પંચમહાભૂત કેવો ભારેખમ અને અઘરો શબ્દ છે! પણ લેખકોનું કામ જ એ છે કે દરેક જટીલ વિષયને સરળ બનાવે. વિષયને સહેલો બનાવવા માટે પણ બુદ્ધિશક્તિ અને ખાસ તો ઉમંગ જોઈએ. ઉમંગને અંગ્રેજીમાં ઝેસ્ટ (Zest) કહે છે. પશ્વિમના લોકો આપણી જેમ એનર્જી શબ્દનો આઘ્યાત્મિક અર્થ કરતા નથી છતાં ક્રિશ્વિયન ડિયોર નામની બ્યુટિશિયનનું આ સૂત્ર થોડું કામનું છે: Zest is the secret of all beauty. There is no beauty that is attractive without zest. માનવીમાં ઉમંગ હોય, ઉત્સાહ હોય, થનગનાટ હોય ત્યારે જ તેનું સૌંદર્ય પેદા થાય છે. આ ઉમંગ અને ઉત્સાહ માનવીમાં ક્યારે પેદા થાય? તેનું મન શાંત હોય, આત્મા પ્રસન્ન હોય અને શરીર સ્વસ્થ હોય... પણ શરીર ક્યારે પૂર્ણ રીતે સ્વસ્થ હોય?
આ સવાલનો જવાબ મને સત્તાવન વર્ષ પહેલાં મહાત્મા ગાંધીજી સ્થાપિત ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાંથી મળેલો. આશ્રમમાં જે સૂત્ર હતું તે તમે જાણશો તો લાગશે કે પંચમહાભૂતનો અર્થ તો તમારી ગઠરીમાં જ છે. નિસર્ગોપચાર જ નહીં પણ આયુર્વેદ પણ પંચમહાભૂત, એટલે કે પાંચ કુદરતી તત્વો વિશે વાત કરે છે. માનવીનું શરીર પાંચ મૂળભૂત તત્વોનું બનેલું છે: (૧) પૃથ્વી - ભૂમિ કે માટી (૨) જળ - પાણી અગર સંસ્કૃતમાં ચાપ (૩) તેજસ, એટલે કે અગ્નિ અને સાદા અર્થમાં સૂર્યનાં કિરણો (૪) વાયુ, પવન (૫)આકાશ - સ્પેસ. ઈશ્વરે આપણને પેદા કર્યા ત્યારે આ પાંચેય તત્વોનું બેલેન્સ આપ્યું હતું પણ મોટા થઈને અયોગ્ય આહારવિહારથી આપણે આ પાંચ તત્વોમાં ઊથલપાથલ કરીને ઈમ્બેલન્સ પેદા કરીએ છીએ. જો તમે સાચા વૈધ પાસે અગર નિસર્ગોપચારક પાસે જાઓ તો આ પાંચ તત્વોનું બેલેન્સ સરખું કરી સમતોલ બનાવવાનું કહે છે. કુદરતી તત્વોની મદદથી જ તમે પોતે જ તમારા શરીરને સારું કરી શકો છો. આયુર્વેદમાં પંચમહાભૂતનો જે મૂળભૂત સાર છે તે અથર્વવેદમાંથી પકડવામાં આવ્યો છે. આ સાર તમને અંગ્રેજીમાં આપું છું-
The earth is the essence of the elements. Water is the essence of the earth, the herbs are the essence of the water, flowers are the essence of herbs, fruits are the essence of the flowers and energy is the essence of man. છેલ્લે આખો સાર એનર્જીમાં છે, જે એનર્જી કે શક્તિ તમે પોતે પાંચેય તત્વોને સમતોલ રાખીને કેળવી શકો છો. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ત્યારે પંચમહાભૂત શબ્દ લોકોને અઘરો લાગશે એમ સમજી એનર્જીની જ વાત કરી કે આ આખું વિશ્વ એક ગુપ્ત શક્તિથી ભરેલું પડયું છે અને ઈશ્વરે તે એનર્જી માનવીમાં આપી છે. એ એનર્જી માનવીમાં ક્યારે આવે? જ્યારે તેનામાં થનગનાટ (Zest) હોય અને શ્રદ્ધા હોય. આ થનગનાટ અને શ્રદ્ધા ક્યારે પેદા થાય? જ્યારે શરીરનાં પાંચેય તત્વો (પંચમહાભૂત) સમતોલ હોય. પણ આપણે શું કરીએ છીએ? પાંચ તત્વોનું સંતુલન બગાડી નાખીએ છીએ અને તેને સુધારવાનું સાવ સસ્તું કામ નિસર્ગોપચાર કરે છે.
No comments:
Post a Comment