August 18, 2010

જીવન એટલે શું?


વિજ્ઞાની ક્રેગ વેન્ટર અને તેની ટીમે પંદર વર્ષની જહેમતને અંતે ડીએનએના નાના નાના ટુકડાઓની રચના કરી. તે ટુકડા જોડીને લાંબી ડીએનએની કૃત્રિમ લૂપ બનાવી, જે આજ સુધી આવી સહુથી લાંબી છે. મૂળ કોષના ડીએનએની જગાએ આ નવું ડીએનએ તેમણે મૂકી દીધું અને કોષે તે સ્વીકારી લીધું!

સજીવ એટલે શું? અને નિર્જિવ એટલે શું? જડ પદાર્થ અને ચેતન વચ્ચે શું તફાવત છે? માણસનું મન અને ચેતના તે શું છે? મન, અંત:કરણ, અથવા જેને ‘માઇન્ડ’ કહીએ છીએ તેવું કંઇ ખરેખર અસ્તિત્વ ધરાવે છે, કે પછી આ બધી આપણને જે લાગણીઓ, અનુભવ વિચાર વગેરે જે થાય છે તે કેવળ મગજના ન્યુરોન કોષોની જ રમત અને માયાજાળ છે? આ અને આવા પ્રશ્નો આજે જીવવિજ્ઞાન, સાયકોલોજી કે તત્વજ્ઞાન-ફિલોસોફીમાં પણ ભારે મહત્વના બની ગયા છે. ખાસ કરીને, આજે જીવવિજ્ઞાનના ક્ષેત્રે થઇ રહેલા નવા નવા પ્રયોગો આ વિશે અનેકવિધ નવા દ્રષ્ટિકોણ અને માહિતી ઊભી કરી રહ્યા છે.

આજે આધુનિક મનોવિજ્ઞાનને પૂછો કે ‘માઇન્ડ’ એટલે શું, તો તેઓ કહેશે કે ‘નેવર માઇન્ડ’! એટલે કે આજની સાયકોલોજીને માનવ મન એટલે શું આ વિશે ખાસ કંઇ ખબર નથી. તેઓ તો એવું સાદું સમીકરણ માંડે છે કે માનવ મગજના બધા અને સમગ્ર કાર્યનો સરવાળો એટલે મન. તેઓ મગજ અને તેના કોષ, તેમના વચ્ચેના જોડાણો અને તેના રસાયણોથી આગળ વધતા નથી.

વિજ્ઞાનીઓનો એક એવો સમૂહ આજે છે જે એવું પણ માને છે કે માણસની અંદર મન જેવું કે ચેતના જેવું સ્વતંત્ર કંઇ જ અસ્તિત્વ ધરાવતું નથી. આપણું મગજ કરોડો કરોડો ન્યુરોન કોષનું બનેલું છે. આ કોષ વચ્ચેના વળી જે અગણિત જોડાણો છે, અને તેમના વચ્ચે જે પ્રક્રિયાઓ ચાલે છે તેના કારણે જ ‘ચેતના’, અથવા જેને ‘કોન્શિયસનેસ’ કહેવાય છે તેનો એક ભ્રમ અથવા આભાસ ઊભો થાય છે તેવું આ વિજ્ઞાનીઓ અથવા ઘણા વિચારકો પણ માને છે.

એ તો જે હોય તે, અને આ ચર્ચાઓ ચાલતી રહેવાની. પણ દરમિયાનમાં જીવવિજ્ઞાનમાં થતા કેટલાયે રસપ્રદ પ્રયોગો આ મૂળભૂત પ્રશ્ન વિશે નવા નવા દ્રષ્ટિકોણ આપે છે અને વિકસાવતા જાય છે. તાજેતરમાં અમેરિકી વિજ્ઞાની ક્રેગ વેન્ટર અને તેના સાથીદારોએ આવો જ એક ભારે રસપ્રદ પ્રયોગ કર્યો છે. આપણું શરીર અબજો કોષનું બનેલું છે. આવા એક એક કોષમાં પણ લાખો અબજો પ્રક્રિયાઓ સતત ચાલ્યા કરે છે, જે આપણા જીવનનો આધાર છે. પણ સૃષ્ટિના કેટલાયે જીવ તો એટલા સૂક્ષ્મ હોય છે કે જે માત્ર થોડા જ કોષોના બનેલા હોય છે. તેમાંય ઘણા બેક્ટેરિયા તો વળી કેવળ એક-કોષી પ્રાણીઓ જ હોય છે.

આવા દરેક કોષના કેન્દ્રસ્થાને ‘ડીએનએ’ નામના અણુઓ રહેલા હોય છે. આવો એક એક અણુ પણ બીજા લાખો પરમાણુઓનો બનેલો હોય છે. ખરેખર તો તે એક શ્રૃંખલા સ્વરૂપે જ હોય છે અને બે સાપ એક બીજાને વીંટળાયેલા હોય તેવો તેનો આકાર છે. કોષનું આગળનું કામકાજ કેમ ચાલે, અથવા તેનો ભવિષ્યનો વિકાસ કેમ થાય તે અંગેની સઘળી જીનેટિક માહિતી અથવા સૂચનાઓ આ ડીએનએ અણુઓમાં સંગ્રહાયેલી હોય છે. આ અણુનું મુખ્ય કાર્ય જ લાંબા સમય માટેની માહિતી અને સૂચનાઓનો સંગ્રહનું છે. એટલે, ગમે તે પ્રાણીનો જન્મ, તેનો આગળનો વિકાસ અને તેના દેહના કાર્યો વગેરે કેમ ચાલશે આ બધી માહિતી પ્રાણીનો જન્મ થતા, તેના કોષોમાં રહેલા ડીએનએમાં જ એકત્ર હોય છે. ડીએનએના એવા ભાગ જ્યાં આ માહિતી ભેગી થયેલી હોય તેને ‘જીન્સ’ કહેવાય છે.

હવે વેન્ટર અને તેની ટીમે પંદર વર્ષની જહેમતને અંતે જે કામ કર્યું તે આ હતું. તેમણે પ્રયોગશાળામાં રસાયણોની મદદથી પહેલાં તો ડીએનએના નાના નાના ટુકડાઓની રચના કરી. પછી તે બધા ટુકડાઓ જોડીને લાંબી ડીએનએની કૃત્રિમ લૂપ બનાવી, જે આજ સુધી બનાવેલા આવા તાંતણાઓમાં સહુથી લાંબી છે. હવે એક કોષ જ પહેલાં જ અસ્તિત્વમાં હતો, તેનું અંદરનું મૂળ ડીએનએ તેમણે કાઢી લીધેલું હતું. તેની જગાએ આ નવું ડીએનએ તેમણે મૂકી દીધું. અને રસપ્રદ ઘટના એ થઇ કે કોષે તે સ્વીકારી લીધું અને આ કોષનું વિભાજન થવા લાગીને બેક્ટેરિયાની આખી એક નવી જ કોલોની રચાઇ ગઇ.

જીવવિજ્ઞાનના કોઇ પણ આવા નવા પ્રયોગ થાય ત્યારે તેના વિશે ઘણી ચર્ચાઓ અવશ્ય થાય જ. કેટલાક લોકો એમ કહેવા લાગ્યા છે કે આ તો માણસે ભગવાનનું કામ કર્યું અને પ્રયોગશાળામાં જીવનની રચના કરી દીધી અને પછી અલબત્ત, એવી ચેતવણીઓ પણ અપાય છે કે આમાંથી તો ભારે વિનાશી પરિણામો આવશે અને આપણને આજે ખબર પણ નથી એવા ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ પ્રયોગશાળામાંથી ઉત્પન્ન થશે! પણ બીજા ઘણા વિજ્ઞાનીઓ એમ કહે છે કે આ પ્રકારના પ્રયોગોની જાણકારી આપણને પહેલાં પણ હતી જ.

ટેક્નોલોજીની દ્રષ્ટિએ આ એક સારી પ્રગતિ છે, પણ તેમાં કઇ નવા જીવનની રચના થઇ ગઇ તેવું કંઇ નથી. આ તો તેના જેવું છે કે એક માણસનું મૂળ હૃદય કાઢી લો અને પછી તેના સ્થાને નવું હૃદય મૂકો અને તે હૃદય બરાબર કામ કરવા લાગે તેવી આ વાત છે. આપણે કોષને માટે એક કૃત્રિમ અંગની રચના કરી જે તેનું ડીએનએ હતું અને તે બરાબર ચાલવા લાગ્યું અને કોષે તેની વિભાજનની પ્રક્રિયા આગળ ધપાવી.

વેન્ટર પોતે કહે છે કે આ કાર્યનો આગળ જતા પર્યાવરણને સાફ કરતા બેક્ટેરિયા બનાવવામાં ઉપયોગ કરી શકાય. આજે વૈશ્વિક તાપમાનના વધારા માટે મોટાભાગે અંગાર વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડને જવાબદાર મનાય છે. તેને સાફ કરવા માટેની આલ્ગી અથવા બેક્ટેરિયા બનાવવા માટે આવી પ્રક્રિયાઓનો ઉપયોગ થઇ શકે. વળી, કૃત્રિમ બાયો-ફ્યુઅલ બનાવવાની પણ એક વાત આમાંથી આવે છે.

જોકે આ બધી અત્યારે તો બહુ લાંબા ગાળાની વાતો કહેવાય અને તે ક્યારે થાય તે કહી શકાય તેવું નથી. પણ આવા સંશોધનોના નૈતિક પાસાંની ચર્ચા પણ પશ્ચિમમાં તો ઘણી થાય છે. અનેક સંસ્થાઓ ત્યાં એવી પણ બની છે જે આધુનિક શોધોની માનવ અસ્તિત્વ પર થનારી સારી કે ખરાબ અસરોના વિગતે લેખ-જોખા કરે છે. કેનેડાની આવી એક સંસ્થા ઇટીસી ગ્રૂપનું કહેવું છે કે આવા સંશોધનો આપણને એવા પ્રશ્નોમાં દોરી જશે જેનો સમાજ કે સરકારો પાસે કોઇ ઉકેલ નહીં હોય.

પણ એ બધી વાત ફરી ક્યારેક કરીશું. અત્યારે તો આ વિજ્ઞાની ક્રેગ વેન્ટર વિશે જાણવા જેવી એક અતિ રસપ્રદ વાત કરી લઇએ. ખરેખર પહેલા તો તે એક રમત-ગમતનો શોખીન અને એવો ઠોઠ વિદ્યાર્થી હતો જેને હાઇસ્કૂલમાંથી લગભગ કાઢી મૂકેલો! તેને વિજ્ઞાન કે સંશોધન સાથે કંઇ લેવા-દેવા પણ નહોતી. પછી તે સેનામાં ભરતી થઇ ગયો અને વિએતનામ યુદ્ધમાં ગયો. ત્યાં લડાઇના મેદાનોમાં ખેલાતું જીવન-મૃત્યુનું દ્વંદ્વ અને મૃતદેહો અને વિનાશ જોઇને તેણે નક્કી કર્યું કે મારે તો માનવજાતિને માટે કંઇક કરવું છે અને જીવનની પળેપળનો સદુપયોગ કરવો છે. પછી તે મેડિકલ ક્ષેત્રે જોડાયો અને તેમાંથી જીવવિજ્ઞાનના સંશોધન તરફ વળ્યો! અલબત્ત તેમાં તેણે આજે અનેક રસપ્રદ અને ઉપયોગી પ્રદાનો કર્યા છે તેમાં શંકા નથી.

અહીં ખાસ સમજવા જેવી વાત એ છે કે આ બધું ત્યારે જ શક્ય બન્યું જ્યારે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં અતિ સરળતાથી જઇ શકાય તેવી કેળવણી પ્રથા વેન્ટરને મળી. આપણી અહીંની શિક્ષણ પ્રથામાં આવું જરાય આજે પણ શક્ય નથી. આપણા દેશની ઘોર કમનસીબી એ છે કે આજે આઝાદીના સાઠ વર્ષ પછી પણ આપણે કેવળ ગુલામ મનોદશામાં જીવી રહ્યા છીએ અને આપણા ભયંકર રીતે જડ તથા મૂર્ખ કેળવણીકારો તથા વહીવટી અધિકારીઓએ યુવાનોની અનેક પેઢીઓનો ભોગ લઇ લીધો છે.

આપણા ઉદ્યોગપતિઓ તથા રાજકારણીઓને તો પોતાના સત્તા તથા પૈસાના ખેલોમાંથી આ તરફ નજર માંડવાનો પણ સમય નથી. અંગ્રેજોએ પોતાના વહીવટ માટે કારકુનો પેદા કરવા માટે બનાવેલી શિક્ષણ પ્રથામાંથી આજે આપણે ડગલું પણ આગળ માંડી શક્યા નથી! ખરેખર જોઇએ તો આજે આપણી પાસે આપણી ‘સંસ્કૃતિ’ અને આપણા ‘ભવ્ય વારસા’ના મિથ્યાભિમાન સિવાય કશું જ નથી! ક્રેગ વેન્ટરનું જીવન અને તેના દાખલામાંથી કંઇ શીખીશું?

No comments:

Post a Comment