October 13, 2010

એક ડોલ્ફિનનું સ્વપ્ન

ડોલ્ફિન: સ્ટોરી ઓફ અ ડ્રીમર’, સર્જિઓ બામ્બારેન દ્વારા લખાયેલી કોઈ પરીકથા બાળવાર્તા જેવું લાગતું પુસ્તક છે. બેસ્ટ સેલર બનેલા આ પુસ્તક પર આધારિત ‘ડ્રીમિંગ ડોલ્ફિન’ નામની એનિમેશન ફિલ્મ પણ બની છે. એક ટાપુ નજીક સુખચેનથી રહેતી ડોલ્ફિનના ટોળામાંથી ડેનિયલ ડોલ્ફિન છુટી પડી પોતાના સ્વપ્નની ખોજમાં નીકળી પડે છે. મિત્રો એની વાત સમજતા નથી અને ડેનિયલની મજાક ઉડાવે છે.

એ લોકો માને છે કે ટાપુની સુરક્ષા છોડી આવું જોખમ ઉઠાવે છે. એ નાદાનિયતની નિશાની છે. પણ ડેનિયલ પોતાના નિર્ણયમાં મક્કમ રહે છે. રોજિંદા જીવનના રુટિનથી કંટાળેલી ડેનિયલ એકલી મધદરિયે સાહસ ખેડી પાછી આવે છે અને બીજાઓ માટે પ્રેરણારૂપ બની જાય છે. ડોલ્ફિનના પાત્ર દ્વારા લેખકે સ્વપ્નસિદ્ધિ માટે રજૂ કરેલા વિચારો જોઈએ.

તમારા સ્વપ્નને નિષ્ફળતાના ભયથી ક્યારેય દબાવી ન રાખો. જીવનને પોતાના માપદંડથી જીવવાનો પ્રયત્ન કરો. એકલતાનો સામનો કરવો પડે તો પણ ધ્યેયને છોડો નહીં. ટોળામાં રહેનારને સ્વતંત્રતાનો અનુભવ નથી માટે એનું મૂલ્ય એ સમજી શકતા નથી. જીવનમાં એક એવો સમય આવે છે. જ્યારે પોતાના સ્વપ્નને પામવા સિવાય બીજી કોઇ જ પ્રવૃત્તિ ગમતી નથી. આવી પળને હાથથી જવા ન દો. સ્વપ્ન સાકાર કરવું હોય તો સુરક્ષાના વર્તુળની બહાર નીકળવું પડે છે. સંકુચિત શિક્ષણ અજ્ઞાનતા વધારે છે.

પોતાની સાહસ યાત્રા દરમિયાન ડેનિયલ એક વૃદ્ધ જળચરને મળે છે જે સમજાવે છે કે જ્યારથી એણે સ્વપ્નાં જોવા બંધ કર્યા તે દિવસથી બુઢાપો આવી ગયો. સ્વપ્નો આપણને જીવંત રાખે છે. આપણે પોતે આપણી આસપાસ નેગેટિવ વિચારોની એક વાડ ઊભી કરી દીધી છે. જેને હટાવવી જરૂરી છે. ડેનિયલ એક સંવાદમાં કહે છે કે અજાણી વસ્તુઓનો એને ભય નથી લાગતો. જીવનનું શ્રેષ્ઠ શિક્ષણ મુશ્કેલીની ઘડીઓમાં જ મળતું હોય છે. દિલથી કોઇ વસ્તુ મેળવવાની ઇચ્છા રાખશો તો એ જરૂર મળશે. તમારા ભય સિવાય એને કોઈ રોકી નહીં શકે. અમુક વસ્તુઓ મનની આંખોથી જ દેખાય છે. આપણા નિર્ણયો આપણી ખરી ઓળખાણ છે.

અમુક પ્રેરણાદાયક પુસ્તકો દંતકથાની શૈલીમાં લખાતાં હોય છે. તેમાં આ એક પુસ્તક ઉમેરાયું છે. સ્વપ્નસિદ્ધિના વિષય પર બીજાં પુસ્તકો પણ લખાયાં છે. અહીં લેખકે એક જળચરને મુખ્ય પાત્ર બનાવી પોતાના વિચારો રજૂ કર્યા છે. પ્રખ્યાત પુસ્તક જોનાથન લિવિંગસ્ટન સીગલમાં એક પક્ષીનું માધ્યમ હતું. ડેનિયલ ડોલ્ફિન કથાને એની સાથે સરખાવી શકાય.

No comments:

Post a Comment