August 18, 2011

મોટે ભાગે લોકોને તેમનું મનગમતું કામ કરવાનું આવે ત્યારે તે હોંશે હોંશે કરતા હોય છે, જ્યારે અણગમતા કામમાં તે ‘સમય નથી’નાં બહાનાં કાઢે છે...

વાત વાતમાં લોકો એવું કહેતા જોવા મળે છે કે મરવાનો પણ સમય નથી. વ્યક્તિ ગમે તે કક્ષાએ કામ કરતી હોય તે દરેક આવી વાત કરતી હોય છે. ઘણી વખત આશ્ચર્ય થતું હોય છે કે આપણે ખરેખર એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ ખરા? મોટા ભાગના કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે મનગમતી પ્રવૃત્તિ માટે કે મનગમતી વ્યક્તિ પાસે જવા માટે સમય મળી જાય છે. પરંતુ જ્યારે પસંદ ન હોય તેવી પ્રવૃત્તિ કરવાની આવે કે વ્યક્તિ પાસે જવાનું આવે ત્યારે આપણે તે ટાળતા હોઇએ છીએ અને ‘સમય નથી’નું બહાનું કાઢતા હોઇએ છીએ.

મનોચિકિત્સકો એવું કહે છે કે માનવીનું મન પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાનું વધુ પસંદ કરે છે. જ્યારે તેને ગમતી ન હોય તે પ્રવૃત્તિ કરવાનું ટાળે છે. આવા સમયે વ્યક્તિના મગજમાં બે પ્રકારે વિચારો વહેતા થતા જોવા મળે છે. વ્યક્તિ, સમાજ, ઓફિસ દરેક સ્થળે આવું જ વાતાવરણ હોય છે. તેમાં વ્યક્તિનો કોઈ વાંક હોતો નથી.

સમય નહીં હોવાની સ્થિતિનું દૂષણ હવે વધુ વ્યાપક બન્યું છે. થોડા સમય અગાઉ હૈદરાબાદ જતાં-આવતાં સમયે એરપોર્ટ પર જે સ્થિતિ હોય તેનાથી પરમ આશ્ચર્ય થયું. વિમાની કંપનીઓ મુસાફરોને ઓછામાં ઓછા એક કલાક પહેલાં એરપોર્ટ પર બોલાવીને ચેકઇન, સિકયુરિટી તપાસ જેવી પ્રવૃત્તિ કરતી હોય છે. મોટા ભાગના મુસાફરો તેને અનુસરે છે. છેલ્લે જ્યારે વિમાનમાં બેસવા માટે બોર્ડિંગ એનાઉન્સમેન્ટ થાય ત્યારે બે-ચાર મુસાફરો તો એવા મળી આવે છે કે જેઓ ગાયબ હોય છે.

વિમાની કર્મચારીઓ રીતસર એરપોર્ટ પર બૂમ પાડતા જોવા મળે છે કે ફલાણા ભાઇ કે બહેન કે જેઓ ફલાણી ફ્લાઇટમાં જવાના છે તેઓ સત્વરે વિમાન તરફ પ્રસ્થાન કરે. તેઓ જ્યારે આવા મુસાફરોને શોધવા નીકળે છે ત્યારે તેઓ મળી પણ આવે છે. કેટલાક મુસાફરો તો લહેરથી ચા-નાસ્તો કરતા હોય છે અને તેમને લઇ જવામાં આવે છે. તેમના મોં પર કોઇ ક્ષોભ કે અફસોસનો ભાવ પણ હોતો નથી. સવાલ એ છે કે જે વ્યક્તિ જે તે વિમાનમાં જવાની હોય ત્યારે આટલી ગાફેલ કઇ રીતે રહી શકે. આ માત્ર ને માત્ર એક પ્રકારે બેદરકારી જ કહી શકાય. કેટલાક મુસાફરો છેલ્લી ઘડીએ દોડતાં દોડતાં આવતા જોવા મળે છે.

ઘણી વખત વ્યક્તિ પોતાનું મહત્વ દર્શાવવા માટે પણ આ પ્રકારનાં ગતકડાં કરતી હોય છે. મોટા ભાગે પ્રસિદ્ધિની ભૂખી વ્યક્તિ તથા મહત્વ મેળવવા માગતી વ્યક્તિનું મનોવલણ આ પ્રકારનું હોય છે. કામના સ્થળે કે ઘરમાં પણ જે વ્યક્તિઓનું મહત્વ મળતું નથી હોતું તેઓ આ પ્રકારે મહત્વ મેળવતી હોય છે. આ કેટલું વાજબી છે તે તો વાચકે પોતે જ નક્કી કરી લેવું.

એવું નથી કે પ્રવાસ સમયે જ કે મિટિંગોમાં જ લોકો મોડા પડતા હોય છે. પરીક્ષા સમયે પણ ઘણા વિદ્યાર્થીઓ મોડા પડતા હોય છે. આશ્ચર્ય એ વાતનું છે કે, બાળકના ભણતર માટે અનેક ગણી ચિંતા કરનાર માબાપ પોતાનું બાળક પરીક્ષા ખંડમાં મોડું પહોંચે તે કેવી રીતે ચલાવી લેતા હશે. મોડો પડેલો વિદ્યાર્થી પરીક્ષામાં કેવી રીતે સ્વસ્થચિત્તે પેપર લખી શકે એ પણ એક ચર્ચાનો વિષય છે. પરીક્ષામાં પહોંચવા માટે સમય ન હોય એ માનવાને કારણ નથી.

હકીકતમાં સમય નથી એ માન્યતા જ ખોટી છે. ઘણી વ્યક્તિઓ પ્રસંગો ટાળવા પોતે ઓફિસના કાર્યમાં કે અન્યત્ર વ્યસ્ત હોવાનું જણાવતા હોય છે. જ્યારે તે જ વ્યક્તિ પોતાને મનગમતું કામ કે પ્રવૃત્તિ હોય ત્યારે હોંશે હોંશે તે કરતી હોય છે. સફળ વ્યક્તિના જીવનમાં જોઇશું તો જણાશે કે દરેક વ્યક્તિ પાસે ચોવીસ કલાકનો જ સમય હોય છે. આ ચોવીસ કલાકનો કઇ વ્યક્તિ કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર ઘણો બધો આધાર રહેતો હોય છે.

No comments:

Post a Comment