June 17, 2011


અખબારી આલમમાં જબરદસ્ત ઊથલપાથલ થઈ રહી છે. કેટલીક પ્રકાશન સંસ્થાઓમાં તંત્રીઓનું અવમૂલ્ય થઈ રહ્યું છે. અનેક અખબારી માલિકો હવે એમ માનતા થઈ ગયા છે કે અખબાર એક કન્ઝ્યુમર પ્રોડકટ છે. જેમ ટૉઇલેટ સોપની ગોટી એમ અખબાર પણ માર્કેટિંગની કરામત ઉપર ચાલે છે. મેનેજમેન્ટની અને એડિટોરિયલની ભેળસેળ થઈ રહી છે. એક જમાનામાં તંત્રી સર્વોપરી ગણાતો હતો. આજે એવું નથી. જરીપુરાણી જૂની શૈલીઓ હવે રસ્તાની બેઉ બાજુએ ત્યજી દેવાયેલી વિખરાયેલી પડી છે. અખબારોનાં પ્રથમ પાનાઓને હવે પ્રયાસપૂર્વક ઝમકદાર, નાટયપૂર્ણ અને ઓફ્બીટ બનાવવામાં આવી રહ્યાં છે. અખબારો અને સામયિકોની માંહ્યોમાંહ્યની કોમ્પિટિશન કાતિલ છે. 

એમાં વળી બીબીસી અને સ્ટાર ટીવી અને દૂરદર્શન ઉપર ચિક્કાર પ્રમાણમાં ન્યુસ તથા વ્યુઝ આપવામાં આવે છે. બાપડાં દૈનિકો કે સાપ્તાહિકો માટે કશું જ બચતું નથી. અખબારી માલિકો કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કરે છે. અખબારોનો ફેલાવો શી રીતે ટકાવી રાખવો અને જાહેરખબરોની આવકો શી રીતે વધારવી તે અખબારી માલિકો માટે એક મોટી શિરોવેદના છે. અખબારી કાગળના ભાવ આસમાને ગયા છે અને અંગ્રેજોની જેમ અખબારી માલિકોનું રાજ પગારે જવા બેઠું છે. પત્રકારો અને અખબારી મેનેજરોનાં વેતનો ફૂલીને ફાળકો થઈ ગયાં છે. માલિક ઇરછે છે કે તંત્રીઓ કશુંક નવું કરી બતાવે. મોટા ભાગના તંત્રીઓ જુનવાણી રૂઢિચુસ્ત સ્કૂલના છે. 

તેઓ ઝટ ન્યુ જર્નલિઝમની તરકીબો અજમાવતા નથી. આથી માલિકોએ વારંવાર હાયર એન્ડ ફાયર કરવું પડે છે. અખબારીસ્વાતંત્ર્યની વાતો થાય છે ત્યારે એ સ્વાતંત્ર્ય કોનું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. માલિકો કહે છે, અમે અબજો રૂપિયા આ ધંધામાં હોમ્યા છે, યુ હેવ નો રાઇટ ટુ પ્લે ડકસ એન્ડ ડ્રેકસ વિથ અવર પ્રોપર્ટી. અખબારી આલમમાં ચઢતીઊતરતી ભાંજણીના હોદ્દાઓ હોય છે. હયદળ, પાયદળ, હાથી, ઘોડા, ઊંટ અને વઝીરની આ આલમમાં તંત્રીખાતાના સાહેબલોકો સૌથી એદી અને આળસું ગણાય છે. 

નવી દિલ્હીની ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની કચેરીમાં બેનેટ કોલમનના પ્રોપરાયટર સમીર જૈને એકવાર કહ્યું હતું કે ડઝનબંધ સિનિયર એડિટરો, એસિસ્ટંટ એડિટરો, ડેપ્યુટી એડિટરો, એક્ઝિક્યુટિવ એડિટરો અને રેસિડેન્ટ એડિટરોની આખી ફોજ અઠવાડિયે ૨૦૦ શબ્દોનો એક ફાલતું કટકો (પીસ) ઘસડી કાઢે એટલું કામ પર્યાપ્ત નથી. મુદ્દે રાષ્ટ્રીય અખબારોને પહેલે પાને હવે રોજ અવનવા ઇન્નોવેશન્સ થઈ રહ્યાં છે. ચોલી અને સેકસી સોન્ગ અને માઇકલ જેકસન અને લૉરેના બૉબિટ અને પ્રિન્સેસ ડાયના અને સારાહ ફગ્ર્યુસન જેવી ફ+ન્સી આઇટેમો હવે હકથી અખબારોને પહેલે પાને આવીને ચપ્પટ બેસી જાય છે. હવે કોઈ આઇટેમ અછૂત નથી ગણાતી.

આફ્ટર ઓલ, વૉટ ઈઝ ન્યુસ? જેમાં નાવીન્ય હોય તે ન્યુસ. જેમાં ડ્રામા હોય તે ન્યુસ. જે અણધાર્યું હોય તે ન્યુસ. જે અકલ્પ્ય હોય તે ન્યુસ. પત્રકારત્વનાં પાઠયપુસ્તકોની હેક્નિડ બાનીમાં કહીએ તો કૂતરો માણસને કરડે તે ન્યુસ નથી પણ માણસ કૂતરાને બચકું ભરે તો તે ન્યુસ છે. સુજ્ઞ વાચક, ધારો કે દેવિકારાણી મૃત્યુ પામે તે ન્યુસ છે અને આપણે એ આઇટમ પહેલે પાને છાપીએ પરંતુ તેમનો નશ્વર દેહ બીજે દહાડે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય એ આઇટેમ પહેલે પાને છાપવી જોઈએ? કરડતા કુત્તાવાળો પેલો માપદંડ અજમાવીએ તો દેવિકારાણીની અંતિમક્રિયા એ ન્યુસ નથી પણ જો દેવિકારાણીનું બોડી છેલ્લી ઘડીએ એકાએક બેઠું થાય, ઊભું થાય અને દોડવા માંડે તો તે બેશક, ન્યુસ છે. 

બસ અકસ્માતમાં ૬૯ માણસો મૃત્યુ પામ્યા તેને ન્યુસ ગણીને આપણે પહેલે પાને છાપીએ. ઓકે. છાપીએ. પરંતુ બીજે દહાડે ધ ટોલ રાઇઝીઝ ટુ સેવન્ટી એવી આઇટેમ પહેલે પાને વિચિત્ર લાગતી નથી? ભલાદમી, ૫૦ જણ ઘાયલ થયા હોય એમાંથી ઓર એક મૃત્યુ પામે અને ૬૯ જણ જો અગાઉ મૃત્યુ પામ્યા હોય તો કુલ્લે સરવાળો ૭૦ થાય જ. માલિકો વિરુદ્ધ તંત્રીઓની લડાઈમાં કોઈએ જગતકાજી બનવાની જરૂર નથી. તંત્રીઓએ ચીલાચાલુ ઘરેડમાંથી બહાર આવવું જ પડશે. માલિકો તંત્રીને સમજાવશે કે, ભઈ, આમ ન ચાલે, આપણે તો આપણું પ્રોડકટ વેચવાનું છે. 

માલિકોએ કેટલાંક અખબારોમાં સિનિયર મેનેજરોને અને સિનિયર એડિટરોને શા માટે સ્વપ કર્યા? શા માટે તેમણે ભેળસેળ કે અદલાબદલી કરી? તંત્રીસાહેબો પાસે શો વિકલ્પ છે? સિમ્પલ: ન ફાવે તો ચાલતી પકડવાની. તંત્રી વિભાગોના ટોચના કહેવાય એવા આ હોદ્દાઓ એવા છે કે ત્યાં એ મેન સ્ટુન્ડ્ઝ ઓર ફૉલ્સ ઓન ધ બેસિસ ઓફ મેરિટ. અત્યારે અનેક મેનેજમેન્ટોએ સિનિયર પત્રકારોને કોગ કે સ્ક્રૂ કે નટ કે બોલ્ટ જેવા બનાવી દીધા છે. અનેક માલિકો માને છે કે અખબાર એવું હોવું જોઈએ કે જે વાચકોની ચાહના અને વાચકોનો રિસ્પેકટ ધરાવતું હોય. જેને ક્રેડિબિલિટી હોય. જે સાચ્ચા ન્યુસની અને ફરમાયશી ન્યુસની ભેળસેળ ન કરતું હોય. જે સગલાંઓને અને સમાજના બનીબેઠેલા મોભીઓને એકધારી રીતે પ્રસિદ્ધિ આપતું ન હોય. જેમાં ભદ્ર સમાજના અમુક જ શ્રીમંત વગદાર પ્રસિદ્ધિ ભૂખ્યા મહાનુભાવોનાં ભાષણો અને ફોટા રોજ ન છપાતાં હોય. જે જ્ઞાતિનેતા બેરિસ્ટરોને અને હીરાના સમ્રાટોને ચિક્કાર જગ્યા ફાળવતાં ન હોય. 

અનેક તંત્રીઓ કહેશે કે માલિકોનાં સ્થાપિત હિતોનો પ્રચાર અમારે શા માટે કરવો? જવાબ: જરા ભીતર નજર કરો અને કહો કે તમારાં પોતાનાં સ્થાપિત હિતો અને વળગણો અને નેપોટિઝમ કમ છે? તંત્રીઓએ જો પોતાની ગરિમા જાળવી હોત, તંત્રીઓએ જો વ્યવસાયની સ્વરછતા જાળવી હોત, તંત્રીઓએ જો પત્રકારત્વનું ઉરચ ધોરણ ટકાવી રાખ્યું હોત, તંત્રીઓએ જો ન્યુસમાં અને વ્યુઝમાં પાણી નાખ્યું ન હોત, તંત્રીઓએ જો ન્યુસમાં અને વ્યુઝમાં સબસ્ટેન્ડર્ડ માલ ઠપકાર્યોન હોત તો આજે પ્રોપરાયટરો તેમની છાતી ઉપર ચઢી બેસવાની હિંમત ન કરત. 

No comments:

Post a Comment