October 10, 2011

ગુજરાતમાં દિવાળી બાદ મકાનના ભાવ વધારવાનું વિચારતા બિલ્ડર્સ

ગુજરાતમાં મકાનોનું વેચાણ ઘણું જ ઓછું છે છતાં કેટલાક બિલ્ડર્સ દિવાળી બાદ તેના ભાવ દસ ટકા સુધી વધારવાનું વિચારી રહ્યા છે.
જોકે , રિયલ એસ્ટેટ નિષ્ણાતને લાગે છે કે વર્તમાન બજાર સ્થિતિને જોતાં આ નિર્ણય બિલ્ડર્સ માટે બૂમરેંગ સાબિત થઈ શકે છે.

બાંધકામ અને મજૂરખર્ચમાં વધારો ડેવલપર્સ દ્વારા ભાવવધારો કરવા પાછળનાં મુખ્ય કારણો જણાય છે. આમાંથી મોટા ભાગના ડેવલપર્સ અમદાવાદ અને ગાંધીનગરમાં કામગીરી ધરાવે છે.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (ગાહેડ)ના પ્રેસિડન્ટ સુરેશ પટેલે જણાવ્યું હતું કે , ખર્ચમાં થયેલા વધારાને કારણે ડેવલપર્સના નફાને ભારે અસર થઈ હોવાથી અમે દિવાળી બાદ 10 થી 12 ટકાના ભાવવધારાનું વિચારી રહ્યા છીએ.

ગુજરાતના રૂ. 60,000 કરોડના રિયલ્ટી માર્કેટમાં અમદાવાદનો હિસ્સો 40 ટકા છે. પટેલે જણાવ્યું હતું કે , સમગ્ર વર્ષમાં થતા કુલ બુકિંગમાંથી 35 ટકા બુકિંગ નવરાત્રી અને દિવાળીની વચ્ચે થાય છે.

30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા ગાહેડના પ્રદર્શનની મુલાકાત લેનાર ખરીદદારને કોઈ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં પટેલે જણાવ્યું હતું કે , '' અમારી છેલ્લી મિટિંગમાં ડિસ્કાઉન્ટનો કોઈ ઉલ્લેખ થયો ન હતો.

ભાવ ઘટે તેવી કોઈ ધારણા નથી. દિવાળી બાદ ભાવ વધી શકે છે. '' બિલ્ડર્સની સંસ્થા અમદાવાદમાં એક પ્રોપર્ટી શોનું આયોજન કરી રહી છે જેમાં રૂ. 12,000 કરોડના મૂલ્યના 500 પ્રોજેક્ટ પ્રદર્શિત કરાશે. પ્રદર્શનના આમંત્રણમાં પણ એક વાક્ય લખવામાં આવ્યું છે કે , અત્યારે નહીં તો ક્યારેય નહીં. '' જે ગ્રાહકોને તાત્કાલિક ખરીદી કરવા પ્રેરે છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રના એક નિષ્ણાતે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગાહેડનું સંભવિત પગલું અતાર્કિક લાગે છે અને તે અવળું પડી શકે છે. નિષ્ણાતે જણાવ્યું હતું કે , '' ભાવ વધારવો શક્ય નથી.

અત્યારે બજારમાં કોઈ ખરીદદાર નથી. રૂ. 25 લાખ કે તેનાથી ઓછી કિંમતના એપાર્ટમેન્ટ અને કેટલાક પ્લોટેડ પ્રોજેક્ટ્સ સિવાય વેચાણ નબળું છે. દાખલા તરીકે અમદાવાદમાં થ્રી બેડરૂમ-હોલ-કિચન એપાર્ટમેન્ટ અને બંગલોનું વેચાણ 60 ટકા ઘટ્યું છે.

અમદાવાદમાં ગઈ દિવાળીથી અત્યાર સુધીમાં રિયલ્ટીના ભાવમાં ભાગ્યે જ કોઈ વધારો થયો છે. છેલ્લા કેટલાક મહિનાથી ભાવ સ્થિર રહ્યા છે ત્યારે વેચાણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

એક ડેવલપરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે , અમદાવાદમાં રિયલ એસ્ટેટના ભાવ અત્યારે પીક પર છે. તેમાં વધારો કરવાનો કોઈ પણ પ્રયાસ બજારમાં અત્યારે જે પણ થોડી ઘણી માંગ જોવાઈ રહી છે તેને પણ ખલાસ કરી નાંખશે. જોકે , જો 15 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે તો ગુમાવેલી માંગ ફરીથી સક્રિય થઈ શકે છે.

અગાઉ પત્રકાર પરિષદ સંબોધતાં પટેલે જણાવ્યું હતું કે , વૈશ્વિક અર્થતંત્રમાં થતી ઊથલપાથલની ગુજરાતના પ્રોપર્ટી માર્કેટને અસર થતી નથી . 2008 માં મંદી વખતે દિલ્હી અને બેંગલોરના પ્રોપર્ટી માર્કેટમાં 12 ટકા સુધીનો ઘટાડો થયો હતો પરંતુ અમદાવાદમાં ભાવ 8 ટકા વધ્યા હતા .

આ વખતે પણ અમને સ્થાનિક બજાર પર કોઈ અસર જણાતી નથી .જ્યારે રિયલ એસ્ટેટ નિષ્ણાતો બીજું જ કંઈક કહી રહ્યા છે . વૈશ્વિક મંદી વખતે દિલ્હી અને મુંબઈના માઇક્રો માર્કેટમાં મહત્તમ 40 ટકા સુધીનો ઘટાડો જોવાયો હતો અને અમદાવાદમાં 15 થી 20 ટકા ઘટાડો નોંધાયો હતો.

No comments:

Post a Comment