June 16, 2011


પહેલો પ્રેમ : ફોલિંગ ઈન લવ - પ્રેમમા પડવું.
બીજો પ્રેમ : બીઈંગ ઈન લવ - પ્રેમમાં હોવું.
ત્રીજો પ્રેમ : બીઈંગ લવ - સ્વયં પ્રેમરૂપ હોવું.

પ્રેમની સફળતા માટે ઘ્યાન શીખવું અનિવાર્ય છે. ઓશો પહેલા બુદ્ધપુરુષ છે, જેમણે ઘ્યાન અને પ્રેમ બન્નેને એકસાથે વિકસિત કરવા માટે કહ્યું હોય. ઘ્યાન અને પ્રેમ મનુષ્યની બે પાંખો છે. જો આ બન્ને મજબૂત હોય અને એ એકસાથે ખૂલે તો એ સાચું ઉડ્ડયન આરંભી શકે છે. સામાન્ય પ્રેમસંબંધો એટલે નિષ્ફળ જાય છે કે એમાં ઘ્યાનનો સંદર્ભ નથી હોતો. ઘ્યાનથી તમારા ભાવ ચોખ્ખા થશે. જે નકારાત્મક ભાવ પ્રેમના મધુર સંબંધને ગંદો કરે છે એનું ઘ્યાન થકી નિવારણ કરી લેવાય તો વિશુદ્ધ સ્નેહ બચશે, મૈત્રીભાવ બચશે. 

તે ધૂપની સુગંધની જેમ બન્નેનાં અંત:તત્વને સુગંધિત કરી દેશે. બન્ને પ્રેમીજન સાથે મળીને ઘ્યાન કરે તો તો સોનામાં સુગંધ ભળે. ઈષ્ર્યા હોય, ક્રોધ હોય, નફરત હોય, અસુરક્ષાનો ભાવ હોય કે એકમેકને પકડી રાખવાની વૃત્તિ હોય- આ બધાંને ઘ્યાનવિધિઓ દ્વારા દૂર કરી શકાય છે. ઘ્યાન રહે કે સ્વતંત્રતા પ્રેમનો આત્મા છે. તમે તમારા પ્રેમીને જેટલી સ્વતંત્રતા આપશો એટલો તમારો પ્રેમ ફળશે-ફુલશે. 

જેવી રીતે દરેક ફૂલને ખિલવા માટે પોતાના હિસ્સાનો અવકાશ જોઈએ એ જ રીતે દરેક વ્યક્તિને ખિલવા માટે એકાંત જોઈએ છે. તમે તમારી ભીતર જેટલાં ઊંડાં ઊતરશો એટલો જ બીજાને તમારી નજીક આવવાનો મોકો મળશે. પ્રેમમાં સફળતાની ચાવી છે: એકસાથે અને એકલા. ક્યારેક સાથે સાથે રહો અને ક્યારેક એકલા. આ સંબંધનો લય છે. આ લય સાથે તમે આગળ વધો તો પ્રેમ તમારે માટે જીવનનો અસીમ ખજાનો બની શકે છે. 

No comments:

Post a Comment