October 1, 2011

કેન્દ્ર સરકારના સચિવોની સમિતિએ મલ્ટિબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડી રોકાણને મંજુરી આપતો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જો એ બધા કોઠા વીંધીને પસાર થઇ જશે, તો ૧૨૧ કરોડ ભારતીયોના બજારમાં બીજી રિટેલ ક્રાંતિ આવશે.

મલ્ટિબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવાનો મુદ્દો હંમેશાં રાજકીય વિવાદનો મુદ્દો રહ્યો છે. છેલ્લા બે દાયકામાં આ ક્ષેત્રમાં ૫૧ ટકા સીધું વિદેશી મૂડીરોકાણ લાવવાની દરખાસ્તો થઇ છે પણ, રાજકીય રીતે સંવેદનશીલ એવા આ મુદ્દામાં કોઇ પક્ષ પોતાના હાથ દઝાડવા ઇચ્છતો નથી.

ભારતનું રિટેઇલ બજાર એટલું મોટું છે કે પ્રથમ એક દસકામાં કોઇપણ વિદેશી મલ્ટિ બ્રાન્ડ રિટેલર કુલ બજારના બેથી ત્રણ ટકાથી વધુને આવરી શકે નહીં તેવું નિષ્ણાતોનું કહેવું છે. એમાં પણ સચિવોની દરખાસ્ત મુજબ તો ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં જ વિદેશી કંપનીઓને મંજૂરી અપાશે. એટલે, આ માર્કેટશેર અત્યંત ઘટી જશે. ગુજરાતમાં મોટાં ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં જ તેઓ પગ પેસારો કરી શકશે.

મોલ કલ્ચરનો સામનો કરી ચૂકેલા કરિયાણાવાળાઓ અને હોઝિયારીવાળાઓએ હવે કદાચ વોલમાર્ટ અને કેરફોર જેવી મલ્ટિબ્રાન્ડ ઇન્ટરનેશનલ રિટેલ ચેઇનની હરિફાઇનો સામનો કરવો પડશે. મલ્ટિબ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં વિદેશી મૂડી રોકાણના દરવાજા ખૂલ્લા મૂકવાની તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી છે. મૌની બાબા પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન હતા તે સમય યાદ છે? હાલના વડાપ્રધાન ડૉ.. મનમોહનસિંહ ત્યારે નાણાપ્રધાન હતા અને વિદેશી બજાર માટે દેશના દરવાજા ખોલવાની હિંમત તેમણે જ કરી હતી. તે વખતે બહુ શંકા-કુશંકાઓ થઇ હતી. મોટાભાગના નિરીક્ષકો કહેતા હતા કે દેશનાં બારણાં ઉઘાડા ફટ્ટાક મૂકવાથી તો દેશનું દેવાળું નીકળી જશે.

વિદેશીઓ આપણાં બજારો પર કબજો કરી લેશે. પણ, આજે બે દાયકા પછી એ નિર્ણયને મૂલવીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે ભારતના હાલના વિકાસ માટે તે વખતે લેવાયેલું પગલું જવાબદાર છે. કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, પગરખાંથી માંડીને કરિયાણું અને પસ્તી સુધીની વસ્તુઓ એક જ છત નીચે વેચતા મોલનું કલ્ચર દેશમાં ફૂલ્યું ફાલ્યું ત્યારે ઘણા કહેતા હતા કે કરિયાણાવાળાઓનું અને ગંધિયાણાવાળાઓનું હવે આવી બન્યું. નાના વેપારીઓ બચ્ચાડા વધેરાઇ જશે.

પણ, આપણા નાના વેપારીઓની કોઠાસૂઝ વધુ તેજ નીકળી. તેમણે મોલને બરાબર ટક્કર આપી. મોલ બંધ થવાની ઘટનાઓ બની હશે પણ કોઇ નાના દુકાનદારે ધંધાને તાળાં માર્યાની ઘટના બની નથી. ગ્રાહકને ફાયદો થયો છે પણ, સામે મોલ કે નાના વેપારીઓને બહુ મોટું નુકસાન ગયું નથી. સિંગલ બ્રાન્ડ રિટેલમાં તો ૫૧ ટકા સીધું વિદેશી મૂડી રોકાણ છે જ, હવે તે મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં પણ આવી શકે. મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં ૫૧ ટકા સીધું રોકાણ કરનાર વિદેશી પ્લેયરે ૧૦૦ મિલિયન અમેરિકન ડોલરના ઓછામાં ઓછાં રોકાણની બાહેંધરી આપવી પડશે અને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં જ તેમને રિટેલ ચેઇન ખોલવાની છૂટ અપાશે.

ભારતનું રિટેલ બજાર એવડું વિશાળ છે કે વિદેશી કંપનીઓ લાળ ટપકાવે જ. પણ, તેનાથી ભારતને શું ફાયદો? સામાન્ય નાગરિકોને શું ફાયદો? ભારતે જો વિકાસનો હાલનો દર જાળવી રાખવો હોય અથવા તેમાં વધારો કરવો હોય તો વિદેશી મૂડી રોકાણની જરૂર રહે જ. અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ જેટલો વધુ રહે એટલી વિકાસની ગતિ વધે. સામાન્ય નાગરિકને તો સ્પર્ધા જેટલી વધુ મળે એટલો ફાયદો જ છે. સિંગલ બ્રાન્ડ રિટેલ માટે જો વિદેશી મૂડી રોકાણને મંજૂરી ન હોત તો મોબાઇલ ફોન સહિતની ચીજો અત્યારે રેઢી પીટાય છે એટલી સસ્તી મળતી હોત નહીં.

બહારથી રોકાણ આવે તો શું ફાયદા થાય તેનું ગુજરાત કરતાં મોટું સાક્ષી બીજું કયું રાજ્ય હોઇ શકે? ગુજરાતનો વિકાસ આંધળાને પણ દેખાય એવો છે. ૨૦૧૧ના પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદે આવકવેરો ભરવાની બાબતમાં દિલ્હી, મુંબઇ અને બેંગ્લોરને પણ પાછળ રાખી દીધાં હતાં. આ બધું બહારનાં રાજ્યોમાંથી ગુજરાતમાં આવી રહેલાં મૂડી રોકાણને આભારી છે. મલ્ટિનેશનલ કંપનીઓનો વિરોધ જ કરવાની ફેશન થઇ પડી છે. એ વાત પણ સાચી છે કે બહારથી કોઇ મૂડી લઇને આવે તો કમાવા માટે જ આવે, ગુમાવવા માટે નહીં. પરંતુ, એ સાદી દલીલમાં અર્થશાસ્ત્ર નથી અને સાચું તર્કશાસ્ત્ર પણ નથી.

સીધો તર્ક ભલે એ થતો હોય કે વોલમાર્ટ અને કેરફોર જેવી કંપનીઓ અહીંથી નાણાં ઉસેટી જશે પણ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઇએ તો પહેલાં દેશના અર્થતંત્રમાં રોકાણ થશે, દેશના વેપાર અને ઉદ્યોગમાં પણ નાણાં આવશે, અડધો હિસ્સો તો વિદેશી કંપનીઓએ ભારતીય કંપનીઓને આપવો જ પડશે એટલે વિદેશી કંપનીઓના ફાયદાની સાથે જ ભારતની કંપનીઓને પણ ફાયદો થવાનો જ છે. આજના યુગમાં વિદેશી કંપનીઓ માટે બારણા બંધ કરી રાખવા ફાયદાનો સોદો નથી.

મલ્ટિબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવાનો મુદ્દો હંમેશાં રાજકીય વિવાદનો મુદ્દો રહ્યો છે. છેલ્લા બે દાયકામાં આ ક્ષેત્રમાં ૫૧ ટકા સીધું વિદેશી મૂડીરોકાણ લાવવાની દરખાસ્તો થઇ છે પણ, રાજકીય રીતે સંવેદનશીલ એવા આ મુદ્દામાં કોઇ પક્ષ પોતાના હાથ દઝાડવા ઇચ્છતો નથી. આ વખતે કેન્દ્ર સરકારના સચિવોની સમિતિએ આ દરખાસ્ત તૈયાર કરી છે એનો અર્થ એવો થયો કે અર્થશાસ્ત્રી વડાપ્રધાન ડૉ.. મનમોહનસિંહની સૂચનાથી પ્રસ્તાવ બન્યો છે. ડૉ.. સિંઘ અર્થશાસ્ત્રના જાણકાર છે એટલે સમજે છે કે ભારતના અર્થતંત્રમાં જો બહારથી રોકાણ નહીં આવે તો વિકાસની ગતિ મંદ થઇ જશે અને એક વખત નેગેટિવ ગ્રોથ શરૂ થયા પછી તેને અટકાવવો મુશ્કેલ છે.

વિકાસના ચક્રને ફરતું રાખવા માટેના કેટલાક પ્રયત્નોમાંનો એક પ્રયત્ન છે. પરંતુ એવું નથી કે મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણને છુટ આપી દેવાથી બધાં સારાંવાનાં થઇ જ જશે. સાથે જ, નાના દુકાનદારો, કરિયાણાવાળાઓ અને રિટેલરોને લેવલ પ્લેઇંગ ગ્રાઉન્ડ આપવાની વ્યવસ્થા કરવી પડશે. તેમનાં હિત જોખમાય નહીં તે માટેની ગોઠવણ કરવી પડશે. વોલમાર્ટ જેવી વૈશ્વિક જાયન્ટ કંપનીઓ આવે ત્યારે નુકસાન ઓછામાં ઓછું થાય અને ફાયદો વધુમાં વધુ થાય તે જોવું પડશે.

ભારતનું રિટેઇલ બજાર એટલું મોટું છે કે પ્રથમ એક દસકામાં કોઇપણ વિદેશી મલ્ટિ બ્રાન્ડ રિટેલર કુલ બજારના બેથી ત્રણ ટકાથી વધુને આવરી શકે નહીં તેવું નિષ્ણાતોનું કહેવું છે. એમાં પણ સચિવોની દરખાસ્ત મુજબ તો ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં જ વિદેશી કંપનીઓને મંજૂરી અપાશે. એટલે, આ માર્કેટશેર અત્યંત ઘટી જશે. ગુજરાતમાં મોટાં ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં જ તેઓ પગ પેસારો કરી શકશે. ત્યાંના બજારમાંથી તેઓ જે ભાગ પડાવશે તે કુલ બજારનો અત્યંત નાનો હિસ્સો હોય તે સ્વાભાવિક છે.

દેશી મોલને હંફાવી દેનાર ભારતના નાના વેપારીઓ માટે વોલમાર્ટ સામે લડવું અઘરું નથી. વિદેશીઓ ભારત પાસેથી બિઝનેસની બે નવી રીત શીખીને જશે.સદીઓથી ભારત વિશ્વ સાથે વેપાર કરતું આવ્યું છે. જ્યારે યુરોપ અંધકાર યુગમાં હતું ત્યારે ભારતના શાહ સોદાગરો સિલ્ક રૂટ પર થઇને યુરોપ સુધી માલ પહોંચાડતા હતા. આઝાદી પછી ભારતે બિઝનેસમાં પ્રગતિ કરવામાં થોડી ઢીલાશ રાખી હતી પણ, હવે પછીનો સમય ભારતનો છે. ચીન સિવાય બીજો કોઇ એવો દેશ નથી જે ભારતની સાથે આગામી બે દાયકામાં સ્પર્ધા કરી શકે.

કદાચ, એવું બનશે કે વીસમી સદીમાં વિશ્વ રશિયા અને અમેરિકા એમ બે ધ્રુવ વચ્ચે વહેંચાયેલું હતું તેમ એકવીસમી સદીમાં ચીન અને ભારત વચ્ચે વહેંચાયેલું હશે. અમેરિકા પર એક સમયે રાજ કરનાર ઇંગ્લેન્ડ જેમ અત્યારે અમેરિકાનું ખંડિયું બની ગયું છે એવી સ્થિતિ બે દાયકા બાદ ભારત માટે અમેરિકાની હોય તો પણ નવાઇ નહીં કહેવાય. પણ, આ સપનાં સાચાં પાડવા માટે રાજકીય સમજદારી અને જાગૃતિ જરૂરી છે. આંધળુંકિયાં કરીશું તો વિશ્વની મહાસત્તા બનવાની તક હાથમાંથી સરી જતાં વાર નહીં લાગે. ભારતે મહાસત્તા બનવું હશે તો મહાસત્તાની જેમ વર્તતા શીખવું પડશે. ચીન એ રીતે વર્તવા માંડ્યું છે, ભારત ક્યારે શરૂ કરશે?

No comments:

Post a Comment