August 31, 2012

આજના કર્મચારી અણગમાની અનુભૂતિ શા માટે કરે છે ?


દરેક વ્યક્તિને પોતાની એક આગવી ઓળખ અને સમાજ હોય છે. આજે એક કંપનીમાં કામ કરતો કર્મચારીને જો આદર, માન અને તેની બુદ્ધિક્ષમતાની કદર કરવામાં ના આવે તો તે કર્મચારી નિરાશા અનુભવશે અને તેમનામાં આગળ કામ કરવાનો જુસ્સો રહેશે નહિ. આજે એક ખાનગી કંપનીનો કર્મચારી મારી પાસે આવ્યો અને કહ્યું કે "દિપકભાઈ મારે એક તકલીફ છે." મેં કહ્યું કે  આટલી સારી મોટી કંપનીમાં સારા હોદ્દા ઉપર જોબ કરો છો અને તકલીફ ? એમણે કહ્યું કે મોટા હોદ્દા ઉપર હોવાથી આજ ગેર ફાયદો છે. જો નાની કંપની હોત તો આજે મારા કામની કદર થતી હોત. મેં કહ્યું કે ભાઈ તું મને વિસ્તારથી કહે કે તને પ્રોબ્લેમ શું છે ?

એમણે મને કહ્યું કે "મારા ઉપરી અધિકારી મારા કામની કદર કરતા નથી." હું એકદમ ખડખડાક હસવા માંડ્યો કે શું વાત  કરે છે ? એમણે કહ્યું કે હા તમને ભલે હસવું આવતું હોય પરંતુ મારી વાત એકદમ સાચી છે. મેં કહ્યું કે શા માટે આવું થાય છે ? જો તું મને જણાવીશ નહિ તો હું તને કેમ મદદ કરીશ ?

એમની સ્ટોરી કંઈક આવી હતી.. આજથી બરાબર ૩ વર્ષ પહેલા હું એક મોટી ખાનગી કંપનીમાં મેનેજર તરીકે જોડાયો અને મારા ઉપરી અધિકારી અને બીજા વિભાગોના કર્મચારીઓએ મને ખુબ જ વધાવ્યો કે તમારી છેલ્લી કંપનીમાં તમારું કામ એકદમ સરસ હતું એવી માહિતી અમોને મળી છે. તમને અમારી કંપનીમાં જોડવા બદલ ખુબ ખુબ અભિનંદન.  હું તો એકદમ ખુશ થઇ ગયો કે વાહ આજ કંપનીની મને તલાશ હતી. 

અહિયાં તો એકદમ મોટીવેશનવાળું વાતાવરણ છે. આ જ કંપની એકદમ શ્રેષ્ઠ છે. અને એ જ જુસ્સામાં ને જુસ્સામાં હું ખુબ જ મહેનત કરવા લાગ્યો અને કામના કલાકો કરતા વધારે કલાકો આ જ કંપનીને હું આપવા માંડ્યો. શરૂઆતમાં ૨ વર્ષ સુધી મારું એકદમ જોરદાર પરફોર્મન્સ રહ્યું અને પછી ધીરે ધીરે મને કંપનીના મેનેજમેન્ટમાં અને ચેરમેન સાથે કામ કરવાનો મોકો મળ્યો અને હું મારી જાતને એકદમ નસીબદાર માનવા લાગ્યો. પરંતુ એક ફિલ્મમાં બરાબર કહ્યું છે કે સુખના સમયે મળતું વધારે સુખ ક્યારેક દુખ આપે છે અને બસ એ જ વસ્તુ મારી સાથે થઇ.

એક બહુ જ મોટું કઠીન કામ મને સોંપવામાં આવ્યું અને એ કામ મારે મારા ઉપરી અધિકારી સાથે મળીને કરવાનું હતું. પરંતુ મારા ઉપરી અધિકારીને આ કામ એકદમ નિમ્ન કક્ષાનું લાગ્યું અને મને કહ્યું કે તું જાતે જ આ કામ પતાવી દે મને સમય નથી. મેં કહ્યું કે સાહેબ આ કામ આપણને બંનેને ચેરમેન સાહેબની ઓફીસ માંથી મળેલ છે અને જો હું એકલો આ કામ ઉપર ધ્યાન રાખીશ અને કશી ભૂલ થશે તો આપણા બંનેનો મરો થશે. તો ઉલટાનું મને એમ કહેવામાં આવ્યું કે તું જરા પણ ચિંતા ના કરીશ હું તારી સાથે જ છું. કશો જ પ્રોબ્લેમ નહિ થાય. આવા કામો તો મેં ઘણા કરેલા છે તું નવો છો એટલે તને એવું લાગે છે. હું તો વધારે ઉત્સાહમાં આવી ગયો અને મારી જાતને વધારે નસીબવાળી ગણવા લાગી કેમ કે મારા સાહેબ મારી સાથે હતા.

હવે બન્યું એવું કે મારા ઉપરી અધિકારી તબિયત ખરાબ હોવાથી ૧૦ દિવસની રજા ઉપર ઉતરી ગયા અને અમને જે કામ સોંપવામાં આવેલ હતું એમાં થોડો પ્રોબ્લેમ ચેરમેન સાહેબની ઓફીસ માંથી આવ્યો. હું એકદમ ચિંતામાં આવી ગયો કે હવે પતી ગયું અને મેં તરત મારા ઉપરી અધિકારીને ફોન ઉપર જાણ કરી કે સાહેબ ચેરમેન સાહેબે સોંપેલું કામ તેમણે અટકાવી દીધું છે અને મેં જે કામ આગળ ધરેલું એ લોકો હવે પૈસા માંગે છે તો શું કરું ? મારા સાહેબે કહ્યું કે ભાઈ "તને ખબર છે કે મારી તબિયત સારી નથી તો તું શા માટે આ વાત જણાવે છે?" હું સારો થઈશ પછી વાત કરીશું. મેં કહ્ય કે સાહેબ એ લોકો તો એમ કહે છે કે અમારા કામના પૈસા આપી દો. તમારા માલિકે કામ કરવાની ના પાડી એમાં અમારો શું દોષ ? અમે તો તમે કહેલું એ પ્રમાણે કામ કરેલું જ છે ને ?

આખરે કોઈ જ ઉપાય ન નજરે આવતા મેં હિંમત એકઠી કરીને ચેરમેન સાહેબને મળવા ગયો અને કહ્યું કે સાહેબ તમારી મંજુરીથી આ કામ ચાલુ કરેલ હતું અને તમારી પરવાનગીથી જ આ કામ બંધ થયું છે અને આપણા માણસો હવે કરેલ કામના પૈસા માંગે છે. મેં મારા સાહેબને વાત કરી પરંતુ મારા સાહેબ એમ કહે છે કે હું સાજો થઈશ પછી વાત કરીશ. આપ જ મને યોગ્ય રસ્તો બતાવો. આટલું બોલ્યા પછી ચેરમેન સાહેબે એમના સેક્રેટરીને બોલાવીને કહ્યું કે આ ભાઈ કોણ છે ? હું તો એકદમ અચંબામાં આવી ગયો અને મેં કહ્યું કે સાહેબ તમે મને ભૂલી ગયા ? હું આજ જ કંપનીમાં કામ કરતો તમારો એક કર્મચારી છું અને તમે જ મને અને મારા સાહેબને આ કામ કરવા માટે બોલાવેલા.

ચેરમેન સાહેબે કહ્યું કે જો ભાઈ મને આવા કશા જ કામની ખબર નથી અને પહેલી વસ્તુ એ કે તારે તારા સાહેબ જયારે પણ આવે ત્યારે ચર્ચા કરીને જો એ ના પડે તો મારી પાસે આવવું જોઈએ આમ અચાનક આવીને પૈસા માગવા એ યોગ્ય વસ્તુ નથી લાગતી મને. તને કંપનીના કોઈ કાયદાની કે પ્રોસેસની ખબર જ નથી. હું તો એકદમ ડઘાઈ ગયો કે હવે શું થશે ? નાની રકમ હોય તો હું આપી દઉં પરંતુ આ તો બે કરોડ રૂપિયાનો સવાલ છે. હું ક્યાંથી લાવું?

મેં તરત જ મારા એક વિભાગના વડીલની સલાહ લીધી અને એમણે મને કહ્યું કે ભાઈ તું આ કંપનીમાં નવો લાગે છે? મેં કહ્યું કે ના મને તો બે વર્ષ થયા છે. એમણે મને કહ્યું કે મારે આ કંપનીમાં ૨૫ વર્ષ થયા છે અને જયારે પણ હું પૈસા માગું છું ત્યારે મારા ઉપરી અધિકારી બીમારીની રજાનું બહાનું લઈને રજા ઉપર ઉતરી જાય છે. મને આંચકો લાગ્યો કે હે, શું વાત કરો છો? એનો મતલબ એમ કે આ બધું પહેલેથી જ નક્કી હતું? એમણે મને કહ્યું કે હવે તને ખબર પાડી કે શા માટે શરૂઆતમાં લોકો તારા વખાણ કરતા હતા ? તું એમના વખાણથી અંજાઈ ગયો અને હવે ફસાઈ ગયો. હવે તો આ કેસનો તારે જ નિકાલ કરવો પડશે.

દિપકભાઈ, મારે હવે શું કરવું ? નોકરી કરવી, ઘરમાં ધ્યાન રાખવું કે પછી બે કરોડ રૂપિયા કારીગરોને આપવા ?

મેં કહું કે ભાઈ, જો આ કોર્પોરેટ વર્લ્ડમાં દરેક વસ્તુમાં ન્યાય મળે એ જરૂરી નથી. આજે પણ ઘણી બધી એવી પ્રખ્યાત કંપનીઓ છે કે જે પૈસા આપવાના મામલે ઠાગા-ઠૈયા કરે છે. તને શું લાગે છે કે તારે શું કરવું જોઈએ

દિપકભાઈ, મને તો ખબર જ નથી પડતી કે મારે શું કરવું ? નથી મારા ઉપરી અધિકારી સાથ આપતા કે નથી કંપનીના માલિક. હું આટલા બધા પૈસા કેમ અને ક્યાંથી લાવું ?
મેં કહ્યું કે એક કામ કર - સૌ પ્રથમ તું તારી કંપનીમાંથી રાજીનામું આપી દે અને તારી જવાબદારીમાંથી મુક્ત થઇ જા. પછી રાજીનામું આપતી વખતે તું એમાં લખજે કે આ કામ એ ચેરમેન સાહેબે મને અને મારા ઉપરી અધિકારીને સોંપેલું પરંતુ મને હવે સારી જગ્યાએ વધારે પગારથી નોકરી મળી ગયી હોવાથી આ જવાબદારી હું મારા ઉપરી અધિકારીને સોંપીને જાઉં છું. એમની એક કોપી ચેરમેન સાહેબની ઓફિસમાં, એક કોપી જે કંપનીના પૈસા બાકી છે એ સાહેબની ચેમ્બરમાં અને એક કોપી તું એચ આર વિભાગમાં જમા કરાવીને મુક્ત થા.

થોડા દિવસ પછી એ મારી પાસે પાછો આવ્યો કે દિપકભાઈ તમે કહેલું એમ મેં કરેલું અને મારી નોકરીમાંથી હવે મુક્ત થયો. પરંતુ પાછી એક મોટી ચિંતા આવી ગયી છે અને તે છે - બીજી નોકરી શોધવાની. મેં કહ્યું કે શાંતિ રાખ. બીજી નોકરી પણ તને મળી જશે. થોડી ધીરજ રાખ અને ઉતાવળિયો નિર્ણય ક્યારેય ના લેતો. 

વસ્તુ છે કે શા માટે આજે મોટા કક્ષાની કંપનીઓ પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર હોતા નથી ? આટલા બધા પૈસા કમાઈને જો ખોટું કામ કરવું જ હોય તો એક હોશિયાર કર્મચારીનો ભોગ શા માટે લેવો ?

આજે તેમને પુણેમાં બહુ જ સરસ કંપનીમાં નોકરી મળી ગયી છે અને તેને હમણાં જ પ્રમોશન મળ્યું છે. મને એમણે જૂની વાત યાદ કરાવી એટલે આજે આ કિસ્સો મેં તમારી સમક્ષ મુક્યો.

No comments:

Post a Comment