October 1, 2011

અહમનું વિસર્જન કરવું હોય તો...



સંપત્તિ હોય ત્યાં જ સમજણ હોય એવું નથી ક્યારેક ગરીબની સમજણ અમીરની સમજણ કરતાં ઊચા આસન ઉપર બેઠી હોય છે
બે વર્ષ પહેલાં હનુમાન જયંતી ઉપર એક દેવીપૂજક પરિવાર મને મળવા આવ્યો, એના મોભીએ મને એક વાત કરી એ વિચારવા જેવી છે, એમણે કહ્યું કે અમારી વિચરતી જાતિ છે, ભટકતી કોમ છે, અમે સરનામા વગરના ઘરમાં રહીએ છીએ પરંતુ આજ દિવસ સુધી અમારી જ્ઞાતિના એક પણ માણસે ધર્મપરિવર્તન કર્યું નથી.
અમને ધનની લાલચ આપીને કોઇ અમારી ગરીબીનો લાભ લઇ શક્યું નથી. અન્ય ધર્મનું કોઇ પ્રલોભન અમારા અભાવનો શિકાર કરી શક્યું નથી, ત્યારે મને થયું કે સંપત્તિ હોય ત્યાં જ સમજણ હોય એવું નથી ક્યારેક ગરીબની સમજણ અમીરની સમજણ કરતાં ઊંચા આસન ઉપર બેઠી હોય છે.
મેં એમને કહ્યું કે આવતી કાલે ચૈત્રી પૂનમ છે. હનુમાનજી મહારાજની જન્મજયંતી છે. તમે રોકાઇ જજો અને બીજા દિવસે સવારે હનુમાનજીની આરતી ઉતારવાનો સમય થયો ત્યારે મને અચાનક વિચાર આવ્યો કે આ વરસે મારા હનુમાનની આરતી આ દેવીપૂજકની દીકરીના હાથે ઉતરાવું. એક વાતની ચોખવટ કરી દઉં કે મારે ત્યાં જે કંઇ બને છે તે અનાયાસ હોય છે એના માટે આગોતરાં આયોજન થતાં નથી.
વરસોથી સમાજમાં એક ભ્રાંતિ પ્રવર્તે છે કે સ્ત્રી હનુમાનજીની પૂજા ન કરી શકે, એની આરતી ન ઉતારી શકે. તે દિવસે અનાયાસે આ ભ્રાંતિ તૂટી ગઇ અને મને ભરોસો છે કે તલગાજરડામાં જે તૂટશે તે નવો આયામ બનીને ઊભરશે, જેની વર્તમાન દેશકાળ પ્રમાણે સમાજને જરૂર હશે.
પ્રવાહી પરંપરા જ્યારે સમાજમાં બાધા બની જાય ત્યારે એનું સમયસર તૂટવું અનિવાર્ય છે અને તોડીશું નહીં તો એ આપોઆપ તૂટી જશે. વહેતું ઝરણું અવરોધને હટાવીને સ્વયં માર્ગ કરી લેતું હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા એવી છે કે ઘરડાં મા-બાપની સંતાનો દ્વારા સેવા થવી જોઇએ છતાં શ્રવણના દેશમાં પણ વૃદ્ધાશ્રમો ઘણા છે, કારણ કે એ સમયની માગ છે.
હું ઘરડાઘરોની તરફેણમાં નથી કારણ કે વૃદ્ધાશ્રમોનું દર્શન પૂર્વની સંસ્કૃતિનું અનુરૂપ નથી, છતાં વર્તમાન સમયની જરૂરિયાત છે એટલે બનાવવા પડ્યા છે. દવાખાનાઓની સંખ્યા વધે એ સમાજનું સારું લક્ષણ નથી પરંતુ માણસો બીમાર પડે છે એટલે હોસ્પિટલનું હોવું જરૂરી છે તેમ સંયુક્ત કુટુંબમાં કોઇ એવી બીમારી થાય છે જેના માટે ઘરડાઘરની આવશ્યકતા ઊભી થાય છે.
વૃદ્ધાશ્રમ એ પશ્વિમનો વિચાર છે, જ્યાં ઓલ્ડ હોમ નામથી બહુ મોટો વેપાર ચાલે છે. આપણે ત્યાં પણ વૃદ્ધાશ્રમો વ્યવસાય ન બની જાય તે પણ જરૂરી છે અને દરેક સંયુક્ત કુટુંબ તૂટે ત્યારે યુવાનોનો જ વાંક હોય એવું નથી, ક્યારેક વકીલો પણ વિખૂટા પડવા માટે જવાબદાર હોય એવું બની શકે છે, પરંતુ સમયની માગ હતી તો વૃદ્ધાશ્રમનો આપોઆપ બની ગયા.
હું ત્રિકાલ સંઘ્યાનો વિરોધી નથી. જે લોકો શાસ્ત્રોકત વિધિથી ત્રિકાલસંઘ્યા કરે છે તેમને મારા પ્રણામ, પરંતુ સમાજની દરેક વ્યક્તિ કદાચ એ પરંપાર મુજબ સવાર, બપોર અને સાંજે સંઘ્યા ન પણ કરી શકે. શિખા રાખવી, ધોતી પહેરવી, તરભાણું, પંચપાત્ર અને આચમની લઇને દિવસમાં ત્રણ વખત કોઇથી ન બેસી શકાય તો એણે શું કરવું?
તો હું એવું માનું છું કે દરરોજ સવારે જાગો ત્યારે ઇશ્વરનો સાચા હૃદયથી આભાર માનો કે તમે મને જીવવા માટે વધુ એક દિવસ આપ્યો તે માટે આપનો હૃદયપૂર્વક આભારી છું અને આંખ ભીની થઇ જાય તો એ પ્રાંત: સંઘ્યા છે.
બપોરે કોઇ દીનદુ:ખીને જોઇને એને મદદ કરવા હાથ લંબાઇ જાય અને આંખ ભીની થઇ જાય તો એ મઘ્યાહ્ન સંઘ્યા છે, અને રાત્રે જ્યારે આરામ માટે જઇએ ત્યારે દિવસ દરમિયાન જાણે-અજાણે થઇ ગયેલી ભૂલને યાદ કરીને આંખ ભીની થઇ જાય તો એ સાયં સંઘ્યા છે.
એક વાત યાદ રાખવા જેવી છે કે કોઇને મદદ કરવા માટે જ્યારે હાથ લંબાવો ત્યારે બને ત્યાં સુધી એના ચહેરા સામે ન જોવું કારણ મજબૂર માણસની આંખમાં ઊગેલી શરમ આપણા હૃદયમાં અભિમાનનું બીજ ન વાવી દે તે બહુ જરૂરી છે.
અભિમાન અથવા અહંકાર માણસનો દુશ્મન છે, તો સવાલ થાય કે અહમ્નું વિસર્જન કરવું હોય તો શું કરવું ? વિનયપત્રિકામાં તુલસીદાસજી હનુમાનજીની વંદના કરે છે તેમાં એમ લખ્યું છે કે હનુમાન આપણને ત્રણ વસ્તુ પ્રદાન કરે છે,(૧) નવો દેહ, (૨) નવી આંખ (૩) નવી પાંખ, માનવના જીવનમાં પ્રભુકૃપાથી આ ત્રણ ચીજ આવે ત્યારે અહંકાર અચૂક દૂર થાય છે.
(૧) નવો દેહ :- દેહ એટલે શરીર, અને શરીર તો બદલી શકાતું નથી માટે નવો દેહ ન મળે એવું નથી. દેહ જ્યારે રોમાંચ અનુભવે ત્યારે માનવું કે નવો દેહ મળ્યો છે. એક વડીલે કોઇ સંતને પૂછ્યું કે ચિંતકોને વાંચ્યા, વિદ્ધાનોને સાંભળ્યા, પણ જીવને શાંતિ મળતી નથી, ત્યારે સંતે કહ્યું કે ખૂબ વાંચવાથી અને ખૂબ સાંભળવાથી જ્ઞાન મળશે પરંતુ શાંતિ મળવાની નથી, શાંતિ તો ત્યારે જ મળે જ્યારે હરિનામ લેતાં લેતાં રોમાંચનો અનુભવ થાય.
એક સ્ત્રીને વ્રજમાં જવું હતું અને શેષ જીવન ત્યાં જ રહીને વિતાવવું હતું. વ્રજની ભૂમિ દિવ્યભૂમિ છે, પરંતુ કોઇ વિદ્વાનને લાગ્યું કે આ સ્ત્રી પરિવાર છોડીને ચાલી જશે તો પાછળથી પરિવારને મુશ્કેલી પડશે એટલે પેલી સ્ત્રીને એનો પૌત્ર બતાવીને પૂછ્યું કે આ બાળકની આંખમાં પાપ છે ?
સ્ત્રી બોલી કે જરાપણ નથી. એના મનમાં કોઇના પ્રત્યે દુર્ભાવ છે ? જવાબ મળ્યો કે ક્યારેય ન હોઇ શકે. ત્રીજો સવાલ કર્યો કે એ હસે છે અને રડે છે ત્યારે કેવો લાગે છે ? પેલી સ્ત્રી બોલી કે બિલકુલ બાલકૃષ્ણ જેવો લાગે છે. ત્યારે વિદ્વાને કહ્યું કે તારા પૌત્રથી સારો કૃષ્ણ તને વૃંદાવનમાં પણ મળવાનો નથી, માટે ઘરને વ્રજ અને પૌત્રને લાલો માનીને ભક્તિ કર.
આ સાંભળીને સ્ત્રીના રૂંવાડાં ઊભા થયાં, આંખો સજળ બની, પેલા વિદ્વાનની સામે વંદન કરવા માટે અનાયાસે હાથ જોડાઇ ગયા, એક રોમાંચનો અનુભવ થયો અને એ ક્ષણે જે દેહ હતો તે નવો દેહ હતો. દિવ્ય દેહ હતો જેમાં અહમ્ માટે જરા પણ જગ્યા ન હોતી.
(૨) નવી આંખ:- અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે આંખની કોઇ પણ પ્રકારની બીમારી હોય તો એને દૂર કરી શકે છે, ત્યાં સુધી કે જૂની આંખ બદલીને નવી આંખ આપી શકે છે. વિજ્ઞાન આંખ બદલી શકશે પરંતુ દ્રષ્ટિ નહીં બદલી શકે, જે આંખ કોઇ લાચારને જોઇને સજળ થઇ શકતી નથી એને વિજ્ઞાન સજળ બનાવી શકશે નહીં.
સજળતા સમજણ વગર શક્ય નથી. સજળતા હરિસ્મરણ વગર સંભવ નથી. અત્યારે સમાજમાં મારામારી વધી છે, માણસ-માણસને મારે છે, પોલીસ ગુનેગારને મારે છે, અદાલત કાયદાથી મારે છે, મજબૂતી ગરીબોને મારે છે, લાલચ સ્વાર્થીને મારે છે, જ્યાં જુઓ ત્યાં મારામારી છે, પરંતુ દરેક માણસ સંકલ્પ કરે કે હવે કોઇને મારીશ તો કરુણાથી મારીશ, હવે કોઇને મારીશ તો ક્ષમાથી મારીશ આ પ્રકારના સંકલ્પ આંખને સજળ બનાવશે.
કથાશ્રાવણ કર્યા પછી પાપ કરતાં મન પાછું પડે તો માનવું તમારું શ્રવાણ સાર્થક થયું છે. બીજાનું દુ:ખ જોઇને આંખમાં આંસુ આવે તો માનવું શ્રવણ સાર્થક થયું છે. જે વ્યક્તિને દરેક વ્યક્તિમાં માત્ર દોષ જ દેખાય છે એની આંખો ક્યારેય સજળ થવાની નથી.
એવા દોષદ્રષ્ટાની બંને આંખો ફોડી નાખો તો પણ સજા ઓછી પડે કારણ કે અંધ થશે તો પણ દોષદર્શન છોડી શકશે નહીં. જેના ચર્મચક્ષુ બંધ છે પરંતુ આંતરચક્ષુથી કોઈનાં દુ:ખે દુ:ખી થઇ શકે તો માનવું એ પ્રજ્ઞાચક્ષુ પાસે દિવ્યદ્રષ્ટિ છે. નેત્ર સજળ બને ત્યારે દોષદર્શન બંધ થાય.
(૩) નવી પાંખો :- માણસને ખરેખર પાંખો ઊગી જાય અને ઊડવા માંડે તો આકાશની શાંતિને ડહોળી નાખે, પરંતુ એવું થવાનું નથી, માણસ જ્યારે આભારવશ બને, શરીર રોમાંચનો અનુભવ કરે, આંખો સજળ બને, વાણી શિથિલ બની જાય અને ઇશ્વર કે વ્યક્તિનો આભાર માનવા માટે જ્યારે બંને હાથ અનાયાસે ઊઠી જાય ત્યારે માનવે એ હાથ નથી પણ પાંખ છે. આ રીતે જ્યારે નવો દેહ, નવી આંખ અને નવી પાંખ મળે ત્યારે અહમનું વિસર્જન અવશ્ય થતું હોય છે.

No comments:

Post a Comment