October 13, 2010

સુપર બ્રાન્ડ Sintex

આજે માત્ર બ્રાન્ડમાંથીપોતાના સેગમેન્ટમાં વિશેષણ બની ગયેલા સિન્ટેક્સની રોમાંચક સફરની વાત...

ઘણી બ્રાન્ડ ટોચે પહોંચવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરે છે. પણ સિન્ટેક્સની ટોચ સુધી કોઈક વિરલ બ્રાન્ડ જ પહોંચી શકે છે. સુપર બ્રાન્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી ગુજરાતની સિન્ટેક્સ બ્રાન્ડને સુપર બ્રાન્ડનો દરજજો મળ્યો છે. પટેલ પરિવાર આ બ્રાન્ડના માલિક છે. પરંતુ તેના જનક એક રાજસ્થાની મારવાડી એસ. બી. દાંગ્યાચ છે.

એસ. બી. દાંગ્યાએ મુંબઈની કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. પછી તેમણે અમદાવાદની ઈન્ડિયન ઇન્સિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ મેળવ્યો. કેમ્પસ ઈન્ટરવ્યૂમાં એશિયન પેઇન્ટ્સના સત્તાધીશોએ દાંગ્યાચને પૂછ્યું, ‘ખૂબ નાના છો, અહીં કેવી રીતે પહોંચી ગયા?’ ત્યારે દાંગ્યાચે તેમને જવાબ આપ્યો, ‘હું બીજા કરતાં કંઈક અલગ છું. એટલા માટે આ શક્ય બન્યું.’ બીજો સવાલ પૂછાયો, ‘મારવાડી છો, લાંબા સમય સુધી નોકરી નહીં કરો.’ સામે જવાબ મળ્યો, ‘મને સ્વતંત્ર રીતે કામ કરવાનો મોકો આપશો તો આવું નહીં થાય.’ અને એવું જ થયું. દાંગ્યાચે બે વર્ષ જ નોકરી કરી પણ મારવાડી યુવાનોની માફક પોતાનો વ્યવસાય કરવા માટે કંપની ન છોડી.

તેઓ ભારત વિજય મિલ્સમાં જોડાયા. કલોલ ખાતે આવેલી ભારત વિજય મિલ્સ એમને એટલી બધી ગમી ગઈ કે તેઓ છેલ્લાં ૩૫ વર્ષથી ત્યાં કાર્યરત છે. તેઓ સર્વેસવૉ હોય એવી રીતે આ મિલ્સના પ્લાસ્ટિક ડિવિઝન સાથે સંકળાયેલા છે. એક મુલાકાત દરમિયાન તેઓ કહે છે, ‘ભારત મિલ્સના પ્રમોટર્સ (હાલના ચેરમેન દિનેશ પટેલ, વાઈસ ચેરમેન અનુપ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલ પટેલ)એ મને પૂરેપૂરી સ્વતંત્રતા આપી છે. ૧૯૭૪માં હું ભારત મિલ્સના પ્લાસ્ટિક ડિવિઝનમાં માર્કેટિંગઅધિકારી તરીકે જોડાયો હતો. ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે હું મારી જાતને પૂરવાર કરી બતાવું તો તેઓ મને આ ડિવિઝનના કર્તાહર્તા બનાવશે.

૨૨ વર્ષની વયે મેં માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ, ફાયનાન્સ અને એકાઉન્ટ્સ જેવા વિભાગોની જવાબદારી સંભાળી. મારા કામકાજમાં ક્યારેય કોઈએ દખલ કરી નહીં. આમ આ રીતે હું મેનેજિંગ ડિરેક્ટર બની ગયો. ભારત મિલ્સના પ્લાસ્ટિક ડિવિઝનમાંથી બ્રાન્ડ સિન્ટેક્સ સર્જાઈ. હાલમાં સિન્ટેક્સ મોખરાની બ્રાન્ડ બની ગઈ છે. તેને ટોચ સુધી પહોંચાડવામાં દાંગ્યચનો સિંહફાળો રહેલો છે. પટેલ પરિવારે ભારત મિલ્સનું નામ બદલીને સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ કરી દીધું.

૧૯૭૫માં ‘સિન્ટેરિંગ’ શબ્દ પરથી સિન્ટેક્સ નામ પડ્યું. ભારત વિજય મિલ્સનાં બે ઉત્પાદનો સિન્ટેરિંગ અને ટેક્સટાઈલ સાથે સંકળાયેલા હોવાથી સિન્ટેક્સ નામ પસંદ કરાયું. આ નામ રાખવાનું અન્ય કારણ એ હતું કે સિન્ટેક્સ શબ્દ બોલવામાં અને યાદ રાખવામાં સરળ હતો. ટેક્સટાઈલ ઉદ્યોગમાં વપરાતા કોટન સિલ્વર્સને હેન્ડલ કરનારા કાર્ડ કેન્સ બનાવવા માટે સિન્ટેર પ્લાસ્ટિક કન્ટેન્ર્સ વિકસાવ્યા હતા. ભારત મિલ્સને આ કાર્ડ કેન્સ વેચવામાં ધારી સફળતા ન મળી.

ત્યારે આ પ્લાન્ટનું શું કરવું એવો સવાલ ઊભો થયો. આ પ્લાન્ટ થકી મિલ્સે સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટ અને પ્રોસેસિંગ માટે ઉપયોગી એવાં ઈન્ડસ્ટ્રીયલ કન્ટેન્ર્સ બનાવવાનું શરૂ કર્યું. ૧૯૭૫માં આ બિઝનેસ પૂરજોશમાં જામી પડ્યો પણ દાંગ્યાચને આટલેથી સંતોષ ન થયો. તેઓ કહે છે, ‘અમારી પાસે રોટેશનલ મોલ્ડિંગ પ્લાન્ટ હતો. તેનાથી અને વિશાળ ખોખાં બનાવી શકીએ તેમ હતા. મેં આનાથી લોકઉપયોગી પ્રોડક્ટ બનાવવાનું વિચાર્યું.’

૧૯૭૫માં સિન્ટેક્સ બ્રાન્ડનેમથી ભારત મિલ્સે મોલ્ડેડ પોલિથિન ઈન્ડસ્ટ્રિયલ કન્ટેનર અને ૧૦ હજાર લિટર સુધીની ક્ષમતાવાળી ટેન્ક્સ બનાવી. ૧૯૭૭માં ઈન્ડસ્ટ્રીઝ માટે મટિરિયલ હેન્ડલિંગ કન્ટેનર બનાવવાનું શરૂ કર્યું. ૧૯૭૮માં ઘરગથ્થું વપરાશ માટે પાણીની ટાંકીઓ લોન્ચ કરી. ત્યારે તેની ડિઝાઇન અને માર્કેટિંગની વ્યુહનીતિ પર ગંભીર ચર્ચા-વિચારણા થઈ. સરકારી અધિકારીઓ, બિલ્ડર્સ અને આર્કિટેક્સને આ નવતર પ્રોડક્ટ દેખાડાઈ. તેઓ સિમેન્ટ અને સ્ટીલની પરંપરાગત પાણીની ટાંકીનો શ્રેષ્ઠ વિકલ્પ શોધતા હતા, પણ તેમને સિન્ટેક્સ પાણીની ટાંકી મોંઘીદાટ લાગી.

ભારત મિલ્સના પ્રમોટર્સને તેમની આ એક્સ્કલુઝિવ પ્રોડક્ટ પર પૂરેપૂરો ભરોસો હતો. વળી, આનો કોઈ હરીફ પણ નહોતો. તેમને એવો દ્રઢ વિશ્વાસ હતો કે ભલે સિન્ટેક્સને માર્કેટમાં જામતા વાર લાગે પણ આ પ્રોડક્ટ નવું માર્કેટ બનાવશે. ૪-૫ વર્ષ ભરપૂર પ્રયત્નો કરાયા. એ વખતે આર્કિટેકટ્સ બિલ્ડિંગના એસ્થેટિક લુક પર ખૂબ ભાર આપતા હતા. તેઓ ધાબા પર કાળી કદરૂપી સિન્ટેક્સ મૂકવા તૈયાર નહોતા થતા. ત્યારે કંપનીએ સીધો ગ્રાહકોનો સંપર્ક કર્યો. તેમને સમજાવાયું કે સિન્ટેક્સ પાણીની ટાંકી હાયજેનિક છે. તેને કાટ નથી લાગતો. આ એકવાર ફિટ કરાવો પછી લાંબા સમય સુધી કોઈ ખાસ ઝંઝટ રહેતી નથી.

તદુપરાંત વજનમાં હળવી હોવાથી મકાનના બાંધકામ પર ખાસ દબાણ આવતું નથી. આમ આ રીતે બે-ત્રણ વર્ષની મેરેથોન સમજાવટ કામે લાગી. સરકારી ખાતા અને ગ્રાહકો સિન્ટેક્સ પાણીની ટાંકી ખરીદવા લાગ્યા. જોતજોતામાં મોટા ભાગના ઘરના ધાબાં પર સિન્ટેક્સ દેખાવા લાગ્યા. ત્યાર પછી સિન્ટેક્સની સામે હરીફો મેદાનમાં ઊતર્યા. ગ્રાહકો વોટર ટેન્ક ખરીદવા માટે દુકાનદાર પાસે જઈને સિન્ટેક્સ માગતા. ત્યારે દુકાનદાર ગ્રાહકો એવી રીતે સમજાવતા તેઓ ગ્રાહકોને સિન્ટેક્સના બદલે જે પાણીની ટાંકી આવે છે તે સસ્તી છે અને તે સિન્ટેક્સ જેટલી જ ટકાઉ પણ છે. સિન્ટેક્સ આવી તો કેટલીય કસોટીમાંથી ખરી ઊતરી છે.

તેણે ઘણા પડકારો ઝીલ્યા છે. ૨૦૦૪માં સરકારે વિશ્વના સૌથી મોટા ધાર્મિક તેવા સિંહસ્ય માટે ૨૦ હજાર પ્રીફ્રેબિકેટેડ ટોયલેટ બોક્સીસનો આપ્યો. સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝને કોઈ પણ ખામી વગર એક મહિના કરતાં પણ ઓછા સમયમાં આ ઓર્ડર પૂરો કર્યો. એક અંદાજ અનુસાર સિન્ટેક્સની વોટર ટેન્કસ માર્કેટમાં ૬૫ ટકા. ઈન્ડસ્ટ્રીયલ ટેન્કસ સેગમેન્ટમાં ૮૦ ટકા અને ઘરગથ્થુ વપરાશના ટેન્કસ માર્કેટમાં ૬૦ ટકા ભાગીદારી છે.

‘સિન્ટેક્સ’ બ્રાન્ડે માર્કેટમાં જબરી જમાવટ કરી પછી દાંગ્યાચે પ્લાસ્ટિક પાર્ટિશન, કન્વર્ઝન, ફોલ સિલિંગ, વોટર પેનેલિંગ્સ, કેબિન્સ, કેબિનેટ અને ફર્નિચર, પ્લાસ્ટિકનાં બારી-બારણાં, ફેન્સ, ઈન્સ્યુલેટેડ કન્ટેનર્સ, અંગ્રિ કન્ટેન્ર્સ, વોટર ફલ્ટિર્સ, સોલર વોટર હીટર્સ, અન્ડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેકન્સ જેવી અનેક વળતર પ્રોડકસ સિન્ટેક્સના બેનર હેઠળ બનાવી છે. આમાંથી અમુક પ્રોડકટ્સ સફળ નીવડી તો અમુકને સંઘર્ષ કરવો પડ્યો. આ બધાનું સારું પરિણામ એ આવ્યું કે ભારત મિલ્સની મોખરાની બ્રાન્ડ સિન્ટેક્સ બની ગઈ છે.

હાલમાં સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝના ૧૦ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ૫ લાખ ચોરસ મીટર જમીન પર ફેલાયેલા છે. ત્યાં બનતા ઉત્પાદન ૧૦ હજાર કરતાં વધારે ઓથોરાઈઝ્ડ રિટેલર્સ દેશભરમાં વેચે છે. વિશ્વના ૯ દેશમાં પ્રોડકસ મોકલીને સિન્ટેક્સ ગ્લોબલ બ્રાન્ડ બની ગઈ છે. સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ વર્ષે લગભગ ૧૮૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે.

૩૫ વર્ષથી સિન્ટેક્સ સાથે રાત-દિવસ સંકળાયેલા દાંગ્યાચ સિન્ટેક્સના પ્રાઈમ થિંકર છે. તેઓ કહે છે, ‘પટેલ પરિવાર સાથે મારી કેમેસ્ટ્રિ ખૂબ જામી ગઈ છે. અમે ચા પીતાં કે લન્ચ લેતાં સામાન્ય વાતચીત કરતાં કરતાં ૧૦-૧૫ મિનિટમાં મસમોટા નિર્ણયો લઈએ છીએ. અમારા બધાની જવાબદારી વહેંચાયેલી છે. તેને પૂરી કરવા માટે બધાને પૂરેપૂરી છુટ મળેલી છે.’ આ જ તો સિન્ટેક્સ બ્રાન્ડની સફળતાનો આધાર છે.

No comments:

Post a Comment