August 19, 2010

કંપની માંદી પડે ત્યારે..

માંદી કંપની એટલે શું? માંદગી હોય તો રિકવરી કે રિવાઈવલ પણ હોવાં જોઈએ. કોર્પોરેટ અને માર્કેટમાં રિસ્ટ્રક્ચરિંગ અને રિહેબિલિટેશન જેવા શબ્દ પણ વારંવાર સાંભળવા-વાંચવા મળે છે. સેલિંગ પ્રેશર શબ્દ તો બજારને ખૂબ ડરાવતો હોય છે. આમ તો બબલથી પણ બજાર બહુ ડરે . શેરબજારની શબ્દયાત્રા આગળ ચલાવીએ...

સ્વીટ (સ્વેટ) ઇક્વિટી: આઇપીએલ મેચ વખતે બહાર આવેલા વિવાદ દરમિયાન આ શબ્દ થોડો ચર્ચામાં આવ્યો હતો. જોકે શેરબજારમાં કે આર્થિક જગતમાં તો આ શબ્દ વર્ષોથી જાણીતો છે. કંપની જયારે પોતાના કર્મચારીઓને અથવા ડિરેકટરોને ફેવરેબલ (તેમની તરફેણમાં હોય એવી) શરતો પર ઇક્વિટી શેરો આપે ત્યારે તેને સ્વીટ (સ્વેટ) ઇક્વિટી કહે છે. સામાન્ય રીતે સ્વીટ (સ્વેટ) ઇક્વિટી કર્મચારી કે ડિરેકટરોની સારી કામગીરીની સરાહનારૂપે અપાતી હોવાથી તે ડિસ્કાઉન્ટમાં અપાય છે અથવા પછી ઇન્ટેલકયુઅલ પ્રોપર્ટી રાઇટ કે અન્ય કોઇ સ્વરૂપે અપાય છે. એ જુદી વાત છે કે આવી સ્વીટ ઇક્વિટીના નામે કંપનીઓ પોતાનાં હિતના બીજાં કામો પણ પાર પાડી લેતી હોય છે.

રિસ્ટ્રક્ચરિંગ: આનો સાદો અર્થ છે પુન: ઘડતર. કોર્પોરેટ ભાષામાં કહીએ તો જયારે કંપની તેના માળખામાં ચોક્કસ કારણોસર ફેરફાર કરે તેને રિસ્ટ્રક્ચરિંગ કહે છે. કંપની મેનેજમેન્ટ ખોટ ઓછી કરવા કે ભૂંસવા, નફો વધારવા, નવા પ્લાન હાથ ધરવા વગેરે સહિતનાં અનેકવિધ કારણસર રિસ્ટ્રક્ચરિંગ હાથ ધરે છે. રોકાણકારોએ આ કારણો જાણીને સમજવાં જોઇએ. સામાન્યપણે કંઇક બહેતર કરવા માટે જ રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવતું હોય છે. કોઇ કંપનીનું રિસ્ટ્રક્ચરિંગ થઇ રહ્યું હોવાનું જાણો ત્યારે કંપનીની સ્થિતિ હાલ છે એના કરતાં સારી થવાની છે અથવા બગડતી અટકવાની છે એવી આશા સામાન્યપણે રાખી શકાય.

સીક કંપની: સીક કંપની એટલે બીમાર કંપની કે માંદી કંપની. જો કે કંપનીધારામાં માંદી કંપનીની વ્યાખ્યા પ્રમાણે, જયારે કોેઈ કંપનીની નેટવર્થ ધોવાઇ જાય એટલે કે તેની મૂડી સહિત અન્ય ચોક્કસ એસેટસનાં મૂલ્ય કરતાં ખોટ વધી જાય ત્યારે કંપની આર્થિક દ્રષ્ટિએ માંદી છે એમ કહેવાય. કંપની માંદી એટલે કે નબળી પડે ત્યારે તેનો ઇલાજ થઇ શકતો હોય છે. પ્રમોટરો વધુ નાણાં કંપનીમાં લાવે કે અન્ય પ્રમોટરો તેના સહભાગી થાય કે તેને હસ્તગત કરી લે તો પણ બીમારીનો ઇલાજ સંભવ બને છે. માંદી જાહેર થયેલી કંપનીને બીઆઇએફઆર (બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્સિયલ રિકન્સ્ટ્રકશન) સમક્ષ લઇ જવામાં આવે છે.

આ બોર્ડ કંપનીની સ્થિતિ અને તેના ઇલાજની સંભાવના ચકાસીને તેના ઉપાય સૂચવે છે. બોર્ડને કોઇ આશા ન દેખાય કે પછી કંપનીને કોઇ સહારો ન મળે તો બોર્ડ તેને અમુક સમય આપી વાઇન્ડિંગ અપ (સમેટી લેવા)ની સલાહ પણ આપી શકે છે. રોકાણકારોએ આવી કંપનીઓ પર બે દ્રષ્ટિએ નજર રાખવી જોઇએ. એક જો તેની રિકવરીની સંભાવના દેખાય તો તેના શેરો નીચા ભાવે ખરીદી લેવા જોઇએ અથવા સમેટાઇ જવાની શકયતા દેખાય તો પહેલી તકે જે ભાવ મળે તે લઈને નીકળી જવું જોઇએ.

રિહેબિલિટેશન અથવા રિવાઇવલ: રિસ્ટ્રક્ચરિંગથી સહેજ જુદો આ શબ્દ છે, જે કંપનીનાં પુનરુત્થાન માટે વપરાય છે. કંપની સાવ જ કંગાળ સ્થિતિમાં પહોંચીને માંદી પડી હોય ત્યારે કંપનીનાં પુનરુત્થાનની શકયતા ચકાસવાની શરૂ થાય છે. બીઆઇએફઆર (બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્સિયલ રિકન્સ્ટ્રકશન) પુનરુત્થાનની સંભાવના અંગે પોતાનો મત આપે છે અને કંપનીના માલિકો-મેનેજમેન્ટની વાત સાંભળે પણ છે, તેમને પૂરતો સમય આપે છે.

આ પ્રકારની કંપનીઓનાં પુનરુત્થાનની પ્રોસેસ પર પણ રોકાણકારોએ ઘ્યાન આપવું જોઇએ અને તેના આધારે રોકાણનો નિર્ણય લેવો જોઇએ. અલબત્ત, માંદી પરંતુ પુનરુત્થાનની સંભાવના ધરાવતી કંપનીઓના શેરના ભાવ સાવ નીચે ગયા હોય છે, તેના સોદા પણ ભાગ્યે જ પડે છે, કિંતુ જો તેને રિવાઇવ કરવા કોઇ મજબૂત ગ્રુપ તૈયાર થઇ જાય તો કંપનીના શેરના ભાવ પણ રિકવર થઇ શકે છે. તેથી આવી કંપનીઓમાં ચોક્કસ જોખમો સાથે રોકણની તકો પણ સર્જાતી હોય છે.

સેલિંગ પ્રેશર: શેરબજારમાં આ શબ્દ જાણીતો અને ગભરાટ ફેલાવનારો છે. આનો અર્થ છે વેચવાલીનું દબાણ. જયારે શેરબજારમાં સતત કે મોટેપાયે શેરો વેચાતા હોય ત્યારે તેને બજાર સેલિંગ પ્રેશર કહે છે, જે માર્કેટ મંદીમાં હોવાનો નિર્દેશ કરે છે. આ વેચવાલીનું દબાણ ઓવરઓલ માર્કેટનું હોઇ શકે અથવા એફઆઇઆઇ કે મ્યુચ્યુઅલ ફંડ જેવા ચોક્કસ વર્ગનું પણ હોઇ શકે છે, માત્ર ચોક્કસ વર્ગ તરફથી સેલિંગ પ્રેશર હોય ત્યારે બહુ ચિંતા ન હોય પણ બધા જ વેચાણ કરતાં હોય તો મામલો વધુ ચિંતાનો બની જાય છે.

ગાઇડલાઇન: માર્ગદર્શિકા. સેબી શેરબજારો અથવા બજારના મઘ્યસ્થીઓ માટે જયારે નીતિનિયમો બહાર પાડે કે સુધારે ત્યારે ઘણા કિસ્સામાં માર્ગદર્શિકા પણ પ્રકાશિત કરતી હોય છે. બજારો કે મઘ્યસ્થીઓએ તેનું પાલન કરવાનું હોય છે. ગાઈડલાઈનને બીજા શબ્દોમાં શરતો અથવા ધોરણો પણ કહી શકાય.

ડિસ્કલોઝર્સ: આ શબ્દ સેબીના નીતિ-નિયમોથી માંડી શેરબજારો અને અન્ય તમામ નીતિ-નિયમોમાં ઉલ્લેખ પામતો હોય છે. ડિસ્કલોઝર એટલે ડિસ્કલોઝ કરવું, જાહેરાત કરવી. આ શબ્દનું મૂડીબજાર કે ઓવરઓલ ફાઇનાન્સિયલ માર્કેટમાં ખાસ્સું મહત્વ છે. ડિસ્કલોઝરના આધારે જ રોકાણ સંબંધિત નિર્ણયો લેવાતા હોય છે, મંજૂરીઓ અપાતી હોય છે. રોકાણકાર વર્ગને કે પ્રજાને કંપની વિષે, મઘ્યસ્થી વિષે પૂરેપૂરી અથવા વ્યાપક જાણકારી મળે એ હેતુથી સેબી કે શેરબજારો જે-તે વિષયોમાં ડિસ્કલોઝર્સના નિયમો-ધોરણો ઘડે છે.

અમુક માહિતી તો જાહેર થવી જ જોઇએ. ખાસ કરીને રોકાણ સંબંધિત નિર્ણય લેવા માટે આ બાબતનું વિશેષ મહત્વ હોવાથી સેબી આઇપીઓ, કંપનીઓનાં પરિણામો કે અન્ય બાબતોમાં ડિસ્કલોઝર્સનો આગ્રહ રાખે છે, જેથી રોકાણકારો જરૂરી બાબતથી માહિતગાર બન્યા પછી જ પૈસા ઈન્વેસ્ટ કરવા કે નહીં તે બાબતનો નિર્ણય લઇ શકે.

બબલ: છેલ્લાં અમુક વર્ષથી આ શબ્દ વિશ્વભરમાં ચર્ચામાં રહ્યો છે. શેરબજારમાં કોઇપણ પ્રકરણ બહુ ચગે ને પછી ફૂટે ત્યારે બબલ બસ્ર્ટ થયો એમ કહેવાય છે. બબલ એટલે ફુગ્ગો અને બબલ બસ્ર્ટ એટલે ફુગ્ગો ફૂટી જવો. કોઇપણ શેરના ભાવનો ફુગ્ગો વધુપડતો ફુલાવવામાં આવે ત્યારે એક હદની બહાર જતાં તે ફાટી જતો હોય છે. આમ બજારમાં તેજીનો ફુગ્ગો જયારે ફાટી જાય છે ત્યારે બબલ બસ્ર્ટ થયો ગણાય છે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આ શબ્દ વધુ પ્રચલિત છે.

ઇસ્યૂઅર: સિક્યોરિટીઝ ઇસ્યૂ કરનાર (બહાર પાડનાર) કંપની કે સંસ્થાને ઇસ્યૂઅર કહે છે. સાદો અર્થ છે શેર-સિક્યોરિટીઝ ઈસ્યૂ કરનાર કંપની કે સંસ્થા.

No comments:

Post a Comment