August 18, 2011

સાથીઓ પર ધાક બેસાડવા જેટલી કડકાઇ ન હોય તો મનમોહનસિંઘે ઘેર બેસવું જોઇએ. પોતે નબળા નથી તેવું કહેવું પડે તે તેમની નબળાઇનો પુરાવો છે. કહેવાની જરૂરત જ ન ઊભી થવી જોઇએ.

પોતાનું પ્રધાનમંડળ સૌથી વધારે ભ્રષ્ટ ગણાય છે તે બાબતે તેમણે ખેદ દર્શાવ્યો છે, પણ વડાપ્રધાનની ભલમનસાઇના કારણે વાસ્તવિકતામાં કશો તફાવત પડતો નથી. શુદ્ધ વડાપ્રધાન પોતાના હલકા સાથીઓને રોકી શકતા નથી અને ભ્રષ્ટાચારની વણઝાર ચાલી રહી છે. તેનો ઇન્કાર તો મનમોહનસિંઘ પણ કરી શકે તેમ નથી.

સતત બોલ બોલ કરીને રાજકારણમાં પોતાનો અડ્ડો જમાવવાની મથામણ કરનાર રાજકારણી આગેવાનોમાં અતિશય ઓછાબોલા અને મૃદુભાષી મનમોહનસિંઘ અળગા-વેગળા પડી જાય છે. આમજનતા જોડે અથવા અખબારો જોડે પોતે સંપર્ક-સંવાદ પણ ઓછો રાખે છે કારણ કે વાતોનાં વડાં કરવાના બદલે નક્કર કામ અને સિદ્ધિઓ પર તેમને વધારે ભરોસો છે. પરંતુ રાજકારણમાં મૂંગા માણસો ચાલે નહીં. અઢી હજાર વરસ અગાઉ પ્લેટોએ લોકશાહીને ‘વાચાળ લોકોનું રાજ્ય’ ગણાવ્યું છે.

મનમોહનસિંઘે લાંબા વખતે ભારતના અગ્રગણ્ય તંત્રીઓ જોડે ગુફ્તેગો કરી અને સ્પષ્ટ ભાષામાં પોતાના મત દર્શાવ્યા. પોતાનું પ્રધાનમંડળ સૌથી વધારે ભ્રષ્ટ ગણાય છે તે બાબતે તેમણે ખેદ દર્શાવ્યો છે, પણ વડાપ્રધાનની ભલમનસાઇના કારણે વાસ્તવિકતામાં કશો તફાવત પડતો નથી. શુદ્ધ વડાપ્રધાન પોતાના હલકા સાથીઓને રોકી શકતા નથી અને ભ્રષ્ટાચારની વણઝાર ચાલી રહી છે. તેનો ઇન્કાર તો મનમોહનસિંઘ પણ કરી શકે તેમ નથી. મનમોહનસિંઘની સૂચનાઓને ઠોકરે મારીને રાજાએ પોતાની મનમાની કરી તે બાબતમાં મનમોહનસિંઘનો બચાવ તો નાના બાળકને પણ ગળે ઊતરે તેવો નથી.

પોતાના સાથીઓ પર મારે વિશ્વાસ રાખવો જોઇએ અને દરેક પ્રધાનની દરેક ફાઇલ તપાસી જવાનું પણ પ્રધાન માટે શક્ય નથી તે બંને મુદ્દા સાચા છે પણ વડાપ્રધાનનો કડપ એટલો સખત હોવો જોઇએ કે સાથી પ્રધાન તેની ઉપેક્ષા કરી શકે નહીં. ઇન્દિરા ગાંધી કે નરેન્દ્ર મોદી બધા પ્રધાનોના ખાતા સંભાળતા નથી પણ તેમના સાથીઓ પણ સક્ષમ વડાપ્રધાનથી ફફડતા રહેવા જોઇએ. અતિશય પ્રેમાળ ગણાતા ગાંધીજીથી તેમના તમામ સાથીઓ અને મદદનીશો સતત ડર અનુભવતા.

ગાંધીજી સાથે કામ કરવા કરતાં જવાળામુખીની ટોચ પર જીવવું વધારે સહેલું છે તેવો શેરો મહાદેવભાઇ દેસાઇએ માર્યો છે. રાજ ચલાવનાર હંમેશાં ‘ઉગ્રદંડ’ હોવો જોઇએ તેવો મત ભારતના પ્રાચીન નીતિવિશારદોએ આપ્યો છે. સાથીઓ પર ધાક બેસાડવા જેટલી કડકાઇ ન હોય તો મનમોહનસિંઘે ઘેર બેસવું જોઇએ. પોતે નબળા નથી તેવું કહેવું પડે તે તેમની નબળાઇનો પુરાવો છે. કહેવાની જરૂરત જ ન ઊભી થવી જોઇએ.

પોતાને લોકપાલની ચકાસણીનો ડર નથી પણ આ બાબતનો આખરી નિર્ણય મંત્રીમંડળ અને પાલૉમેન્ટે કરવાનો છે તેવું કહીને તેમણે દૂધ-દહીંમાં પગ રાખ્યો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને બાકાત રાખવાની માગણી પણ ગેરવાજબી છે. આપણા બધા વડાપ્રધાનો શુદ્ધ નથી. ચંદ્રશેખર અને દેવગૌડાએ અંગત વિમાની મુસાફરીનું અગિયાર કરોડનું બિલ ચૂકવ્યું નથી અને સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ બાલકૃષ્ણ અને સબરીમાલ ભ્રષ્ટાચારના કલંકથી ખરડાયેલા છે. સંસદ લોકપાલના હોદ્દાને નિમૉલ્ય બનાવી દેશે તેમાં શંકા નથી કારણ કે પ્રધાનો-સાંસદો પોતાના મોત વોરંટ પર જાતે સહી કરી આપે તેવો સંભવ નથી. સંસદમાં ત્રીસ ટકા તો નામચીન ગુનેગારો બેઠા છે. આવી સંસદ પાસે શુદ્ધતાની આશા કેવી રીતે રાખીએ!

અખબારો ફરિયાદ કરે છે, ખટલો ચલાવે છે અને ફેંસલો પણ આપે છે તેવું કહીને મનમોહનસિંઘે આખી અખબારી આલમને આરોપીના પાંજરામાં ખડી કરી દીધી છે. વરિષ્ઠ તંત્રીઓએ શો જવાબ આપ્યો તે આપણે જાણતા નથી. આવા ગંભીર આક્ષેપ અંગે તંત્રીઓ ચૂપ રહ્યા હોય તો તેમને ખાસડે મારવા જોઇએ કારણ કે તેમણે પોતાના ધંધાની વગોવણી સાંખી લીધી છે. અખબારો આવું કશું કરતાં જ નથી. પત્રકારો કોની પાસે ફરિયાદ કરે? અખબારો તો માહિતી આપે છે. આ માહિતી પુરાવાબદ્ધ હોય છે કારણ કે પત્રકારોએ જબરદસ્ત અને ખૂંખાર રાજકારણીઓ સામે બાથ ભીડવાની હોય છે.

પુરાવા ન હોય તો છાપાંઓને કાચાં ને કાચાં ખાઇ જવામાં આવે. અત્યાર સુધીમાં ભ્રષ્ટાચાર કે ગુનાખોરીની જે ઘટનાઓ રજૂ થઇ તેમાંથી નેવું ટકા ઘટનાઓ સાચી ઠરી છે. પણ મનમોહનસિંઘને અખબારો માટે નફરત હોય તેમાં નવાઇ નથી. આ નફરત વાજબી છે અને જરૂરી છે. સરકાર અને અખબારો વચ્ચે સાપ-નોળિયાનો સંબંધ છે અને હોય તેમાં સમાજનું હિત છે કારણ કે અખબારો સિવાય સરકારી એબ ઉઘાડી થવાની નથી.

No comments:

Post a Comment