એક સદી કરતાંય પહેલાંની વાત છે. આપણા દેશનાં ગરીબ-દુ:ખી નરનારીને જોઈને મારું મન દયાથી ભરાઈ આવે છે એવું વિવેકાનંદે કહેલું ત્યારે એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ ક્રોધથી ઊકળી ઊઠેલા. એમણે વિવેકાનંદની ઝાટકણી કાઢતા કહેલું, ‘દયા કરનારો તું છે કોણ? પોતાને તું સમજે છે શું? તું એમની પર દયા કરશે? અરે, નારાયણ છે એ, થઈ શકે તો એમની સેવા કર.’
દક્ષિણેશ્વરના એ સંતે શિક્ષિત અને આદર્શવાદી યુવક નરેનને એ દિવસે જે કહેલું તે હકીકતમાં ભારતના સમગ્ર શિક્ષિત વર્ગને છેલ્લાં સો વર્ષથી લાગુ પડે છે. વિવેકાનંદને તો અંતર્બોધ થયો, પરંતુ ભારતના શિક્ષિત મઘ્યમવર્ગનો ઇતિહાસ પૂરી એક સદીના વિભ્રમનો ઈતિહાસ છે. આજે જ નહીં, લગભગ એક સદીથી ભારતની એકમાત્ર પ્રમુખ સમસ્યા એના શહેરી, શિક્ષિત અને કહેવાતા આધુનિક મઘ્યમવર્ગનું સાંસ્કૃતિક પુનર્જાગરણ છે. એ પુનર્જાગરણથી જ સાચી રાજનીતિ અને સમયને અનુકૂળ વિચારધારા પેદા થશે. આ વર્ગ સામાન્યપણે દરેક વિચારની પોતાની આવૃત્તિ બનાવી લે છે અને સમય એમ જ વહેતો ચાલ્યો જાય છે.
No comments:
Post a Comment