August 16, 2011

વાઈબ્રન્ટ સમિટ 2013 માટે તડામાર તૈયારીઓ શરૂ

જાન્યુઆરી 2013 માં દ્વિવર્ષીય ગ્લોબલ સમિટ યોજવા માટે સજ્જ રાજ્ય સરકારે આ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવા માટે રસ ધરાવતી કંપનીઓ પાસેથી દરખાસ્તો મંગાવી છે.

2003 થી અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત આ કાર્યક્રમ એક લાખ ચોરસ મીટર વિસ્તારમાં યોજાશે જે જાન્યુઆરી 2011 માં યોજાયેલા કાર્યક્રમ કરતાં ચાર ગણો મોટો હશે.

ઇન્ડસ્ટ્રિયલ એક્સ્ટેન્શન બ્યૂરો (ઇન્ડેક્સ્ટબી)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે , ચાલુ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ઘણી કંપનીઓએ પ્રદર્શન માટે વધુ જગ્યાની માંગ કરી હતી. આ માંગને પહોંચી વળવા માટે અમે 2011 કરતાં ચાર ગણી મોટી જગ્યામાં કાર્યક્રમ યોજીશું.

ઇન્ડેક્સ્ટબી એ રાજ્યના ઉદ્યોગ વિભાગ હેઠળ કામ કરતી નોડલ એજન્સી છે જે દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરે છે. તેણે 2013 માં જાન્યુઆરીમાં 11 થી 18 તારીખ દરમિયાન યોજાનારા કાર્યક્રમ માટે રસ ધરાવતી કંપનીઓ પાસેથી બિડ આમંત્રિત કરી છે.

કંપનીઓએ 29 ઓગસ્ટ 2011 સુધીમાં તેમની રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) જમા કરવાની રહેશે. બિડ પહેલાંની બેઠક 17 ઓગસ્ટના રોજ યોજાશે અને 29 ઓગસ્ટ 2011 ના રોજ બિડ ખૂલશે. આ તમામ પ્રક્રિયા ઇલેક્ટ્રોનિકલી હાથ ધરાશે.

ઇન્ડેક્સ્ટબીના આંકડા મુજબ 2003, 2005, 2007 અને 2009 માં અનુક્રમે 3,000 ચોરસ મીટર , 9,500 ચોરસમીટર , 7,000 ચોરસમીટર અને 19,200 ચોરસમીટર વિસ્તારમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સનું આયોજન થયું હતું. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2011 ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે 24,777 ચોરસ મીટર વિસ્તારમાં યોજાઈ હતી.

કંપનીઓએ સંબંધિત પ્રવૃત્તિઓને કન્સેપ્ટ , ડિઝાઇન હાથ ધરવાની રહેશે તેમજ ઇન્ડેક્સ્ટબી દ્વારા મંજૂરી કરાયેલી ડિઝાઇન મુજબ એર-કન્ડિશન્ડ મુખ્ય માળખું ઊભું કરવાનું રહેશે. નક્કી કરાયેલી એક લાખ ચોરસ મીટર જગ્યામાંથી 60-65 ટકા જગ્યા વેચાણપાત્ર હશે જ્યારે બાકીની જગ્યા સહાયક કામગીરી માટે ઉપયોગમાં લેવાશે.

વેચાણપાત્ર જગ્યામાંથી 20 ટકા જગ્યા આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે , 40 ટકા જગ્યા ગુજરાત બહારની કંપનીઓ માટે અને બાકીની 40 ટકા જગ્યા ગુજરાતની કંપનીઓ માટે અનામત રાખવામાં આવશે. આયોજક કંપનીએ ઇન્ડેક્સ્ટબીને 5,000 ચોરસમીટર જગ્યા મફત આપવાની રહેશે.

ઉદ્યોગ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ , કાર્યક્રમ સ્થળ સ્થાપવા માટે કંપની નક્કી કર્યા બાદ સરકાર નોલેજ પાર્ટનર , પબ્લિક રિલેશન્સ કંપનીની પસંદગી કરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે , મુખ્ય સચિવના નેતૃત્વમાં કેટલીક બેઠકો યોજાઈ ગઈ છે અને જેમાં ઉદ્યોગ વિભાગના ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2011 ની જેમ આગામી સમિટ પણ રાજ્યમાં ભેગા થઈ રહેલા રોકાણકારો સમક્ષ તેમની વિશેષતાઓ રજૂ કરવા માટે અનેક દેશ અને રાજ્યોને પ્લેટફોર્મ પૂરું પાડશે. અગાઉના કાર્યક્રમમાં જાપાન , કેનેડા , ઓસ્ટ્રેલિયા , મોઝામ્બિક , રવાન્ડા વગેરે સહિત 75 દેશ અને આંધ્રપ્રદેશ , મધ્યપ્રદેશ , કર્ણાટક , ઓડિશા , છત્તીસગઢ અને ઉત્તરપૂર્વનાં રાજ્યોએ ભાગ લીધો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે , આગામી કાર્યક્રમમાં વધુ સંખ્યામાં દેશ અને રાજ્યો ભાગ લે તેવી અમને ધારણા છે.

No comments:

Post a Comment