June 16, 2011


આપણે ખોવાયેલો સમય શોધીએ છીએ. એવી ઇચ્છા થાય કે વીતેલું જીવન ફરી જીવી લઈએ. એ બહાને, વીતેલો સમય ખરાબ હોય તો એને બદલવાની તક કદાચ મળે. પણ જિંદગી છે જ એવી, બદલાઈ જાય છે, આગળ વધે છે. એમાં નવા અઘ્યાય, નવા પ્રસંગ ઉમેરાતા જાય છે. જે સમય આપણે જીવી ચૂકયા છીએ એ કયારેય, કોઈ પણ રૂપમાં પાછો નથી ફરતો. આપણે પોતે જ અગાઉ જેવા હતા એવા આજે નથી. આપણા પરથી પણ સમયનો પ્રવાહ વીતી ચૂકયો છે. એ સમયનાં નિશાન આપણાં મન, ચેતના અને અસ્તિત્વ પર પડે છે. આ નિશાનોને ઓળખવાં મતલબ કે સમય અને જીવનને ઓળખવાં.

આપણે ગમતું કામ કરવા માટે ફુરસદની રાહ જોતાં હોઈએ છીએ. એ રાહ જોતાંજોતાં આખી જિંદગી સડસડાટ પસાર થઈ જાય છે. ફુરસદ મળતી નથી. કાઢવી પડે છે. ગુજરેલા સમયમાં એક અર્થ હંમેશાં હોય છે, જે વર્તમાનમાં ઉપયોગી સાબિત થાય છે. આપણો વર્તમાન આપણા ભૂતકાળનો જ મહાયોગ હોય છે, એટલે ખોવાયેલા સમયની તલાશમાંથી મહાન કòતિઓ જન્મે છે. સંસારની તમામ કવિતા, સાહિત્ય, કલા, દર્શન આ વીતેલાં જીવનનું જ પુનર્સર્જન છે. એમાંથી કોઈ અર્થ શોધવાની એ કોશિશ છે. 

માણસ હંમેશાં વીતી ચૂકેલાં જીવનનું મૂલ્યાંકન કરવા માગતો હોય છે. આવું મૂલ્યાંકન માત્ર વ્યક્તિ જ નહીં, જાતિઓ, સમૂહો અને દેશો પણ કરે છે. ઇતિહાસમાં એવો તબક્કો આવે છે, જયારે તેમણે પોતાના ભૂતકાળનું મૂલ્યાંકન કરવું પડે છે, જરૂરી તારણો કાઢવાં પડે છે. આવાં જ આકલનથી યુરોપમાં પુનર્જાગરણ (રેનેસાં) જન્મે છે અને જડ થઈ ગયેલો સમાજ આવા જ લેખાં-જોખાંને લીધે જાગી ઊઠે છે.

No comments:

Post a Comment