August 20, 2011

રામચરિતમાનસમાં એક ચોપાઇ છે કે ગુરુગૃહ ગયે પઢન રઘુરાઇ, અલ્પકાળ વિદ્યા સબ આઇ, જ્યારે અયોધ્યામાં રાજા દશરથે પોતાના ચારે-ચાર રાજકુમાર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને વિશષ્ઠના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલ્યા તે સમયનો આ પ્રસંગ છે.મારે આ ચોપાઇના બે શબ્દ ઉપર તમારું ધ્યાન દોરવું છે. એક તો ગુરુગૃહ ગયે પઢન રઘુરાઇનો અર્થ એ થયો કે રામ ગુરુ વિશષ્ઠના ઘરે એટલે કે ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે ગયા છે. દશરથ અયોધ્યાના રાજવી હતા અને આ ચાર રાજકુમારો હતા છતાં વિશષ્ઠ રાજમહેલમાં શિક્ષણ આપવા માટે આવતા નથી.

ભગવાન કૃષ્ણ પણ સાંદીપનિ ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે ગયા હતા. આમ જે વિદ્યાર્થીએ ગુરુકુળ પરંપરાથી શિક્ષણ અને સંસ્કાર બંને મેળવવા હોય તેણે ગુરુ કે શિક્ષક પાસે જવું જોઇએ. શિક્ષક સામે ચાલીને લક્ષ્મીની આશાએ સરસ્વતીનું દાન કરવા આવશે ત્યાં સાચા અર્થમાં શિક્ષણ પ્રાપ્ત થવાનું નથી. જ્યાં શિક્ષક સામે ચાલીને વિદ્યાર્થીના ઘેર ભણાવવા જશે ત્યાં મોટાભાગે શિક્ષણ પરીક્ષાલક્ષી બની જશે. આ પ્રકારના વિદ્યાદાનમાં જીવતરનું શિક્ષણ મળી શકશે નહીં અને શિક્ષણ સાથે સંસ્કારની અપેક્ષા તો સાવ નિરર્થક સાબિત થશે.

જ્યાં સુધી વિદ્યાર્થીને શિક્ષકનો ડર રહેશે ત્યાં સુધી શિક્ષણની આચારસંહિતા જળવાઇ રહેશે પરંતુ જે ક્ષણે વિદ્યાર્થીના માનસમાંથી પોતાના શિક્ષક પ્રત્યેનો આદર નીકળી જશે, ડર નીકળી જશે પછી એ છાત્ર ગંભીરતાથી વિદ્યાભ્યાસ કરવાનો નથી. અત્યારે દેશકાળ પ્રમાણે શિક્ષક વિદ્યાર્થીને મારે તે બરાબર નથી અને માસૂમ ફૂલ જેવાં બાળકો ઉપર હાથ ઉપાડી શકે તે બીજુ ગમે તે હોઇ શકે પણ શિક્ષક ન હોઇ શકે પરંતુ શિક્ષકનો સાવ ડર પણ ન રહે તે બરાબર નથી.

જે શિક્ષક પગાર સિવાયની વધારાની આવક માટે સામે ચાલીને વિદ્યાર્થીના ઘેર એને ભણાવવા જશે તેનો વિદ્યાર્થીને ડર રહેશે નહીં અને જો વિદ્યાર્થી સમજદાર હશે તો આદર પણ ઓછો થઇ જશે કારણ કે શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને શાળામાં ભણાવવામાં કામચોરી કરી હોય તો અને તો જ વિદ્યાર્થીને આ રીતે શાળા સિવાયનું શિક્ષણ લેવું પડે બાકી શિક્ષક પોતાની સેવાનિષ્ઠા અને કર્તવ્ય બજાવે તો કોઇ વિદ્યાર્થીને ફરીથી ભણવાની જરૂર પડતી નથી. ઘર હંમેશાં ઘરકામ માટે હોય છે ભણવા માટે હોતું નથી અભ્યાસ માટે શાળા છે, સ્વાધ્યાય માટે સદન છે.

માનસમાંથી ટાંકેલી ચોપાઇનો બીજો એક શબ્દ મારી વાતની પુષ્ટિ કરે છે. બીજા ચરણમાં ગોસ્વામીજી લખે છે કે અલ્પકાલ વિદ્યા સબ આઇ. અલ્પકાળ એટલે થોડા સમયમાં ચારે રાજકુમારો તમામ પ્રકારની વિદ્યામાં પારંગત થયા. માત્ર રામને જ અલ્પકાળમાં બધું આવડી જાય એવું નથી. આ દુનિયાનો દરેક બાળક અલ્પકાળમાં જ વિદ્યા મેળવી લેતો હોય છે. જો એને સાચી અને સારી રીતે વિદ્યાદાન કરવામાં આવે તો શીખવા માટે થોડો સમય જ કાફી હોય છે.

કોઇ શિલ્પકારને કોઇકે પૂછ્યું કે તમે શિલ્પની પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરો છો? ત્યારે એ ઘડવૈયો બોલ્યો કે હું ક્યારેય મૂર્તિ બનાવતો જ નથી. એ તો પથ્થરની અંદર છુપાયેલી જ હોય છે. મારું કામ તો પથ્થરનો બિનજરૂરી ભાગ દૂર કરવાનું છે. એમ દરેક વિદ્યાર્થીમાં પ્રતિભા તો પડેલી જ હોય છે જે શિક્ષક સિવાય કોઇને દેખાતી હોતી નથી અને શિક્ષકનું કામ એ છુપાયેલી પ્રતિભાને બહાર લાવીને પ્રગટ કરવાનું છે. આ રીતે પ્રતિભાવાન પ્રતિમાનું નિર્માણ કરનાર શિક્ષક એક પ્રકારનો શિલ્પી છે.

હવે સવાલ એ થાય કે આવું ક્યારે બને? આપણે ત્યાં ત્રણ વચન છે. એકવચન, દ્રિવચન અને બહુવચન. જો આ ત્રિવચન બરાબર હોય તો અલ્પકાળમાં વિદ્યા પણ પ્રાપ્ત થાય અને માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ આખું વિશ્વ સુંદર બની શકે. એકવચન એટલે શિક્ષક, દ્રિવચન એટલે વિદ્યાર્થી અને બહુવચન એટલે સમાજ. જો એકવચન શુદ્ધ હશે તો અને તો જ દ્રિવચન પવિત્ર થશે. મેં અગાઉ કહ્યું એમ જો શિક્ષક પ્રામાણિક અને નિષ્ઠાવાન હશે તો અને તો જ એક પવિત્ર વિદ્યાર્થીનું નિર્માણ થશે. જો ઘડવૈયો આળસુ અથવા લાલચુ હોય તો પથ્થરમાંથી પ્રતિમા બહાર નીકળવાની નથી.

ત્યારબાદ એકવચનની શુદ્ધતા અને દ્રિવચનની પવિત્રતા ભેગાં થાય એટલે સુંદર બહુવચનનું નિર્માણ થશે. આખો સમાજ સુધરશે. જૂના જમાનામાં શિક્ષકને જે આદર આપવામાં આવતો એવો આદર અત્યારે મળતો નથી એનું કારણ શિક્ષક પોતે છે. એ માટે શિક્ષક પોતે જવાબદાર છે કારણ કે શિક્ષકે પોતાની શુદ્ધતા ગુમાવી પરિણામે આદર ઓછો થઇ ગયો. મને એક ઉર્દૂના મોટા શાયર કશિન બિહારી નૂર અયોધ્યામાં મળ્યા ત્યારે કહ્યું કે ‘બાપુ’ અમે તો નાના માણસો છીએ. ગમે તેની સામે મસ્તક ઝુકાવી દઇએ છીએ પણ અત્યારે નક્કી કરવું મુશ્કેલ છે કે સામેનો માણસ મોટો એટલે કે શીશ નમાવવાને લાયક છે કે નહીં.

આપણે આપણાં કરતાં પણ ‘નાના’ સામે માથું ઝુકાવી બેસતાં નથી તે જોવું પડે છે. આ વાત ઉપરથી મારે શિક્ષકોને એક સવાલ નમ્રતાથી પૂછવો છે કે વિદ્યાર્થીનો તમારા પ્રત્યે પૂજયભાવ જળવાઇ રહે એવું જીવન જીવવામાં આપણે સફળ થયા છીએ? હું મારી જાતને પણ તમારી સાથે જોડું છું કારણ કે હું ભૂતપૂર્વ શિક્ષક નથી. શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. હું આજે પણ શિક્ષક છું. માત્ર મારો વર્ગ મોટો થયો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

સમાજને પ્રામાણિકતા આપે. સમાજમાં પ્રકાશ ફેલાવે, સમાજને પ્રેરણા આપે, સમાજને પ્રગતિ કરાવે અને સમાજને સારું પરિણામ આપી શકે તે સાચા અર્થમાં શિક્ષક છે. સમાજ એટલે કે બહુવચનને આ પાંચ તત્વો આપવા માટે એકવચને કર્તવ્ય અને નિષ્ઠાથી દ્રિવચનનું નિર્માણ કરવું જોઇએ.

અત્યારે શિક્ષણમાં પ્રામાણિકતા, પ્રકાશ, પ્રેરણા અને પ્રગતિ એમ પ્રથમ ચાર લક્ષણો નબળાં પડ્યાં હોય અને શિક્ષણ માત્ર પાંચમા શબ્દને એટલે કે પરિણામને કેન્દ્રમાં રાખીને ચાલતું હોય એવું લાગે છે એટલે માનસમાંથી એક ચોપાઇ ઉઠાવીને તમારી સાથે થોડો સંવાદ રચ્યો છે.

No comments:

Post a Comment