October 1, 2011

કોંગ્રેસ સિવાયના લગભગ તમામ રાજકીય પક્ષોએ જાતભાતનાં ગતકડાં દ્વારા રાંધણગેસના ભાવવધારાનો વિરોધ કર્યો. આવા વાંઝિયા વિરોધ વારંવાર થયા છે. સરકાર રીઝીને પાંચ - પંદર રૂપિયા ઘટાડે એવું ક્યારેક બને છે, હંમેશાં નહીં. દરેક ભાવવધારા પછી કકળાટ થાય છે અને પછી ભાવવધારો કોઠે પડી જાય છે. આ ભાવવધારા પાછળનાં રાજકીય અને આર્થિક કારણો તપાસીએ.

અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિબેરલ ૯૧.૨૩ ડોલર છે. એક બેરલ દીઠ ૧૫૮.૯૯ લિટર થાય એટલે એક લિટર ક્રૂડનો ભાવ ૨૫.૫૩ રૂપિયા થાય. તેમાં રિફાઇનિંગ માટેનો ખર્ચ ઉમેરવો પડે. પ્રોડક્શન લોસને પણ ઉમેરવો પડે. આ બધું ગણતા લગભગ ૧૫ રૂપિયાનો ઉમેરો થાય ત્યારે એક લિટર પેટ્રોલ બને. અથૉત્, લગભગ ૪૦ રૂપિયે લિટર પેટ્રોલ બને. તેમાં ૧૮ રૂપિયા ટેક્સના ઉમેરતા લગભગ ૫૮ રૂપિયે લિટર પેટ્રોલ મળે.

સરકારો સામાન્ય નાગરિક માટે નહીં, ઉદ્યોગો માટે જ છે. ઔદ્યોગિક વિકાસનો કે ઉદ્યોગોનો વિરોધ કરવાનો ઉપક્રમ અહીં નથી. ઉપક્રમ સરકારનાં બેવડાં ધોરણોનો છે. જ્યારે નાગરિકને સુવિધા આપવાની વાત આવે ત્યારે સરકારના મંત્રીઓ એક એક પાઇની સબસીડીની ગણતરી કરાવે છે. ઓઇલ કંપનીઓને ૭૧,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ કઇ રીતે જશે તે સમજાવે છે. કેટલા રૂપિયાની રાહત ગેસ ઉપર ને કેટલા રૂપિયાની રાહત કેરોસીન પર આપે છે એ પણ ગણાવી દે છે. પણ, જ્યારે ઉદ્યોગોને આપેલી છુટની વાત આવે ત્યારે તેનું મોં સિવાઇ જાય છે.

ગેસનો ચૂલો સળગાવતા પહેલાં હૈયું સળગી જાય એવો ભાવવધારો રાંધણગેસમાં થયો અને દેશની કરોડો ગૃહિણીઓની આંતરડી કકળી ઊઠી. સરકાર ભલે કહે કે ઓઇલ કંપનીઓનું નુકસાન ઘટાડવા માટે પેટ્રો પેદાશોનો ભાવવધારો અનિવાર્ય હતો પણ, સામાન્ય જનતા એવું જ માને છે કે સરકાર લૂંટવા બેઠી છે. જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. જે ગેસનો બાટલો હવે ૪૧૦ રૂપિયે તમારા ઘરમાં આવશે તે સરકારને કેટલા રૂપિયામાં પડે છે? ખાનગી કંપનીઓ એટલો જ ગેસ ૭૦૦ રૂપિયામાં બજારમાં વેચે છે. સરકાર કહે છે કે હજી ૩૦૬ રૂપિયા સબસીડી રાંધણ ગેસ પર આપવામાં આવે છે.

અથૉત્, લગભગ ૭૧૬ રૂપિયા ગેસના બાટલાની પ્રોડક્શન કોસ્ટ સરકાર પણ ગણી રહી છે. હકીકતમાં આવું નથી. ખાનગી ઓઇલ રિફાઇનરીઓ ૪૧,૦૦૦ રૂપિયે એક ટનના હિસાબે એલપીજી સરકારી કંપનીઓને વેચે છે. અથૉત્, ૪૧ રૂપિયે કિલોનો ભાવ થયો. ૧૪ કિલો ૨૦૦ ગ્રામ ગેસનો (બાટલામાંના ગેસનો) ભાવ ૫૮૨ રૂપિયા થયો, તેનાથી વધુ જેટલા રૂપિયા સરકાર ગણે તે ટેક્સ થયો. પેટ્રોલ અને ડીઝલ ઉપર કુલ ટેક્સ ૪૩ ટકા જેટલો થાય છે.

અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિબેરલ ૯૧.૨૩ ડોલર છે. એક બેરલ દીઠ ૧૫૮.૯૯ લિટર થાય એટલે એક લિટર ક્રૂડનો ભાવ ૨૫.૫૩ રૂપિયા થાય. તેમાં રિફાઇનિંગ માટેનો ખર્ચ ઉમેરવો પડે. પ્રોડક્શન લોસને પણ ઉમેરવો પડે. આ બધું ગણતા લગભગ ૧૫ રૂપિયાનો ઉમેરો થાય ત્યારે એક લિટર પેટ્રોલ બને. અથૉત્, લગભગ ૪૦ રૂપિયે લિટર પેટ્રોલ બને. તેમાં ૧૮ રૂપિયા ટેક્સના ઉમેરતા લગભગ ૫૮ રૂપિયે લિટર પેટ્રોલ મળે.

૨૦૦૮માં ૧૧મી જુલાઇના રોજ ક્રૂડનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી ઊંચી સપાટી ૧૪૭.૨૭ ડોલર પ્રતિ બેરલ થયો ત્યારે ગણતરીઓ મૂકાતી હતી કે આ ભાવે પેટ્રોલ વાસ્તવમાં ૭૦ રૂપિયે લિટર પડે. સરકાર પોતે જ આવા આંકડાઓ ટાંકતી હતી. પણ જ્યારે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં ૭૧ રૂપિયે લિટર થઇ ગયો છે ત્યારે ક્રૂડનો ભાવ ૧૪૭ ડોલર નથી.

મૂળ મુદ્દો એ નથી કે સરકારને રસોઇગેસ કેટલા રૂપિયામાં પડે છે. મૂળ મુદ્દો એ છે કે સરકાર કંઇ વેપારી નથી. એક રૂપિયો પણ સબસીડી સામાન્ય નાગરિકને નહીં આપવાનું વિચારનાર સરકારને કંપની જ કહેવી પડે. કલ્યાણ રાજ્યની ભાવનાનો લોપ થઇ રહ્યો છે અને એ જ સરકાર જ્યારે ઉદ્યોગોને સગવડો આપવાની હોય ત્યારે તેમને ટેક્સ વેકેશન આપે છે, પાણીના મૂલે જમીન આપે છે, જોઇએ એટલી વીજળી આપે છે, અને લગભગ તમામ સુવિધાઓ સબસિડાઇઝ રેટથી પૂરી પાડે છે.

ચિત્ર એવું ઊભું થાય છે કે સરકારો સામાન્ય નાગરિક માટે નહીં, ઉદ્યોગો માટે જ છે. ઔદ્યોગિક વિકાસનો કે ઉદ્યોગોનો વિરોધ કરવાનો ઉપક્રમ અહીં નથી. ઉપક્રમ સરકારનાં બેવડાં ધોરણોનો છે. જ્યારે નાગરિકને સુવિધા આપવાની વાત આવે ત્યારે સરકારના મંત્રીઓ એક એક પાઇની સબસીડીની ગણતરી કરાવે છે. ઓઇલ કંપનીઓને ૭૧,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ કઇ રીતે જશે તે સમજાવે છે. કેટલા રૂપિયાની રાહત ગેસ ઉપર ને કેટલા રૂપિયાની રાહત કેરોસીન પર આપે છે એ પણ ગણાવી દે છે. પણ, જ્યારે ઉદ્યોગોને આપેલી છુટની વાત આવે ત્યારે તેનું મોં સિવાઇ જાય છે.

ભાવ વધારાની વાત આવે ત્યારે માત્ર કેન્દ્ર સરકારને જ ધીબેડવામાં આવે તે પણ યોગ્ય નથી. રાજ્ય સરકારો પશ્ચિમ બંગાળનું અનુકરણ કરી શકે. મમતા બેનરજીએ રાજ્યનો ટેક્સ હટાવીને રાંધણગેસને ૧૬ રૂપિયા સસ્તો કરી આપ્યો છે. બીજાં રાજ્યો આવું કરી શકે પણ કરતાં નથી. આર્થિક રીતે નબળાં રાજ્યો તો ઠીક ગુજરાત જેવાં સદ્ધર રાજ્યો પણ આવા નિર્ણય તાત્કાલિક લેતાં નથી. ટેક્સની આવક નાગરિકો માટે ગુમાવવાનું કોઇ સરકાર વિચારતી નથી.

ભારત જે રીતે ગેસ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી રહ્યું છે તે જોતાં આપણી આજુબાજુના ફેઇલ્ડ સ્ટેટ જેવા દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ વગેરેની હરોળમાં આવી રહ્યું છે. જે રાષ્ટ્ર વિશ્વની મહાસત્તા બનવાનાં સપનાં જોઇ રહ્યું છે તેણે સરખામણી વિકસિત રાષ્ટ્રો સાથે કરવી જોઇએ. પાકિસ્તાનમાં ગેસના સિલિન્ડરનો ભાવ ૫૭૭.૧૮ રૂપિયા, શ્રીલંકામાં ૮૨૨.૩૫ રૂપિયા, નેપાળમાં ૭૮૨.૮૪ રૂપિયા અને બાંગ્લાદેશમાં ૫૩૭.૩૭ રૂપિયા ગયા વર્ષે હતો. જ્યારે પેટ્રોલના ભાવ વધે ત્યારે એક એસએમએસ વહેતો થાય છે, પાકિસ્તાનમાં પેટ્રોલ ૩૭ રૂપિયે લિટર વગેરે વગેરે.

આ ખોટો અને ગેરમાર્ગે દોરનાર મેસેજ છે. પાકિસ્તાનમાં ૮૭ રૂપિયે લિટર પેટ્રોલ વેચાય છે. છતાં સરખામણી આ દેશો સાથે ન જ હોવી જોઇએ. વિકસિત દેશોમાં નાગરિકોને સબસીડી કદાચ ઓછી આપવામાં આવતી હોય પણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓ બહુ જ સસ્તી છે અને, બેરોજગારી ભથ્થું તથા નિવૃત્તિ ભથ્થું એટલું સારું અપાય છે કે નાગરિકો આરામથી જીવી શકે. આપણા નેતાઓ આ બાબતે ભારતની સરખામણી ક્યારેય કરતા નથી.

ભારત દેશ પરિવર્તનના એક એવા સમયમાંથી પસાર થઇ રહ્યો છે જેમાં વિકાસ અને કલ્યાણ વચ્ચે સમતુલા જાળવવી બહુ જ જરૂરી છે. માત્ર વિકાસને નજર સમક્ષ રાખીને લેવામાં આવી રહેલા નિર્ણયો લાંબાગાળે નુકસાનકારક જ પૂરવાર થશે. મોંઘવારીને નાથવામાં સરકાર નિષ્ફળ નથી ગઇ, સમજી વિચારીને જ નિષ્ક્રિય છે. અર્થશાસ્ત્રી વડાપ્રધાન સમજે છે કે પૈસો લોકોના ખિસ્સાંમાં કે તિજોરીમાં નહીં, બજારમાં રહે તો જ વિકાસ વધે. પણ, તેઓ એ નથી સમજતા કે લોકોની આવક કરતાં જરૂરી ખર્ચ વધી જાય તો અર્થતંત્ર માંદું પડી જાય.

ભારતનો વિકાસદર ૨૦૧૦માં ડબલ ડિજિટનો થઇ જવાની અપેક્ષા આજથી સાત વર્ષ પહેલાં હતી. પણ, ૨૦૧૧માં પણ આ સપનું સાચું પડ્યું નથી. વિશ્વ ફરીવાર મંદીના ભરડા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે એ સમજવાની જરૂર છે કે ૨૦૦૮-૨૦૦૯ની મંદીમાંથી ભારત બચી ગયું હતું એ રીતે ભવિષ્યમાં પણ બચી જશે એવું માનવું ભૂલભરેલું છે. ભારતીયોની બચત કરવાની માનસિકતાએ તે વખતે મંદીને ખાળી હતી, જો બચત કરવા જેટલા નાણાં જ પ્રજા પાસે નહીં રહે તો શું થશે?

સામાન્ય માનવી બિચારો સરકારનો સીધો વિરોધ કરી શકતો નથી. રાજકીય પક્ષો જેવા તાયફા અને ગતકડાં પૃથકજનને આવડતાં નથી. પણ, મતદાન કરવાની વેળા આવે ત્યારે એ જ આમ આદમી વેર વાળી લે છે. એરણની ચોરી કરીને સોયનું દાન કરવા જેવડાં રોલ-બેકથી કોઇને સંતુષ્ટિ થતી નથી. સરકાર પાસે કમાવાના અનેક રસ્તા છે. કેરોસીન અને ગેસ જેવી સામાન્ય માણસને પણ સીધી અસર કરતી કોમોડિટીમાં ભાવવધારો કરવાથી જનતા પર જેટલી આર્થિક અસર થાય છે તેનાથી કેટલાય ગણી માનસિક અસર પડે છે. દેશભરમાં જે હોબાળો થાય તેની અસરો આર્થિક નહીં, રાજકીય હોય છે. જનતાની યાદશક્તિ ખરેખર ટૂંકી હોય છે? ના.

No comments:

Post a Comment