October 1, 2011

કોઇ વ્યક્તિના જીવનમાં આશાનો દીવડો પ્રગટાવવા અને એને નવા હોંશ-જોમ પૂરાં પાડવા માટે આપણે પ્રોત્સાહન-મદદનો તણખો બની દીપપ્રાગટ્ય કરીએ એમાં જીવનની સાર્થકતા છે...

કૃતિએ પ્રત્યેક જણમાં આત્મબળથી વિકાસ સાધવાની ભરપૂર શક્યતાઓ મૂકી છે, પણ ક્યારેક ભૂમિમાં દટાયેલું બીજ અંકુરિત થઇ શકતું નથી તેમ દરેક વ્યક્તિ એક્સરખી રીતે વિકસી શકતી નથી. પ્રકૃતિ સૌ માટે એક્સરખી મહેરબાન હોવા છતાંય આવું બને છે તેનું કારણ એ છે કે ક્યારેક માણસ પોતાની ભીતર પડેલી શક્તિને પિછાનવામાં થાપ ખાઇ જતો હોય છે.

કોઇ કવિએ માનવદેહની તુલના કાચી માટીના કોડિયાં સાથે કરી. કોડિયું ક્ષણભંગુર છે. એક દિવસ એ જ્યાંથી આવ્યું છે તે માટીમાં ફરી મળી જવાનું છે, પણ તે પહેલાં એણે પોતાનું કામ કરતાં જવાનું હોય છે, ને તે કામ છે પ્રકાશ ફેલાવવાનું. અજવાળું કરવું તે કોડિયાંના જીવનનો ઉદ્દેશ છે.

આજે આપણી આસપાસ અગણિત કોડિયાં એવાં છે જેમાં તેલથી પલળેલી દિવેટ છે તો પણ એ પ્રગટી શક્યાં નથી. એમને પ્રતીક્ષા છે ઉજાસ ફેલાવવાની. એ ઝંખે છે એક ચિનગારી. કેટલાક કોડિયાંને તો એ પણ ખબર નથી હોતી કે પોતાની અંદર તેલથી સિંચાયેલી દિવેટ છે, જે પ્રગટી શકે!

ઘણીવાર માણસ પોતાની ભીતર પડેલી ક્ષમતાથી સાવ અજ્ઞાત હોય છે. આનું કારણ એ છે કે આજે હતાશ માણસ વધુ હતાશા અનુભવે, ત્રસ્ત માણસ વધુ ત્રાસદીભરી સ્થિતિમાં ભીંસાય એવું વાતાવરણ ઝેરી વાયુની જેમ પ્રસરી રહ્યું છે ત્યારે હતાશ માણસને ઊભો કરી શકે એવો દુરસ્ત અભિગમ ઓછો જોવા મળે છે. ઊલટું એવું વધુ બની રહ્યું છે કે જે પડી ભાંગ્યા છે તે ઊભા જ ન થઇ શકે.

આવી રુગ્ણ માનસિકતાનાં મૂળિયાં આપણા સમાજના પાયામાં ઊંડા ઊતરતાં જાય છે, જે સમાજના ઢાંચાને ખોખલો કરી રહ્યા છે. આ મૂળિયાં ઊખેડવાની તાતી જરૂર છે. આ માટે સૌહાર્દતા, સ્નેહ અને વિશ્વાસનું હવામાન સર્જાવું જોઇએ!નિરાશા અંધકાર છે, નાસ્તિકતા છે. જેને પોતાની જાત પર વિશ્વાસ નથી એને ઇશ્વર પર કેવી રીતે ભરોસો હોય? એને આંખો છે તો પણ એ અંધત્વથી પીડાય છે. આવી વ્યક્તિઓની આંખો ઉઘાડવાનું કામ છે સમાજમાં ઠેરઠેર વખિરાયેલા જાગૃત અને સહૃદયી ગુણીજનોનું. શિક્ષણ સાથે સંકળાયેલા માણસો પણ આ કરી શકે. આ પણ શિક્ષણનો એક ભાગ છે. કોઇ પણ શિક્ષિત આ કામ કરી શકે છે.

એ માટે શૈક્ષણિક ડિગ્રીની જરૂર નથી. અંગ્રેજીમાં કહેવત છે : Charity begins at home. આ શુભ કાર્યમાં દીપપ્રાગટ્ય કોઇ પણ કરી શકે. આપણે સહાય માટે લંબાયેલા હાથને પકડી લઇએ છીએ અને કોઇનો ખભો થાબડી એનો આત્મવિશ્વાસ જગાડી હૈયાધારણ આપીએ છીએ, તે ક્ષણો દીપપ્રાગટ્યની છે. આમ દીપ પ્રગટાવવા માટે ‘અતિથિ’ કે ‘વિશેષ’ બનવાની જરૂર રહેતી નથી. આ દીપપ્રાગટ્ય સાવ નોખું ને અનોખું છે.

સર્વજનહિતાય સર્વજન સુખાય’ કશું કરી છુટવા મથતા માણસો ચિનગારી જેવા છે. નહીં પ્રગટેલા કોડિયાને એ પ્રકાશ રેલાવતા કરી શકે તો ચોમેર અજવાળું અજવાળું થઇ રહે. ચિનગારી કોડિયું પ્રગટાવીને સાર્થક બને છે અને કોડિયું પ્રગટીને. અહીં મહિમા છે પ્રાગટ્યનો. પ્રાગટ્ય પછી ચિનગારી ભલે બુઝાઇ જાય તો પણ એ કોડિયા દ્વારા પ્રસરતા પ્રકાશપુંજમાં ક્યાંક અકબંધ હોય જ છે. નહીં હોવા છતાંય હોવું એમાં જ સાર્થકતા નથી શું?

આ લેખના અંતે, દુષ્યંતકુમારનો એક ખૂબ જાણીતો શેર ઉદ્ધત કરું છું : કહેતા હૈ આસમાં મે સુરાખ નહી હો સકતા, એક પત્થર તો તબિયત સે ઉછાલો.

No comments:

Post a Comment