરનું સાધન અગાઉ લેપટોપ તરીકે રજૂ થવાનું હતું , પરંતુ નિર્માણ દરમિયાન ત્રણ વર્ષમાં તેમાં ફેરફાર થયા હતા. ટેબ્લેટને ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે અને ખર્ચ ઘટાડવા માટે સરકાર ડ્યૂટીકાપ કરશે. પ્રારંભમાં એક લાખ ટેબ્લેટના ઓર્ડર આપવામાં આવ્યા છે અને પાઇલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો વધુ 10 લાખ ટેબ્લેટનું ઉત્પાદન કરવામાં આવશે.

ટેબ્લેટની ઇન્ટરનલ મેમરી 256 એમબીની હોવાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં તે ધીમું પડી શકે છે. સરકારના નેશનલ મિશન ફોર એજ્યુકેશન હેઠળ 25,000 કોલેજોમાંથી લગભગ અડધી કોલેજોને ઇન્ટરનેટથી જોડવામાં આવી છે. તેમાંથી 15 ટકાથી પણ ઓછી કોલેજોમાં 512 કેબીપીએસની સ્પીડ છે.

No comments:

Post a Comment