December 10, 2011

છોટા રાજને અમદાવાદમાં પત્રકાર સાથે વાત કરી’તી

મિડ ડેના પત્રકાર જે ડેની હત્યા બાદ છોટા રાજને અમદાવાદમાં તહેનાત મૂળ મૂંબઈના એક પત્રકાર સાથે પોણા કલાક સુધી વાતચીત કરી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જો કે આ બાબતે મુંબઈ પોલીસ સત્તાવાર રીતે કહેવા તૈયાર નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્રકારને મુંબઈ ક્રાઇમબ્રાન્ચે બીજી વાર નિવેદન નોંધવા માટે મુંબઈ બોલાવ્યો છે, જેથી અનેક અટકળો વહેતી થઈ છે.

બીજી બાજુ મુંબઈ ક્રાઇમબ્રાન્ચે મહિલા પત્રકાર અને જેના પર છોટા રાજનને જે ડેની તમામ માહિતી પૂરી પાડવાનો આરોપ છે, તેવી જિજ્ઞા વોરાની સુરતના વરાછા વિસ્તારમાં રહેતી મહિલા મિત્રની પણ મુંબઈ ક્રાઇમબ્રાન્ચે પૂછપરછ કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જિજ્ઞા વોરા અને સુરતની આ મહિલા વચ્ચે અનેકવાર મોબાઇલ પર અને બ્લેકબેકી મેસેન્જર સર્વિસ પર સંદેશાની આપ-લે થઈ હતી. જો કે સુરતની આ મહિલાની હત્યાના કાવતરામાં સંડોવણી છે કે નહીં તે બાબતે મુંબઈ ક્રાઇમબ્રાન્ચ પણ મૌન છે.

ચર્ચા એવી છે કે જે ડેની હત્યાના ગણતરીના કલાકોમાં જ વિદેશથી છોટા રાજને હાલમાં અમદાવાદમાં ફરજ બજાવી રહેલા એક પત્રકારને ફોન કર્યો હતો. પત્રકાર અને છોટા રાજન વચ્ચે લગભગ ૪૫ મિનિટ સુધી વાતચીત થઈ હતી.

આ વાતચીત દરમિયાન છોટા રાજને જે ડે તેને ખરાબ રીતે ચિતરી રહ્યો હોવાથી તેની હત્યા કરાવી હોવાનો દાવો પણ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

No comments:

Post a Comment