June 25, 2011

‘મારે પૈસાદાર થવું છે’ એ વાકયનું તમે મંત્રની જેમ હજાર વખત રટણ કરશો તો કશો અર્થ નહીં સરે... પણ જો તમે તમારાં સપનાંને પકડી રાખશો તો ગરીબ તો નહીં જ રહો.- પાઉલો કોએલો

૧૩ જુલાઈ ૨૦૧૦ના બપોરે એકઝેટ પાંચ વાગ્યે બ્રાઝિલમાં રહેતા પાઉલો કોએલોના દિમાગમાં એક વિચારતણખો ફૂટે છે. તેઓ ફટાફટ પોતાના કમ્પ્યુટર પર ટાઈપ કરે છે: જીવન બહુ ટૂંકું છે. કોઈના પ્રત્યે દિલમાં રહેલી લાગણીની અભિવ્યક્તિને મુલતવી રાખવાનો આપણી પાસે સમય જ નથી. બ્રાઝિલથી હજારો કિલોમીટર દૂર ભારતમાં તેમના ચાહકોની કમ્પ્યુટર સ્ક્રીન પર એ જ ક્ષણે આ શબ્દો ઊપસી આવે છે. અલબત્ત, ભારતમાં તે વખતે રાતનો દોઢ વાગ્યો છે. પોતાના પ્રિય લેખકનું આ કવોટેબલ કવોટ વાંચીને સૌના ચહેરા પર સાગમટે નાનકડું સ્માઈલ ફરકે છે.

આ ટ્વિટરની કમાલ છે. ૨૦૦૬માં જેક ડોરસીએ ટ્વિટર નામની આ સોશિયલ નેટવર્કિંગ અને માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ક્રિયેટ કરી ત્યારે તેણે કલ્પના સુઘ્ધાં કરી હશે ખરી કે ચાર જ વર્ષમાં દુનિયાભરના ૧૯ કરોડ કરતાંય વધારે લોકો એનો ઉપયોગ કરતાં થઈ જશે અને એમાં સુપર સેલિબ્રિટીઝ પણ સામેલ હશે? પાઉલો કોએલો ઓલ-ટાઈમ-બેસ્ટ સેલિંગ પોર્ટુગીઝ લેખક છે. તેમની નવલકથાઓનો ગુજરાતી સહિત ૬૭ ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે.

દુનિયાભરના ૧૫૦ દેશોમાં તેમનાં પુસ્તકોની દસ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચૂકી છે. પાઉલો કોએલો સત્તર વર્ષના હતા ત્યારે તેમનાં માતાપિતાએ તેમને મેન્ટલ હોસ્પિટલમાં મૂકવા પડયા હતા. ત્રણ વર્ષર્ અહીં રહીને તેઓ બહાર આવ્યા અને જિપ્સી બનીને અમેરિકા, આફ્રિકા અને યુરોપમાં ખૂબ રખડયા. પછી પાછા બ્રાઝિલ આવીને પુસ્તકો લખવા લાગ્યા. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ તેમણે નક્કી કરી રાખ્યું હતું કે મોટા થઈને મારે લેખક થવું છે. પોતાનાં સપનાંને, પોતાની બિલિફને કદીય ન છોડવા એવો સંદશો આપતી તેમની ‘ધ અલ્કેમિસ્ટ’ નવલકથા સર્વાધિક લોકપ્રિય બની છે.

જિપ્સી લાઈફ જીવી રહ્યા હતા ત્યારે કોએલો ડ્રગ્ઝના રવાડે ચડી ગયા હતા. આજકાલ તેઓ ટ્વિટરને રવાડે ચડયા છે! એક તાજી ટ્વિટમાં તેમણે ‘ધ અલ્કેમિસ્ટ’ જેવી જ વાત કહી છે: ‘મારે પૈસાદાર થવું છે’ એ વાકયનું તમે મંત્રની જેમ હજાર વખત રટણ કરશો તો કશો અર્થ નહીં સરે... પણ જો તમે તમારાં સપનાંને પકડી રાખશો તો ગરીબ તો નહીં જ રહો. લેખક માટે અનુભવોની સમૃદ્ધિ અનિવાર્ય છે. અત્યંત ઘટનાપ્રચૂર જીવન જીવેલા કોએલો એટલે જ કહે છે-

- એન ઈન્ટેન્સ લાઈફ નીડ્સ અ ટચ ઓફ મેડનેસ. તીવ્રતાથી જીવવા માટે થોડું પાગલપણું જરૂરી છે.
શ્ર તમને જીવનમાં જે ફટકા પડયા છે તેનાથી શરમાઓ નહીં, ગર્વર્ અનુભવો (કે આટઆટલી પીડા સહ્યા પછી પણ તમે ટકી રહ્યા છો).

- મારામાં એક પ્રકારની આંતરિક ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) છે, જે રોજ શ્રદ્ધા, અંત:સ્ફૂરણા અને શિસ્તના માપદંડથી મને જણાવે છે કે હું કયાં ઊભો છું.

પોતાની લેટેસ્ટ નોવેલ ‘ધ વિનર સ્ટેન્ડ્સ અલોન’માં કોએલો કહે છે, ‘વૃદ્ધાવસ્થાને અભિશાપ ગણાય છે, ડહાપણની જમાવટ નહીં. લોકો ધારી લે છે કે માણસ પચાસ વર્ષનો થઈ જાય એટલે ઝપાટાભેર બદલાતા જમાના સાથે તાલ મિલાવી શકવાની ક્ષમતા ખતમ થઈ જાય...’ પણ ૬૩ વર્ષના કોએલોએ સમય સાથે બરાબર સમરસ થઈ ગયા છે. આખી દુનિયામાં હાલ જેનો જબરદસ્ત ક્રેઝ છે તે ટ્વિટર પર તેઓ એટલા એકિટવ છે, જાણે વીસ વર્ષનો ઉત્સાહી કોલેજિયન જોઈ લો! પોતાના વાચકો સાથે સંવાદ સાધવા માટે તેઓ ટ્વિટરનો ફાંકડો ઉપયોગ કરે છે. કોઈ વાચકે કોએલોને ટ્વિટ મોકલીને કહ્યું કે સર, મેં તમારી ‘ઈલેવન મિનિટ્સ’ નોવેલ વાંચવાનું શરૂ કર્યું છે. કોએલોએ સામી ટ્વિટ મોકલીને એને આગોતરી ચેતવણી આપી: આશા રાખું કે તમને ‘ઈલેવન મિનિટ્સ’માં મજા આવે... પણ મારાં વર્ણનો વાંચીને આઘાત ન પામતા, પ્લીઝ!

‘ઈલેવન મિનિટ્સ’ની પ્રમાણમાં શોકિંગ થીમ ધરાવતી નવલકથામાં સાચા પ્રેમની શોધમાં નીકળી પડેલી એક બ્રાઝિલિયન યુવતી સ્વેચ્છાએ વેશ્યા બની જાય છે. કોએલોએ ટ્વિટર પર હમણાં જ કહ્યું છે કે –

- મારામાં કંઈ વાંચન કે સમયને લીધે પરિવર્તન નથી આવ્યું. હું તો બદલાયો છું પ્રેમને કારણે.

પણ ‘ઈલેવન મિનિટ્સ’ કોએલોએ સાવ સામા છેડાની વાત કરી છે. નવલકથાનો હીરો એક જગ્યાએ કહે છે,‘કોઈ લેખકે લખ્યું છે કે માણસ નથી સમયને લીધે બદલાતો, નથી જ્ઞાન એને બદલી શકતું, એક જ વસ્તુ છે જે માણસ મન બદલી શકે અને તે છે પ્રેમ. વોટ નોનસેન્સ! હા, માણસના સમગ્ર જીવન પર અસર કરી શકે તેવી કેટલીક બાબતોમાં પ્રેમનો સમાવેશ થાય ખરો, પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. એક લાગણી જેનામાં માણસના જીવનનો પ્રવાહ તદ્દન જ પલટી નાખવાની તાકાત છે તે છે આશાભંગ. કોઈના જીવનમાં પરિવર્તન આણવાનું કામ પ્રેમ કરતાં આશાનું તૂટી જવું ઘણી વધારે ઝડપથી કરી શકે છે...’

હવે આ બેમાંથી કઈ વાત સાચી માનવી? ચોપડીમાં લખેલી વાત કે લેટેસ્ટ ટ્વિટવાળી વાત?

ફિફા વલ્ર્ડ કપની ધમાલ થોડા સમય પહેલાં જ આટોપાઈ. ફૂટબોલના શોખીન કોએલોએ પણ ફિફા બરાબર માણ્યું. એક ટ્વિટમાં તેમણે લખેલું –

- હું રોજ પાંચ-પાંચ કલાક ટીવી સામે કાઢું છું, પણ મને ઐ વાતનું જરાય ગિલ્ટ નથી!

‘ઈલેવન મિનિટ્સ’માં કોએલોએ સ્પોર્ટ્સ વિશે એક ઈન્ટરેસ્િંટંગ વ્યાખ્યા બાંધી છે. તેમણે લખ્યું છે: ‘સ્પોટર્ર્્સ એટલે બીજું કંઈ નહીં, પણ એકબીજાંને સમજતાં હોય તેવાં બે (કે બેથી વધારે) શરીરો વરચેનો સંવાદ!’
ટ્વિટરની મજા એ છે કે એ તમારામાં લાઘવનો ગુણ આપોઆપ વિકસાવી દે છે! તમારા સંદેશો એટલે કે ટ્વિટ વધુમાં વધુ ૧૪૦ અક્ષરોનો હોઈ શકે. આ મર્યાદામાં રહીને તમારે જે કંઈ કહેવું હોય તે લખી નાખવું પડે. પાઉલો કોએલોના ઈશ્વર વિશેના ટિ્વટ્સ પણ મજાના છે. જુઓ –

- આઈપોડ બનો અને આઈગોડ સાથે કનેકટ થઈ એના શબ્દોને ડાઉનલોડ કરો (આ માટે કોઈ પાસવર્ડની જરૂર નથી!).

- થ્રીડી = ડિસઅપોઈન્ટમેન્ટ (નિરાશા) વત્તા ડિફીટ (પરાજય) વત્તા ડિસ્પેર (વિષાદ). આપણને સાચી દિશા બતાવવા માટે ઈશ્વર કયારેક આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરતો હોય છે.

- તમે કોરી નોટબુક બનો અને ભગવાનને પેન બનવા દો.

- તમને મંઝિલ તરફ જવાનો રસ્તો મળી ગયો હોત તો ભગવાન પર ભરોસો રાખો, ઝાઝા સવાલો ન પૂછો.

અલબત્ત, જિંદગી પાર વગરના પ્રશ્નો આપણી તરફ ફેંકે જ છે. એના ઉત્તરો પૂરેપૂરા કયારેય મળતા નથી, કારણ કે- મને જેવું લાગે કે બધા જ જવાબો મળી ગયા છે, તરત સવાલો બદલાઈ જાય છે!

- જો તમને જિંદગી પૂરેપૂરી સમજાઈ ગઈ છે એવું લાગે, તો ખાતરી રાખજો કે તમને મળેલી કેટલીય માહિતી ખોટી છે...

No comments:

Post a Comment