અહીં મારા-તમારા જેવા, આપણા જેવા માણસોની વાત કરવી છે, જે જાણ્યેઅજાણ્યે લીડરશિપ દર્શાવતા જ રહેતા હોય છે. તમારી આજુબાજુના સાવ નાના માણસને ઘ્યાનથી ઘ્યાનથી જુઓ. ઘરકામ કરતો ઘરઘાટી આપણી દ્રષ્ટિએ લીડર નથી. તેનામાં લીડરશિપનાં ગુણ હોવાનું આપણે વિચારી પણ શકતા નથી. પણ, એ જ ઘરઘાટી પોતાના ઘરમાં, પોતાની કોમ્યુનિટીમાં લીડરશિપ લેતો હોય છે.
સાવ સામાન્ય નોકરી કરતા કલાર્ક કે એકિઝકયુટિવ્ઝમાં લીડરશિપનાં ગુણ હોવા જરૂરી નથી એવું આપણે માની લઇએ છીએ પણ, પોતાના વર્તુળમાં ક્યાંક, ક્યારેક તેઓ લીડરની ભૂમિકામાં હોય છે. માણસ માત્રને અહમ્ દોરે છે. આગળ રહેવું તે તેનો સ્વભાવ છે. આગળ રહેવાથી, સેન્ટર સ્ટેજ પર રહેવાથી તેનો અહમ્ સંતોષાય છે. તેને ગર્વનો અનુભવ થાય છે. પોતાનું અસ્તિત્વ પણ મહત્વનું છે એવો ઓડકાર તે ખાઇ શકે છે. આવો અહમ્ નેગેટિવ નથી, તેને પોઝિટિવ ફોર્સ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. જેને નેગેટિવ પર્સનાલિટી ટ્રેઇટ કહીએ છીએ તે અહમ્, ઇર્ષા, લોભ, મોહ વગેરે પણ, આજના જમાનામાં સફળ થવાનાં સાધન બની શકે, જો તેનો સમજીને ઉપયોગ કરવામાં આવે.
આધુનિક મેનેજમેન્ટના કહેવા પ્રમાણે લીડરશિપ એટલે પ્રભાવિત કરવાની, અસર પાડવાની શક્તિ. પાવર ટુ ઇન્ફલુઅન્સ. આ પાવર પણ બે પ્રકારના હોય છે. પહેલો પર્સનલ પાવર. માણસ પોતાનાં જ્ઞાન, ગુણ, સમજ અને આવડતના આધારે જે શક્તિ મેળવે છે તે પર્સનલ પાવર છે. બીજો છે પોઝિશન પાવર. માણસને હોદ્દાની રૂએ જે પાવર મળે છે તે પોઝિશન પાવર છે. લીડરશિપનો પાયો પર્સનલ પાવર છે અને આ પર્સનલ પાવરને માણસ વધારી શકે છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે સફળ લીડર બહુ સારો વકતા હોય છે.
No comments:
Post a Comment