June 13, 2011

આપણાં દુ:ખનું મૂળ


આપણાં દુ:ખનું મૂળ આપણી સ્વાર્થવૃત્તિમાં અને દુર્બળતામાં છે. તેને દૂર કરી માનવતાના માર્ગે આપણે ચાલવું જોઈએ. આપણે બધાએ સુખી થવાનું છે તો તે આપણા એકલાના પ્રયત્નથી નહીં બને; એટલે આ કાર્ય બધાના પ્રયત્નનું છે એમ આપણે દ્રઢપણે સમજવું જોઈએ પણ બધાની રાહ ન જોતાં આપણે દરેકે પોતે અંત:કરણપૂર્વક માનવતાના માર્ગે લાગવું જોઈએ. 

શુદ્ધ સંકલ્પમાંથી આ માર્ગની શરૂઆત હોઈ, તે માનવજાતિના અંત સુધી ચાલશે એવી આપણી શ્રદ્ધા હોવી જોઈએ. વ્યકિતના અંતથી આનો અંત આવતો નથી. માનવજાતિની અનેક પેઢીઓ આ જ માર્ગે ચાલતી આવી છે. વર્તમાન પેઢીએ આ જ માર્ગે જવાનું છે અને આગળની પેઢી માટે પણ આ જ માર્ગ છે. આ માર્ગે ચાલવાનું આપણે હજુ બરાબર સાધી શકયા નથી, માટે આપણે ખરાબ સ્થિતિ ભોગવીએ છીએ એ દરેકે ઓળખીને અંત:કરણપૂર્વક અને ઉત્સાહથી આ જ માર્ગે ચાલતા રહેવું જોઈએ. 

માર્ગ ઘણો લાંબો છે માટે નિરુત્સાહ થવાનું કારણ નથી. માર્ગ લાંબો છે તો માનવજાતિ પણ એટલી જ ચિરંતન છે. આપણું જીવન પૂરું થશે ત્યાંથી આપણું આગળનું સંસ્કરણ આ માર્ગે ચાલવા લાગશે. આ રીતે પેઢી દર પેઢી શુદ્ધ સંકલ્પ ધારણ કરીને આ માર્ગે ચાલતી રહેશે તો સંકલ્પોને આવનારાં મધુર ફળો ભવિષ્યની દરેક પેઢીને મળતાં રહેશે. આ જ માર્ગ અને ધર્મથી વર્તતા રહીને આપણે બધા ધન્ય થઈશું. આ માર્ગમાં પરમાત્મા પરની નિષ્ઠા આપણને હંમેશ બળ પૂરું પાડશે.

જીવનમાં જે પ્રાપ્ત કરવાનું છે તેની તદ્દન વિરુદ્ધ દિશામાં આપણે આજે જતા હોઈએ તોપણ હજુ સાવધ થઈએ. વ્યર્થ ગયેલા સમયને આપણા નિશ્ચયથી આપણે ભરી કાઢીએ. આજે આપણે સ્વાર્થી હોઈએ, આપણામાં તદ્દન થોડી માનવતા હોય તોયે તેનાથી નિરાશ ન થવું જોઈએ અથવા સંતુષ્ટ પણ ન રહેવું જોઈએ. આદર્શના પ્રમાણમાં આપણામાં ઘણી ઊણપ છે એમાં સંશય નથી અને તેને લીધે આપણે બધા દુ:ખી છીએ. આપણે એકબીજા વિષે સંશયી અને અવિશ્વાસુ છીએ. 

આપણને હંમેશાં સ્ફૂર્તિ, ઉત્સાહ અને ગતિ રહે એ માટે આપણામાં મહાન આકાંક્ષા હોવી જોઈએ. એવી આકાંક્ષા વગર આપણામાં પુરુષાર્થ કરવાની પ્રેરણા જ ઊઠશે નહીં. તે વગર આપણામાં રહેલી બધી શક્તિઓ કદી જાગ્રત થશે નહીં અને આપણે સાચી રીતે કદી પ્રયત્નશીલ રહીશું નહીં. તે આકાંક્ષા પવિત્ર, ઉદાત્ત અને માનવજન્મને શોભા આપનારી હોવી જોઈએ. 

ભૂખ શમાવવા માટે અને આરોગ્ય તથા બળ માટે ખાનપાનની જરૂર છે પણ જે પ્રમાણે સારો માણસ ગમે તેટલી ભૂખ લાગી હોય તોયે કોઈ પ્રાણી કે માણસનું એઠું ખાતો નથી, તેવું પાણી પીતો નથી, તે પ્રમાણે માનવતા સાધવાની ઇચ્છા કરનારો કોઈ પણ માણસ માનવતાને શોભા ન આપનારા, ઊલટું તેને કલંક લગાડનારા કોઈ પણ માર્ગે સુખી થવાની ઇચ્છા કરતો નથી; કારણ કે પવિત્રતાથી પ્રાપ્ત થનારાં સુખ અને આનંદની તેને મહત્વાકાંક્ષા હોય છે. સદ્ગુણોથી સંપન્ન થવાનો તેનો પ્રયત્ન હોય છે. પ્રામાણિકતા અને ઉદારતાને જ તે ભૂષણ અને શોભા માને છે. પરોપકાર, સેવા અને કર્તવ્યને તે પરમધર્મ સમજે છે અને બધામાં મુખ્ય વાત એટલે માનવતા, બધી બાજુથી જીવનની શુદ્ધિ એ જ જીવનસિદ્ધિ એવી તેની શ્રદ્ધા હોય છે. 

તેના જીવનનો આ જ સંકલ્પ હોય છે. આવા પ્રકારના શુદ્ધ જીવનસંકલ્પને જ આપણે પોતાના જીવનનું શુદ્ધ બીજ સમજવું જોઈએ. આપણા પહેલાંની પેઢીઓ આ જ સંકલ્પ ધારણ કરતી અને તેની સિદ્ધિ માટે પ્રયત્ન કરતી આવી છે. તેથી અજ્ઞાતપણે તે જ સંકલ્પનું બીજ આપણા જન્મ સાથે જ આપણામાં ઊતરી આવ્યું છે. આપણો શુદ્ધ સંકલ્પ એ જ બીજ અને તેમાંથી થયેલું વૃક્ષ એ જ આપણું સતત વિકાસ પામતું જીવન. 

સંકલ્પમાં દ્રઢતા, મનની નિર્મળતા, કર્મોની નિર્દોષતા, પ્રયત્નશીલપણું, પરિસ્થિતિ અને અનુકૂળ સંયોગનાં પ્રમાણમાં તે જીવનવૃક્ષનો વિસ્તાર થાય છે. તેના વિસ્તાર અને તેનાં અંતર્બાહ્ય સુપરિણામોમાંથી માનવતાનું પ્રગટીકરણ થાય છે. સદ્ગુણસંપન્ન જીવનમાં આપણે માનવતા પ્રાપ્ત કરવાની છે એનું આપણે હંમેશ સ્મરણ રાખવું જોઈએ. આ રીતે પ્રારંભથી માંડીને છેવટ સુધી જીવનના ઉદ્દેશ વિષે આપણે દક્ષ રહીએ તો દુનિયામાં માનવતા વધશે અને આપણે બધા સુખી થઈશું.

No comments:

Post a Comment