August 24, 2010

ખુશમિજાજ લોકો સુખી રહે છે

‘ફીલ હેપી નાઉ’ના લેખક માઇકલ નેલ અમેરિકામાં મોટિવેશન વિશે માર્ગદર્શન આપે છે અને કટાર લેખક પણ છે. આ પુસ્તકનો મુખ્ય વિષય છે- દરેક પરિસ્થિતિમાં કઇ રીતે ખુશ રહેવું. સારા સ્વાસ્થ્ય માટે મન પ્રસન્ન રહે તે જરૂરી છે. આપણા વિચારો અને શબ્દો આપણી નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરતા હોય છે. દરેક સ્થિતિ માટે આપણે કેવું વિચારીએ છીએ તેની અસર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. દરેક સફળતા મનની ખુશી આપે તે જરૂરી નથી. પણ જો મન પ્રફુલ્લિત હશે તો કોઇ પણ કામમાં સફળ થવામાં જરૂર મદદ મળશે.

જો ખુશમિજાજ સ્વભાવ કેળવી શકાય તો મુશ્કેલીનો સામનો કરવામાં સરળતા રહે છે. વાસ્તવિકતા બદલાતી નથી પણ એને જોવાની દ્રષ્ટિ જરૂર બદલાઇ જાય છે. કોઇ પણ પ્રકારનું વર્તન વારંવાર કરવાથી એ આદત બની જાય છે. ગુસ્સો કરી તનાવમાં રહેવું કે ખુશમિજાજ રહેવું એ આપણી પોતાની પસંદગી છે. કોઇ પણ સ્વભાવ માટે પ્રેક્ટિસની જરૂરત છે. આપણા અંતરનો અવાજ આપણો સૂત્રધાર છે માટે એ હકારાત્મક રહે તે જરૂરી છે. એના માટે નિયમિત કોશિશ કરવી પડે છે.

સુખી થવું કે દુખી એ આપણા અર્થઘટન પર આધારિત છે. ધ્યાન એક એવી પ્રવૃત્તિ છે જે મનને જાગૃત કરી ખોટા વિચારોથી મુક્તિ અપાવે છે. નિયમિત વ્યાયામ પણ મનને પ્રફુલ્લિત રાખે છે. જે વાત આપણા હાથમાં નથી તેની ચિંતા છોડી દેવાથી તનાવ ઘટે છે. વાસ્તવિકતાને જો બદલી ન શકાય તો એનો સ્વીકાર કરવાની વૃત્તિ કેળવો. ખોટો સંઘર્ષ તનાવ પેદા કરે છે. પ્રગતિ માટે ભયમુક્તિ પણ જરૂરી છે.

આપણો ૯૯ ટકા ભય વહેમ હોય છે. જેની પકડમાંથી છુટવું જરૂરી છે. જ્યારે પણ ડિપ્રેશન જેવું લાગે ત્યારે ગમતા લોકોને મળો અથવા ગમતી પ્રવૃત્તિ કરો.‘હું’ની પકડમાંથી બહાર નીકળી ‘અમે’ના ક્ષ્ક્ષેત્રમાં આવી જાઓ. કોઇને મદદ કરશો તો હકારાત્મક ઊર્જા પેદા થશે જે તમને મદદરૂપ થશે તે તમને મદદરૂપ થશે. આ પુસ્તકમાં સ્વભાવ બદલવા પર જે ભાર મૂકાયો છે તેના માટે લેખકે અમુક પ્રકારની કસરતો પણ સૂચવી છે. તે કેટલી કારગીર નીવડે એ વ્યક્તિગત પ્રશ્ન છે.

લેખકે નર્વસ સિસ્ટમ પર શબ્દોની અસર વિશે ખાસ સંશોધન કરી આ પુસ્તક લખ્યું છે જેનું તારણ છે કે સુખ અને દુ:ખ આપણા વિચારો પર નિર્ભર કરે છે. એવા ઘણાં કિસ્સાઓ છે જેમાં ભૌતિક રીતે સુખી હોવા છતાં પણ વ્યક્તિ દુખી અને તનાવપૂર્ણ રહે છે. જ્યારે અમુક લોકો પોતાના ખુશમિજાજ સ્વભાવના લીધે કપરા સંજોગોમાં પણ નિરાશ નથી થતા. સુખી કે દુ:ખી થવામાં આપણા સ્વભાવની અહમ્ ભૂમિકા છે.‘

No comments:

Post a Comment