August 24, 2010

‘સિક્રેટ’ની વ્યાખ્યા ટીનએજર્સ માટે

બેસ્ટ સેલર પુસ્તક ‘ધ સિક્રેટ’ પર જે ફિલ્મ બની તેના નિર્માતા પોલ હેરિંગટને આ વિષય પર એક પુસ્તક લખ્યું છે. ‘ધ સિક્રેટ ટુ ટીન પાવર’. આ પુસ્તકનો મૂળ હેતુ છે પોતાની ટીનએજર પુત્રીને લો ઓફ એટ્રેકશન (આકર્ષણનો નિયમ) સમજાવવાનો. જે ર્દષ્ટાંતો અપાયા છે તે પણ ફિલ્મ, પોપ સંગીત કે રમતગમતને લગતા છે, જેથી યુવા વર્ગના વાચકને વધારે રસ પડી શકે. આ નિયમનો કેવી રીતે અમલ કરવો તેનું પણ માર્ગદર્શન અપાયું છે.

આ નિયમનો મૂળ સિદ્ધાંત છે વિચારોની શક્તિ, જેનાથી જીવનને બદલી શકાય છે. બાળકની કલ્પનાને કોઈ સીમા નડતી નથી જ્યારે મોટાંઓ સીમાબદ્ધ થઈ ગયાં છે. આ સીમાઓને આપણે પોતે નક્કી કરી આપણી પ્રવૃત્તિ પર કાપ મૂકી દઈએ છીએ. આકર્ષણના નિયમનો જો યોગ્ય પ્રયોગ કરતા આવડે તો કોઈ પણ કલ્પનાને સાકાર કરી શકાય છે.

તમારે શું જોઈએ છે તે ધ્યેય સ્પષ્ટ રાખી નેગેટિવ વિચારોથી દૂર રહો. તમે જેવું વિચારો છો તેવું પામશો. માટે વિચારો પર નિયંત્રણ જરૂરી છે. વિકલ્પો આપણી સામે છે, જે મળે તે સ્વીકારી લેવું અથવા જેની ઈચ્છા છે તે પામવું. આપણી વિચારશક્તિથી આ બંને સ્થિતિઓ શક્ય છે. જે ગમે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. સફળતાનું આ સિક્રેટ છે. મૂડ સારો રાખી વિચારોથી જીવનને બદલો. ખરાબ મૂડ હોય ત્યારે રમતના મેદાન પર લેવાતા ‘ટાઈમ આઉટ’ની રીત અપનાવી ગમતાં કાર્ય કરો. ધ્યેયને પામવા માટે પ્રસન્નતા જરૂરી છે. માગો, વિશ્વાસ રાખો અને મેળવો- આ મૂળ સિદ્ધાંત છે. જો આ નિયમ પ્રમાણે વર્તન રાખશો તો પરીકથાની જેમ જીવનમાં પણ ચમત્કાર શક્ય છે.

ફરિયાદો કરી દુ:ખી રહેવા કરતાં જે મળ્યું છે તે માટે આભાર માની પોઝિટિવ બનતાં શીખો. પ્રસન્ન રહેવાનું આ પ્રથમ પગલું છે. તમે પ્રસન્ન હશો તો બીજાઓ પણ તમારી સાથે પોઝિટિવ રહેશે. આપણું મગજ શબ્દો કરતાં ચિત્રોથી વધારે પ્રભાવિત થતું હોય છે. માટે ધ્યેય પામવાનાં સ્વપ્નો જુઓ. સફળ સ્પોર્ટ્સ કોચ ખેલાડીઓને વિજયનું સ્વપ્ન બતાવતા હોય છે. સફળતા કેવી રીતે મળશે તેની ચિંતા છોડૉ. તમે ધાર્યું નહી હોય તેવી દિશામાંથી મદદ મળી જશે, સારો મૂડ આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ કરે છે.

નેગેટિવ વિચારો તનાવ વધારી બીમારી લાવે છે. બીમારીમાં દવાઓ જેટલું જ મહત્વ માનસિક સ્થિતિનું છે. પ્રસાર માધ્યમોમાં આવતાં નેગેટિવ સમાચારો કરતાં સુંદરતા પર ધ્યાન કેન્દ્રિત કરો. સ્વપ્નો જોઈ એમને સાકાર કરવાની પુરી કોશિશ કરશો તો આકર્ષણનો નિયમ જરૂર મદદરૂપ થશે. દરેક સફળ વ્યક્તિનું આ સિક્રેટ છે.‘

No comments:

Post a Comment