August 24, 2010

સહાનુભૂતિ માત્ર મા બાપને મળે ?

મા-બાપ પોતાની જીદ ન છોડે અને પાછલી ઉંમરે પણ સંતાનોને બાંધી રાખે ત્યારે પોતાની ફરજ નિભાવવા છતાં સંતાનોને કોઇ સહાનુભૂતિ કેમ નથી મળતી?

આપણે એને અંગદના નામે ઓળખીશું. ભણતર ગુજરાતમાં થયું પણ મુંબઇની એક કંપનીમાં બહુ સારી નોકરી મળી ગઇ એટલે અહીં આવી ગયો. મા-બાપે પણ વાંધો ન લીધો. ઘરમાં હજી એક દીકરો અને દીકરી હતા. મુંબઇમાં અંગદને નોકરી પછી ગમતી છોકરી પણ મળી ગઇ. એમાં પણ પરિવારે સહમતિ આપી. પતિ-પત્ની બંને જણ નોકરી કરે પોતાનું ઘર લેવા માટે પૈસા બચાવે. કોઇ સમસ્યા નહોતી. અંગદના પિતાની આર્થિક સ્થિતિ એટલી સારી કે દીકરા પાસેથી પૈસા લેવાને બદલે આપી શકે. એમની માત્ર એટલી ડિમાન્ડ કે વાર-તહેવારે આખો પરિવાર ભેગો થાય અને રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મની જેમ ફેમિલીમાં બધું સારું સારું હેપ્પી-હેપ્પી હતું.

પછી અંગદને ગલ્ફમાં વધુ સારી જોબ ઓફર મળી. પત્ની અને દીકરાને લઇને એ ત્યાં ગયો. અહીં એટલા પૈસા કમાયો કે ગુજરાતમાં એણે થોડી જમીન પણ ખરીદી. જો કે સમય અને અંતર એની કૌટુંબિક જીવન પર થોડી અસર કરી ગયેલા. મા-બાપને મળવા હવે વરસામાં બે-ત્રણ વાર જવાતું. બીજી તરફ નાનો ભાઈ પરણીને અમેરિકા જઇને ત્યાં જ સેટલ થઇ ગયો. નાની બહેન પણ લગ્ન કરીને સાસરે જતી રહેલી. માતા-પિતા ઘરમાં એકલાં હતા. પૈસા હતા. સેવા માટે નોકરચાકર હાજર હતા. પણ હવે એમને થોડું એકલવાયું લાગવા માંડેલુ. જો કે આ ઉંમરે દીકરા સાથે વિદેશ જઇને વસવું એમને મંજુર નહોતું. આટલા વર્ષે હવે અચાનક એમણે ફરિયાદ શરૂ કરી છે કે ‘અમારા બાળકોને અમારા માટે ટાઇમ નથી.’

અંગદ હેરાન પરેશાન છે. એ કહે છે, ‘કાયમનો વસવાટ બાજુએ રહ્યો. એક મહિના માટે પણ મમ્મી-પપ્પા દુબઇ આવીને અમારી સાથે રહેવા તૈયાર નથી. એ કહે છે કે બહુ પૈસા કમાઇ લીધા. હવે ગુજરાત પાછો આવી જા. પણ મારો બિઝનેસ, વાઇફની જોબ, છોકરાની સ્કૂલ એ બધું અહીં મૂકીને હવે પાછા ઇન્ડિયા આવી જવાનું કેટલું મુશ્કેલ છે! નાનો ભાઈ બહુ દુર અમેરિકામાં છે. એટલે એ તો વારંવાર આવી ન શકે. હમણાં હમણાંથી પપ્પાની તબિયત સારી નથી રહેતી એટલે દર દોઢ-બે મહિને હું આવું છું. પણ એમની ફરિયાદ ઊભી જ હોય કે મારી વાઇફ અને દીકરાને સાથે નથી લઈ જતો પણ તમે જ કહો, આ ડિમાન્ડ કઇ રીતે પૂરી કરવી?

આ પ્રકારની ફરિયાદ અંગદ જેવા બીજા લોકોની પણ છે. માતા-પિતાને ઉંમર અને તબિયત સાથ આપતી હોય ત્યારે એ હોંશેહોંશે દીકરાઓને ભણવા કમાવા માટે વિદેશ મોકલી આપે. પરંતુ વૃદ્ધાવસ્થામાં એમને પછી ઘર ખાલી લાગવા માંડે અને દીકરા, વહુ, પૌત્ર-પૈત્રીઓ વધુને વધુ યાદ આવવા લાગે. વળી, આપણું સામાજિક માળખું એ પ્રકારનું છે કે વૃદ્ધ માતા-પિતાની માંદગી વખતે દીકરો-વહુ હાજર ન હોય તો એમનાં માથે માછલાં ધોવાય. એમાંયે દીકરાની આર્થિક સ્થિતિ નબળી હોય તો કદાચ એને થોડી સહાનુભૂતિ મળી જાય પણ બહારગામ વસતો, પૈસે ટકે સુખી છોકરો હોય તો એણે અચૂક સાંભળવાનું કે, ‘પૈસા આપીને છુટી ગયો!’ મા-બાપ ઘર છોડીને, દીકરા પાસે જવા તૈયાર ન હોય તો એમની જીદ સહુ માની લે કે ‘ હા, આ ઉંમરે પોતાનું વતન છોડવું કોને ગમે?’ જે મળે તે દીકરાને મા-બાપ પ્રત્યેની ફરજના પાઠ ભણાવે. તો તમે જ કહો, આવા સંજોગોમાં દીકરાએ શું કરવાનું? વરસોથી બીજા શહેર કે બીજા દેશમાં જમાવેલો કારોબાર, ઘરસંસાર છોડીને પાછા વતનમાં આવી જવાનું?

અને ધારો કે આવી જાય તો પછી શું ગેરંટી કે બધા પછી સુખી જ સુખી રહેશે. મારા એક પત્રકાર મિત્ર પાસે આવા જ એક ફરજપરસ્ત ગણાય એવા દીકરાનો કેસ આવ્યો. એ વર્ષોથી વિદેશમાં સ્થાયી થયો હતો. પરંતુ ગુજરાતમાં રહેતા માતા-પિતાએ એમની વૃદ્ધાવસ્થામાં એવી જીદ પકડી કે કોઇ ઘડીએ દીકરાનું હિન્દુસ્તાની દિલ પીગળી ગયું. સારી નોકરી અને નારાજ બૈરી-બચ્ચાંને પાછળ છોડીને એ વતન આવ્યો. પરંતુ અહીં આવીને શું કરે? મોટી ઉંમરે, બહુ સારી નોકરી શોધવાનું મુશ્કેલ હતું. વળી, આટલા સમય બહાર રહ્યા બાદ ફરીથી અહીંના વાતાવરણમાં એડજસ્ટ થવાનું પણ સરળ નહોતું. તેમ છતાં બિચારાએ પ્રયાસ કર્યો. પરંતુ અહીં સહુથી મોટું નડતર બન્યા એના જ મા-બાપ! સતત એમની કચકચ ચાલે. દીકરો એમની સાથે જ નહીં, પણ એમની રીતે રહે. એવી મા-બાપની અપેક્ષા હતી. વળી, પોતાને દીકરાની ખોટ સાલતી હતી એમ દીકરાને તેના સંતાનો યાદ આવતા હશે, એવું એ વિચારતા નહોતા. છેવટે મામલો એટલી હદે વણસી ગયો કે દીકરો પાછો અમેરિકા જતો રહ્યો. જો કે પહેલાની જોબ છુટી ગઇ. ઘરનાં લોકો સાથેના સંબંધોમાં તિરાડ પડી ગઇ. એ પૂછે છે કે આવા સંજોગોમાં કોઇ મા-બાપનો વાંક કેમ નથી કાઢતું?

પરંતુ આપણે ત્યાં મા-બાપનો વાંક કાઢવો, એટલે જાણ ભગવાને ગાળ આપવી! એવા સંજોગોમાં અંગદ જેવો કોઇ દીકરો ગળે આવી ગયા બાદ ભૂલેચૂકે પણ ફરિયાદ કરી નાખે કે ‘મમ્મી-પપ્પા અને ઇમોશનલ બ્લેકમેઇલ કરે છે. ’ તો તો એનું આવી જ બન્યું! એની મમ્મીના હાથ હવે ધ્રુજે છે તોયે રસોઇ અને અમુક ઘરકામ એ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. પૈસાની કોઇ કમી નથી. પણ અંગદે ઘરમાં ચોવીસ કલાકની બાઇ અને જરૂર પડે ત્યારે નર્સ રાખી લેવાનું કહ્યું તો મમ્મીજીએ ઘસીને ના પાડી દીધી. અંગદને હવે દુબઇમાં રéો રéો એ ડર પણ સતાવે છે કે કામ કરતાં કરતાં મમ્મી ક્યાંક પડી ગયા. દાઝી ગયા તો શું થશે? એના જ એક મિત્રની આવી જીદે પોતાને સ્વાવલંબી ગણાવતી વૃદ્ધ માતા, પાણી ભરેલું તપેલું ઉંચકવા જતાં લપસી પડી અને હાડકાં તોડીને ખાટલે પડી છે. બધાં એની દયા ખાય છે પણ મમ્મીજીની ખબર પૂછવા માટે દુબઇ અને હૈદરાબાદ વચ્ચે વારંવાર દોડાદોડ કરીને શારીરિક અને માનસિક રીતે પણ થાકી ગયેલા દીકરાને અહીં કોઇ સહાનુભૂતિ મળતી નથી. એની દશા સમજે છે માત્ર અંગદ જેવા સમદુ:ખિયા સંતાનો!‘

No comments:

Post a Comment