October 1, 2011

સાધુચરિત થવા માટે જ્ઞાતિ, અભ્યાસ, ઉંમર, ગણવેશ કે કોઇ શૈક્ષણિક લાયકાતની આવશ્યકતા નથી. જેના ઉપર સદગુરૂની કરુણા વરસી હોય તે હંમેશાં સાધુચરિત હોય છે. એક તો શિક્ષણ માટે વપરાતો શિક્ષા શબ્દ મને ગમતો નથી. શિક્ષા શબ્દમાંથી મને ન્યાયાલયનું સ્મરણ થાય છે. વિદ્યાલય માટે વિદ્યા શબ્દ મને વધુ ગમે છે. આપણે શિક્ષણને વિદ્યાનો દરજજો આપવો હશે તો શિક્ષણને ત્રણ પ્રકારનાં લક્ષણોથી શોભતું કરવું પડશે.

૧. શિક્ષણ રક્ષણ આપતું હોવું જોઇએ. ૨. શિક્ષણ પોષણ આપતું હોવું જોઇએ. ૩. શિક્ષણ પ્રકાશ આપતું હોવું જોઇએ. ઘણીવાર શિક્ષણક્ષેત્રમાં એવી ઘટનાઓ વિશે સાંભળવા મળે છે ત્યારે એમ થાય કે શિક્ષણ રક્ષણ આપવામાં નિષ્ફળ ગયું છે અને ભક્ષણ કરવામાં સફળ થયું છે. ભલે આ પ્રકારની ઘટનાઓની ટકાવારી ઘણી ઓછી હોય પણ ઘટના ઘટે છે તે હકીકત છે. વિદ્યાર્થીનાં તન, મન, બળ, બુદ્ધિ, વિદ્યા અને શીલની રક્ષા કરે તે ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે.

બીજું શિક્ષણ પોષણ આપતું હોવું જોઇએ. એક યુવાને એક વિદ્વાનને સવાલ કર્યો હતો કે દીવો આખી દુનિયાને અજવાળું આપે છે છતાં દીવાનું મોઢું કાળું શા માટે હોય છે? એ યુવાનની જિજ્ઞાસા બરાબર હતી, કારણ દીપકનું કાર્ય તમસને, અંધકારને, કાળપને દૂર કરવાનું છે તો પછી એની ટોચ એટલે કે એનું જ મુખ શ્યામ શા માટે હોવું જોઇએ. પેલા વિદ્વાને ખૂબ સટીક જવાબ આપ્યો કે દીવાને પોષણ ક્યાંથી મળે છે? યુવાને જવાબ આપ્યો કે દિવેલમાંથી મળે છે. ત્યારબાદ બીજો સવાલ કર્યો કે દીવો શોષણ શાનું કરે છે? યુવાને જવાબ આપ્યો કે દિવેલને શોષે છે. એટલે વિદ્વાન બોલ્યા કે તો પછી તારા સવાલનો જવાબ પણ દીવા જેટલો જ સ્પષ્ટ છે કે માણસને જ્યાંથી પોષણ મળતું હોય એનું જ શોષણ કરે તો મોઢું કાળું જ હોય.

આ વાત અહીં એટલે યાદ આવી કે શિક્ષણનું કામ પોષણ આપવાનું છે અને જો પોષક મટીને શોષક બની જાય તો સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાત પડી શકે માટે શિક્ષણે બીજું કામ શોષણ ન થાય તેની ખાસ કાળજી રાખીને ભરપૂર પોષણ આપવાનું કરવાનું છે.

શિક્ષણનું ત્રીજું કામ પ્રકાશ એટલે કે અજવાળું આપવાનું છે. દરેક માનવના માનસમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પ્રગટે, અશ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો તમસ દૂર કરી સાિત્વક શ્રદ્ધાનો અજવાસ પ્રગટે તે શિક્ષણની ફળશ્રુતિ છે અને આ ત્રણે ત્રણ કાર્ય રક્ષણ, પોષણ અને પ્રકાશ મળે તે પ્રેમશિક્ષણ દ્વારા મળે તે ખાસ જરૂરી છે. જો એમ થશે તો શિક્ષણ શિક્ષા મટીને વિદ્યાનો દરજજો પ્રાપ્ત કરશે. શિક્ષક એક પગારદાર મટીને ગુરુનો દરજજો પ્રાપ્ત કરશે અને નિશાળ એક શિક્ષણઉદ્યોગ મટીને શારદાના દેવાલય સમાન વિદ્યાલયનો દરજજો પ્રાપ્ત કરશે.

મેં આગળ કહ્યું તે મુજબ હું શિક્ષણસંહિતા કહેવા નીકળ્યો નથી પરંતુ મારા પોતાના સ્વાધ્યાય માટે આ વિચારોને વહેતા મૂક્યા છે.શિક્ષકની પ્રથમ શરત એ છે કે એ સાધક હોવો જોઇએ. શિક્ષક બાલમંદિરનો હોય કે વિશ્વવિદ્યાલયનો હોય પરંતુ દરેક શિક્ષક સાધક હશે તો કોઇને બાધક બનશે નહીં અને છાત્રને સાચી અને સારી રીતે દીક્ષિત કરી શકશે. સાધક શબ્દનો અર્થ મારી વ્યાસપીઠ એવો કરે છે કે ‘સા’ એટલે સાવધ, ‘ધ’ એટલે ધર્મમાં અને ‘ક’ એટલે કલ્યાણકારી.

જે માણસ જગતનું કલ્યાણ કરે તેવા ધર્મમાં સાવધાન હોય તે સાધક છે. આદર્શ શિક્ષકનું બીજું લક્ષણ એ છે કે એ સાહિત્યરસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક હોવો જોઇએ. જે શિક્ષકને સાહિત્યમાં રસ નથી, સંસ્કૃતિમાં રસ નથી અને અધ્યાત્મમાં રસ નથી તે વિદ્યાર્થીને રક્ષણ, પોષણ અને પ્રકાશ આપી શકશે નહીં, કારણ કે સાહિત્યથી રક્ષણ મળે છે. સંસ્કૃતિથી પોષણ મળે છે અને અધ્યાત્મથી પ્રકાશ મળે છે. જો આ ત્રણ પ્રકારના રસ શિક્ષકમાં હશે તો જ શિક્ષણને વિદ્યાદાનની ગરિમા આપી શકશે.

મેં આ અગાઉ વિગતે વાત કરી છે છતાં અત્યારે માત્ર એ વિચારને સ્પર્શ કરીને આગળ વધુ તો દરેક શિક્ષક આઠ પ્રકારની વૃત્તિને ધારણ કરેલો હોવો જોઇએ. આ આઠ વૃત્તિઓ શિક્ષકની અષ્ઠભૂખ છે. ૧. ગણેશવૃત્તિ-તન, મન અને ચિત્તથી સ્થિર હોવો જોઇએ. ૨. ગાૈરીવૃત્તિ-શ્રદ્ધાવાન હોવો જોઇએ. ૩. ગિરાવૃત્તિ-સરસ્વતી સમાન હોવો જોઇએ. ૪. ગંગવૃત્તિ-સતત વહેતો હોવો જોઇએ. ૫. ગાૈવૃત્તિ-ગાય જેવો પવિત્ર હોવો જોઇએ. ૬. ગોપાલવૃત્તિ-ગોપાલ જેવો સેવક હોવો જોઇએ. ૭. ગુણગ્રાહીવૃત્તિ-નીરક્ષીરનો વિવેક હોવો જોઇએ. ૮. ગગનવૃત્તિ-વિશાળ હૃદયનો હોવો જોઇએ. આ રીતે જે શિક્ષકમાં આઠ પ્રકારના સદ્ગુણ હશે તે પોતે તો આઠે પહોર આનંદ કરશે અને એના વિદ્યાર્થીઓ પણ ઉત્તમ વિદ્યા મેળવીને આભારવશ થશે.

મને રામચરિતમાનસમાંથી ગુરુ વિશે જે સૂત્રો મળ્યાં છે તે તમામ શિક્ષકના સંદર્ભમાં યથાર્થ લાગ્યાં છે કારણ શિક્ષક કદાચ આધ્યાત્મિક ગુરુ ન હોઇ શકે પરંતુ વિદ્યાગુરુ તો હંમેશાં એ જ કહેવાશે. માનસનાં એ પાંચ સૂત્રોને અહીં વિદ્યાગુરુના સંદર્ભમાં પ્રયોજું તો ગુરુનું ચરણ એ શિષ્યનું શરણ છે. ગુરુનો હાથ એ શિષ્યનો સાથ છે. ગુરુનો કંઠ એ શિષ્યનું વૈકુંઠ છે. ગુરુનું મુખ એ શિષ્યનું સુખ છે અને ગુરુની આજ્ઞા એ શિષ્ય માટે વરદાન છે.

શિક્ષકનો ધર્મ શું છે? શિક્ષકનો પ્રથમ ધર્મ એનું સત્યનિષ્ઠપણું છે. શિક્ષક સત્યવાન હોવો જોઇએ. શિક્ષકની વાણી, વર્તન અને વિચારમાં ક્યાંય અસત્યનો રણકાર ન હોવો જોઇએ. શિક્ષક અને સેનાપતિ બંનેનું કાર્ય સરખું છે, બંને રખોપા કરે છે અને રક્ષક ક્યારેય અસત્યનો આશ્રિત ન હોઇ શકે. બીજો ધર્મ સેવા છે, કારણ કે શિક્ષણ ધંધો નથી પણ ધર્મ છે અને ધર્મમાં સેવાની ગાંસડી ઉપાડવી જોઇએ. શિક્ષકનો ત્રીજો ધર્મ અહિંસા છે. મન, વચન અને કર્મથી ક્યારેય કોઇને પીડે નહીં તે સાચી અહિંસા છે અને અહિંસાને આપણે ત્યાં પરમ ધર્મ કહેવામાં આવી છે.

આખી ચર્ચાનો સાર એટલો કે શિક્ષણને શીલ, સંતોષ, વિચાર અને સત્સંગ એમ ચાર દરવાજા હોવા જોઇએ. શિક્ષણ વિદ્યાર્થીને રક્ષણ, પોષણ અને પ્રકાશ આપતું હોવું જોઇએ. શિક્ષક સાહિત્યરસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક હોવો જોઇએ અથવા તો ટૂંકમાં કહેવું હોય તો સાધક હોવો જોઇએ. આઠ પ્રકારની સદ્વૃત્તિ જેની અષ્ઠભુજા છે એવો શિક્ષક સત્ય, સેવા અને અહિંસાને ધર્મ માનશે તો શિક્ષણનો મહિમા વધશે અને શિક્ષા વિદ્યાનો દરજજો મેળવશે એવી મારી સાત્વિક શ્રદ્ધા છે.

No comments:

Post a Comment