
અહીંયા વિદ્યાર્થીઓને પુસ્તકો દ્વારા સાયન્સના પાઠ શીખવવાને બદલે પ્રેક્ટિકલ દ્વારા શીખવા માટે કહેવામાં આવે છે. આ સંસ્થામાં વિદ્યાર્થી પોતાનાં બે વર્ષ બસ પ્રેક્ટિકલ કરીને પસાર કરે છે, જેના માટે તેમને કોઈ ડિગ્રી કે ડિપ્લોમા નથી અપાતું. તેમને નવી દુનિયાને કેવી રીતે જોવી અને બ્રહ્નાંડની જટિલતાઓને કેવી રીતે સમજવી તે શીખવા મળે છે.
આટલું વાંચ્યા બાદ તમને આમિર ખાનની ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ યાદ આવશે જેમાં વિદ્યાર્થીઓ પોતાની ખૂબીઓને નિખારવા પર ધ્યાન આપે છે. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલ સ્વરાજ યુનિવર્સિટી એક હદ સુધી આવી જ છે. આમિરની સ્કૂલ અને આ યુનિ.માં એકમાત્ર અંતર એ છે કે, તે ફિલ્મમાં બતાવાયેલી કલ્પના છે, જ્યારે આ હકીકત છે. આ હકીકત વધારે રોમાંચક છે, કારણ ૩૦-૩૫ વર્ષની ઉંમરના લોકો પણ પોતાની ક્ષમતા વિકસાવવા માટે અહીંયા પોતાનાં બે વર્ષ આપી રહ્યાં છે.
પોતાની નોકરી કે વ્યવસાયથી ઉબાઈ ચૂકેલા લોકો આ જગ્યાએ અનેક લોકોને મળે છે અને પોતાનો અનુભવ વહેંચે છે. આ રીતે તે કોઈ સંસ્થાના ડિપ્લોમા કે ડિગ્રી કોર્સથી પણ સારી રીતે પોતાને નિખારી શકે છે. આ કારણે યુનિવર્સિટીમાં ટીચર જેવા ઔપચારિક શબ્દનો ઉપયોગ નથી કરાતો. અહીંયા તેમને ‘ફેસિલિટેટર’ કહેવાય છે. આ ફેસિલિટેટર પોતાના કોઈ પણ વિદ્યાર્થીની ક્ષમતા કે હુન્નરને ઓળખીને તેને તે દિશામાં કામ કરવા પ્રેરે છે. અહીંયા એવા પણ વિદ્યાર્થીઓ છે, જેમણે હાલમાં જ દસમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. તે પોતાના વાલીને એ સમજાવવામાં સફળ રહ્યા છે કે, તેમના માટે ધોરણ ૧૧-૧૨નો અભ્યાસ કરવાને બદલે આ યુનિવર્સિટી જોઈન કરવી વધુ ફાયદાકારક રહેશે.
આ એક અઘરો નિર્ણય હતો, જે શિક્ષણના સામાન્ય રસ્તાથી અલગ લઈ જાય છે. આવી વ્યક્તિ વિશે એવું પણ કહી શકાય કે, તેનામાં કોઈ સારા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવાની ક્ષમતા નહોતી, આથી તેણે આ રસ્તો પસંદ કર્યો. પરંતુ મહત્વનું એ છે કે, આખરે જીવનની બેલેન્સશીટમાં શું અગત્યનું છે.
તમે જીવનમાં કેટલા ખુશ છો તે મહત્વનું છે, નહીં કે તમે કેટલી ડિગ્રી મેળવી છે. તમે જે કરી રહ્યા છો તેનાથી તમે ખુશ છો તો પછી બીજાની ખુશી-નાખુશી વધારે મહત્વ નથી રાખતી. ફંડા એ છે કે, જો જીવનમાં તમને શિક્ષકને બદલે ફેસિલિટેટર મળે તો ખચકાયા વિના તેમનો હાથ પકડી લો. આ ઉપરાંત મુખ્ય રસ્તાને બદલે અલગ રસ્તો બનાવવા ખૂબ સાહસ જરૂરી છે.
No comments:
Post a Comment