June 28, 2011

થોડા વખત પહેલાં એક ન્યૂઝ ચેનલમાં બેંગ્લોરના ૭ વર્ષના શ્રીધરન નામના બાળક વિશે સમાચાર હતા. જનરલ નોલેજ ક્વિઝમાં ૧૫ વર્ષના બાળકોની કેટેગરીમાં દ્વિતીય સ્થાન મેળવેલા શ્રીધરનના મોઢે ૨-જી સ્પેકટ્રમ, ફુડ ઓઇલ, શેરબજારનો ઇન્ડેક્સ, ઓપિનિયન પોલ, ઓઝોન લેયર શબ્દો વિશેની સમજણ અને જ્ઞાન દાદ માગી લે એવાં હતાં. આ શક્ય કેવી રીતે બન્યું તેના જવાબમાં તેના પિતાએ સરળ વાત કહી, ‘રોજ સવારે સ્કૂલે મૂકવા જતાં હું તેને કોઇ પણ એક શબ્દ વિશે સમજણ આપું.’

૧૫ મિનિટના સ્કૂલે જવાના સમયનો કેટલો સુંદર સદુપયોગ! રાત્રે સૂતાં પહેલાં ૧૦ મિનિટ ફક્ત રોજ સમાચારપત્રની હેડલાઇન વાંચવાની. તેને કોઇ પ્રશ્ન પૂછવો હોય તો પૂછે!!! બે-ત્રણ મહિનામાં જ રોજ શીખેલા શબ્દ સાથે હેડલાઇનનો સમન્વય કરતાં તેને આવડી ગયું. બાળકના કુમળા મગજનો મા-બાપ ધારે તે દિશામાં સદુપયોગ કરી શકે છે. ઘણા મા-બાપ તેમના ૬-૭ વર્ષના બાળકને મોબાઇલ અને લેપટોપની કીના કાર્યો કેટલા સારી રીતે આવડે છે તેની વાતો કરતાં હોય છે.

ઘણી વાર નાના બાળકો વીડિયો ગેમમાં મોટાઓને પણ હંફાવતાં હોય છે. નાનાં છોકરાંઓને કોઇ પણ નવી વસ્તુ કહીએ કે શીખવાડીએ તો તે ઝડપથી શીખી તો લે જ છે. લાંબા સમય સુધી ભૂલતાં પણ નથી. તે પછી સામાન્ય જ્ઞાન હોય, ડાન્સના સ્ટેપ હોય કે મોબાઇલના ફંકશન હોય તેને યોગ્ય સમય કાઢી નિયમોની સમજૂતી આપો તો તે ખૂબ સુંદર રીતે કરી જ શકશે. ફક્ત જરૂર છે તેમાં મા-બાપના સમય અને સાંનિધ્યની. શ્રીધરન જેવા જ ઘણાં બાળકો પપ્પા કે મમ્મી સાથે સ્કૂલે જતાં ગાડીમાં સીડી પર વાગતાં ગીતોની કડીઓ પણ કંઠસ્થ કરી લેતાં હોય છે ને!!!

No comments:

Post a Comment