October 6, 2011

ભારતની મુશ્કેલીમાં ફસાયેલી એરલાઇન એર ઇન્ડિયાએ વીમા કવચ લેવામાં સસ્તામાં સોદો પાર પાડ્યો હતો. વધારે પડતી ક્ષમતા અને અર્થતંત્રની વૃદ્ધિમાં અનિશ્ચિતતા સર્જાતાં એર ઇન્ડિયાને આ સોદો સસ્તામાં કરવામાં લાભ થયો હતો.

કંપનીએ તેનાં 150 થી પણ વધુ વિમાનોને આવરી લેતા વીમા કવચ માટે આ સોદો કર્યો હતો. કંપનીએ તેની વાર્ષિક પોલિસી રિન્યૂ કરાવવા માટે 13 ટકા ઓછા પ્રીમિયમની ચુકવણી કરી હતી.

આ વખતે એર ઇન્ડિયાએ 2.68 કરોડ ડોલરનું પ્રીમિયમ ચૂકવ્યું છે , જે વર્ષ અગાઉના સમય માટે 3 કરોડ ડોલર હતું એમ વીમા ઉદ્યોગના અધિકારીઓએ કહ્યું હતું. જાહેર ક્ષેત્રની ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સને બે વર્ષના અંતરાય બાદ એર ઇન્ડિયાની વાર્ષિક વીમા પોલિસી મેળવવાનો આદેશ મળ્યો છે.

એર ઇન્ડિયાએ વિમાનો માટે 8.5 અબજ ડોલરનું કવચ લીધું છે તેમજ 1.5 અબજ ડોલરનું વધારાનું જવાબદારી કવચ લીધું છે. કંપની હવે તેનાં વિમાનોનું આધુનિકીકરણ કરી રહી છે અને જૂનાં વિમાનો બદલી રહી છે. નવી પોલિસી પ્રથમ ઓક્ટોબરથી અમલી બની છે.

વીમા કવચ આપનારા કોન્સોર્ટિયમ (કંપનીઓનું જૂથ)ની આગેવાની ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ પાસે છે જ્યારે અન્ય ત્રણ જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓમાં નેશનલ ઇન્ડિયા , ઓરિએન્ટલ ઇન્ડિયા , યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ અને એસબીઆઇ જનરલનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ પાસે રહેતી એર ઇન્ડિયાની પોલિસી છેલ્લાં બે વર્ષથી ખાનગી વીમા કંપનીઓને આપવામાં આવતી હતી. આ સોદાની માહિતીથી પરિચિત એક વ્યક્તિએ કહ્યું હતું કે , આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ 2.68 કરોડ ડોલરના ભાવ સાથે ઘણી નજીક હતી.

એર ઇન્ડિયાએ ટેક્નિકલ બિડ માટે બે વીમા કંપનીઓ (ન્યૂ ઇન્ડિયા અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ)ને અલગ તારવી હતી. આ પોલિસી હેઠળ હલ , સ્પેર્સ અને જવાબદારીને આવરી લેવામાં આવી છે. તેનો આધાર અકસ્માત , આગ લાગવાના કિસ્સામાં , પૂર કે કુદરતી હોનારતના કિસ્સામાં વિમાનોના મૂલ્ય , પ્રવાસીઓની જવાબદારીઓ અને કાયદાકીય અરજીઓ પર છે. વિમાનોનું મૂલ્ય ગયા વર્ષના મૂલ્ય જેટલું જ રહ્યું છે.

No comments:

Post a Comment