October 1, 2011

સ્વપ્ન જેવા આ સમયમાં વ્યક્તિને સતત લાગ્યા કરે છે કે એ જાણે મહત્તમ શિખર પર છે. આકાશ સ્પર્શી શકાય એટલું નિકટ છે.

જવાની ખ્વાબ કી સી બાત હૈ દુનિયાએ-ફાની મે, મગર યે બાત કીસીકો યાદ રહતી હૈ જવાની મેં- સીમાબ અકરાબાદી 

(આ નશ્વર દુનિયામાં યુવાની સપનાં જેવી હોય છે પણ આ વાતનું સ્મરણ ભાગ્યે જ કોઇને રહે છે.)

સામાન્ય રીતે સોળ વર્ષની આસપાસનો સમય યુવાનીના પ્રારંભનો છે. યુવાની ક્યારે શરૂ થાય અને કેટલી લંબાઇ શકે તે વ્યક્તિનાં તન અને મનની તાસીર પર અવલંબે છે. શૈશવનું કોચલું તૂટે પછી એમાંથી રંગબેરંગી પતંગિયું બહાર આવે છે- તે છે યુવાની. પતંગિયું ઊડવા માટે પાંખ પ્રસારે છે ત્યારે એની આસપાસ હોય છે વસંતનો ઝળહળતો તડકો. એમાં એના રંગ વધુ આકર્ષક બની જાય છે, જે એનામાં ખુમાર જગાડે છે. એની સામે હોય છે પૂર્ણ વિકસિત સુગંધિત ફૂલો. મધુની મિષ્ટતાને આસ્વાદવાની અને પરાગને પુષ્પાંતરિત કરવાની એ ક્ષણો આહ્લાદથી અને રોમાંચથી ભરપૂર હોય છે.

સ્વપ્ન જેવા આ સમયમાં વ્યક્તિને સતત લાગ્યા કરે છે કે એ જાણે મહત્તમ શિખર પર છે. આકાશ એને સ્પર્શી શકાય એટલું નિકટ જણાય છે અને આખુંય વિશ્વ બાથ ભરી શકાય એટલું નાનું. ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે તેમ ઘટમાં ઘોડા થનગને છે અને આતમ પાંખ વીંઝે છે. આ સમયે એને યોગ્ય રાહબર અને રાહ સાંપડે તો એના જીવનને એક લક્ષ્ય પ્રાપ્ત થાય છે.

પણ બધા યુવાન એવા સદ્ભાગી હોતા નથી, જેમને પોતે યુવાનીના નિર્ણાયક સમયમાંથી પસાર થઇ રહ્યા હોય છે તેનું સ્મરણ રહે. આ જ સમય છે જ્યારે જીવનને ઘાટ આપી શકાતો હોય છે તે એ વીસરી જાય છે. અનેક પ્રલોભનોની જાળમાં પતંગિયું ફસાઇ જાય છે. સમયની ભભૂકતી આગમાં મહામૂલી ક્ષણો સૂકાં લાકડાંની જેમ બળીને રાખમાં ફેરવાતી રહે છે. અચાનક જ સપનું પૂરું થાય છે, જ્યારે એક દિવસ વાળમાં સફેદી દેખાવા લાગે છે ને ચહેરા પર કરચલીનું જાળું બંધાવાનો અણસાર મળે છે. ચૂગલીખોર અરીસો યથાર્થનું ભાન કરાવે છે.

અંગ્રેજ કવિ જહોન મિલ્ટને લખ્યું છે કે સમય યુવાનીને ખૂબીથી છીનવી લેતો ચોર છે. કોઇ કવિએ કહ્યું છે, ‘જોબનિયું આજ આવ્યું ને કાલે જાશે.’ સમયનું પસાર થવું અનિવાર્ય છે. વાસ્તવમાં સમય પસાર થતો નથી પણ વ્યક્તિ પસાર થઇ જતી હોય છે.

શૈશવના કોશેટામાંથી બહાર આવેલું પતંગિયું આમતેમ થોડું ઊડી ક્યારે અંતધૉન થઇ ગયું તેની સરત જ ન રહી તે ખટક્યા કરે છે. થાય છે, કેટકેટલું કામ કરી શકાયું હોત પણ...મન વારંવાર સમીકરણો માંડે છે, ‘આમ થયું હોત ને તેમ ન થયું હોત તો?’
અકબર ઇલાહાબાદીનો એક શેર છે:

જવાની કી દુઆ લડકો કો નાહક દેતે હૈ, યહી લડકે મિટાતે હૈ, જવાની કો જવાં હો કર.

અથૉત્ વડીલો છોકરાઓને જુવાન થવાના આશીર્વાદ આપે છે તે નિરર્થક છે, કારણ કે એ જ છોકરાઓ મોટા થાય છે ત્યારે જુવાનીને વેડફી નાખે છે.

જેણે યુવાની સાર્થક કરી જાણી હોય છે એની પ્રૌઢાવસ્થા અને ઘડપણ પણ નિરર્થક-ઢસરડા જેવું કે એકધારાપણાના અનુભવમાં જકડી રાખે તેવું નથી બની રહેતું.

No comments:

Post a Comment