August 18, 2010

મૂળિયાં મજબૂત બનાવી વૃક્ષને આપો નવું આકાશ!


દરેક વૃક્ષનું પોતીકું આકાશ છે જ અને નવા આકાશનો અવકાશ છે જ. હા, મૂળિયાં મજબૂત હશે તો જ.

રમેશ, હાથતાળી દઇ ગયો ભીનો સાબુ,
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે. - રમેશ પારેખ


એક ટેણિયો ક્રિકેટ ખાતો, ક્રિકેટ પીતો અને ક્રિકેટ શ્વસતો. લોકો જેને સચિન તેંડુલકરને નામે ઓળખે છે એ ટેણિયો સ્વપ્ન જોવામાં માહેર હતો પણ સ્વપ્ન ક્રિકેટનાં જોતો, નહીં કે પેપ્સીની જાહેરાતમાં કામ કરવા મળશે એના! એ મંડ્યો રહેતો ક્રિકેટની સ્કિલ્સને ઉત્તરોત્તર વિકસિત કરવામાં. એ દસ વર્ષનો ટેણિયો પરસેવો પાડી રહ્યો હશે ત્યારે એને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આ પરસેવાના ટીપે ટીપાની કિંમત જાહેરાતોમાં કામ કરીને એ વસૂલશે!

મૂળિયાં મજબૂત બનશે તો વૃક્ષ ઊગશે જ એવા સાદા સીધા ગણિતમાં આપણે કાચા પડીએ છીએ. આપણે રાહ જોઇએ છીએ વૃક્ષ ઊગવાના દિવસની... અને વૃક્ષ ઊગે તો ઊગે ક્યાંથી? મૂળિયાંને પોષતા હવા પાણીનું શું? આસપાસ ચોપાસ જે પણ સફળતા દેખાય છે એમાં કોમન મિનિમમ ફેક્ટર આ જ છે મિત્રો. ‘રંગ દે બંસતી’, ‘તારે ઝમીં પર’ અને ‘થ્રી ઇડિયટ્સ’ જેવી અનેક સફળ ફિલ્મોમાં કાવ્યાત્મક ગીતો લખનાર પ્રસૂન જોષી આજે જાહેરાતની એક જીંગલ લખીને બધી કવિતાઓ લખવાની મહેનતનું સાટું વાળી રહ્યો છે.

પણ પ્રસૂન જોષીએ એકડે એક જીંગલ્સ લખીને નહોતી કરી. કવિતાના એક એક શબ્દને રમાડી રમાડી મૂકનાર એ જીવને ખબર પણ નહીં હોય કે આ સર્જનાત્મક માથાકૂટ એક દિવસ નોટોનો વરસાદ વરસાવશે અને સચિન આજેય નવો શોટ ડેવલપ કરવા દુનિયા ઊંઘી જાય ત્યારે વિચારતો પડી રહે છે અને ‘યુરેકા યુરેકા’ જેમ નાચી, બધા ઊઠે એ પહેલા એ શોટને અંજામ આપવા ચાલવા માંડે છે નેટ્સ તરફ...

મોરલ ઓફ ધ સ્ટોરી: પૈસા અને સફળતા ક્યારેય સીધું લક્ષ્ય ન હોઇ શકે, એ તો બાય પ્રોડક્ટ છે. સક્સેસ સુખ જેવું છે: શોધવા જાવ તો ક્યાંય ન મળે અને જીવનના હરએક વળાંકમાં શ્રેષ્ઠ રીતે જીવતા, જાતને કાબિલ બનાવતાં, ઉત્તરોત્તર સ્કિલ્સ ડેવલપ કરવા લગે રહો તો રમતાં રમતાં કોડી મળે એમ મળી પણ જાય. ‘સર્કસ જેવી સિરિયલોમાં જોકરવેડાં કરનાર શાહરુખને ખબર હતી કે એક દિવસ એ ફિલ્મ ઉદ્યોગનો રિંગ માસ્ટર બની જશે? અને શાહરુખે જાન નિચોવી નાંખી હતી એ શરૂઆતથી સિરિયલોમાં. ‘આખી સિરિયલમાં કામ કરવાના માત્ર પાંચ હજાર મળે છે એટલે હમણાં જાત નથી નિચોવવી, ફિલ્મના પચીસ કરોડ મળશે ત્યારે વિચારશું’ એવું વિચારી એ મહાશય બેસી રહ્યા હોત તો અત્યારે પરાણે જાત વેચી રહ્યા હોત.

યસ, સચિનનો સેક્સી સ્ટ્રેઇટ ડ્રાઇવ, પ્રસૂન જોષીનાં બહેલાવી નાખનાર ગીતો અને શાહરુખની મહેનત મૂળિયાંને પાણી પીવડાવવાની ચેષ્ટા છે. તેઓ મંડ્યા હતા મૂળિયાં મજબૂત કરવામાં અને આપણને આંબે લાગેલી કેરી જ દેખાય છે! કૌશલ્ય વિકસાવીશું તો એ કૌશલ્ય એક દિવસ સફળતા અને નાણાંનો ધોધ વરસાવશે એ આપણી કલ્પનામાં ઝાઝું આવતું નથી.દુનિયાભરમાં આજે સેલ્ફ હેલ્પ પુસ્તકો અને સેલ્ફ હેલ્પ પુસ્તકોનાં લેખકોની બોલબાલા છે. મોટાભાગના આ લેખકો મનોવિજ્ઞાનના ક્ષેત્રમાંથી આવે છે.

પ્રામાણિક સેલ્ફ હેલ્પ પુસ્તકોનાં લેખકોએ કલમ ઉપાડતા પહેલાં એમના ક્ષેત્રનો ‘ડીપ સ્ટડી’ એટલે કૂવાને તિળયે બેસી અભ્યાસ કર્યો હતો. સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્ટિવ પીપલ’ના સ્ટીફન કોવે, ‘મેન્સ સર્ચ ફોર મિનિંગ’ના વિક્ટર ફ્રેન્કલ, માનવી તબક્કાવાર એક પછી એક જરૂરિયાત પૂરી કરવામાં લાગેલો હોય છે અને જો જાણ થાય કે ફલાણા માનવીની અત્યારે શું જરૂર છે તો એની પાસેથી મહત્તમ કામ લઇ શકાય એવું પ્રતિપાદિત કરનાર અબ્રાહમ મેસ્લો... આ બધાએ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં મૂળિયાં મજબૂત કર્યા હતા અને પછી એ જ્ઞાનનો ઉપયોગ કરી વૃક્ષ નવા જ આકાશમાં વાવ્યું.

રોબિન શર્મા હવે ગ્રેટનેસ ગાઇડોનો ધંધો ચલાવી ટ્રેઇનિંગના ટ્યૂશન ક્લાસમાં અઢળક નાણાં કમાય છે, પણ રોબિન શર્માનું દુનિયાએ સ્વાગત કર્યું હતું, ‘ધ મન્ક હું સોલ્ડ હિસ ફરારી’ નામના પુસ્તકથી. શિવ ખેરા ટ્રેઇનિંગના ક્ષેત્રનો જંગ જીતી શક્યા છે એમના મહત્વાકાંક્ષી અને સફળ પુસ્તક ‘યુ કેન વિન’ થકી. યસ ડિયર, ‘યુ કેન વિન’ લખવાની મહેનત મૂળિયાં મજબૂત કરવાની વાત છે...

આજકાલ વાંચેબલ લેખક એમ ને એમ નથી થવાતું, લીલાબેન! હજારો રૂપિયાના પુસ્તકો લાખો કલાકોનું વાંચન અને કરોડો ક્ષણોના ચિંતનના ઇન્વેસ્ટમેન્ટ પછી લોકોને વાંચવા લાયક લખી શકાય છે. પ્રથમ પુસ્તક પ્રકાશિત કરવા જાવ ત્યારે એમ નથી પુછાતું કે કેટલા રૂપિયા મળશે, ઉપરથી પ્રકાશક તરફથી સાંભળવાનું હોય છે કે તમે પુસ્તકની કેટલી કોપીઓ ખરીદશો! અને લાલાશેઠ, મૂળિયાં મજબૂત બનાવવાના ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન પેઠે એ લેખક લાખ રૂપિયા લે છે તો આકાશ તૂટી નથી પડતું.

ધ પોઇન્ટ ઇઝ, તમે જે પણ ક્ષેત્ર પસંદ કર્યું હોય કે કોઇ પણ ક્ષેત્રે તમને પસંદ કર્યા હોય, એમાં એવી મહારત પ્રાપ્ત કરો, કૌશલ્યને ધારદાર કરી એવી સજજતા કેળવો કે ચેલેન્જના દિવસે તમે ચેલેન્જ સ્વીકારવા તૈયાર હો. અને કુદરત તક નથી આપતી, એ બધી બકવાસ વાતો છે. કુદરત ચેલેન્જ કરે છે. અને અમેરેકન લેખક હેમિંગ્વે કહે છે એમ મારે નસીબદાર નથી થવું, મારે પરફેક્ટ થવું છે... કારણકે નસીબદાર થવાનું આપણા હાથમાં નથી.

જે તે ફિલ્ડમાં પરફેકશન કેળવવાથી જે દિવસે નસીબ સાથ આપે છે ત્યારે તમે તૈયાર હો છો. બાકી આંધળાની આગળથી ભગવાન સ્વયં પસાર થાય તોય શું? રઘુ રામનનો શબ્દ પ્રયોજી કહું તો ‘ફન્ડા’ એ છે કે આપણે માત્ર વૃક્ષના મૂળિયાં મજબૂત કરી શકીએ. વૃક્ષ ઊગશે જ અને પછી એ વૃક્ષ નવું આકાશ શોધી જ લેશે. વૃક્ષનું પોતીકું આકાશ છે જ અને નવા આકાશનો અવકાશ છે જ... હા, મૂળિયાં મજબૂત થયા હશે તો અને તો જ.‘

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ:‘હસો અને વિશ્વ તમારી સાથે હસશે. નસકોરાં બોલાવો, અને તમે એકલા ઉંઘશો! -એન્થોની બર્ગેસ

No comments:

Post a Comment