તમારું જ્ઞાન, ઇન્ફર્મેશન અને સમજ તમે ધારો તેટલાં વિસ્તરી શકે છે, વિકસી શકે છે. મોટાભાગના માણસના મગજનાં કદ અને વજન લગભગ સરખાં હોય છે. તેનો ઉપયોગ કોણ કેટલો અને કેવો કરે છે તેના પર જ્ઞાન અને સમજનો આધાર રહેલો છે. તમારું વિઝન નથી એવું તમે નહીં કહી શકો, એક જ બહાનું કાઢી શકશો, વિઝનનો ઉપયોગ કરવાની તક નથી મળી. પણ, તક શોધવી પડે છે. તેના માટે મહેનત કરવી પડે છે. સૂતેલા સિંહના મોંમાં હરણાં પોતાની મેળે પ્રવેશી જતાં નથી. નસીબ પણ એનો સાથ આપે છે, જે મહેનત કરે છે. વિઝનની સાથે મહત્વનાં ગુણ માહિતી અને બુદ્ધિમત્તા છે. આ ગુણને પણ, માણસ ધારે તો વિકસાવી શકે છે.
નિષ્ઠા, સફળ નેતૃત્વનો વધુ એક મહત્વનો ગુણ છે. સામાન્ય માનવી પણ, ક્યારેય ન સ્વીકારે કે તેનામાં નિષ્ઠા નથી. દરેક માણસમાં નિષ્ઠા હોય છે એ વાત સાચી પણ, એનાથી પણ સાચી વાત એ છે કે તે નિષ્ઠા અધૂરી હોય છે. તેમાં મોટાભાગનાં કામ આપણે હાફ હાર્ટેડલી કરીએ છીએ. અધૂકડા હૃદયે કરીએ છીએ ને કામ પૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તે ગમે તેટલું નાનું અને તુરછ હોય તો પણ દીપી ઊઠે છે. જે માણસ સફળ છે તેણે પોતાના ઘ્યેય માટે પૂરી નિષ્ઠાથી કામ કર્યું હોય છે.
No comments:
Post a Comment