January 6, 2012

ડાયાબિટીસનું રૂપિયા ૨૦ હજાર કરોડનું દવાબજાર !

ડાયાબિટીસ-ની દવાઓ જબરી આડ અસરો કરે છે. વધુ પડતી ચિંતા, ગમગીની, નિરાશા અને વ્યગ્રતા થકી ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસનો ઇલાજ તમારા મનમાં છે બહાર નથી. મન શાંત રાખો અને વધુ આધ્યાત્મિક બનો.

આજથી ૨૪૭૦ વર્ષ પહેલાં એલોપથીના પિતામહ ગણાતા ગ્રીક તબીબ હિપોક્રેટસે કહેલું કે કુદરતે તમારું શરીર રચ્યું ત્યારે એ શરીરમાં જ રોગને સારા કરવાની આંતરિક શક્તિ આપી છે. પરંતુ તમે ખોટા ખાનપાનથી અને ખોટા વિહારથી રોગ પેદા કરી પછી એલોપથિક દવા લો ત્યારે કુદરત પણ હાથ ધોઈ નાખે છે. આજે ડોક્ટરો, દવા કંપનીઓને સૌથી જાલીમ રોગ જે ગરીબ-તવંગરને એક સરખો થાય છે. તે ડાયાબિટીસ છે.

ફાઈઝરને ડાયાબિટીસના રોગીની ચિંતા નથી પરંતુ જગતભરમાં ડાયાબિટીસના દર્દીઓમાં સૌથી વધુ ૬.૨૫ કરોડ જેટલા દર્દી ભારતમાં છે અને હજી બીજા એટલા જ ૨૦ વર્ષમાં ડાયાબિટીક પેશન્ટ ઉમેરાશે તેમાંથી ફાઈઝરને કમાણી કરવી છે. દરેક ડાયાબિટીસની દરેક એલોપથિક દવા આડ અસર કરે છે. ખાનપાનમાં સંયમ, માનસિક શાંતિ અને આયુર્વેદની ઔષધીથી જ ડાયાબિટીસ દૂર થાય.

ડાયાબિટીસની દવાઓ જે યુરોપ-અમેરિકામાં હાડય હાડય થઈ છે અને જબરી આડ અસરો કરે છે તે દવા ફાઈઝર અને બીજી મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં વેચવા માંડી છે.ભારતમાં તો પોપાબાઈનું રાજ છે એટલે અહીં ડાયાબિટીસની દવા વેચવા ફાઈઝરે તેનું આક્રમક માર્કેટિંગ શરૂ કર્યું છે. ફાઈઝર કંપની ઘણી નવી દવાઓના અખતરા ગરીબ દેશમાં કરતાં પકડાઈ ગઈ છે. તેની ઘણી દવાઓની આડ અસરો માટે ફાઈઝરને અબજો રૂપિયાના દંડ થયો છે. એ તો ફાઈઝરના કાનખજૂરાના એક પગ જેવડી વાત છે. કઈ રીતે? તે માટે ફાઈઝરની જન્મપત્રિકા જોવી પડશે.

આજે એ-ટુ-ઝેડ તમામ રોગોની દવા બનાવનારી ફાઈઝર ૧૮૪૯માં બે પિતરાઈ ભાઈઓ ચાર્લ્સ ફાઈઝર (અમેરિકન) અને જર્મનભાઈ ચાર્લ્સ એરહાર્ડએ ન્યુયોર્કમાં સ્થાપી. બ્રુકલીન વિસ્તારના એક બિલ્ડિંગમાં નાનકડો ખૂણો ભાડે લઈને તેમાં કોલેરા કે ઊલટી સામેનું રક્ષણ કરવા સેન્ટોનીન નામની એન્ટિપરેસિટિક દવા પ્રથમ બનાવી. ખાસ કરીને ત્યારે મેલેરિયાનો ઉપદ્રવ હતો તે માટેની આ દવા હતી. જોકે, આ દવા એક જબ્બર તિકડમ હતું.

માત્ર લીંબુનો રસ પીઓ તોપણ ચાલે. સેન્ટોનીન દવા એ માત્ર સાઈટ્રિક એસિડ હતો. આ દવા સફળ થઈ પછી પ્રથમ વિશ્વયુદ્ધમાં સાઈટ્રિક એસિડની ડિમાન્ડ વધી અને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના સૈનિકો હજારોની સંખ્યામાં ઘવાયા. તેનાથી ફાઈઝરને માટે ટંકશાળ ખૂલી. તે માટે ફાઈઝરે પેનેસિલિનની દવા ૧૯૪૦ના દાયકામાં બનાવી. તેનું નામ તેણે ટેરામાઈસિન આપ્યું અને તેમાંથી અબજો ડોલરની કમાણી થઈ.

અમેરિકામાં ગાયો અને મરઘાં-બતકાંનું પાલન જંગી રીતે થતું હતું. તેના રોગની દવા પણ ફાઈઝરે બનાવવા માંડી અને ૧૯૫૯માં ૭૦૦ એકર જમીન લઈ ત્યાં સંશોધનની ઓફિસ ખોલી. બસ એ પછી તો ફાઈઝરે દરેક દેશની સરકારો અને ડોક્ટરોને સાધીને બેલ્જિયમ, બ્રાઝીલ, કેનેડા, કયુબા, ઇરાન, મેક્સિકો, પનામા, પુટોgરીકો, તુર્કી અને યુનાઈટેડ કિંગડ્મ એમ એ-ટુ-ઝેડ દેશોમાં પોતાનાં કારખાનાં કે ઓફિસ સ્થાપ્યાં. બસ પછી તો લિપિટોર નામની ભયંકર આડ અસર કરનારી હૃદયરોગની દવા તેમજ નપુંસકતાના ઇલાજ માટેની વાયગ્રામાંથી કમાણીનો વરસાદ વરસ્યો.

લિપિટોર નામની હૃદયરોગની દવાનું જગતભરમાંથી ૧૨.૪ અબજ ડોલરનું તત્કાળ વેચાણ મળ્યું પણ પછી ભાંડો ફૂટયો કે આ દવાથી લિવર બગડે છે, પેશાબમાં તકલીફ થાય છે, અનિદ્રા તેમજ ગર્ભવતીના ગર્ભને નુકસાન કરે છે તેવું ભોપાળું બહાર પડ્યું. તેણે પૈસાને જોરે અને માર્કેટિંગના તિકડ્મથી ઘણી હરીફ દવા કંપની જેવી કે જી. ડી. સુર્લે, પાર્ક ડેવીસ, અપજહોન કંપની, વાયેથ કંપની અને ખાસ તો વોર્નર લેમ્બર્ટ નામની કમાઉ કંપની જેવી કંપનીઓ ખરીદી અને આ કંપનીના સહયોગથી રેઝુલીન નામની દવા ડાયાબિટીક દર્દીને આપવા માંડી.

અમેરિકાના ડ્રગ્ઝ ખાતામાં વગ વાપરીને આ દવા માત્ર છ મહિનામાં ઝડપથી (ફાસ્ટ ટ્રેક એપ્રુવલ) મંજુર કરાવી.આ દવાથી આડ અસર તરીકે ડઝન બંધ મરણ થયા. રેઝુલીનથી હૃદય પર અસર થવા માંડી, એનેમિયા અને બ્લડપ્રેશર વગેરે અનેક રોગો ડાયાબિટીસની દવાથી જ થયા. હવે ભારતમાં આ રેઝુલીન નામની ડાયાબિટીસની દવા જે અમેરિકામાં હાડય હાડય થઈ છે તે જુદી બ્રાન્ડથી ભારતમાં ફાઈઝરે ઘુસાડી છે કે નહીં તે જોવાનું છે. કારણ કે ભારતમાં કોઈ પૂછનાર નથી.

ડાયાબિટીસની દરેક દવા (આયુર્વેદિક સિવાય) આડ અસર કરે છે. બ્રિટનમાં રેઝુલીન લેનારા ડાયાબિટીસના ૪૩૦ દર્દીનાં લિવર ફેલ ગયેલાં, ઘણાનાં વૃષણ સાવ ઉંદરડી જેવાં થઈ ગયાં. માથે ટાલ પડી ગઈ. ફાઈઝરે અનેક દવાઓ ભૂતકાળમાં પૂરા ટેસ્ટિંગ વગર ગરીબ દેશોમાં ઘુસાડી છે પણ રુમેટીઝમની દવા નામે ટોફાસિટિનીબ નામની દવા યુરોપમાં ઘુસાડી ત્યાં ચાર મરણો તત્કાળ થયાં અને ત્યાં ફાઈઝરે મારે ખાધો. ઘણા દાવા થયા. ડાયાબિટીસની રેઝુલીન નામની દવાથી ૨૦૦૩માં અમેરિકામાં ૩૧ મરણો થયાં અને ફાઈઝરે કરોડો ડોલરના દાવા ભરપાઈ કરવા પડ્યા.

તમને ડાયાબિટીસ હોય કે ન હોય આ લેખ અહીં સુધી વાંચ્યો હોય તો સુવર્ણ વાક્ય લખી લો કે વધુ પડતી ચિંતા, ગમગીની, નિરાશા અને વ્યગ્રતા થકી ડાયાબિટીસ થાય છે તેમ ડૉ.. થોમસ વિલિસે વર્ષો પહેલાં કહેલું. માટે ડાયાબિટીસનો ઇલાજ તમારા મનમાં છે બહાર નથી. મન શાંત રાખો અને વધુ આધ્યાત્મિક બનો. ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ વધતા જ જાય છે દવા કંપનીના ગઠબંધનથી અમને હે ઈશ્વર બચાવો. ડાયાબિટીસ માટે કુદરતી ઉપચાર કે આયુર્વેદનો જ આશરો લો. નહીંતર દર ત્રણ મહિને કોઈ આશ્રમ કે જંગલમાં ચિંતન માટે ચાલ્યા જાઓ.

No comments:

Post a Comment