‘વ્હેર ઇઝ યોર લાઇટ હાઉસ’ જોર્ગ નો બ્લોક અને બે સહયોગીઓ દ્વારા લખાયેલું પુસ્તક જીવનમાં ધ્યેયનું મહત્વ સમજાવે છે. જીવનયાત્રા પણ એક દરિયાઇ સફર જેવી છે. જેમાં ધ્યેયરૂપી દીવાદાંડીનું માર્ગદર્શન મળે તો કિનારે પહોંચાય છે અન્યથા દિશાશૂન્ય થઇ ભટકતા રહેવું પડે છે. આ દીવાદાંડી આપણે જ નક્કી કરવાની હોય છે. સફળતા માટે કેવો દ્રષ્ટિકોણ જરૂરી છે તે વિશે લેખકના વિચારો:
ઘણાં એવું માને છેકે યોજનાબદ્ધ જીવન ન હોઇ શકે. આવી માન્યતા ખોટી છે અને સફળતા માટે ધ્યેય અને એને પામવાની યોજના ખાસ જરૂરી છે. ઘણા લોકો ધ્યેય નક્કી કરી લે છે પણ એને પામવાની દિશામાં પગલાં નથી ભરતા. આવા લોકોને સફળતા મળતી નથી. દરેક વ્યક્તિએ મહત્વના કામ (ઇમ્પોર્ટન્ટ) અને તાત્કાલિક કામ (અર્જન્ટ) વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. મહત્વનું કામ એ છે જે ધ્યેય સાથે સંકળાયેલું છે જ્યારે તાત્કાલિક કામ કોઇ પણ સમસ્યામાંથી ઉદ્ભવી શકે છે જેને ધ્યેય સાથે કોઇ સંબંધ ન હોય. સફળ વ્યક્તિ મહત્વના કામ પર વધારે ધ્યાન આપે છે.
ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણી જીવન પદ્ધતિને બદલવી પડે છે. આપણી દસ ટકા આદતો જ એવી હોય છે જે બદલવી અઘરી છે. ધ્યેય એવું રાખવું જોઇએ જેને મેનેજ કરી શકાય અને એની પ્રાપ્તિમાં થયેલી પ્રગતિને માપી શકાય. અસ્પષ્ટ ધ્યેયનો કોઇ અર્થ નથી. જીવનનું એક ‘મિશન સ્ટેટમેન્ટ’ હોવું જોઇએ. અને તે લાંબા ગાળાનું હોય તો પામવામાં સરળતા રહે છે. આપણે પોતે યોજના બનાવી પ્રવૃત્તિ નક્કી નહીં કરીએ તો બીજાઓ આપણી પ્રવૃત્તિ નક્કી કરશે. તમારું જીવન બીજાઓના હાથમાં ન આપો.
જીવનનું ધ્યેય આપણે પોતે નક્કી કરવાનું છે. સામાન્ય વ્યક્તિ પણ જ્યારે પોતાના વિચારોને અમલમાં મૂકે છે ત્યારે નિષ્ક્રિય જીનિયસ કરતાં એ વધારે સફળતા મેળવે છે. કોઇ પણ ધ્યેય નક્કી કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે કેવા કામમાં આપણને આનંદ મળે છે. જે કાર્ય કે ક્ષેત્રમાં આપણને રસ નથી તેમાં ધ્યેય નક્કી કરીએ તો સફળતા મળવામાં મુશ્કેલી નડે છે. સફળ વ્યક્તિ પોતાના કામને ચાહતી હોય છે અને તેમાં ડૂબેલી રહે છે.
ધ્યેય પ્રાપ્તિ સાથે જીવનના આનંદને માણવો પણ જરૂરી છે. તેના માટે સતત પ્રવૃત્તિમાંથી સમયસર બ્રેક લેવી પડે છે. જેમણે આપણને અન્યાય કર્યો છે તેમને માફ કરી આગળ વધો. સફળ લોકો બદલાની ભાવના નથી રાખતા. સફળતા જ એમનો બદલો છે. સફળ વ્યક્તિની એક ખાસિયત એ છે કે નિર્ણય લીધા પછી એના અમલમાં એ બહુ ઓછો સમય વેડફે છે. આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણું ધ્યેય નક્કી હોય.
No comments:
Post a Comment