ભારતીય અર્થતંત્ર તેજીના માર્ગે આગળ વધી રહ્યું છે અને તેની સાથે સાથે વર્ષમાં 10 લાખ ડોલર (લગભગ રૂ. 4.5 કરોડથી પણ વધુ)થી પણ વધુ પગાર મેળવતા કોર્પોરેટ વડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નફામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો હોવાથી અને કુશળ માનવબળની અછતને પગલે ,કંપનીઓ તેમના મેનેજર્સને તગડા પગારની ચુકવણી કરી રહી છે.
પગાર પેટે વર્ષમાં રૂ. 4.5 કરોડથી પણ વધુ કમાણી કરતા એક્ઝિક્યુટિવ્સની ક્લબમાં નાણાકીય વર્ષ 2009-2010 માં 54 ટકા વધારો થયો છે , કારણ કે આ ક્લબમાં ચાર ડઝન જેટલાં નવાં નામ ઉમેરાયાં છે. તમામ જાહેર લિસ્ટેડ કંપનીઓના વાર્ષિક ડિસ્ક્લોઝરના ઇટીએ હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે , તગડા પગાર મેળવતા આવા એક્ઝિક્યુટિવ્સની સંખ્યા હવે વધીને 130 થઈ ગઈ છે.
સામાન્ય રીતે , પ્રમોટર મેનેજર ધરાવતી આ ક્લબમાં હવે વ્યાવસાયિક મેનેજરનો પણ સમાવેશ થતાં તેમાં સતત લોકશાહીકરણ જોવા મળ્યું છે. આની પાછળનું એક કારણ સીએક્સઓ અથવા તો સી-સ્યૂટ કેટેગરી ધરાવતા વર્ગમાં કુશળ માનવબળની અછત છે. સી-સ્યૂટ કેટેગરીમાં સીઇઓ , સીએફઓ અને સીઓઓનો સમાવેશ થાય છે અને આ અછતને કારણે , કંપનીઓને ઊંચા પગાર આપવામાં વધુ ઉદાર બનવાની ફરજ પડી છે.
ગયા નાણાકીય વર્ષમાં 10 લાખ ડોલરથી વધુ પગાર મેળવતા એક્ઝિક્યુટિવ્સની ક્લબમાં પ્રવેશ કરનારાં કેટલાંક જાણીતાં નામમાં ભારતી એરટેલના આંતરરાષ્ટ્રીય બિઝનેસના સીઇઓ મનોજ કોહલી અને ડાબર ઇન્ડિયાના સીઇઓ સુનિલ દુગ્ગલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત , પટણી કમ્પ્યુટરના જેયા કુમાર , યુનાઇટેડ સ્પિરિટ્સના વિજય રેખી , ટાટા મોટર્સના પ્રકાશ તેલંગ અને લ્યુપિનના કમલ શર્માનો પણ સમાવેશ થાય છે.
મુંબઈ સ્થિત એક્ઝિક્યુટિવ સર્ચ કંપની સ્ટેન્ટન ચેઝના હેડ આર સુરેશે કહ્યું હતું કે ,નેતૃત્વના ગુણ ધરાવતા હોય તેવા લોકોની અછતને કારણે , સી-સ્યૂટને મળતા વળતરના સ્તરમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. કોર્પોરેટ અને વ્યક્તિગત દેખાવને કારણે પણ ઊંચું પ્રીમિયમ ચૂકવવામાં આવી રહ્યું છે.
વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં સુધારો ધીમિ ગતિએ આગળ વધતો હતો છતાં પણ ભારતીય અર્થતંત્રમાં સુધારો ઝડપી બન્યા બાદ , કંપનઓની સંપત્તિમાં ગયા વર્ષે તીવ્ર સુધારો આવ્યો હતો અને આથી , ઘણી કંપનીઓ પગાર ચુકવણીની બાબતમાં ઉદાર બની હતી તે પણ અન્ય એક કારણ છે .
બિઝનેસ અને સેન્ટિમેન્ટ જ્યારે માર્ચ 2009 માં પૂરા થયેલા વર્ષમાં ખૂબ જ નકારાત્મક સ્થિતિમાં હતા ત્યારે તગડો પગાર મેળવતા એક્ઝિક્યુટિવ્સની સંખ્યા માત્ર 20 ટકા વધી હતી , પરંતુ કંપનીઓના નફામાં જંગી વધારો થતાં ગયા વર્ષે તેમાં તીવ્રપણે વૃદ્ધિ જોવા મળી હતી .
ડિરેક્ટર્સને મળતું વળતર કંપનીના ચોખ્ખા નફા સાથે સીધી રીતે સંકળાયેલું છે અને તેનું સ્વરૂપ કમિશનના રૂપે હોય છે . આમ , જેમ જેમ કમાણી વધે છે તેમ તેમ એક્ઝિક્યુટિવ્સને મળતા વળતરમાં પણ આપમેળે વધારો થાય છે . એક્ઝિક્યુટિવ્સને ચૂકવવામાં આવતા પગાર અને અન્ય ભથ્થામાં કમિશનની ચુકવણી અલગ હોય છે .
કેપજેમિની અને મેરિલ લિન્ચ ગ્લોબલ વેલ્થ મેનેજમેન્ટ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે , 10 લાખ ડોલરથી વધુ એસેટ ધરાવતા ભારતીય નાગરિકની સંખ્યામાં 51 ટકા વધારો નોંધાયો છે . આ સુપર - રિચની યાદીમાં43,000 વધુ રેસિડન્ટ ભારતીયોનો ઉમેરો થયો હતો અને ગયા વર્ષે તેની સંખ્યા વધીને 1,27,000 એ પહોંચી ગઈ હતી.
No comments:
Post a Comment