October 1, 2011

મનુષ્ય જાતિનું સૌથી વધુ લોહી સિદ્ધાંતવાદીઓએ પીધું છે (અને પીશે) એટલે એમને ‘સૈદ્ધાંતિક વેમ્પાયર્સ’ કહી શકાય.

કોઇક વાર હું ખરાબ બાબતો વિશે પણ લખું છું. એટલે આજે ‘સિદ્ધાંત’ વિશે લખવા વિચાર છે. મુડ આઉટ છે, એટલે કદાચ સારું લખી શકાશે. આમ જુઓ તો સિદ્ધાંત જેવું કશું હોતું નથી એટલે એની કલ્પના કર્યા પછી ‘એ છે જપ્ત એવું સાબિત કરવું પડે છે. એવું સાબિત કરનારો પછીથી આખી જિંદગી પીડાય છે કે દુનિયાની તો ઠીક પણ હું મારી આંખમાંયે ધૂળ કેમ નાખી રહ્યો છું? કોઇ તમને કહે કે હંમેશાં સાચું જ બોલવું એ મારો સિદ્ધાંત છે! તો તરત તમને મનમાં હસવું આવશે કે...હે અક્કલમઠ્ઠા, હંમેશાંની વાત છોડ પણ એક વાર તો સાચું બોલ! મારો તો એક જ સિદ્ધાંત છે કે કદી સિદ્ધાંત ન રાખવો!

આ ભઠિયા વિનાની દુનિયામાં સિદ્ધાંત ન રાખવા માટે તમારે ઘણું મથવું પડશે. મારા એક મિત્રે મને ખૂબ અઘરું પડે એવું એક પુસ્તક વાંચવા આપેલું. એનું નામ હતું ‘કર્મનો સિદ્ધાંત’. એ વાંચ્યા પછી મને લાગ્યું કે મારામાં બે બાબતો (કર્મ અને સિદ્ધાંત) એક સાથે રહી શકે એમ નથી. અથૉત્ જો હું કર્મ કરું તો એની સાથે સિદ્ધાંત શક્ય નથી અને જો સિદ્ધાંત અપનાવું તો મારાથી કોઇ કર્મ ન થઇ શકે! છેવટે મેં મારી આ સાચી સ્થિતિ રજુ કરતાં પુસ્તક પાછું આપ્યું, ત્યારે મારો મિત્ર મને જોઇ રહ્યો.

જાણે કે હું કોઇ મવાલી હોઉં! જો કે દુ:ખની વાત એ છે કે મવાલીઓ પણ સિદ્ધાંત રાખતા હોય છે. (તો પછી સજ્જન અને મવાલીમાં ફરક શો?) ભાઇને જબ સે ‘દીવાર’ ફિલમ દેખેલી હૈ, તબી જ સે ઓ કબી જમીન પે ફેંકેલા પૈસા ઉઠાતે નહીં! ભાઇ કા બસ એક હી ચ સિદ્ધાંત હૈ, આદમી કો ઉઠાને કા, પૈસે કો નહીં, સમઝા ભીડૂ?’ આવો સંવાદ તમે ક્યાંક તો સાંભળ્યો જ હશે. પૃથ્વી પર મનુષ્ય સિવાય બધા જ સુખી છે! પશુ, પક્ષી, જીવ-જંતુને ધર્મોને સિદ્ધાંતોની જરૂર નથી. એમને પેંતરા અને ચાલબાજીઓ કરવાનાં નથી હોતાં, એટલે આદર્શો કે સિદ્ધાંતોની આડ લીધા વિના એ મુક્તપણે જીવી શકે છે અને સંતોષપૂર્વક મરી શકે છે.

મને તો સો ટકા ખાતરી છે કે સિદ્ધાંતવાદીઓ મર્યા પછી પણ ઠેકાણે પડતા નથી અને અવગતિયા થાય છે. પહેલા હું ભૂતમાં નહોતો માનતો પણ સિદ્ધાંતવાદીઓની કરમકથનીઓમાં રસ લેતો થયો, ત્યારે સમજાયું કે ભૂત હોય છે જ...અને તે સિદ્ધાંતવાદીઓનું નવું સ્વરૂપ હોય છે. ભૂતોને અને સિદ્ધાંતવાદીઓને જ વળગવાની ટેવ હોય છે! માટે ભૂત કે સિદ્ધાંતવાદીની પાછળ કદી જવું નહીં અને જો એ તમારી પાછળ હોય, તો પાછું વળીને જોવું નહીં. એ બંનેની હાજરી જણાય, તો કદી ‘આવજો’ કહેવું નહીં. ભૂતો પ્રમાણમાં ઓછા ખતરનાક હોય છે કારણ કે એ પોતાના અનુયાયીઓની ફોજ તૈયાર કરતા નથી. મનુષ્ય જાતિનું સૌથી વધુ લોહી સિદ્ધાંતવાદીઓએ પીધું છે (અને પીશે) એટલે એમને ‘સૈદ્ધાંતિક વેમ્પાયર્સ’ કહી શકાય.

ધર્મ, સાહિત્ય, સંગીત, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત વગેરે બધામાં સિદ્ધાંતોના બમ્પને કારણે ગતિ ઉછાળયુક્ત અને અટપટી બની જાય છે. ગાંધીબાપુએ સાહિત્યકારોને કહેલું કે ખેતરમાં કામ કરતા કોશિયાને પણ સમજાય એવું સરળ સાહિત્ય રચો. સરળતા અને સહજતા લાવવા દરેક ક્ષેત્રમાંથી સિદ્ધાંતોને કાઢી નાખવા જોઇએ. મારા વડવાઓના વડવાઓ જીવતા ત્યારે ત્રિકોણના ત્રણ ખૂણા હતા અને એના માપનો કુલ સરવાળો ૧૮૦ અંશ થતો.

જડ સિદ્ધાંતોને કારણે હજી પણ એનું ગણિત ત્યાંનું ત્યાં જ છે અને સમય કેટલો આગળ વધી ગયો છે! સિદ્ધાંતો છોડી દઇએ તો મારો ત્રિકોણ પાંચ ખૂણાવાળો હોઇ શકે અને તમારો ત્રિકોણ ખૂણા વિનાનો પણ હોઇ શકે! જરા વિચારો કે આવી આગવી મૌલિકતાને કારણે ગણિત કેટલું રોમાંચક અને રસપ્રદ બની શકે! સિદ્ધાંતોને કારણે મનુષ્યો તો ઠીક શાસ્ત્રો પણ કુંડાળે પડી સાવ બંધિયાર થઇ જતા હોય છે!

જો તમને કોઇ પંદરમા માળેથી ધક્કો મારે અને તમે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત જાણતા હો, તો તમારું મૃત્યુ વધુ પીડાદાયક બનવાનું છે. તમે વેગ-પ્રવેગની ગણતરી કર્યા પછીયે પૃથ્વી પર જ પટકાશો અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતોનું જ્ઞાન તમારો જીવ બચાવી શકવાનું નથી! જીવવાની તો ઠીક, મરવાનીયે કાંઇ મજા નથી આવતી, સિદ્ધાંતોને કારણે! માટે કહું છું...સારે નિયમ તોડ દો, નિયમ પે ચલના છોડ દો! ઇન્કિલાબ ઝિંદાબાદ, બસ વાત પૂરી!

No comments:

Post a Comment