August 20, 2011

શિક્ષણ વિશે બોલવાનો મને કેટલો અધિકાર છે એ મને ખબર નથી. મને એટલી ખબર છે કે હું શિક્ષક હતો. આજે પણ શિક્ષક છું અને આવતીકાલે પણ શિક્ષક રહેવાનો છું. શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. શિક્ષક ક્યારેય ભૂતપૂર્વ થતો નથી. શિક્ષણ વિશે બોલવાની શરૂઆત કરીએ ત્યારે પ્રથમ સવાલ એ થાય કે શિક્ષણ એટલે શું? બિલકુલ તળપદી ભાષામાં જવાબ આપવો હોય તો એમ કહેવાય કે જે લખણ બદલી નાખે તે શિક્ષણ છે. માણસનાં લક્ષણ બદલી નાખે અને લક્ષણ ત્યારે બદલી શકાય જ્યારે માણસની દ્રષ્ટિ અને દિશા બદલી શકાય. મેં આ અગાઉ પણ કહ્યું છે કે શિક્ષણથી માણસને આંખ અને પાંખ બંને મળે છે.

આંખ એટલે નવી દ્રષ્ટિ મળે છે અને પાંખ એટલે નવી દિશા પ્રાપ્ત થાય છે. આદિ શંકરાચાર્ય મહારાજે વેદાંતમાં એક વાત લખી છે જે અત્યારે શિક્ષણના સંદર્ભમાં મને ટાંકવા જેવી લાગે છે. વેદાંતમાં કહ્યું છે કે નગરના ચાર દરવાજા હોવા જોઇએ જેમાં પહેલો દરવાજો શીલ, બીજો દરવાજો સંતોષ, ત્રીજો દરવાજો વિચાર અને ચોથો દરવાજો સત્સંગનો હોવો જોઇએ. વેદાંતની વાત શિક્ષણના સંદર્ભમાં પણ સાચી ઠરે છે.

શિક્ષણમાં ગુણની ટકાવારી થોડી ઓછી થાય તો વાંધો નથી પરંતુ છાત્રનાં શીલની ટકાવારી ઘટવી જોઇએ નહીં. ત્યારબાદ બીજું દ્વાર સંતોષનું છે. આપણા કાર્યથી આપણને સંતોષ થવો જોઇએ તે ખૂબ અગત્યનું છે. સમાજમાં જે કંઇ અનિષ્ટો સર્જાય તેના પાયામાં માનવીનો અસંતોષ જવાબદાર હોય છે તેથી બીજો દરવાજો સંતોષનો છે. ત્રીજો દરવાજો વિચારનો છે. આ દેશનો દરેક શિક્ષક વિચારવાન હોવો જોઇએ અને વિચારશીલ શિક્ષક પાસેથી પ્રાપ્ત થયેલો સુવિચાર વિદ્યાર્થીને વિચારક બનાવશે. આ રીતે શિક્ષણના માધ્યમથી સમાજમાં સદ્વિચારનો ફેલાવો થશે અને છેલ્લો દરવાજો સત્સંગનો દરવાજો છે. સત્સંગ હંમેશાં સાધુચરિત માણસ પાસેથી મળે છે તેથી દેશનો દરેક શિક્ષક સાધુચરિત હોવો જોઇએ.

No comments:

Post a Comment