October 1, 2011


હું જ્યારે પણ વિચારોથી ધેરાઈ જાઉં છું, ત્યારે સૌથી પહેલા એ વિચારું છું કે દુનિયામાં અર્થપૂર્ણ જેવું કંઈ છે કે નહીં? આવા સવાલનો કોઈ વૈજ્ઞાનિક અને પ્રામાણિક જવાબ નથી મળતો. સાચું એ છે કે દરેક માણસ પોતાની અંદર એકલો જ હોય છે. એને માટે જીવન શું છે એનો જવાબ એના પેઢીગત વારસા, વાતાવરણ તેમ જ ઈતિહાસમાં મળે છે. એની પ્રકૃતિ પ્રમાણે એ અમુક વાતો સ્વીકારીને જીવતો હોય છે. 


તમે ખાવા-પીવા, પહેરવા-ઓઢવાના શોખીન માણસ હો કે ઈન્દ્રિયો પર ચુસ્ત અંકુશ રાખી શકતા હો, તમે કોઈ ખરેખરા મહાનાયક હો કે એકદમ કાયર માણસ હો, સમાજમાં તમારી છાપ સ્વાર્થીની હોય કે તમે ખરેખર પરોપકારી હો - તમે જે પણ હો, જેવા પણ હો, એ કારણે તથા તમારી સાથે જે કંઈ પણ બને છે એના થકી પોતાની ક્રિયા-પ્રતિક્રિયા, વાત-વ્યવહારના સહારે તમે ઘણું બધું જાહેર કરો છો. વ્યક્તિ તરીકે જીવનનો અર્થ એ જ હોય છે કે આ ભાઈ એટલે આવા આવા આવા માણસ.



જોકે આ પણ અંતિમ નિષ્કર્ષ ન હોઈ શકે. મારે માટે વ્યક્તિગત રીતે જીવનનો ઘણો ખાસ અર્થ છે, જે મારાં કાર્યોથી સ્પષ્ટ થાય છે. એમાં મારાં મૂલ્યોથી નક્કી થયેલી વ્યવસ્થા છે, જિંદગી અંગેનું મારું સામાન્ય દર્શન છે... પરંતુ મારી વિચારણા અને તમારી વિચારણા એક તો હોઈ ન શકે... એટલે અહીં પાછો સવાલ ઊભો થાય કે કોણ સાચું છે... છેવટે, અર્થ આ જ નીકળે છે... જીવનના અર્થ સંબંધી સંપૂર્ણ અને સર્વમાન્ય જવાબ કોઈની પાસે, કોઈપણ સ્તરે નથી. 

એફ. ડબ્લ્યુ. જે. શીલિંગ નામના ફિલસૂફે કહેલું, ‘શું ઇશ્વરનું એકમાત્ર ઘ્યેય સર્જનનું જ હતું? કે ધીમેધીમે વિકસવાની વાત હતી? આખરે આ જીવન શું છે? ઈશ્વર જીવન છે અને જીવન જ ઈશ્વર છે. તેના ઉપર આવરણ કે પડળ આવ્યાં કરે છે, આવશે અને પછી ઊખળી જશે.’ તેથી આશાવંત-ઓપ્ટિમિસ્ટ બનવું જ રહ્યુ. 


‘વ્હોટ ઇઝ એનલાઈટનમેન્ટ’ નામના પુસ્તકમાં ટોમ હ્યુસ્ટને કહ્યું છે કે માનવીમાં આખરે પૂર્ણ આઘ્યાત્મિકતા આવશે જ. વર્તનાનની વાસ્તવિકતાનો આ વાત સાથે જોકે મેળ ખાતો નથી, પરંતુ બીજા વંઠે છે, તો તેના વાદેવાદે આપણે શું કામ વંઠાવું જોઇએ? આજ સુધી ઉપભોગવાદ અને હિંસાના વાતાવરણમાં ઊછરેલા પિશ્ચમના ફિલોસોફરો જો આશા આપતા હોય અને આઘ્યાત્મિકતાની ચરમ સીમાનો લાડવો દેખાડતા હોય તો શું કામ તેમાં શ્રદ્ધા ન રાખવી? અમેરિકન ચિંતક રાલ્ફ વાલ્ડો ઇમર્સનથી માંડીને ભારતના ફિલસૂફ અને સ્ટેટસમેન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઓસ્ટ્રિયાના નૃવંશશાસ્ત્રી તેમ જ ફયુચરિસ્ટ રૂડોલ્ફ સ્ટેઇનર, ઇગ્લિંશ ફિલોસોફર આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટહેડ વગેરે મહાનુભાવો કહે છે કે માનવજાત આખરે વિકાસ પામીને પૂર્ણત્વ પામશે, કારણ કે ઇશ્વર માનવ છે અને માનવ જ ઇશ્વર છે.



ટોમ હ્યુસ્ટને શ્રી મહર્ષિ અરવિંદનો દાખલો આપ્યો છે. તેમણે માનવની ઇવોલ્યુશનરી થિયરીને ભારતના રહસ્યવાદની ચેતના સાથે જોડીને આશા બતાવી છે કે માનવ આ સૃષ્ટિમાં રહીને જ નિર્વાણ પામશે. તેણે આઘ્યાત્મિક માર્ગથી રયુત થવાનું નથી. તમે માળા ફેરવતા હો, મંદિરે જતા હો, નમાજ પઢતા હો, મક્કાની હજ કરતા હો કે હિમાલયમાં અમરનાથની યાત્રા કે માનસરોવરની યાત્રા શ્રદ્ધા સાથે કરવા માગતા હો તો શ્રદ્ધા છોડશો નહી. માનવની એ શ્રદ્ધા જ તેને પૂર્ણતા બક્ષશે. 

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’


ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે. જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ સો રૂપિયાની નોટ આપીશ પણ એ પહેલાં મારે કશુંક કરવું છે.’ એમ કહી એ સો રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમાં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, ‘હજુ પણ આ નોટ કોને જોઈએ છે?’ ફરી હાથ ઉપર થવા લાગ્યા.



‘ભલે’ કહી એણે એ સો રૂપિયાની નોટ જમીન પર ફેંકી પોતાના બૂટ નીચે કચડી. ફરી ઊંચકી અને ડૂચો વળેલી, પગ નીચે ચગદાયેલી એ નોટ ઊંચી કરી પૂછ્યું, ‘હજુય આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે?’ છતાં ય બધાના હાથ ઉપર થયા. 



‘મારા પ્રિય મિત્રો. ખૂબ મહત્વની વાત આજે આપણે શીખ્યા છીએ. આ નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમને જોઈએ છે, કારણ કે તમને ખબર છે કે એનાથી એની કમિંત ઘટશે નહીં. અત્યારે પણ એ સો રૂપિયાની નોટ જ છે. આવી જ રીતે ઘણીવાર જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણય કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઈ સંકોચાઈ જઈએ છીએ. આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામા થઈ ગયા છીએ પણ એવું નથી. કંઈ પણ થાય છતાં આપણી કમિંત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ - આ વાત ક્યારેય ન ભૂલતા.’
જ્યારે જે મળવાનું લખ્યું હોય ત્યારે જ તે મળે છે. આ જાણતાં હોવા છતાં લોકો વધારે મેળવવાની દોડમાં ભાગતાં રહે છે અને જે હોય તેનો આનંદ માણવાનું વિસરી જાય છે.

પોતાની પાસે જે છે, તેનાથી સંતોષ માનવાને બદલે આજે માણસમાત્ર ‘વધુ ને વધુ’ મેળવવાની દોડમાં જે છે, તેનું સુખ માણી શકતો નથી.
સમજણપૂર્વક થયેલો પરિશ્રમ જ લક્ષ્ય સુધી પહોંચાડે છે. લક્ષ્ય બદલતાં રહીને આપણે દોડી તો શકીએ છીએ, પરંતુ ક્યાંય પહોંચી નથી શકતા.

અરવલ્લીના પહાડ વચ્ચે એક સુંદર ગામ હતું. ત્યાં એક વિદ્વાન શિક્ષક રહેતા હતા. વિદ્યાર્થીઓ દૂરદૂરથી એમની પાસે ભણવા આવતા. ભણતર પૂરું થયા પછી ગુરુએ વિદ્યાર્થીઓને આદેશ આપ્યો કે આ ગામ માટે કૂવો ખોદી કાઢો. ગુરુભક્ત વિદ્યાર્થીઓ તરત જ ઉત્સાહપૂર્વક કૂવો ખોદવા માંડ્યા. જમીન ઘણી સખત અને પથરીલી હતી, એટલે થોડું ખોદકામ કરતાં જ તેઓ થાકી ગયા.

બધાએ નક્કી કર્યું કે આ કૂવામાંથી પાણી નીકળે એમ નથી એટલે બીજો કૂવો ખોદીએ. પહેલો કૂવો અધૂરો રાખીને તેઓ બીજો કૂવો ખોદવા લાગ્યા. એમાંથી પણ પાણી ન નીકળતાં તેમણે ત્રીજો કૂવો ખોધો. આમ, તેઓ સ્થળ બદલતાં રહીને એક પછી એક કૂવો ખોદતા ગયા, પણ પાણી તો ન જ નીકળ્યું. આ વિદ્યાર્થીઓમાં એક એવો હતો જેણે કયા સ્થળે કૂવો ખોદવો એ નક્કી કરવામાં પૂરતો સમય લીધો અને પછી એકલો જ એ સ્થળે સતત ખોદતો રહ્યો.

છેવટે તે કૂવામાંથી એક દિવસ પાણી નીકળ્યુ. એણે ફક્ત એક જ કૂવો ખોદેલો, પણ તે આખો હતો. બીજા વિદ્યાર્થીઓ સો કૂવા ખોદી ચૂકેલા, પણ બધા અધૂરા હતા. ગુરુએ પેલા શિષ્યને કહ્યું: વત્સ, તારું શિક્ષણ પૂરું થયું છે... તું ઘરે જઈ શકે છે!
સાથીના પ્રેમનું ક્યારેય મૂલ્યાંકન ન કરો. આના લીધે સાથીદારની લાગણી દુભાઇ શકે છે.

સાથીદાર પોતાને કંઇ લઇ આપે અથવા તો પોતે કહે તે મુજબ જ વર્તન કરે એવી શરતો ક્યારેય પ્રેમસંબંધમાં હોતી નથી. સાચો પ્રેમ ક્યારેય શરતોને આધીન થઇને કરી શકાતો નથી. બિનશરતી પ્રેમ કરવો એ દાંપત્ય અને પ્રેમસંબંધની પ્રથમ શરત છે.

પ્રેમ તો એવી ભાવના છે, જેમાં સાથીદારને તમે ગમે તેટલું આપો તો પણ ઓછું પડે અને સાથીદાર તમને કદાચ કંઇ ન આપે તો પણ માત્ર એના પ્રેમથી જ સંતોષ મળી જાય. આવી ઉદાત્ત ભાવનાને કોઇ ભૌતિક વસ્તુ કે ભોગવટો બનાવી દઇને કેટલાક દંપતી પ્રેમનું મૂલ્યાંકન ઓછું કરી રહ્યાં છે.
કેન્દ્ર સરકારના સચિવોની સમિતિએ મલ્ટિબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડી રોકાણને મંજુરી આપતો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જો એ બધા કોઠા વીંધીને પસાર થઇ જશે, તો ૧૨૧ કરોડ ભારતીયોના બજારમાં બીજી રિટેલ ક્રાંતિ આવશે.

મલ્ટિબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવાનો મુદ્દો હંમેશાં રાજકીય વિવાદનો મુદ્દો રહ્યો છે. છેલ્લા બે દાયકામાં આ ક્ષેત્રમાં ૫૧ ટકા સીધું વિદેશી મૂડીરોકાણ લાવવાની દરખાસ્તો થઇ છે પણ, રાજકીય રીતે સંવેદનશીલ એવા આ મુદ્દામાં કોઇ પક્ષ પોતાના હાથ દઝાડવા ઇચ્છતો નથી.

ભારતનું રિટેઇલ બજાર એટલું મોટું છે કે પ્રથમ એક દસકામાં કોઇપણ વિદેશી મલ્ટિ બ્રાન્ડ રિટેલર કુલ બજારના બેથી ત્રણ ટકાથી વધુને આવરી શકે નહીં તેવું નિષ્ણાતોનું કહેવું છે. એમાં પણ સચિવોની દરખાસ્ત મુજબ તો ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં જ વિદેશી કંપનીઓને મંજૂરી અપાશે. એટલે, આ માર્કેટશેર અત્યંત ઘટી જશે. ગુજરાતમાં મોટાં ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં જ તેઓ પગ પેસારો કરી શકશે.

મોલ કલ્ચરનો સામનો કરી ચૂકેલા કરિયાણાવાળાઓ અને હોઝિયારીવાળાઓએ હવે કદાચ વોલમાર્ટ અને કેરફોર જેવી મલ્ટિબ્રાન્ડ ઇન્ટરનેશનલ રિટેલ ચેઇનની હરિફાઇનો સામનો કરવો પડશે. મલ્ટિબ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં વિદેશી મૂડી રોકાણના દરવાજા ખૂલ્લા મૂકવાની તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી છે. મૌની બાબા પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન હતા તે સમય યાદ છે? હાલના વડાપ્રધાન ડૉ.. મનમોહનસિંહ ત્યારે નાણાપ્રધાન હતા અને વિદેશી બજાર માટે દેશના દરવાજા ખોલવાની હિંમત તેમણે જ કરી હતી. તે વખતે બહુ શંકા-કુશંકાઓ થઇ હતી. મોટાભાગના નિરીક્ષકો કહેતા હતા કે દેશનાં બારણાં ઉઘાડા ફટ્ટાક મૂકવાથી તો દેશનું દેવાળું નીકળી જશે.

વિદેશીઓ આપણાં બજારો પર કબજો કરી લેશે. પણ, આજે બે દાયકા પછી એ નિર્ણયને મૂલવીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે ભારતના હાલના વિકાસ માટે તે વખતે લેવાયેલું પગલું જવાબદાર છે. કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, પગરખાંથી માંડીને કરિયાણું અને પસ્તી સુધીની વસ્તુઓ એક જ છત નીચે વેચતા મોલનું કલ્ચર દેશમાં ફૂલ્યું ફાલ્યું ત્યારે ઘણા કહેતા હતા કે કરિયાણાવાળાઓનું અને ગંધિયાણાવાળાઓનું હવે આવી બન્યું. નાના વેપારીઓ બચ્ચાડા વધેરાઇ જશે.

પણ, આપણા નાના વેપારીઓની કોઠાસૂઝ વધુ તેજ નીકળી. તેમણે મોલને બરાબર ટક્કર આપી. મોલ બંધ થવાની ઘટનાઓ બની હશે પણ કોઇ નાના દુકાનદારે ધંધાને તાળાં માર્યાની ઘટના બની નથી. ગ્રાહકને ફાયદો થયો છે પણ, સામે મોલ કે નાના વેપારીઓને બહુ મોટું નુકસાન ગયું નથી. સિંગલ બ્રાન્ડ રિટેલમાં તો ૫૧ ટકા સીધું વિદેશી મૂડી રોકાણ છે જ, હવે તે મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં પણ આવી શકે. મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં ૫૧ ટકા સીધું રોકાણ કરનાર વિદેશી પ્લેયરે ૧૦૦ મિલિયન અમેરિકન ડોલરના ઓછામાં ઓછાં રોકાણની બાહેંધરી આપવી પડશે અને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં જ તેમને રિટેલ ચેઇન ખોલવાની છૂટ અપાશે.

ભારતનું રિટેલ બજાર એવડું વિશાળ છે કે વિદેશી કંપનીઓ લાળ ટપકાવે જ. પણ, તેનાથી ભારતને શું ફાયદો? સામાન્ય નાગરિકોને શું ફાયદો? ભારતે જો વિકાસનો હાલનો દર જાળવી રાખવો હોય અથવા તેમાં વધારો કરવો હોય તો વિદેશી મૂડી રોકાણની જરૂર રહે જ. અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ જેટલો વધુ રહે એટલી વિકાસની ગતિ વધે. સામાન્ય નાગરિકને તો સ્પર્ધા જેટલી વધુ મળે એટલો ફાયદો જ છે. સિંગલ બ્રાન્ડ રિટેલ માટે જો વિદેશી મૂડી રોકાણને મંજૂરી ન હોત તો મોબાઇલ ફોન સહિતની ચીજો અત્યારે રેઢી પીટાય છે એટલી સસ્તી મળતી હોત નહીં.

બહારથી રોકાણ આવે તો શું ફાયદા થાય તેનું ગુજરાત કરતાં મોટું સાક્ષી બીજું કયું રાજ્ય હોઇ શકે? ગુજરાતનો વિકાસ આંધળાને પણ દેખાય એવો છે. ૨૦૧૧ના પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદે આવકવેરો ભરવાની બાબતમાં દિલ્હી, મુંબઇ અને બેંગ્લોરને પણ પાછળ રાખી દીધાં હતાં. આ બધું બહારનાં રાજ્યોમાંથી ગુજરાતમાં આવી રહેલાં મૂડી રોકાણને આભારી છે. મલ્ટિનેશનલ કંપનીઓનો વિરોધ જ કરવાની ફેશન થઇ પડી છે. એ વાત પણ સાચી છે કે બહારથી કોઇ મૂડી લઇને આવે તો કમાવા માટે જ આવે, ગુમાવવા માટે નહીં. પરંતુ, એ સાદી દલીલમાં અર્થશાસ્ત્ર નથી અને સાચું તર્કશાસ્ત્ર પણ નથી.

સીધો તર્ક ભલે એ થતો હોય કે વોલમાર્ટ અને કેરફોર જેવી કંપનીઓ અહીંથી નાણાં ઉસેટી જશે પણ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઇએ તો પહેલાં દેશના અર્થતંત્રમાં રોકાણ થશે, દેશના વેપાર અને ઉદ્યોગમાં પણ નાણાં આવશે, અડધો હિસ્સો તો વિદેશી કંપનીઓએ ભારતીય કંપનીઓને આપવો જ પડશે એટલે વિદેશી કંપનીઓના ફાયદાની સાથે જ ભારતની કંપનીઓને પણ ફાયદો થવાનો જ છે. આજના યુગમાં વિદેશી કંપનીઓ માટે બારણા બંધ કરી રાખવા ફાયદાનો સોદો નથી.

મલ્ટિબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવાનો મુદ્દો હંમેશાં રાજકીય વિવાદનો મુદ્દો રહ્યો છે. છેલ્લા બે દાયકામાં આ ક્ષેત્રમાં ૫૧ ટકા સીધું વિદેશી મૂડીરોકાણ લાવવાની દરખાસ્તો થઇ છે પણ, રાજકીય રીતે સંવેદનશીલ એવા આ મુદ્દામાં કોઇ પક્ષ પોતાના હાથ દઝાડવા ઇચ્છતો નથી. આ વખતે કેન્દ્ર સરકારના સચિવોની સમિતિએ આ દરખાસ્ત તૈયાર કરી છે એનો અર્થ એવો થયો કે અર્થશાસ્ત્રી વડાપ્રધાન ડૉ.. મનમોહનસિંહની સૂચનાથી પ્રસ્તાવ બન્યો છે. ડૉ.. સિંઘ અર્થશાસ્ત્રના જાણકાર છે એટલે સમજે છે કે ભારતના અર્થતંત્રમાં જો બહારથી રોકાણ નહીં આવે તો વિકાસની ગતિ મંદ થઇ જશે અને એક વખત નેગેટિવ ગ્રોથ શરૂ થયા પછી તેને અટકાવવો મુશ્કેલ છે.

વિકાસના ચક્રને ફરતું રાખવા માટેના કેટલાક પ્રયત્નોમાંનો એક પ્રયત્ન છે. પરંતુ એવું નથી કે મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણને છુટ આપી દેવાથી બધાં સારાંવાનાં થઇ જ જશે. સાથે જ, નાના દુકાનદારો, કરિયાણાવાળાઓ અને રિટેલરોને લેવલ પ્લેઇંગ ગ્રાઉન્ડ આપવાની વ્યવસ્થા કરવી પડશે. તેમનાં હિત જોખમાય નહીં તે માટેની ગોઠવણ કરવી પડશે. વોલમાર્ટ જેવી વૈશ્વિક જાયન્ટ કંપનીઓ આવે ત્યારે નુકસાન ઓછામાં ઓછું થાય અને ફાયદો વધુમાં વધુ થાય તે જોવું પડશે.

ભારતનું રિટેઇલ બજાર એટલું મોટું છે કે પ્રથમ એક દસકામાં કોઇપણ વિદેશી મલ્ટિ બ્રાન્ડ રિટેલર કુલ બજારના બેથી ત્રણ ટકાથી વધુને આવરી શકે નહીં તેવું નિષ્ણાતોનું કહેવું છે. એમાં પણ સચિવોની દરખાસ્ત મુજબ તો ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં જ વિદેશી કંપનીઓને મંજૂરી અપાશે. એટલે, આ માર્કેટશેર અત્યંત ઘટી જશે. ગુજરાતમાં મોટાં ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં જ તેઓ પગ પેસારો કરી શકશે. ત્યાંના બજારમાંથી તેઓ જે ભાગ પડાવશે તે કુલ બજારનો અત્યંત નાનો હિસ્સો હોય તે સ્વાભાવિક છે.

દેશી મોલને હંફાવી દેનાર ભારતના નાના વેપારીઓ માટે વોલમાર્ટ સામે લડવું અઘરું નથી. વિદેશીઓ ભારત પાસેથી બિઝનેસની બે નવી રીત શીખીને જશે.સદીઓથી ભારત વિશ્વ સાથે વેપાર કરતું આવ્યું છે. જ્યારે યુરોપ અંધકાર યુગમાં હતું ત્યારે ભારતના શાહ સોદાગરો સિલ્ક રૂટ પર થઇને યુરોપ સુધી માલ પહોંચાડતા હતા. આઝાદી પછી ભારતે બિઝનેસમાં પ્રગતિ કરવામાં થોડી ઢીલાશ રાખી હતી પણ, હવે પછીનો સમય ભારતનો છે. ચીન સિવાય બીજો કોઇ એવો દેશ નથી જે ભારતની સાથે આગામી બે દાયકામાં સ્પર્ધા કરી શકે.

કદાચ, એવું બનશે કે વીસમી સદીમાં વિશ્વ રશિયા અને અમેરિકા એમ બે ધ્રુવ વચ્ચે વહેંચાયેલું હતું તેમ એકવીસમી સદીમાં ચીન અને ભારત વચ્ચે વહેંચાયેલું હશે. અમેરિકા પર એક સમયે રાજ કરનાર ઇંગ્લેન્ડ જેમ અત્યારે અમેરિકાનું ખંડિયું બની ગયું છે એવી સ્થિતિ બે દાયકા બાદ ભારત માટે અમેરિકાની હોય તો પણ નવાઇ નહીં કહેવાય. પણ, આ સપનાં સાચાં પાડવા માટે રાજકીય સમજદારી અને જાગૃતિ જરૂરી છે. આંધળુંકિયાં કરીશું તો વિશ્વની મહાસત્તા બનવાની તક હાથમાંથી સરી જતાં વાર નહીં લાગે. ભારતે મહાસત્તા બનવું હશે તો મહાસત્તાની જેમ વર્તતા શીખવું પડશે. ચીન એ રીતે વર્તવા માંડ્યું છે, ભારત ક્યારે શરૂ કરશે?
રાજીનામું શબ્દ કાને પડતાં જ અલગ અલગ રીતે વિચારોનો ધોધ મગજમાં વહેવો શરૂ થઈ જાય છે. કેન્દ્ર સરકારમાં પણ છેલ્લા કેટલાક સમયથી રાજીનામાંનો દોર ચાલી રહ્યો છે. કોર્પોરેટ વિશ્વમાં પણ રાજીનામાં સંભળાઈ રહ્યાં છે. રાજીનામું શબ્દનો સાદો અર્થ એવો થાય કે રાજી થઈને કરવામાં આવતું કૃત્ય એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ સંસ્થા, કંપની કે વ્યવસાયમાં હોય અને ત્યાંથી મુક્ત થવા માંગતો હોય ત્યારે છુટા પડવા માટે જે વિધિ કરવી પડે તેને આપણે રાજીનામું આપ્યું તેમ કહીએ છીએ.

હકીકતમાં રાજીનામું શબ્દ તેના અર્થ પ્રમાણે ખરેખર રાજી થઈને અપાતો પત્ર હોય છે? મોટા ભાગના કિસ્સામાં તેનો જવાબ ‘ના’માં મળે છે. જો કે રાજીનામાના પત્રમાં તો દરેક વ્યક્તિ સંસ્થા છોડતી વખતે તેના વખાણ જ કરતી હોય છે પણ તેના મનમાં તે ભાવ હોતો નથી. રાજીનામું લખવું એ પણ એક અલંકારિક કૃત્ય ગણાય છે. ઘણી સંસ્થા કે કંપનીમાં આ માટેની નિષ્ણાત વ્યક્તિ હોય છે અથવા તો એવી વ્યક્તિઓ હોય છે કે જેઓ અલંકારિક ભાષામાં રાજીનામું લખી આપવા તત્પર હોય છે. કેટલાક રાજીનામા પત્રમાં પોતાની કડવાશ પણ વ્યક્ત કરતા હોય છે. જે તે સંસ્થા કે કંપનીની મેનેજમેન્ટમાં તેની કેટલી ગંભીરતાથી નોંધ લેવાય છે તે અલગ ચર્ચાનો વિષય છે.

વિશ્વ સાહિત્યમાં કેટલાક અદભૂત રાજીનામાના પત્રો પણ પ્રગટ થયા છે. રાજીનામું લખતી વખતે સામાન્ય રીતે એવું મનાય છે કે વ્યક્તિએ સંસ્થા છોડતા સમયે કોઈ પણ જાતની કડવાશ વિના ચૂપચાપ પત્ર લખી દેવો જોઇએ. કેટલાકનો મત એવો છે કે જો આપણે ખરેખર રાજી થઈને નીકળતા ન હોઈએ તો સાચી હકીકત ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચાડવા જે પણ સાચું લાગતું હોય તેની વિગત પત્રમાં લખવી જોઈએ. ઘણી કંપનીઓમાં રાજીનામું આપનાર વ્યક્તિનો એક્ઝિટ ઇન્ટરવ્યૂ લેવાની પ્રથા હોય છે.

આની પાછળનો હેતુ એ છે કે જો કોઈ વ્યક્તિ નારાજ થઈને જતી હોય તો તેના મનમાં કંપની વિશેના શું ભાવ છે તે જાણી શકાય તથા જો તેના સૂચનો કે વાંધા યોગ્ય હોય તો તેનો ઉપયોગ કરીને ભવિષ્યમાં અન્ય વ્યક્તિઓને સાચવી શકાય. એટલું જ નહીં આ રીતે કંપનીની ઇમેજમાં પણ સુધારો કરવાનો એક પ્રયાસ હોય છે. એક્ઝિટ ઇન્ટરવ્યૂ એક પ્રણાલી તરીકે અદભૂત શસ્ત્ર છે પણ વ્યવહારમાં તેનો કેવો અને કેટલો ઉપયોગ થાય છે એ જોવાનું રહ્યું.

રાજીનામું આપનાર વ્યક્તિ મોટે ભાગે ગ્રોથ, પ્રમોશન, નાણાકીય સદ્ધરતા, મનગમતા સ્થળે નોકરી વગેરે કારણો આપતી હોય છે. હકીકતમાં આ તમામ માત્ર એક બહાનાં હોય છે. વ્યક્તિ જુની સંસ્થા છોડતા સમયે પોતાના બોસથી મોં છુપાવવા આ બધાં કારણો રજુ કરતી હોય છે. બોસને પણ આ બાબતનો ખ્યાલ હોય છે પણ ઘણા કિસ્સામાં બોસના હાથ પણ બંધાયેલા હોવાથી રાજીનામું આપનાર વ્યક્તિની સાચી દલીલો અને કારણો હોવા છતાં તેઓ કશું જ કરી શકતા નથી હોતા. કોર્પોરેટ ક્ષેત્રમાં ટેલેન્ટ રિટેન્શન એક મોટો માથાનો દુખાવો છે.

આ માટે કંપનીઓ નાણાકીય વળતર ઉપરાંત અનેક પ્રકારે લાલચો આપીને ટેલેન્ટેડ વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરતી હોય છે. ફાર્મા ક્ષેત્રમાં કર્મચારીઓનો ટર્નઓવર રેશિયો અનેક ઘણો જોવા મળે છે. તેવું જ આઇટી કંપનીમાં પણ જોવા મળે છે. આઇટી કંપનીમાં મોટા ભાગના યુવાનો કામ કરતા હોવાથી તેઓ પોતાની મહત્વકાંક્ષાને પાર પાડવા વારંવાર નોકરી બદલતા રહે છે. અમેરિકાની વિખ્યાત એપલ કંપનીમાં કર્મચારીઓનો ટર્નઓવર રેશિયો તદ્દન નહીંવત્ છે.

આ માટે એપલના વડા સ્ટીવ જોબ્સને કારણભૂત ગણવામાં આવે છે. તેઓ કર્મચારીને અનોખી રીતે સાચવતા રહે છે. મોટા ભાગની કંપનીઓ એવું માની લે છે કે કર્મચારીને નાણાકીય પ્રલોભનો આપીને રોકી શકાય છે. વાસ્તવિકતા અલગ હોય છે. દરેક વખતે કર્મચારી નાણાકીય રીતે ભૂખ્યો હોતો નથી. કંપની તરફથી તેને માન-સન્માન મળે તેવું પણ તે ઇચ્છતો હોય છે. ઘણી કંપનીઓમાં દેખાદેખીથી આ વલણ પણ દાખલ થયેલું જોવા મળ્યું છે.

વાસ્તવમાં કર્મચારીને મનગમતું કામ કરવા મળતું હોય તો તે નાણાકીય પ્રલોભનો અંગે પણ વિચારતો હોતો નથી, પરંતુ કમનસીબે કોર્પોરેટ વિશ્વમાં દરેક વ્યક્તિ પાસે તેને નહીં ગમતું કામ જ કરાવાતું હોવાથી કર્મચારી રાજીનામું આપવા પ્રેરાતો હોય છે.
એક વાત કમાલની છે. કોઈ માણસ શાપ મેળવવા માટે તપ કરે? હા, કરે. આપણાં પુરાણોમાં એવી અનેક અનેક કથાઓ છે જેમાં સૌથી ઉગ્ર તપ સૌથી મોટા શાપ માટે કરવામાં આવેલાં. વાત જાણે એમ છે કે જીવનની સૌથી વધુ ત્રાસજનક બાબત અને સૌથી વધુ ઇચ્છિત બાબત, બન્ને એક જ છે. બોલો, એ ચીજ કઈ? પૈસા, ના. પ્રસિદ્ધિ, ના. જવાબ છે: અમરત્વ. રાવણથી માંડીને હિરણ્યકશ્યપુ જેવા કેટકેટલાય ‘તપસ્વી’ઓએ અમરત્વ મેળવવા ઘોર તપશ્ચર્યા કરેલી.

બીજી તરફ, પાંડવોના સંતાનોની હિચકારી હત્યા કરવા બદલ અશ્વત્થામાને જગતનો સૌથી આકરો શાપ મળ્યો, અમરતાનો શાપ. આ લખનારને નાનપણમાં આ વાતની ભારે નવાઈ લાગતી કે ‘મને કોઈ મારી ન શકે’ એવી હિરણ્યકશ્યપુની માગણી વરદાન ગણાય, જ્યારે અશ્વત્થામાને ‘તું ક્યારેય મરીશ જ નહીં’ એવું કહેવાયું એ શાપ ગણાય. નાનપણની આ મૂંઝવણ હવે ઉકલી ચૂકી છે. આ ‘ગોટાળા’નો જવાબ સ્પષ્ટ છે: અમરતા વરદાન નહીં, શાપ જ છે. મોત આવે જ નહીં એથી મોટો ત્રાસ બીજો કયો હોઈ શકે? મરવાનું જ નહીં? તો તો મરી રહેવાય..
લંડનના ‘સન્ડે ટાઇમ્સ’માં એક સાપ્તાહિક કોલમ આવતી હતી જેમાં વિવિધ ક્ષેત્રમાં શૂન્યમાંથી સર્જન કરીને સફળ થયેલા લોકોના ઇન્ટરવ્યૂ છપાતા હતા. લેખિકા રાશેલ બ્રીજ દ્વારા ‘હાઉ આઇ મેડ ઇટ’ પુસ્તકમાં આવી ચાલીસ પ્રેરણાત્મક મુલાકાતોનું સંકલન કરાયું છે. શાના લીધે એમને સફળતા મળી તે આ પુસ્તકનો વિષય છે. સફળતા વિશે આ મુલાકાતોના આધારે લેખિકાનું વિશ્લેષણ જોઇએ.

સફળ થવા માટે ઉંમરની કોઇ બાધા નડતી નથી. કોઇ પણ વિચારને કેવી રીતે વ્યવસાય કે કમાણીનું સાધન બનાવવો તે જ મુખ્ય આવડત છે. ક્યારેક આવો વિચાર પોતે ભોગવેલી તકલીફોમાંથી સૂઝતો હોય છે.

અમુક વિસ્તારમાં જેની અગવડ હોય તે ક્ષેત્રમાં જો સેવા આપી શકાય તો એ વ્યવસાયમાં સફળતા સહેલી પડે છે. ઘણા લોકો બીજાને ત્યાં નોકરી કરી એ ક્ષેત્રનો અનુભવ મેળવી પોતાનો વ્યવસાય શરૂ કરે છે. કેટલાક પોતાના શોખને કમાણીનું સાધન બનાવી દેતા હોય છે. બીજા કોઇ સ્થળે સફળ થયેલા પ્રયોગને પણ અપનાવી શકાય છે. સફળ વ્યક્તિ જોખમ જરૂર ખેડે છે પણ ક્યારેય આંધળું જોખમ નથી લેતી. એ યોજનાબદ્ધ રીતે આગળ વધે છે.

ભણવામાં હોશિયાર હોય તે પ્રોફેશનલ બને છે પણ જે નબળા છે તે જીવનમાં નિષ્ફળ જાય તે જરૂરી નથી. ઘણીવાર નબળા વિદ્યાર્થીઓમાં બીજા ક્ષેત્રમાં કંઇક કરી બતાવવાની ધગશ વધારે જોવા મળતી હોય છે. ક્યારેક પારિવારિક દબાણ પણ કામ કરતું હોય છે. પરિવારમાં બીજા સદસ્યો જો સફળ થયા હોય તો પોતે પણ કંઇક કરી બતાવવાની ભાવના જાગે છે. કોઇ પણ કામ માટેની ધગશ અને ઝુંબેશ સફળ થવા જરૂરી છે. પોતાની પ્રવૃત્તિમાં સો ટકા વિશ્વાસ જરૂરી છે. અહીં શંકાને સ્થાન નથી. આત્મવિશ્વાસની સામે પ્રતિકૂળ સંજોગો પણ રુકાવટ નથી બનતા. સફળ વ્યક્તિ સમસ્યાનો નહીં એના નિરાકરણનો વિચાર કરે છે.

આ મુલાકાતોમાં સફળ વ્યક્તિઓ દ્વારા જે સૂચનો અપાયાં છે તે જોઇએ. મુખ્ય પ્રેરણા પૈસા નહીં પણ કંઇક બનવાની હોય છે. નામ થશે તો કમાણીની ચિંતા નહીં રહે. જ્ઞાન મેળવતા રહો કારણ કે એ જ ખરી સત્તા છે. વર્તમાન પર ધ્યાન આપશો તો ભવિષ્ય સુધરશે. જીવનમાં એકાદ વાર જ મોટી તક મળતી હોય છે માટે એને ઝડપી લેવી જોઇએ.

કામ નાનું હોય કે મોટું તેના પર સો ટકા ધ્યાન આપો. નિષ્ફળતાનો ખોટો ભય આપણને નિષ્ક્રિય ન બનાવી દે તેની તકેદારી રાખો. એટલા વ્યસ્ત રહો કે ચિંતાનો સમય ન રહે. દરેક વ્યક્તિના ગુણ તરફ ધ્યાન આપો. જે વ્યક્તિ પસંદ નથી તેની સાથે ઓછો સમય વીતાવો. આપણું ભાગ્ય નક્કી છે અને હવે તેને બદલી નહીં શકાય તેવી માન્યતાથી છૂટકારો મેળવો.‘
વડાપ્રધાન કરતાં કોન્ગ્રેસ પ્રમુખ વધુ પાવરફૂલ છે, જ્યારે દેશ ચલાવવાની અસલી જવાબદારી વડાપ્રધાનની છે. આમ આદમીની સરકાર આમ આદમીના મામલે જ હવે ઘેરાઇ ગઇ છે. લાગે છે કે યુપીએની સરકારે હવે ‘આદમી મુસાફિર હૈ.. આતા હૈ જાતા હૈ’ ગીત તેમનું સૂત્ર બનાવી દીધું હશે.

સરકાર આપણને ધીરે ધીરે માનસિક રીતે તૈયાર કરી રહી છે કે જુઓ,આતંકવાદ સામેની લડાઇમાં તો હજી આવા સેંકડો આમ આદમીઓએ બલિદાન આપવાની તૈયાર રાખવી પડશે. એ વિના આતંકવાદીઓ પર કેવી રીતે કાબૂ મેળવી શકાય?

આપણે આતંકવાદી હુમલા સામે લાચાર છીએ, આપણે ભ્રષ્ટાચાર સામે લાચાર છીએ, આપણે અન્યાય સામે લાચાર છીએ, સરકારનું લાચારીનું લિસ્ટ લાંબું છે. સહનશીલતા અને લાચારી વચ્ચે બહુ મોટો ફેર છે. આમ આદમી બસ મજબૂર થઇને જોયા કરે છે. એ કંઇ કરી શકે તેમ નથી.

મુંબઇની ઝવેરી બજાર કે ઓપેરા હાઉસ પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક આમ આદમીનો હાથ ઉછળીને વીસ ફૂટ દૂર પડ્યો હતો. ચારે બાજુ વેરણછેરણ થયેલી લોહીથી લથપથ લાશો પડી હતી. એક જ સવાલ છે : શું એ હાથ આમ આદમીનો હતો કે નહિ? આમ આદમીની સરકારમાં આમ આદમીની આ સ્થિતિ? એક ખાસ સૂચના : મક્કમ મનના વાચકોએ જ હવે પછી આગળનો લેખ વાંચવો. મુંબઇમાં રહેતા દરેકને ફફડાટ છે. સવારે ઘરેથી નીકળતી વખતે તેમને ખાતરી નથી કે સાંજે હેમખેમ ઘરે પહોંચશે કે નહિ? ઘરના લોકોને સતત ભય રહે છે કે આતંકવાદી હુમલો તો નહિ થાય ને? આવી મનોસ્થિતિ માત્ર મુંબઇની જ છે એવું નથી. ભારતમાં વસતા કોઇપણ નાગરિક, સોરી ગુલામને આવો ભય છે.

કોઇ નાગરિકને નાગરિક હોવાની નહિ પણ ગુલામ હોવાની પ્રતીતિ થાય છે. કારણ કે નાગરિકને કેટલાક અધિકારો હોય છે અને તેની રક્ષા કરવાની જવાબદારી સરકારની હોય છે. ગુલામને કોઇ અધિકારો હોતા નથી. આપણે હવે આઝાદ દેશના નાગરિકો મટીને ગુલામ બની રહ્યા છીએ. જગતભરમાં ઝંડો ફરકાવીએ છીએ એ લોકશાહીના. દેશના કોઇપણ ખૂણે આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને હવે પેટમાં ગૂંચળાં વળે છે. આતંકવાદના ડરને કારણે નહિ, પણ સરકાર નામની કોઇ વ્યવસ્થા જ નથી એ અનુભૂતિથી. દેશની કમનસીબી જુઓ, સરકાર લાચાર છે અને આમ આદમી મજબૂર છે! ફિલ્મકાર મહેશ ભટ્ટ જેવા તો ઘણા પોતાની જાતને નપુંસક હોવાનો અહેસાસ કરે છે.

આપણે આતંકવાદી હુમલા સામે લાચાર છીએ, આપણે ભ્રષ્ટાચાર સામે લાચાર છીએ, આપણે અન્યાય સામે લાચાર છીએ, સરકારનું લાચારીનું લિસ્ટ લાંબું છે. સહનશીલતા અને લાચારી વચ્ચે બહુ મોટો ફેર છે. આમ આદમી બસ મજબૂર થઇને જોયા કરે છે. એ કંઇ કરી શકે તેમ નથી. રોજ સવાર પડે ને આમ આદમી પેટિયું રળવાની ચિંતા હોય છે. તમામ નેતાઓને ખબર છે કે બે દિવસ બધા કાગારોળ કરશે અને પછી બધું ભૂલી જશે. પોતપોતાના કામ ચડી જશે કારણ કે સાંજ પડ્યે ચુલો પેટાવવો એ તેની મજબૂરી છે અને ચુલો પેટાવ્યા વિના આમ આદમીને ચાલવાનું નથી. યાદ રહે આ સરકાર આમ આદમીની સરકાર છે.

ઝવેરી બજારમાં કે ઓપેરા હાઉસમાં કે પછી તાજ પરના હુમલામાં કે પછી અમદાવાદના બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામનારામાંથી કોઇ આમ આદમી હતો કે શું? એ સવાલ ઘુમરાયા કરે છે. રાહુલ બાબા કહે છે કે ગમે તેટલું ધ્યાન રાખો પણ એકાદ બ્લાસ્ટ તો થઇ જાય. વાત તો સાચી છે, અમેરિકા અપવાદ છે કે ત્યાં ૯/૧૧ પછી એક પણ આતંકવાદી હુમલો નથી થયો. સરકાર આપણને ધીરે ધીરે માનસિક રીતે તૈયાર કરી રહી છે કે જુઓ,આતંકવાદ સામેની લડાઇમાં તો હજી આવા સેંકડો આમ આદમીઓએ બલિદાન આપવાની તૈયાર રાખવી પડશે. બલિદાન આપ્યા વિના આતંકવાદીઓ પર કેવી રીતે કાબૂ મેળવી શકાય? આ માટે આપણે અત્યાધુનિક હોસ્પિટલો બનાવવી પડશે અને ઇન્ટેન્સિવ કેરવાળી એમ્બ્યુલન્સની સંખ્યા દરેક શહેરમાં વધારવી પડશે. શું છે કે હુમલો કોઇપણ શહેરમાં કોઇપણ સમયે થઇ શકેને?

ક્યારેક તો એવું લાગે છે કે સરકાર એવું કહેવા માગે છે કે આમ આદમીએ આંખ-કાન બંધ કરીને ઊંધું ઘાલીને ખૂબ રૂપિયા કમાવામાં પડી જવું જોઇએ. એવું લાગે તો ભ્રષ્ટાચાર કરીને પણ ઘર ભરી લો. કાલની કોને ખબર છે હેં? ભલાદમી, સરકાર એવું કહેવા માગે છે કે તમારો પણ વારો આવી જાય. સરકારનું એવુંય માનવું છે કે આ ઝવેરી બજારના હીરાના વેપારીઓ પણ સમજતા નથી વર્ષોથી એક જ જગ્યાએ જામી પડ્યા છે. તેમને ખબર જ હોવી જોઇએ કે આટલા ભીડભાડવાળા વિસ્તારમાં ગમે ત્યારે આતંકવાદીઓ આવીને કંઇપણ કરી શકે.

હીરાબજારના વેપારીઓને બાંદ્રા-કુલૉ કોમ્પલેકસમાં શિફ્ટ કરી દેવા જોઇએ. પણ પછી આતંકવાદ-બોમ્બ બ્લાસ્ટથી બચી શકાશે? ના. એકાદ ટકો જોખમ તો પછી પણ ખરું જ. ટૂંકમાં તમે આખું ભારત હિમાલય પર જ વસાવી દો! કોઇ ચિંતા જ નહિ. ૨૬/૧૧ પછી દેશભરમાં એક આંદોલન ઊભું થયું ભ્રષ્ટાચાર હટાવવાનું અને કાળા નાણાંને પરત લાવવાનું. એ આંદોલનમાં ૨૬/૧૧નો હુમલો ભૂલાઇ ગયો. હવે અણ્ણા અને રામદેવનાં આંદોલનો ભૂલાવી દે એવો આંતકી હુમલો થયો. રાજકારણ છે આ બધું? સવાલ વિચારવા જેવો છે.

સૌથી મહત્વનો સવાલ એ છે કે આ દેશ ચલાવવા માટે કોઇ એક વ્યક્તિ નિર્ણય લે છે કે કેમ? સરકાર જાણે લીડરલેસ અને હેડલેસ કે ફેસલેસ હોય એવી સ્થિતિ છે. આઝાદી પહેલાં જ્યારે અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રતાની લડાઇ ચાલતી હતી ત્યારે દેશભરના નેતાઓ એક નેતૃત્વ હેઠળ કામ કરતા હતા. મોહનદાસ કરમચંદ ગાંધી કહે એટલે ફાઇનલ. સરકારમાં એવી કોઇક વ્યક્તિ તો હોવી જોઇએને? આ સમસ્યા થઇ છે મલ્ટિ પાવર સિસ્ટમને કારણે. વડાપ્રધાન કરતાં કોન્ગ્રેસ પ્રમુખ વધુ પાવરફૂલ છે, જ્યારે દેશ ચલાવવાની અસલી જવાબદારી વડાપ્રધાનની છે. આમ આદમીની સરકાર આમ આદમીના મામલે જ હવે ઘેરાઇ ગઇ છે. લાગે છે કે યુપીએની સરકારે હવે ‘આદમી મુસાફિર હૈ.. આતા હૈ જાતા હૈ’ ગીત તેમનું સૂત્ર બનાવી દીધું હશે. માત્ર આમ આદમીની યાદો સાચવવાની, તેમનો જીવ નહિ.‘
કોઇ નાગરિક ખૂબ ભણેલો હોય, ડિગ્રીવાળો-હોદ્દાવાળો હોય, પરંતુ જો પ્રામાણિકતા, મૂલ્યો તેનામાં ન હોય તો તેનું એ શિક્ષણ વ્યર્થ ગણી શકીએ?

સ્પેકટ્રમ સ્કેમનું ઓપરેશન તો વિકિલીક્સે કર્યું, પરંતુ તે પછી મીડિયા અને પોલિટીકલ પાર્ટીઓ ગીધ જેમ મૃત પશુનો દેહ ચૂંથે તેમ તેનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે. આ પ્રકરણના રાજકીય અને આર્થિક તો અનેક એંગલ છે. એક સોશિયલ આસ્પેકટ પણ છે. એવું કહેવાય છે કે યોગ્ય શિક્ષણનો અભાવ માણસને અનીતિ અથવા અસામાજિક પ્રવૃત્તિ તરફ ખેંચી જાય છે. બીજી એક દ્રઢ, ઓન પેપર, ઓન રેકોર્ડ માન્યતા એવી છે કે સાઉથનાં રાજ્યોમાં-દક્ષિણ ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધારે છે. અહીં અનેક જિલ્લા,શહેરો રાજ્યો સો ટકા સાક્ષરતા દર ધરાવે છે.

ઓરિસ્સા કે બિહાર જેવા રૂક્ષ પ્રદેશમાંથી ગળથૂથીમાં અભાવ અને ભૂખ લઇને આવેલો કોઇ માણસ દેશને નુકસાન થાય તેવી રીતે પૈસા કમાય અને ‘માસ્ટર માઇન્ડ’ ગણાતા દક્ષિણ ભારતીયોનાં નામ કૌભાંડમાં ખુલે તે બંને સ્થિતિમાં ફર્ક છે. કહેવાનો અર્થ એ છે કે એવું શિક્ષણ શું કામનું કે જે માણસને તેનાં પાયાનાં મૂલ્યોથી દૂર રાખે? એ. રાજા કે દયાનિધિ કે કનિમોઝી... કોઇ નાગરિક કે જે ખૂબ ભણેલો હોય, ડિગ્રીવાળો અને હોદ્દાવાળો હોય, પરંતુ જો પ્રામાણિકતા, મૂલ્યોનાં ગુણ તેનામાં ન હોય તો તેનું એ શિક્ષણ આપણે વ્યર્થ ગણી શકીએ?

વર્તમાન શિક્ષણ પદ્ધતિને વખોડવામાં આપણે કાંઇ બાકી રાખતા નથી. પરંતુ જે આજે પચાસ વર્ષના છે તેમણે ભણવાનું પૂર્ણ કરી દીધે ઓછામાં ઓછા પચ્ચીસ વર્ષ તો થઇ ગયાં. તો પછી આ નબળાઇ પચ્ચીસ વર્ષ જૂની તો છે જ ને? શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ જવાનું શરૂ થયું તેને પચ્ચીસ વર્ષ થયાં તેમ ન કહેવાય? એક ‘રાજા’ જ નહીં આખી પ્રજા માટે આ સવાલ અગત્યનો છે કે જેને આપણે એજ્યુકેશન કહીએ છીએ, તે આપણને યોગ્ય માનવી બનાવે છે? ડોક્ટર થવું, એન્જિનિયર થવું એમબીએ થવું જરૂરી જ છે.

પાઇલટ બનવું એ એચિવમેન્ટ જ છે. તેથી એ વિષય શિક્ષણનો વિરોધ ન થઇ શકે. પરંતુ તે પછી શું? જવાબ આપણી પરંપરા, આપણા ઈતિહાસમાં જ છે. એક વસ્તુ ચોક્કસ છે કે જે શિક્ષણ આપણને ડિગ્રી આપે છે તે માણસ તરીકેની ડિગ્નિટી પણ આપવા સક્ષમ જ હોય તેવું નથી. જેમ ડિગ્રી જરૂરી છે તેમ ગરિમા પણ આવશ્યક છે. ઓસ્કર વાઇલ્ડે વર્ષો પહેલાં કહ્યું હતું કે અત્યારે લોકો બધાની કિંમત જાણે છે પરંતુ કોઇ વસ્તુનું મૂલ્ય જાણવા માગતા નથી તે વાત આજે પણ પ્રસ્તુત છે.

કેટલીક બાબતો એવી છે કે જેના વગર જીવનમાં નહીં ચાલે અને તે બધું કલાસરૂમમાં કદાચ નહીં મળે, મુદ્દો સો ટકા સાક્ષરતા અને જેને આપણે શિક્ષણ માનીએ છીએ તેનો છે. ભવ્ય ઇમારતો, લાખોમાં ચૂકવાતી ફી પછી પણ એ. રાજા અને દયાનિધિ અને નીરા જ આપણે ઉત્પન્ન કરી રહ્યા છીએ! એક શબ્દ છે મૂલ્યશિક્ષણ-વેલ્યૂ એજ્યુકેશન. અત્યંત ઉચ્ચ સ્તરીય સંસ્થાનો પણ કદાચ તેના વિદ્યાર્થીઓમાં આ વેલ્યૂઝ ઇમ્પોઝ કરી શકતાં નથી. શિક્ષણ અને કેળવણી વચ્ચે ભેદ છે. શીખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી. કંઇ જાણવું, ન જાણવું તે શિક્ષણ છે અને તે જાણ્યા પછી તે કરવું કે ન કરવું તે કેળવણી છે. વા‹રન બફેટનું જાણીતું અવતરણ છે કે કિંમત એ છે જે તમે ચૂકવો છો, મૂલ્ય એ છે જે તમે મેળવો છો.

દેશભરમાં એજ્યુકેશનના ક્ષેત્રે પરિવર્તનની એક તાકતવર લહેર ઊઠી છે, પરીક્ષાઓ અને શિક્ષણની પદ્ધતિઓમાં આમૂલ બદલાવ આવી રહ્યો છે. પેપર સ્ટાઇલથી માંડીને માર્કશીટ સુધીના દસ્તાવેજોનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે, ત્યારે એક ઉત્તમ પ્રોફેશનલની સાથે એક ઉમદા હ્યુમન આપણને આપી શકે તેવી અપેક્ષા આપણે શિક્ષણાલયો પાસે રાખી શકીએ તેમ છીએ?

જવાબ સહેલો નથી પરંતુ વાતાવરણ આવું કેમ છે? રોમમાં ભરાયેલી ‘બિઝનેસ એથિકસ એન્ડ લિગાલિટી’ અંગેની કોન્ફરન્સમાં એચિલા સિલ્વેસ્ટિની નામના વકતાએ કહ્યું હતું કે જ્યાં જઇએ, જે કામ કરવા જઇએ ત્યાં આપણા સિદ્ધાંતો, આપણો ધર્મ સાથે રહેવો જોઇએ. પરંતુ એ જ તો થતું નથી. અહીં વાતો અલગ અને જીવન અલગ છે. સમસ્યાઓનાં મૂળિયાં ઊંડે સુધી ગયાં છે. તેમાં થોડું બહાર દેખાતું મૂળ હોય તો તે છે આપણી રાષ્ટ્રીય જીવનશૈલી-દંભ. ખ્યાલ ન આવે તેવી રીતે આપણે આ અસાધ્ય રોગથી પીડાઇએ છીએ. વાતો અલગ, જીવનશૈલી અલગ.

નારી આપણે ત્યાં વસ્તુ નહીં, પૂજનીય ગણાય છે. પશ્ચિમમાં તેવું નથી, પરંતુ અમેરિકામાં કોઇ સ્ત્રીને દહેજની આગમાં સળગવું પડતું નથી. આપણા મહાન ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સ, બિઝનેસમેન સવારે કબૂતરને ચણ નાખીને ‘પુણ્યનું ભાથું બાંધે’, પરંતુ ઇન્કમટેક્સ ભરવાની વાત આવે ત્યારે જાતજાતના ગોટાળા કરે. લોકસાહિત્યના કલાકારો ત્યાગ, બલિદાન, સંસ્કૃતિની વાતો કરે, હણહણાટી અને ધબધબાટીની વાતો કરે પરંતુ લાખો રૂપિયા કમાઇને તેમાંથી એક પાઇનોય વેરો ન ભરે! સેલ્ફ ફાયનાન્સ્ડ સ્કૂલો હોંશિયાર બાળકોને એડમિશન આપી, બહેનોને માત્ર ૨૫૦૦ના પગારે નોકરીએ રાખે ને કહે અમે ગુણવત્તાવાળું શિક્ષણ આપીએ છીએ.

અવતારોને પૂજીએ પરંતુ માણસની કિંમત કોડીની! વેદ-ઉપનિષદની સંસ્કૃતિ આપણી અને એ જ પ્રજાને એમ કહેવું પડે કે જ્યાં ત્યાં થૂંકશો નહીં. જ્યાં રાષ્ટ્રગીત વાગે ત્યાં લખવું પડે કે ‘રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા રહો’! વિશ્વના સૌથી મોટા ગણતંત્રમાં આઝાદીના ૬૭ વર્ષ પછી નહીં હૈ પૂરા ખાના કે પછી નથી પૂરતી સંખ્યામાં પાયખાનાં!નોસ્ટેલ્જિક થવામાં પણ વાંધો નહીં, જો માણસ રિયલિસ્ટિક હોય તો! પરંતુ અહીં પરંપરા, પ્રણાલીના નામે ઘણું ચાલે છે.

અરે, વિવિધતામાં એકતા અને ‘હમ બુલબુલે હૈં ઉસકી’ના ઊંચા સ્વર વચ્ચે, હવે તો શરૂ થઇ રહી છે જ્ઞાતિમુજબની વસતી ગણતરી! પીટર ડ્રકર કહે છે, મેનેજમેન્ટ ડુઇંગ ધ થિંગ્સ રાઇટ, લીડરશિપ ડુઇંગ ધ રાઇટ થિંગ્સ! આપણા દેશ માટે આ કવોટેશન સો ટકા ખોટું પડે છે. આપણે હવે શિક્ષણ સંસ્થાઓની ઇમારતોની ભવ્યતા પાછળ ઘેલા થયા છીએ. આ મહાલયો જરૂરી છે પણ ચાલો સોનેરી પેન કાઢો અને લખી રાખો કે પ્રોફેશનલ્સથી દેશ ચાલી શકે, દેશને ટકાવવા માટે ઉમદા ઇન્સાનો જોઇએ. આ આખા લેખના સાર રૂપે ઉમાશંકર જોશીનું એક વિધાન: બધી જ ઇમારતો પડી જાય પછી જે બચે તે યુનિવર્સિટી.‘
મોટે ભાગે લોકોને તેમનું મનગમતું કામ કરવાનું આવે ત્યારે તે હોંશે હોંશે કરતા હોય છે, જ્યારે અણગમતા કામમાં તે ‘સમય નથી’નાં બહાનાં કાઢે છે...

વાત વાતમાં લોકો એવું કહેતા જોવા મળે છે કે મરવાનો પણ સમય નથી. વ્યક્તિ ગમે તે કક્ષાએ કામ કરતી હોય તે દરેક આવી વાત કરતી હોય છે. ઘણી વખત આશ્ચર્ય થતું હોય છે કે આપણે ખરેખર એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ ખરા? મોટા ભાગના કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે મનગમતી પ્રવૃત્તિ માટે કે મનગમતી વ્યક્તિ પાસે જવા માટે સમય મળી જાય છે. પરંતુ જ્યારે પસંદ ન હોય તેવી પ્રવૃત્તિ કરવાની આવે કે વ્યક્તિ પાસે જવાનું આવે ત્યારે આપણે તે ટાળતા હોઇએ છીએ અને ‘સમય નથી’નું બહાનું કાઢતા હોઇએ છીએ.

મનોચિકિત્સકો એવું કહે છે કે માનવીનું મન પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાનું વધુ પસંદ કરે છે. જ્યારે તેને ગમતી ન હોય તે પ્રવૃત્તિ કરવાનું ટાળે છે. આવા સમયે વ્યક્તિના મગજમાં બે પ્રકારે વિચારો વહેતા થતા જોવા મળે છે. વ્યક્તિ, સમાજ, ઓફિસ દરેક સ્થળે આવું જ વાતાવરણ હોય છે. તેમાં વ્યક્તિનો કોઈ વાંક હોતો નથી.

સમય નહીં હોવાની સ્થિતિનું દૂષણ હવે વધુ વ્યાપક બન્યું છે. થોડા સમય અગાઉ હૈદરાબાદ જતાં-આવતાં સમયે એરપોર્ટ પર જે સ્થિતિ હોય તેનાથી પરમ આશ્ચર્ય થયું. વિમાની કંપનીઓ મુસાફરોને ઓછામાં ઓછા એક કલાક પહેલાં એરપોર્ટ પર બોલાવીને ચેકઇન, સિકયુરિટી તપાસ જેવી પ્રવૃત્તિ કરતી હોય છે. મોટા ભાગના મુસાફરો તેને અનુસરે છે. છેલ્લે જ્યારે વિમાનમાં બેસવા માટે બોર્ડિંગ એનાઉન્સમેન્ટ થાય ત્યારે બે-ચાર મુસાફરો તો એવા મળી આવે છે કે જેઓ ગાયબ હોય છે.

વિમાની કર્મચારીઓ રીતસર એરપોર્ટ પર બૂમ પાડતા જોવા મળે છે કે ફલાણા ભાઇ કે બહેન કે જેઓ ફલાણી ફ્લાઇટમાં જવાના છે તેઓ સત્વરે વિમાન તરફ પ્રસ્થાન કરે. તેઓ જ્યારે આવા મુસાફરોને શોધવા નીકળે છે ત્યારે તેઓ મળી પણ આવે છે. કેટલાક મુસાફરો તો લહેરથી ચા-નાસ્તો કરતા હોય છે અને તેમને લઇ જવામાં આવે છે. તેમના મોં પર કોઇ ક્ષોભ કે અફસોસનો ભાવ પણ હોતો નથી. સવાલ એ છે કે જે વ્યક્તિ જે તે વિમાનમાં જવાની હોય ત્યારે આટલી ગાફેલ કઇ રીતે રહી શકે. આ માત્ર ને માત્ર એક પ્રકારે બેદરકારી જ કહી શકાય. કેટલાક મુસાફરો છેલ્લી ઘડીએ દોડતાં દોડતાં આવતા જોવા મળે છે.

ઘણી વખત વ્યક્તિ પોતાનું મહત્વ દર્શાવવા માટે પણ આ પ્રકારનાં ગતકડાં કરતી હોય છે. મોટા ભાગે પ્રસિદ્ધિની ભૂખી વ્યક્તિ તથા મહત્વ મેળવવા માગતી વ્યક્તિનું મનોવલણ આ પ્રકારનું હોય છે. કામના સ્થળે કે ઘરમાં પણ જે વ્યક્તિઓનું મહત્વ મળતું નથી હોતું તેઓ આ પ્રકારે મહત્વ મેળવતી હોય છે. આ કેટલું વાજબી છે તે તો વાચકે પોતે જ નક્કી કરી લેવું.

એવું નથી કે પ્રવાસ સમયે જ કે મિટિંગોમાં જ લોકો મોડા પડતા હોય છે. પરીક્ષા સમયે પણ ઘણા વિદ્યાર્થીઓ મોડા પડતા હોય છે. આશ્ચર્ય એ વાતનું છે કે, બાળકના ભણતર માટે અનેક ગણી ચિંતા કરનાર માબાપ પોતાનું બાળક પરીક્ષા ખંડમાં મોડું પહોંચે તે કેવી રીતે ચલાવી લેતા હશે. મોડો પડેલો વિદ્યાર્થી પરીક્ષામાં કેવી રીતે સ્વસ્થચિત્તે પેપર લખી શકે એ પણ એક ચર્ચાનો વિષય છે. પરીક્ષામાં પહોંચવા માટે સમય ન હોય એ માનવાને કારણ નથી.

હકીકતમાં સમય નથી એ માન્યતા જ ખોટી છે. ઘણી વ્યક્તિઓ પ્રસંગો ટાળવા પોતે ઓફિસના કાર્યમાં કે અન્યત્ર વ્યસ્ત હોવાનું જણાવતા હોય છે. જ્યારે તે જ વ્યક્તિ પોતાને મનગમતું કામ કે પ્રવૃત્તિ હોય ત્યારે હોંશે હોંશે તે કરતી હોય છે. સફળ વ્યક્તિના જીવનમાં જોઇશું તો જણાશે કે દરેક વ્યક્તિ પાસે ચોવીસ કલાકનો જ સમય હોય છે. આ ચોવીસ કલાકનો કઇ વ્યક્તિ કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર ઘણો બધો આધાર રહેતો હોય છે.
સાથીઓ પર ધાક બેસાડવા જેટલી કડકાઇ ન હોય તો મનમોહનસિંઘે ઘેર બેસવું જોઇએ. પોતે નબળા નથી તેવું કહેવું પડે તે તેમની નબળાઇનો પુરાવો છે. કહેવાની જરૂરત જ ન ઊભી થવી જોઇએ.

પોતાનું પ્રધાનમંડળ સૌથી વધારે ભ્રષ્ટ ગણાય છે તે બાબતે તેમણે ખેદ દર્શાવ્યો છે, પણ વડાપ્રધાનની ભલમનસાઇના કારણે વાસ્તવિકતામાં કશો તફાવત પડતો નથી. શુદ્ધ વડાપ્રધાન પોતાના હલકા સાથીઓને રોકી શકતા નથી અને ભ્રષ્ટાચારની વણઝાર ચાલી રહી છે. તેનો ઇન્કાર તો મનમોહનસિંઘ પણ કરી શકે તેમ નથી.

સતત બોલ બોલ કરીને રાજકારણમાં પોતાનો અડ્ડો જમાવવાની મથામણ કરનાર રાજકારણી આગેવાનોમાં અતિશય ઓછાબોલા અને મૃદુભાષી મનમોહનસિંઘ અળગા-વેગળા પડી જાય છે. આમજનતા જોડે અથવા અખબારો જોડે પોતે સંપર્ક-સંવાદ પણ ઓછો રાખે છે કારણ કે વાતોનાં વડાં કરવાના બદલે નક્કર કામ અને સિદ્ધિઓ પર તેમને વધારે ભરોસો છે. પરંતુ રાજકારણમાં મૂંગા માણસો ચાલે નહીં. અઢી હજાર વરસ અગાઉ પ્લેટોએ લોકશાહીને ‘વાચાળ લોકોનું રાજ્ય’ ગણાવ્યું છે.

મનમોહનસિંઘે લાંબા વખતે ભારતના અગ્રગણ્ય તંત્રીઓ જોડે ગુફ્તેગો કરી અને સ્પષ્ટ ભાષામાં પોતાના મત દર્શાવ્યા. પોતાનું પ્રધાનમંડળ સૌથી વધારે ભ્રષ્ટ ગણાય છે તે બાબતે તેમણે ખેદ દર્શાવ્યો છે, પણ વડાપ્રધાનની ભલમનસાઇના કારણે વાસ્તવિકતામાં કશો તફાવત પડતો નથી. શુદ્ધ વડાપ્રધાન પોતાના હલકા સાથીઓને રોકી શકતા નથી અને ભ્રષ્ટાચારની વણઝાર ચાલી રહી છે. તેનો ઇન્કાર તો મનમોહનસિંઘ પણ કરી શકે તેમ નથી. મનમોહનસિંઘની સૂચનાઓને ઠોકરે મારીને રાજાએ પોતાની મનમાની કરી તે બાબતમાં મનમોહનસિંઘનો બચાવ તો નાના બાળકને પણ ગળે ઊતરે તેવો નથી.

પોતાના સાથીઓ પર મારે વિશ્વાસ રાખવો જોઇએ અને દરેક પ્રધાનની દરેક ફાઇલ તપાસી જવાનું પણ પ્રધાન માટે શક્ય નથી તે બંને મુદ્દા સાચા છે પણ વડાપ્રધાનનો કડપ એટલો સખત હોવો જોઇએ કે સાથી પ્રધાન તેની ઉપેક્ષા કરી શકે નહીં. ઇન્દિરા ગાંધી કે નરેન્દ્ર મોદી બધા પ્રધાનોના ખાતા સંભાળતા નથી પણ તેમના સાથીઓ પણ સક્ષમ વડાપ્રધાનથી ફફડતા રહેવા જોઇએ. અતિશય પ્રેમાળ ગણાતા ગાંધીજીથી તેમના તમામ સાથીઓ અને મદદનીશો સતત ડર અનુભવતા.

ગાંધીજી સાથે કામ કરવા કરતાં જવાળામુખીની ટોચ પર જીવવું વધારે સહેલું છે તેવો શેરો મહાદેવભાઇ દેસાઇએ માર્યો છે. રાજ ચલાવનાર હંમેશાં ‘ઉગ્રદંડ’ હોવો જોઇએ તેવો મત ભારતના પ્રાચીન નીતિવિશારદોએ આપ્યો છે. સાથીઓ પર ધાક બેસાડવા જેટલી કડકાઇ ન હોય તો મનમોહનસિંઘે ઘેર બેસવું જોઇએ. પોતે નબળા નથી તેવું કહેવું પડે તે તેમની નબળાઇનો પુરાવો છે. કહેવાની જરૂરત જ ન ઊભી થવી જોઇએ.

પોતાને લોકપાલની ચકાસણીનો ડર નથી પણ આ બાબતનો આખરી નિર્ણય મંત્રીમંડળ અને પાલૉમેન્ટે કરવાનો છે તેવું કહીને તેમણે દૂધ-દહીંમાં પગ રાખ્યો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને બાકાત રાખવાની માગણી પણ ગેરવાજબી છે. આપણા બધા વડાપ્રધાનો શુદ્ધ નથી. ચંદ્રશેખર અને દેવગૌડાએ અંગત વિમાની મુસાફરીનું અગિયાર કરોડનું બિલ ચૂકવ્યું નથી અને સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ બાલકૃષ્ણ અને સબરીમાલ ભ્રષ્ટાચારના કલંકથી ખરડાયેલા છે. સંસદ લોકપાલના હોદ્દાને નિમૉલ્ય બનાવી દેશે તેમાં શંકા નથી કારણ કે પ્રધાનો-સાંસદો પોતાના મોત વોરંટ પર જાતે સહી કરી આપે તેવો સંભવ નથી. સંસદમાં ત્રીસ ટકા તો નામચીન ગુનેગારો બેઠા છે. આવી સંસદ પાસે શુદ્ધતાની આશા કેવી રીતે રાખીએ!

અખબારો ફરિયાદ કરે છે, ખટલો ચલાવે છે અને ફેંસલો પણ આપે છે તેવું કહીને મનમોહનસિંઘે આખી અખબારી આલમને આરોપીના પાંજરામાં ખડી કરી દીધી છે. વરિષ્ઠ તંત્રીઓએ શો જવાબ આપ્યો તે આપણે જાણતા નથી. આવા ગંભીર આક્ષેપ અંગે તંત્રીઓ ચૂપ રહ્યા હોય તો તેમને ખાસડે મારવા જોઇએ કારણ કે તેમણે પોતાના ધંધાની વગોવણી સાંખી લીધી છે. અખબારો આવું કશું કરતાં જ નથી. પત્રકારો કોની પાસે ફરિયાદ કરે? અખબારો તો માહિતી આપે છે. આ માહિતી પુરાવાબદ્ધ હોય છે કારણ કે પત્રકારોએ જબરદસ્ત અને ખૂંખાર રાજકારણીઓ સામે બાથ ભીડવાની હોય છે.

પુરાવા ન હોય તો છાપાંઓને કાચાં ને કાચાં ખાઇ જવામાં આવે. અત્યાર સુધીમાં ભ્રષ્ટાચાર કે ગુનાખોરીની જે ઘટનાઓ રજૂ થઇ તેમાંથી નેવું ટકા ઘટનાઓ સાચી ઠરી છે. પણ મનમોહનસિંઘને અખબારો માટે નફરત હોય તેમાં નવાઇ નથી. આ નફરત વાજબી છે અને જરૂરી છે. સરકાર અને અખબારો વચ્ચે સાપ-નોળિયાનો સંબંધ છે અને હોય તેમાં સમાજનું હિત છે કારણ કે અખબારો સિવાય સરકારી એબ ઉઘાડી થવાની નથી.
સાધુચરિત થવા માટે જ્ઞાતિ, અભ્યાસ, ઉંમર, ગણવેશ કે કોઇ શૈક્ષણિક લાયકાતની આવશ્યકતા નથી. જેના ઉપર સદગુરૂની કરુણા વરસી હોય તે હંમેશાં સાધુચરિત હોય છે. એક તો શિક્ષણ માટે વપરાતો શિક્ષા શબ્દ મને ગમતો નથી. શિક્ષા શબ્દમાંથી મને ન્યાયાલયનું સ્મરણ થાય છે. વિદ્યાલય માટે વિદ્યા શબ્દ મને વધુ ગમે છે. આપણે શિક્ષણને વિદ્યાનો દરજજો આપવો હશે તો શિક્ષણને ત્રણ પ્રકારનાં લક્ષણોથી શોભતું કરવું પડશે.

૧. શિક્ષણ રક્ષણ આપતું હોવું જોઇએ. ૨. શિક્ષણ પોષણ આપતું હોવું જોઇએ. ૩. શિક્ષણ પ્રકાશ આપતું હોવું જોઇએ. ઘણીવાર શિક્ષણક્ષેત્રમાં એવી ઘટનાઓ વિશે સાંભળવા મળે છે ત્યારે એમ થાય કે શિક્ષણ રક્ષણ આપવામાં નિષ્ફળ ગયું છે અને ભક્ષણ કરવામાં સફળ થયું છે. ભલે આ પ્રકારની ઘટનાઓની ટકાવારી ઘણી ઓછી હોય પણ ઘટના ઘટે છે તે હકીકત છે. વિદ્યાર્થીનાં તન, મન, બળ, બુદ્ધિ, વિદ્યા અને શીલની રક્ષા કરે તે ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે.

બીજું શિક્ષણ પોષણ આપતું હોવું જોઇએ. એક યુવાને એક વિદ્વાનને સવાલ કર્યો હતો કે દીવો આખી દુનિયાને અજવાળું આપે છે છતાં દીવાનું મોઢું કાળું શા માટે હોય છે? એ યુવાનની જિજ્ઞાસા બરાબર હતી, કારણ દીપકનું કાર્ય તમસને, અંધકારને, કાળપને દૂર કરવાનું છે તો પછી એની ટોચ એટલે કે એનું જ મુખ શ્યામ શા માટે હોવું જોઇએ. પેલા વિદ્વાને ખૂબ સટીક જવાબ આપ્યો કે દીવાને પોષણ ક્યાંથી મળે છે? યુવાને જવાબ આપ્યો કે દિવેલમાંથી મળે છે. ત્યારબાદ બીજો સવાલ કર્યો કે દીવો શોષણ શાનું કરે છે? યુવાને જવાબ આપ્યો કે દિવેલને શોષે છે. એટલે વિદ્વાન બોલ્યા કે તો પછી તારા સવાલનો જવાબ પણ દીવા જેટલો જ સ્પષ્ટ છે કે માણસને જ્યાંથી પોષણ મળતું હોય એનું જ શોષણ કરે તો મોઢું કાળું જ હોય.

આ વાત અહીં એટલે યાદ આવી કે શિક્ષણનું કામ પોષણ આપવાનું છે અને જો પોષક મટીને શોષક બની જાય તો સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાત પડી શકે માટે શિક્ષણે બીજું કામ શોષણ ન થાય તેની ખાસ કાળજી રાખીને ભરપૂર પોષણ આપવાનું કરવાનું છે.

શિક્ષણનું ત્રીજું કામ પ્રકાશ એટલે કે અજવાળું આપવાનું છે. દરેક માનવના માનસમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પ્રગટે, અશ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો તમસ દૂર કરી સાિત્વક શ્રદ્ધાનો અજવાસ પ્રગટે તે શિક્ષણની ફળશ્રુતિ છે અને આ ત્રણે ત્રણ કાર્ય રક્ષણ, પોષણ અને પ્રકાશ મળે તે પ્રેમશિક્ષણ દ્વારા મળે તે ખાસ જરૂરી છે. જો એમ થશે તો શિક્ષણ શિક્ષા મટીને વિદ્યાનો દરજજો પ્રાપ્ત કરશે. શિક્ષક એક પગારદાર મટીને ગુરુનો દરજજો પ્રાપ્ત કરશે અને નિશાળ એક શિક્ષણઉદ્યોગ મટીને શારદાના દેવાલય સમાન વિદ્યાલયનો દરજજો પ્રાપ્ત કરશે.

મેં આગળ કહ્યું તે મુજબ હું શિક્ષણસંહિતા કહેવા નીકળ્યો નથી પરંતુ મારા પોતાના સ્વાધ્યાય માટે આ વિચારોને વહેતા મૂક્યા છે.શિક્ષકની પ્રથમ શરત એ છે કે એ સાધક હોવો જોઇએ. શિક્ષક બાલમંદિરનો હોય કે વિશ્વવિદ્યાલયનો હોય પરંતુ દરેક શિક્ષક સાધક હશે તો કોઇને બાધક બનશે નહીં અને છાત્રને સાચી અને સારી રીતે દીક્ષિત કરી શકશે. સાધક શબ્દનો અર્થ મારી વ્યાસપીઠ એવો કરે છે કે ‘સા’ એટલે સાવધ, ‘ધ’ એટલે ધર્મમાં અને ‘ક’ એટલે કલ્યાણકારી.

જે માણસ જગતનું કલ્યાણ કરે તેવા ધર્મમાં સાવધાન હોય તે સાધક છે. આદર્શ શિક્ષકનું બીજું લક્ષણ એ છે કે એ સાહિત્યરસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક હોવો જોઇએ. જે શિક્ષકને સાહિત્યમાં રસ નથી, સંસ્કૃતિમાં રસ નથી અને અધ્યાત્મમાં રસ નથી તે વિદ્યાર્થીને રક્ષણ, પોષણ અને પ્રકાશ આપી શકશે નહીં, કારણ કે સાહિત્યથી રક્ષણ મળે છે. સંસ્કૃતિથી પોષણ મળે છે અને અધ્યાત્મથી પ્રકાશ મળે છે. જો આ ત્રણ પ્રકારના રસ શિક્ષકમાં હશે તો જ શિક્ષણને વિદ્યાદાનની ગરિમા આપી શકશે.

મેં આ અગાઉ વિગતે વાત કરી છે છતાં અત્યારે માત્ર એ વિચારને સ્પર્શ કરીને આગળ વધુ તો દરેક શિક્ષક આઠ પ્રકારની વૃત્તિને ધારણ કરેલો હોવો જોઇએ. આ આઠ વૃત્તિઓ શિક્ષકની અષ્ઠભૂખ છે. ૧. ગણેશવૃત્તિ-તન, મન અને ચિત્તથી સ્થિર હોવો જોઇએ. ૨. ગાૈરીવૃત્તિ-શ્રદ્ધાવાન હોવો જોઇએ. ૩. ગિરાવૃત્તિ-સરસ્વતી સમાન હોવો જોઇએ. ૪. ગંગવૃત્તિ-સતત વહેતો હોવો જોઇએ. ૫. ગાૈવૃત્તિ-ગાય જેવો પવિત્ર હોવો જોઇએ. ૬. ગોપાલવૃત્તિ-ગોપાલ જેવો સેવક હોવો જોઇએ. ૭. ગુણગ્રાહીવૃત્તિ-નીરક્ષીરનો વિવેક હોવો જોઇએ. ૮. ગગનવૃત્તિ-વિશાળ હૃદયનો હોવો જોઇએ. આ રીતે જે શિક્ષકમાં આઠ પ્રકારના સદ્ગુણ હશે તે પોતે તો આઠે પહોર આનંદ કરશે અને એના વિદ્યાર્થીઓ પણ ઉત્તમ વિદ્યા મેળવીને આભારવશ થશે.

મને રામચરિતમાનસમાંથી ગુરુ વિશે જે સૂત્રો મળ્યાં છે તે તમામ શિક્ષકના સંદર્ભમાં યથાર્થ લાગ્યાં છે કારણ શિક્ષક કદાચ આધ્યાત્મિક ગુરુ ન હોઇ શકે પરંતુ વિદ્યાગુરુ તો હંમેશાં એ જ કહેવાશે. માનસનાં એ પાંચ સૂત્રોને અહીં વિદ્યાગુરુના સંદર્ભમાં પ્રયોજું તો ગુરુનું ચરણ એ શિષ્યનું શરણ છે. ગુરુનો હાથ એ શિષ્યનો સાથ છે. ગુરુનો કંઠ એ શિષ્યનું વૈકુંઠ છે. ગુરુનું મુખ એ શિષ્યનું સુખ છે અને ગુરુની આજ્ઞા એ શિષ્ય માટે વરદાન છે.

શિક્ષકનો ધર્મ શું છે? શિક્ષકનો પ્રથમ ધર્મ એનું સત્યનિષ્ઠપણું છે. શિક્ષક સત્યવાન હોવો જોઇએ. શિક્ષકની વાણી, વર્તન અને વિચારમાં ક્યાંય અસત્યનો રણકાર ન હોવો જોઇએ. શિક્ષક અને સેનાપતિ બંનેનું કાર્ય સરખું છે, બંને રખોપા કરે છે અને રક્ષક ક્યારેય અસત્યનો આશ્રિત ન હોઇ શકે. બીજો ધર્મ સેવા છે, કારણ કે શિક્ષણ ધંધો નથી પણ ધર્મ છે અને ધર્મમાં સેવાની ગાંસડી ઉપાડવી જોઇએ. શિક્ષકનો ત્રીજો ધર્મ અહિંસા છે. મન, વચન અને કર્મથી ક્યારેય કોઇને પીડે નહીં તે સાચી અહિંસા છે અને અહિંસાને આપણે ત્યાં પરમ ધર્મ કહેવામાં આવી છે.

આખી ચર્ચાનો સાર એટલો કે શિક્ષણને શીલ, સંતોષ, વિચાર અને સત્સંગ એમ ચાર દરવાજા હોવા જોઇએ. શિક્ષણ વિદ્યાર્થીને રક્ષણ, પોષણ અને પ્રકાશ આપતું હોવું જોઇએ. શિક્ષક સાહિત્યરસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક હોવો જોઇએ અથવા તો ટૂંકમાં કહેવું હોય તો સાધક હોવો જોઇએ. આઠ પ્રકારની સદ્વૃત્તિ જેની અષ્ઠભુજા છે એવો શિક્ષક સત્ય, સેવા અને અહિંસાને ધર્મ માનશે તો શિક્ષણનો મહિમા વધશે અને શિક્ષા વિદ્યાનો દરજજો મેળવશે એવી મારી સાત્વિક શ્રદ્ધા છે.
એક ક્લબ એવી છે જે ફ્રાન્સ સિવાય દુનિયામાં કોઇ પણ સ્થળે જોવા મળતી નથી. આ ક્લબ કષ્ટ આપનાર ક્લબ તરીકે ઓળખાય છે. આ ક્લબ અંગે તેના સભ્યો સિવાય ખાસ કોઇ જાણતું નહોતું.

ફ્રાન્સમાં હજારોની સંખ્યામાં વિવિધ પ્રકારની ક્લબ આવેલ છે. જેમાં એક ક્લબ એવી છે જે ફ્રાન્સ સિવાય દુનિયામાં કોઇ પણ સ્થળે જોવા મળતી નથી. આ ક્લબ કષ્ટ આપનાર ક્લબ તરીકે ઓળખાય છે. ફ્રાન્સમાં આ એક માત્ર ક્લબ છે અને આ ક્લબ અંગે તેના સભ્યો સિવાય ખાસ કોઇ જાણતું નહોતું. ત્યાં થતી કામગીરીથી દુનિયા અપરિચિત હતી. આ ક્લબની સ્થાપનાનો હેતુ પણ કોઇ જાણતું નહોતું. સૌથી વધારે મુશ્કેલી તો શ્રીમંત માર્કોઇસ ડી સૈડોને હતી, કેમકે તે ક્લબનો સભ્ય બનવા માગતો હતો, પણ ક્લબના મેનેજરે કહ્યું કે, ક્લબના કોઇ પાંચ સભ્ય જે વ્યક્તિના નામનું સૂચન કરે એ વ્યક્તિ જ સભ્ય બની શકે છે.

સભ્ય પણ વર્ષમાં એક વખત ૧૯ ઓગસ્ટના દિવસે જ બનાવવામાં આવે છે, કારણ કે, ૧૯ ઓગસ્ટે ક્લબની સ્થાપના કરવામાં આવી હતી.’ ક્લબના સભ્યો ડી સૈડોના નામનું સૂચન કરી શકે એ માટે મેનેજરને ક્લબના સભ્યોનાં નામ બતાવવા માટે વિનંતી કરી. તો મેનેજરે સભ્યોનાં નામ બતાવવાનો ઇન્કાર કર્યો. તેથી તે નિરાશ થઇને ચાલ્યો ગયો. હવે મારકોઇસે ક્લબની અંદર ચાલતી પ્રવૃત્તિ અંગે જાણકારી મેળવવા માટે એક ઉપાય શોધી નાખ્યો.

તેની પાસે રૂપિયાની કંઇ ખોટ નહોતી. તેણે ક્લબના બિલ્ડિંગની સફાઇ કરનાર કામદાર અને ચોકીદારને રૂપિયા આપી ફોટોગ્રાફર સાથે બિલ્ડિંગના ગુપ્ત રસ્તે પ્રવેશ કર્યો. ચોકીદારે ક્લબના મુખ્ય હોલની બારીના ચોથા ભાગમાં એવું કાણું પાડ્યું, જેમાંથી હોલનું ર્દશ્ય સ્પષ્ટપણે દેખાતું હતું. સાંજ સુધી એ ત્યાં છુપાઇ રહ્યા. સાંજ ઢળતાં ક્લબના સભ્યો અંદર ભેગા થયા ત્યારે તે પણ કાણાંમાંથી જોવા લાગ્યો.

શરૂઆતમાં ક્લબના સભ્યો ફક્ત મદિરાપાન કરવામાં મગ્ન રહ્યા. જ્યારે મદિરાપાનનો રાઉન્ડ સમાપ્ત થયો અને ક્લબની વાસ્તવિક પ્રક્રિયાનો આરંભ થયો ત્યારે મારકોઇસને આશ્ચર્ય થયું. કેમકે, અંદર જે થઇ રહ્યું હતું એ આજ સુધી ના તેણે ક્યાંય જોયું હતું. ના સાંભળ્યું હતું. તેણે જોયું કે, એક સ્ત્રી પલંગ પર સૂતી હતી અને બીજી મહિલાઓ તેને ઘેરીને લાતો, બેટ અને હાથ વડે મારી રહી હતી. નવાઇની વાત તો એ છે, તે કોઇપણ જાતના વિરોધ વગર ચૂપચાપ પડી રહીને માર ખાઇ રહી હતી. જાણે તે પોતાની ઇચ્છાથી માર ખાઇને આનંદની અનુભૂતિ કરી રહી હોય એવું લાગતું હતું.

થોડીવાર તો આશ્ચર્યપૂર્વક આ ર્દશ્ય નિહાળીને મારકોઇસે ફોટોગ્રાફરને એ જ કાણાંમાંથી ફોટા પાડવા માટે કહ્યું. ફોટોગ્રાફરે અપૂર્વ, આશ્ચર્યજનક અને વિચિત્ર ર્દશ્યને પોતાના કેમેરામાં બંધ કરી દીધા. પંદર મિનિટ સુધી એ યુવાનો અને યુવતીઓ માર ખાતાં રહ્યાં. ત્યારબાદ એમાંની એક સ્ત્રીએ પોતાને દાંત વડે બચકાં ભરવામાં આવે, એવો આગ્રહ કર્યો. જેનો અમલ અન્ય મહિલાઓ હસતાં હસતાં કરી રહી હતી.
સ્વપ્ન જેવા આ સમયમાં વ્યક્તિને સતત લાગ્યા કરે છે કે એ જાણે મહત્તમ શિખર પર છે. આકાશ સ્પર્શી શકાય એટલું નિકટ છે.

જવાની ખ્વાબ કી સી બાત હૈ દુનિયાએ-ફાની મે, મગર યે બાત કીસીકો યાદ રહતી હૈ જવાની મેં- સીમાબ અકરાબાદી 

(આ નશ્વર દુનિયામાં યુવાની સપનાં જેવી હોય છે પણ આ વાતનું સ્મરણ ભાગ્યે જ કોઇને રહે છે.)

સામાન્ય રીતે સોળ વર્ષની આસપાસનો સમય યુવાનીના પ્રારંભનો છે. યુવાની ક્યારે શરૂ થાય અને કેટલી લંબાઇ શકે તે વ્યક્તિનાં તન અને મનની તાસીર પર અવલંબે છે. શૈશવનું કોચલું તૂટે પછી એમાંથી રંગબેરંગી પતંગિયું બહાર આવે છે- તે છે યુવાની. પતંગિયું ઊડવા માટે પાંખ પ્રસારે છે ત્યારે એની આસપાસ હોય છે વસંતનો ઝળહળતો તડકો. એમાં એના રંગ વધુ આકર્ષક બની જાય છે, જે એનામાં ખુમાર જગાડે છે. એની સામે હોય છે પૂર્ણ વિકસિત સુગંધિત ફૂલો. મધુની મિષ્ટતાને આસ્વાદવાની અને પરાગને પુષ્પાંતરિત કરવાની એ ક્ષણો આહ્લાદથી અને રોમાંચથી ભરપૂર હોય છે.

સ્વપ્ન જેવા આ સમયમાં વ્યક્તિને સતત લાગ્યા કરે છે કે એ જાણે મહત્તમ શિખર પર છે. આકાશ એને સ્પર્શી શકાય એટલું નિકટ જણાય છે અને આખુંય વિશ્વ બાથ ભરી શકાય એટલું નાનું. ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે તેમ ઘટમાં ઘોડા થનગને છે અને આતમ પાંખ વીંઝે છે. આ સમયે એને યોગ્ય રાહબર અને રાહ સાંપડે તો એના જીવનને એક લક્ષ્ય પ્રાપ્ત થાય છે.

પણ બધા યુવાન એવા સદ્ભાગી હોતા નથી, જેમને પોતે યુવાનીના નિર્ણાયક સમયમાંથી પસાર થઇ રહ્યા હોય છે તેનું સ્મરણ રહે. આ જ સમય છે જ્યારે જીવનને ઘાટ આપી શકાતો હોય છે તે એ વીસરી જાય છે. અનેક પ્રલોભનોની જાળમાં પતંગિયું ફસાઇ જાય છે. સમયની ભભૂકતી આગમાં મહામૂલી ક્ષણો સૂકાં લાકડાંની જેમ બળીને રાખમાં ફેરવાતી રહે છે. અચાનક જ સપનું પૂરું થાય છે, જ્યારે એક દિવસ વાળમાં સફેદી દેખાવા લાગે છે ને ચહેરા પર કરચલીનું જાળું બંધાવાનો અણસાર મળે છે. ચૂગલીખોર અરીસો યથાર્થનું ભાન કરાવે છે.

અંગ્રેજ કવિ જહોન મિલ્ટને લખ્યું છે કે સમય યુવાનીને ખૂબીથી છીનવી લેતો ચોર છે. કોઇ કવિએ કહ્યું છે, ‘જોબનિયું આજ આવ્યું ને કાલે જાશે.’ સમયનું પસાર થવું અનિવાર્ય છે. વાસ્તવમાં સમય પસાર થતો નથી પણ વ્યક્તિ પસાર થઇ જતી હોય છે.

શૈશવના કોશેટામાંથી બહાર આવેલું પતંગિયું આમતેમ થોડું ઊડી ક્યારે અંતધૉન થઇ ગયું તેની સરત જ ન રહી તે ખટક્યા કરે છે. થાય છે, કેટકેટલું કામ કરી શકાયું હોત પણ...મન વારંવાર સમીકરણો માંડે છે, ‘આમ થયું હોત ને તેમ ન થયું હોત તો?’
અકબર ઇલાહાબાદીનો એક શેર છે:

જવાની કી દુઆ લડકો કો નાહક દેતે હૈ, યહી લડકે મિટાતે હૈ, જવાની કો જવાં હો કર.

અથૉત્ વડીલો છોકરાઓને જુવાન થવાના આશીર્વાદ આપે છે તે નિરર્થક છે, કારણ કે એ જ છોકરાઓ મોટા થાય છે ત્યારે જુવાનીને વેડફી નાખે છે.

જેણે યુવાની સાર્થક કરી જાણી હોય છે એની પ્રૌઢાવસ્થા અને ઘડપણ પણ નિરર્થક-ઢસરડા જેવું કે એકધારાપણાના અનુભવમાં જકડી રાખે તેવું નથી બની રહેતું.
ગુનેગારના ભૂતકાળની બદનામીનો ઉપયોગ શો-બિઝનેસમાં કરવામાં આવે અને તેને ગ્લોરિફાય કરવામાં આવે એ બાબતે ગંભીર વાંધો હોવો જોઇએ.

કોઇ ગુનેગાર સજા કાપ્યા પછી સજ્જન તરીકે જીવે, પોતાનો ધંધો - રોજગાર કરે તેની સામે પણ કોઇ વાંધો હોઇ શકે નહીં. પણ, વાંધો એ બાબત સામે હોય, ગંભીર વાંધો હોય કે બદનામ વ્યક્તિની બદનામીનો ઉપયોગ શો-બિઝનેસ દ્વારા કરવામાં આવે, તેને ગ્લોરિફાય કરવામાં આવે.

મારિયા માત્ર પુરાવાઓનો નાશ બદલ ગુનેગાર ગણાઇ એટલે ત્રણ વર્ષની સજા થઇ. મારિયાને જેલમાંથી છોડી મૂકવાનો આદેશ થયો. જેલમાંથી સેલિબ્રિટીની જેમ મારિયા બહાર આવી અને બ્લડ હાઉન્ડ જેવા પબ્લિસિટી ભૂખ્યા આપણા શો બિઝનેસે મારિયા સામે રિયલિટી શો અને ફિલ્મોની ઓફર્સનો ઢગલો કરી દીધો. ‘બિગ બોસ’ની નવી સિઝનમાં મારિયાને કામ આપવાની ઓફર થઇ. રામ ગોપાલ વર્માએ મારિયાને ફિલ્મની ઓફર કરી હોવાની પણ ચર્ચા શરૂ થઇ.

ભારતના શો બિઝનેસમાં ગળાકાપ હરિફાઇ છે. ટીઆરપી મેળવવા માટે તેઓ ગમે તે હદે જઇ શકે છે. એમાં પણ બિગ બોસ શો તો વિવાદાસ્પદ, કલંકિત અને નેગેટિવ પબ્લિસિટી મેળવનાર લોકોને સેલિબ્રિટી બનાવીને તેમને શોમાં લાવવામાં માહેર છે. શિલ્પા શેટ્ટી સામે રંગભેદી ટિપ્પણી કરનાર બ્રિટિશ અભિનેત્રી જેડ ગુડીને બિગ બોસમાં સ્થાન મળ્યું હતું.

દિગંબરની પૂંઠે બાવળિયો ઊગ્યો તો કહે, છાંયડો થશે. આ કહેવત તો આપણે સાંભળી હતી પણ હવે તેનું એક્સટેન્શન થઇ રહ્યું છે. પૂંઠે બાવળિયો ઊગે તે હવે છાંયડો નહીં, શોભા બની રહે છે. મારિયા મોનિકા સુસાઇરાજ નામની ફિલ્મો અને સિરિયલ્સમાં કામ મેળવવામાં નિષ્ફળ જનાર નટીએ ટીવી સિરિયલ્સના બિઝનેસ સાથે જોડાયેલા પોતાના એક મિત્રનું ખૂન પ્રેમીના હાથે કરાવી નાખ્યું, બંનેએ મળીને લાશના ૩૦૦ (રિપીટ, ૩૦૦!) ટુકડા કરીને બેગમાં ભર્યા અને જંગલમાં જઇને સળગાવી નાખ્યા. ત્રણ વર્ષ મારિયા જેલમાં રહી. ત્રણ વર્ષે ચુકાદો આવ્યો. મારિયા માત્ર પુરાવાઓનો નાશ બદલ ગુનેગાર ગણાઇ એટલે ત્રણ વર્ષની સજા થઇ.

મારિયાને જેલમાંથી છોડી મૂકવાનો આદેશ થયો. જેલમાંથી સેલિબ્રિટીની જેમ મારિયા બહાર આવી અને બ્લડ હાઉન્ડ જેવા પબ્લિસિટી ભૂખ્યા આપણા શો બિઝનેસે મારિયા સામે રિયલિટી શો અને ફિલ્મોની ઓફર્સનો ઢગલો કરી દીધો. ‘બિગ બોસ’ની નવી સિઝનમાં મારિયાને કામ આપવાની ઓફર થઇ. રામ ગોપાલ વર્માએ મારિયાને ફિલ્મની ઓફર કરી હોવાની પણ ચર્ચા શરૂ થઇ. નીરજ ગ્રોવરની હત્યાની ઘટના પરથી ફિલ્મ બને એની સામે કોઇને વાંધો ન હોઇ શકે, કોઇ ગુનેગાર સજા કાપ્યા પછી સજ્જન તરીકે જીવે, પોતાનો ધંધો - રોજગાર કરે તેની સામે પણ કોઇ વાંધો હોઇ શકે નહીં. પણ, વાંધો એ બાબત સામે હોય, ગંભીર વાંધો હોય કે બદનામ વ્યક્તિની બદનામીનો ઉપયોગ શો-બિઝનેસ દ્વારા કરવામાં આવે, તેને ગ્લોરિફાય કરવામાં આવે.

મારિયા સુસાઇરાજમાં શો-બિઝનેસના ખેરખાંઓને જબરદસ્ત રસ પડ્યો છે. રામ ગોપાલ વર્માએ મારિયાને લઇને ફિલ્મ બનાવવાની વાત કરી તેની સામે અશોક પંડિત નામના ફિલ્મ મેકર શનિવારે સાંજે મુંબઇમાં યોજાયેલી મારિયાની પ્રેસ કોન્ફરન્સમાં કોઇ રાજકારણીઓના ટેકેદારો અને નારા ચિતરેલાં બિલબોર્ડ્સ સાથે ધસી ગયા અને પ્રેસ કોન્ફરન્સ ન કરવા દીધી. આ અશોક પંડિત વળી એ જ મહાશય જેમણે રામુ સાથે કામ કર્યું છે.

ભારતના શો બિઝનેસમાં ગળાકાપ હરિફાઇ છે. ટીઆરપી મેળવવા માટે તેઓ ગમે તે હદે જઇ શકે છે. એમાં પણ બિગ બોસ શો તો વિવાદાસ્પદ, કલંકિત અને નેગેટિવ પબ્લિસિટી મેળવનાર લોકોને સેલિબ્રિટી બનાવીને તેમને શોમાં લાવવામાં માહેર છે. શિલ્પા શેટ્ટી સામે રંગભેદી ટિપ્પણી કરનાર બ્રિટિશ અભિનેત્રી જેડ ગુડીને બિગ બોસમાં સ્થાન મળ્યું હતું. તે પછી ડ્રગ્સ રાખવાના કેસમાં પકડાયેલા અને પત્નીને મારવા બદલ બદનામ થયેલા રાહુલ મહાજનને બિગ બોસમાં એન્ટ્રી મળી.

મુંબઇ પર હુમલો કરનાર આતંકવાદી આમિર અઝમલ કસાબના વિવાદાસ્પદ વકીલ અબ્બાસ કાઝમીને અદાલતે કસાબના વકીલના પદ પરથી હાંકી કાઢ્યા પછી તેને પણ બિગ બોસમાં પ્રવેશ મળ્યો. ગુંડા અબુ સાલેમની પ્રેમિકા મોનિકા બેદી જેલમાંથી છુટી એટલે તેને પણ બિગ બોસની ઓફર મળી અને બિગ બોસના ઘરમાં તે પ્રવેશી શકી. ચંબલની ડાકુરાણી (રાણી?) સીમા પરિહાર, પાકિસ્તાની નટી વીણા મલીક અને શ્વેતા તિવારીને માર મારનાર પત્ની પર શૂરા એવા પતિ રાજા ચૌધરીને પણ બિગ બોસે સેલિબ્રિટી બનાવી દીધા.

બન્ટી ઔર બબલિ નામની ફિલ્મ જેના પરથી પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી તે બન્ટી નામના રખડુ ચોરને પણ બિગ બોસે એન્ટ્રી આપી અને રાખી સાવંતને તેની મમ્મી સાથે ઝઘડો થયો એટલે રાખીની મમ્મીને પણ એન્ટ્રી મળી ગઇ. લેસ્બિયન હોવાને કારણે લાઇમ લાઇટમાં આવેલી સંભાવના અને ગેરકાયદે ભારતમાં રહેવા બદલ જેની સામે પોલીસ કેસ થયો હતો તે કલાઉડિયાને પણ બિગ બોસે મહેમાન બનાવ્યાં હતાં.

માત્ર બિગ બોસ જ નહીં, અન્ય રિયલિટી શો પણ નેગેટિવ પબ્લિસિટી લેનાર લોકોને સેલિબ્રિટી ગણીને તેમને કરોડો રૂપિયાની ઓફર કરે છે. રાહુલ મહાજન સતત વિવાદોમાં ઘેરાયેલો રહ્યો એટલે એનો સ્વયંવર રચી કાઢવામાં આવ્યો અને ટીવી પર રિયલિટી શો તરીકે પ્રસારિત કરવામાં આવ્યો. રાખી સાવંત પણ વિવાદાસ્પદ હોવાને કારણે તેનો સ્વયંવર રચાયો. સંજય દત્ત હથિયાર રાખવાના કેસમાં જેલમાં ગયો તે પછી તેને ઢગલાબંધ કામ ફિલ્મોમાં મળ્યું. નૈતિકતાની મોટી મોટી ગુલબાંગો પોકારનાર રામ ગોપાલ વર્મા જેવા નિર્માતાઓ જ્યારે રૂપિયા કમાવાની વાત આવે ત્યારે કલંકિત વ્યક્તિઓની નેગેટિવ પબ્લિસિટીને એનકેશ કરવામાં અગ્રેસર હોય છે.

ટીવી અને ફિલ્મ નિર્માતાઓ નેગેટિવ પબ્લિસિટી ધરાવતા લોકોને કામ આપે અને પોતે તગડી કમાણી કરી લે તેટલાંથી વાત પૂરી થઇ જતી નથી. સમાજ પર આવી ઘટનાની જે અસર પડે છે તે ભયાનક હોય છે. મારિયાની ઘટના પછી કોઇપણ સ્ટ્રગલ કરતી છોકરી એવું વિચારી શકે કે હત્યા કરી નાખો, સજા થશે અને તમારું નામ થઇ જશે એટલે જે સિરિયલવાળા તમને બારણામાંથી જ હાંકી કાઢતા હતા તે સામેથી ઓફર્સ આપવા માટે આવશે. ગુનાને આ નિર્માતાઓ માત્ર જસ્ટિફાય નથી કરી રહ્યા, તેને ગ્લોરિફાય પણ કરી રહ્યા છે. બનાવનારા તેના પ્રીમિયરમાં એવા ફાંકા મારતા હોય છે કે અમે સમાજને સંદેશ આપવા માગીએ છીએ.

પણ ગુનેગારોને સેલિબ્રિટી બનાવીને તેઓ શું સંદેશ આપવા માગે છે? તેમને સજા ભોગવીને બહાર આવેલી વ્યક્તિ પ્રત્યે લાગણી નથી હોતી. મારિયા બે વર્ષ પછી ખોવાઇ જશે ત્યારે કોઇ રામ ગોપાલ વર્મા તેને પૂછવા નહીં જાય. ઉર્મિલા માતોંડકર શું કરે છે તે પણ નહીં પૂછનાર રામુ મારિયાને શું યાદ રાખવાનો? કલંકિત અને વિવાદાસ્પદ વ્યક્તિત્વને ઓફર કરવા પાછળ તેમની મંછા તો આ લોકોને મળેલી નેગેટિવ પ્રસિદ્ધિનો પોતાના હિત માટે ઉપયોગમાં લેવાની જ હોય છે. તેમના શો જોનાર સામાન્ય જનતાના મન પર જે અવળી અસર પડે છે તેમની તેમને કોઇ ચિંતા હોતી નથી.

કાલ્પનિક કથા ધરાવતી ફિલ્મોથી જો લોકો દોરવાઇ જતા હોય તો સત્ય ઘટનાઓને સાંકળતા બનાવો અને આવી ઘટનાઓમાં આરોપી વ્યક્તિઓને મળતાં સન્માનથી તો દોરવાઇ જ જાય ને? ગુનેગારોને કામ આપવું તે અન્ય પરિપ્રેક્ષમાં નૈતિક અને સારું કામ છે પણ, તેમને ફિલ્મો કે ટીવીના રિયલિટી શોમાં કામ આપવું નૈતિકતાનું પતન કરવાનું કામ છે. જેનાથી જનતા દોરવાતી હોય, જનતા જેનું અનુકરણ કરવા પ્રેરાતી હોય તેવાં માધ્યમોએ પોતાની મર્યાદા જાળવવી જોઇએ. પોતાના લાભ માટે સમાજના તાણાવાણા વીંખી નાખવાની તેમને છુટ ન મળવી જોઇએ.

ગુનેગાર કે ગુનાની સજા ભોગવીને બહાર આવનાર માણસને રોજગારની સમાન તક મળવી જોઇએ એવી દલીલ કોઇપણ બુદ્ધિશાળી માણસ કરી શકે. પણ, કલંકિત સેલિબ્રિટીની નેગેટિવ પબ્લિસિટીને વટાવવા માટે તેને ગ્લોરીફાય કરવાનો મુદ્દો નૈતિક છે, સામાજિક છે. જ્યારે નૈતિકતાનું ધોવાણ થતું હોય ત્યારે સ્વનિયંત્રણ જ કામમાં આવે, ટીવી માટે રેગ્યુલેટિંગ ઓથોરિટી નહીં. ભારતમાં લગભગ તમામ રેગ્યુલેટિંગ એજન્સી ભ્રષ્ટ થઇ જાય છે અથવા દાંત અને નહોર વગરના વાઘ જેવી થઇ જાય છે. સેબી હોવા છતાં શેર બજારના કૌભાંડો બહાર આવતાં જ રહે છે.

દુનિયાના સૌથી વધુ કાયદા ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થતો હોવા છતાં ગુનાખોરી ઘટતી નથી. દરેક વખતે કાયદો કામમાં નથી આવતો અને, જ્યાં સુધી નાગરિકો અને સમાજના પ્રતિનિધિઓ જવાબદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક વર્તતા ન થાય ત્યાં સુધી કોઇ કાયદો સફળ થતો નથી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વર્માએ હમણાં કહ્યું હતું, ‘ભારતનું બંધારણ નિષ્ફળ નથી ગયું, આપણે બંધારણને નિષ્ફળ બનાવ્યું છે.’ હકીકતમાં, સમાજના તાણાવાણાને જે ઘસારો પહોંચ્યો છે તેના માટે સમગ્રપણે જવાબદાર એ તમામ લોકો છે જે લોકોનું માનસ ઘડે છે. અને, લોકોનું માનસ ઘડવામાં અત્યારે તો સૌથી મોટો ફાળો ટીવી આપી રહ્યું છે. આ સ્થિતિમાં મારિયા નામની નટીના ખોળામાં જેલમાંથી નિકળ્યા પછી તરત જ ઓફર્સના ઢગલા થાય ત્યારે તેનાં નસીબને વખાણવું પડે અને, ભારતના નસીબ માટે પોક મૂકીને રડવું પડે.
રિચર્ડ કોક એના ૮૦/૨૦ સિદ્ધાંત માટે જાણીતો છે. આ વિચારાધારા પ્રમાણે જીવનના દરેક ક્ષેત્રમાં વીસ ટકા પ્રયાસથી એંશી ટકા પરિણામ આવતું હોય છે. ઘણીવાર મહેનત કરીને થાકી જઇએ તો પણ ધાર્યું ફળ મળતું નથી જ્યારે ક્યારેક ઓછી મહેનતે ધાર્યું કામ પાર પડે છે. લેખકની દ્રષ્ટિએ આ નસીબ નથી પણ અહીં ૮૦/૨૦નો સિદ્ધાંત કામ કરે છે. આ સિદ્ધાંતનો જીવનમાં કઇ રીતે પ્રયોગ કરવો તે વિષય છે એના પુસ્તક ‘લિવિંગ ધ ૮૦/૨૦ વે’નો.

લેખક પોતાના સિદ્ધાંતના અનેક દાખલા આપે છે. જેમ કે વીસ ટકા જમીનમાં જ ખનિજ હોય છે, વીસ ટકા વાદળ વરસાદ લાવે છે વગેરે. જીવનમાં સફળ થવા માટે પણ આ વીસ ટકાનું ખાસ મહત્વ છે. આપણને જે વસ્તુ કે ક્ષેત્રમાં રસ હોય તેમાં ઓછી મહેનતે સફળતા મળે છે. આ દરેકના વ્યક્તિગત વીસ ટકા છે. જેને ઓળખવા જરૂરી છે જે આપણને એંશી ટકા પરિણામ અપાવે છે. માટે ઉપર્યુક્ત કાર્યની પસંદગી અત્યંત જરૂરી છે. હંમેશાં વ્યસ્ત રહેનાર વ્યક્તિ કંઇ નવું શોધી કે કરી શકતી નથી.

એના માટે રિલેકસ થવું જરૂરી છે જે ત્યારે શક્ય છે જ્યારે તમે પોતાની શ્રેષ્ઠ વીસ ટકા પ્રતિભાને ઓળખી તે ક્ષેત્રમાં કાર્યરત રહો. ભૂતકાળનો ગર્વ અને ભવિષ્યની આશા આ બંને કરતાં વર્તમાનની વાસ્તવિકતા વધારે મહત્વની છે. એક સાથે ઘણા કામો કરવા કરતાં આ વીસ ટકા પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળ થવામાં સરળતા રહેશે.

માણસ મહેનત ઉપરાંત વિચારી પણ શકે છે માટે આપણે શું જોઇએ છે અને શું નથી જોઇતું તેનો સ્પષ્ટ વિચાર જરૂરી છે. સફળ લોકો જે ખરેખર પામવું છે તેના પર જ ધ્યાન આપે છે. પૈસા કમાવાની દોટમાં આપણે જીવનને માણવાનું ભૂલી જઇએ છીએ. આવું ત્યારે થતું હોય છે જ્યારે આપણો ધ્યેય કમાણી કરતાં બીજાથી આગળ નીકળવાનો બની જાય છે. આવી સ્પર્ધા ખોટું ટેન્શન ઊભું કરે છે અને ક્યારેક ડિપ્રેશન પણ લાવી દે છે. કોઇ પણ કાર્યનો હેતુ સંતોષ હોવો જોઇએ. સંતોષ હશે તો કોઇ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. જ્યાં સુધી આપણા મિત્રો અને સંબંધીઓનો પ્રશ્ન છે તેમાં પણ ૮૦/૨૦નો આ સિદ્ધાંત લાગુ પડે છે.

ઘણાં પ્રેરણાત્મક પુસ્તકોમાં પોઝિટિવ વિચારો પર ભાર મૂકવામાં આવે છે. આ પુસ્તકના લેખકનું માનવું છે કે પોઝિટિવ થવું એટલું સહેલું નથી. આપણા માટે શું સારું છે તેની જાણ હોવા છતાં નેગેટિવ વિચારોને મગજમાંથી કાઢી નથી શકાતા. જે આપણું શ્રેષ્ઠ ક્ષેત્ર છે તેવા વીસ ટકામાં જો આપણે કાર્યરત રહી શકીએ તો પોઝિટિવ અભિગમ કેળવવામાં સરળતા રહે છે.
આત્મવિશ્વાસના ગુણગાન ગાવા સહેલા છે પણ પરિસ્થિતિ ટેસ્ટિંગ હોય ત્યારે આત્મવિશ્વાસ જાળવી રાખવો કપરો છે!

અંગ્રેજી કટાર લેખિકા વિનીતાજીએ એક ઘટનાનું વર્ણન કરી વિચાર કરતો કરી મૂક્યો. સૌ પ્રથમ એમના લેખની વાતને, શક્ય એટલા ટૂંકાણમાં, એ રજુ કરે છે એમ માની સાંભળીએ: દિલ્હીમાં યોજાયેલ કોમનવેલ્થ-૨૦૧૦માં એક હરીફાઇમાં એક નાનકડા અને ગરીબ દેશનો એક ઓછો જાણીતો એથ્લિટ દોડી રહ્યો હતો. બધા જ પ્રતિસ્પધીઁઓ આગળ નીકળી ગયા હતા, પણ પેલા ભાઇ એની મક્કમ ગતિએ દોડી રહ્યા હતા. એ ભાઇએ અટક્યા વિના સાવ છેલ્લે એમની દોડ પૂરી કરી. ઓડિયન્સમાંથી તાળીઓનો ગડગડાટ થયો. કેટલાકે મશ્કરી કરવા તાળીઓ પાડી તો કેટલાકે એ વીરલાની ટકી રહેવાની ભાવનાને સાચા હૃદયે બિરદાવી. પેલા એથ્લિટ જગ્યાએ તમે હોત તો શું કરત?

ઘટના સાવ નાની પણ નથી, અને એ ઘટના જે તાર ઝણઝણાવી જાય છે એ તો ખરેખર ઇફેક્ટિવ અને થોટ પ્રોવોકિંગ છે. એક વિચાર એવો આવે કે વોટ ઇઝ ધ પોઇન્ટ ઇન પ્લેઇંગ ધ લોસ્ટ ગેમ? જે રમત હારી જ ચૂક્યા છે એને રમવાનો કોઇ અર્થ ખરો? એન્ડ લાઇફ ઇઝ અ ગેમ! જીવનમાં ડગલે ને પગલે આવી ઘટનાઓ ઘટતી જ રહે છે. ઇન્ટર કોલેજ સ્તરની એક ડિબેટ હરીફાઇમાં વીસથી પચીસ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓએ પોતાનો વિષય અંગ્રેજીમાં રૂઆબદાર રીતે રજુ કર્યો.

વાતાવરણ સંપૂર્ણપણે અંગ્રેજીમય બની ચૂક્યું હતું. છેક છેવટે પંચમહાલની એક કોલેજની યુવતીનો વારો આવ્યો, અને એણે ગુજરાતીમાં રજુઆત કરવા માંડી. લિન્ગ્વિસ્ટિક ડોમિનેશનવાળા માહોલમાં ગુજરાતીમાં બોલવું એ જ એક પ્રકારની ચેલેન્જ છે એવું એ યુવતીના એક્સપ્રેશન્સ ઉપરથી સાફ જણાઇ આવતું હતું. પણ એ યુવતી બોલી, અને શક્ય એટલા આત્મવિશ્વાસને જાળવી રાખી બોલી. કદાચ એને પણ ખબર હતી કે એ એક હારેલી રમત રમી રહી છે છતાં રમી. શક્ય એટલી ગર્વભેર રમી.

ધ પોઇન્ટ ઇઝ, આત્મવિશ્વાસના ગુણગાન ગાતા કવોટ્સના તીર છોડવા સહેલા છે પણ પરિસ્થિતિ જ્યારે ટેસ્ટિંગ હોય ત્યારે આત્મવિશ્વાસ જાળવી રાખવો કપરો છે! વન-ડે મેચમાં જ્યારે વિરોધી ટીમ પાસે દસ-પંદર ઓવર બાકી હોય, પાંચ-છ વિકેટ અકબંધ હોય અને માત્ર અને માત્ર દસ પંદર રન કરવાના હોય એટ ધેટ ટાઇમ ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ નોટ ટુ ગિવ અપ! ભલે એવું શીખવવામાં આવતું હોય કે નેવર ગિવ અપ, પણ હકીકતની દુનિયામાં એ કપરું લાગે છે, અને એવી વેળાઓએ જે બેઝિકસને વળગી રહે છે સિદ્ધિ એને જ તો જઇ વરે છે! કારણ કે ટકી શકવાની માનસિકતા તારી શકે છે.

ઘણું બધું બની શકે છે જે તમારી ફેવરમાં આવી શકે. ઓન્લી ઇફ યુ આર ઇન ધ ગેમ! રમતમાં ટકી રહેશો તો શક્ય છે વરસાદ પડે ને મેચ ડ્રો થાય! રમતમાં હશો તો શક્ય છે કે સામેના બે-ત્રણ ખેલાડીઓ ઇન્જર્ડ થાય! રમતમાં છો, રમત ક્વિટ નથી કરી તો શક્યતાઓનાં દ્વાર ખુલ્લાં રહે છે. બાકી તો જેવા તમે ક્વિટ થયા કે ગેમ પૂરી! આત્મહત્યા ન કરવાનું આનાથી મજબૂત કારણ કર્યું હોઇ શકે? એક સ્નેહી શેરબજારમાં બરબાદ થઇ ગયા, આત્મહત્યા સિવાય કોઇ રસ્તો ન દેખાય પણ એ ‘પળ’ વીતી ગઇ અને આજે બદલાયેલા સંજોગોને કારણે બદલાયેલા જીવનને અડીખમ માણી રહ્યા છે.

એટલે તો કહે છે કે જીવનને અટકાવી દેવાનો અધિકાર માણસને કુદરતે આપ્યો જ નથી. શક્યતાઓને જીવંત રાખવા રમતા રહેવું પડે છે, અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે માત્ર મનુષ્યને એવું શીખવવું પડે છે કે પ્લે ટીલ ધ ગેમ ઇઝ ફિનશિ્ડ! બાકી અન્ય સર્વ જીવ, નાનકડી કીડીથી લઇ મહાકાય ડાયનાસોર સુધી, રમત પૂરી ન થાય ત્યાં સુધી રમતા જ રહે છે. કીડીને આત્મહત્યા કરવાનો વિચાર આવતો જ નથી! ટકી રહેવાનું એમના માટે નેચરલ છે. મંકોડાને કચડી નાખશો તો પણ જાન હશે ત્યાં સુધી જાન બચાવવાનો પ્રયત્ન નહીં છોડે.

કોઇ પણ રમતને ધ્યાનથી ઓબ્ઝર્વ કરીશું તો એક વાત સ્પષ્ટ થશે: એક ટીમે હાર સ્વીકારી લીધી છે! જીત શક્ય છે કે અશક્ય એ પછીની વાત છે પણ મૂળભૂત રીતે તો બોડી લેંગ્વેજ કહી દે છે કે ફલાણી ટીમે કે ખેલાડીએ હાર સ્વીકારી છે કે નથી સ્વીકારી. યોદ્ધો હારે નહીં ત્યાં સુધી હારતો નથી. પેલા દોડવીરને પૂછ્યું તો કહે, આખરે મારા દેશનું નામ મારી સાથે જોડાયેલું હતું અને અટકી જઇ હું મારા ધ્વજનું અપમાન કરવા નહોતો માગતો! તમે આવા સંજોગોમાં શું કરો? કેન યુ કીપ રનિંગ?

મોટાભાગની મહત્વની મેચો વખતે એક શબ્દ સાંભળવા મળે છે બેટલ ઓફ નવ્ર્સ! ફાઇનલમાં ટીમ આવી છે એટલે ટેક્નિકલ ટેલન્ટ હોય તો જ આવે, હવે ખેલ માનસિક તાકાતનો છે. લેહ-મનાલી વચ્ચેનો ૪૭૦ કિલોમીટરનો અતિ-પડકારજનક અને આટલો જ રોમાંચક રોડ છ મહિના બરફના કારણે બંધ રહે છે. ઊંચા પહાડો વચ્ચે પંદરથી સત્તર હજારની ઊંચાઇવાળા ‘પાસ’ આવે. અમે એ રસ્તો ખૂલ્યાને ત્રીજે કે ચોથે દિવસે બારલાચાલાથી પસાર થતા હતા.

એક તબક્કો એવો આવ્યો કે અમારા વાહન કરતાં રસ્તાની બંને બાજુ બરફની દીવાલો વધુ ઊંચી હતી. વાતાવરણ બગડતું હતું, ડ્રાઇવર સંયમિત રહી ડરતો હતો અને અમારામાં ભાતભાતની શક્યતાવાળા ડર તો હતા જ. પણ ડ્રાઇવરને હિંમત આપતા રહ્યા અને શાંતિ જાળવી રાખી નીચે ઉતરી ગયા. એક ઢાબા ઉપર ચા અને હાશકારો માણી રહ્યા હતા ત્યાં ચંડીગઢનો એકલ મોટરબાઇકવીર મળ્યો. ઓલ્મોસ્ટ ધ્રુજતાં ધ્રુજતાં કહે, હમ દો યાર નિકલે થે, એક બીમાર હો ગયા. અબ મેં જાઉંગા લેહ! અને અમારી નજર સમક્ષ બારલાચાલા જીવંત થતું હતું...
સોક્રેટિસે કહ્યું છે કે, માનવનો આત્મા (મન) બે ભાગમાં હોય છે : લાગણીશીલ આત્મા અને બૌદ્ધિક આત્મા. માનવ સંબંધો સાચવવા માટે, કુટુંબ વગેરે સંગઠનો ટકાવી રાખવા માટે, પોતે અપનાવેલ મશિન માટે લાગણીની અત્યંત જરૂર છે. જો લાગણી ન હોત તો કોઇ પતિ પોતાની આવક કુટુંબના સભ્યો માટે વાપરે નહીં. બાળક પ્રત્યે લાગણી ન હોય તો માતા બાળકને ઉછેરે જ નહીં. આમ માનવમાં જીવન જીવવા માટે લાગણી અત્યંત મહત્વની છે. પરંતુ સમાજની સમસ્યાઓનું વિશ્લેષણ કરવામાં જો લાગણીનો ઉપયોગ કરીએ તો સાચું વિશ્લેષણ થઇ શકતું નથી. અહીં માત્ર તાર્કિક અથવા બૌદ્ધિક વિશ્લેષણની જરૂર છે.

મોટા ભાગના લોકો લાગણીની અને બુદ્ધિની અલગ ભૂમિકા જાણતા નથી અને પોતાના કામમાં લાગણી અને બુદ્ધિને અલગ અલગ રીતે જોઇ શકતા નથી તેથી સમસ્યાઓ સર્જાય છે. મા-બાપના રખરખાવ માટે લાગણીની જરૂર છે, પરંતુ આજના પુત્રો મા-બાપને સાથે કેમ નથી રાખતા તે સમજવા માટે બૌદ્ધિક વિશ્લેષણની જરૂર છે.માનવજીવન શરૂ થયું ત્યારે લોકો ટોળકીઓમાં રહેતા હતા. પતિ-પત્ની, લગ્ન, કુટુંબ કે કૌટુંબિક સંબંધો જેવું કશું નહોતું. એક ટોળીવાળા બીજી ટોળી પર હુમલો કરી તેમની મહિલાઓને ભગાડી લાવતા હતા. જેને આજે કુટુંબ કહીએ છીએ તેવી પતિ-પત્ની અને બાળકોની સંસ્થા હજી દસેક હજાર વર્ષ પહેલાં શરૂ થઇ.
કોઇ સિસ્ટમ કે પ્રથા વર્ષોથી ચાલી આવી હોય, તો બસ એને ચાલવા જ દેવી જોઇએ? એ સારી છે કે ખરાબ, સાચી છે કે ખોટી એ વિચારવાનું જ નહીં? કોઇ ખોટી વાત વારંવાર થાય, લાંબો સમય ચાલે એટલે એ સાચી સારી બની જાય?

સીએની ફાઇનલ એકઝામનું રિઝલ્ટ આવ્યું ત્યારે ધ્રુવા (નામ બદલ્યું છે)નું નામ ટોપ રેન્કર્સના લિસ્ટમાં હતું. એ પછી અપેક્ષા મુજબ તરત મોટી પ્રતિષ્ઠિત કંપનીમાં જોબ મળી ગઇ. ધ્રુવાએ નક્કી કરેલું કે ડિગ્રી મેળવવા માટે જેટલી મહેનત કરી એનાથીયે વધુ નિષ્ઠા સાથે કામ કરીશ. આશા રાખેલી કે અહીં વર્ષોથી કામ કરતા સિનિયર્સ પાસેથી ઘણું શીખવા મળશે અને પોતાના નવા વિચારો રજુ કરવાની તક પણ ધીમે ધીમે મળતી જશે.

લગભગ આઠ મહિના નોકરી કર્યા બાદ ધ્રુવાએ ‘આપણી વાત’ને સંબોધીને ઇમેલ મોકલ્યો છે. એના શબ્દે શબ્દે ફ્રસ્ટ્રેશન ટપકે છે. ઇંગ્લિશમાં લખેલો મેઇલ લાંબો છે. પણ ટૂંકમાં એનું હાર્દ કંઇક આવું છે - ‘ઉત્સાહભેર આ મોટી ઇન્ડિયન કંપનીમાં જોડાઇ. એના થોડા જ દિવસોમાં ખ્યાલ આવી ગયો કે અહીં કામ કરતી સ્ત્રીઓની કેટલી કિંમત આંકવામાં આવે છે! મારા બોસ અહીં પચ્ચીસ વર્ષથી નોકરી કરે છે. બે વરસમાં રિટાયર થઇ જશે. જાહેરમાં એ કહેતા ફરે છે કે છોકરીઓ શું કામ કરવાની. એમણે તો બસ ભણીને પાસ થઇ જવાનું. એક ડિગ્રી મળી ગઇ એમાં શું!

આવા અને આનાથીયે વધુ અપમાનજનક શબ્દો ડગલે ને પગલે એમના મોઢામાંથી નીકળતા રહે છે. જો કે મારે આજે એમની સામે ફરિયાદ નથી કરવી. હું જાણું છું કે દુનિયામાં આવા અનેક જક્કી, જુનવાણી લોકો વસે છે જે મોટી ઉંમરે બદલાય એવી આશા રાખવાનો અર્થ નથી. પણ મારી ફરિયાદ કંપનીમાં કામ કરતા બીજા લોકો સામે છે. જેમાં નાની ઉંમરના લોકો, હાઇ કવોલિફાઇડ સ્ત્રીઓ પણ સામેલ છે. જે આ બધું ચલાવી તો લે જ છે અને ઉપરથી મને શિખામણ આપે છે કે ચૂપ રહે આવું જ ચાલે.

નોકરીમાં જોડાયા બાદ થોડો સમય તો હું પણ ખુદને ઉંમર અને અનુભવમાં નાની ગણીને ચૂપ જ રહેતી. પણ પછી અકળામણ થવા લાગી કે કોઇ ભૂલ કે વાંક વિના શું કામ આવું બધું સાંભળી લેવું જોઇએ! સહનશક્તિ ખૂટી ગઇ ત્યારે મેં એચઆરમાં ફરિયાદ કરી, પણ ત્યાંથી જે પ્રતિભાવ મળ્યો એ વધુ આઘાતજનક હતો. એ લોકો બોસનો સ્વભાવ જાણે છે પણ મારા માટે માત્ર સહાનુભૂતિ દાખવીને કહી દીધું કે લર્ન ટુ એડજસ્ટ! અહીં વર્ષોથી આવું જ ચાલે છે અને બીજાઓની જેમ મારે પણ ટેવાઇ જવું જોઇએ.

ઓફિસમાં કામ કરતા થોડા લોકો સાથે મિત્રતા થઇ ગઇ છે. એમને વાત કરી તો ત્યાંથી પણ આવું જ રિએકશન આવ્યું કે આ તો વર્ષોથી બધાએ સ્વીકારી લીધેલો ટ્રેન્ડ છે. કોઇ નથી બોલતું તો ધ્રુવાએ શું ક્રાંતિકારી બનવાની જરૂર છે? અરે, ઘણા લોકોને તો જે ચાલે છે એમાં ક્યારેય કંઇ વિરોધ કરવા જેવું પણ નહોતું લાગ્યું. એવી બીજીયે ઘણી ચીજો છે જેને બધાએ મૂંગે મોઢે સ્વીકારી લીધી છે અને કારણ એ જ અપાય છે કે પહેલેથી ચાલ્યું આવે છે.’

ધ્રુવા લખે છે કે, હતાશ થઇને હું નોકરી છોડવાની નથી કે રોજ ઝઘડા પણ નથી કરવાની. મારી રીતે હું સમસ્યાનો ઉકેલ શોધી કાઢીશ પણ મારે પૂછવું છે કે કોઇ સિસ્ટમ કે પ્રથા વર્ષોથી ચાલી આવી હોય, તો બસ એને ચાલવા જ દેવી જોઇએ? એ સારી છે કે ખરાબ, સાચી છે કે ખોટી એ વિચારવાનું જ નહીં? કોઇ ખોટી વાત વારંવાર થાય, લાંબો સમય ચાલે એટલે એ સાચી સારી બની જાય? વિરોધ કર્યા વિના માત્ર જુની પ્રથાને એડજસ્ટ થયા કરવાનું?

ધ્રુવાએ મને નહીં, ‘આપણી વાત’ના વાચકોને આ પ્રશ્ન પૂછ્યો છે. અને જવાબની અપેક્ષા તમારા તરફથી છે. એટલે એના કેસમાં મારે કોઇ ટિપ્પણી નથી કરવી, પરંતુ ધ્રુવાથી અલગ કહેવાય એવા સંજોગોમાં મેં પણ ઘણીવાર આ સૂચન-શિખામણ સાંભળ્યાં છે, તમેય લીધાં-દીધાં હશે કે સિસ્ટમમાં એડજસ્ટ થતાં શીખો. ડોન્ટ રોક ધ બોટ! હવે દર વખતે જે ચાલતું હોય એ કદાચ ખબર ન હોય, પરંતુ એનો અર્થ એવો કે એને બદલવાનો વિચાર પણ ન કરાય? ઘરમાં કે ઓફિસમાં નાની વયના લોકો કોઇ નવો વિચાર રજુ કરે તે તરત સિનિયર તરફથી સ્ટાન્ડર્ડ રિપ્લાય મળે કે ‘વર્ષોથી અમે કરીએ છીએ અને ક્યારેય વાંધો નથી આવ્યો, તો હવે તમે આજકાલના છોકરા અમને શું શીખવાડવાના?સાંભળવામાં બહુ સારું કે સેન્સિબલ લાગે એવું એક વિધાન છે કે કોઇ પણ સિસ્ટમ તોડતા પહેલાં એને સારી રીતે સમજીને એમાં માસ્ટર થઇ જાવ. મતલબ કે નવું કરતાં પહેલા જુનામાં એક્સપર્ટ થઇ જાવ.

વાતમાં ઝાઝો નહીં પણ થોડો દમ કદાચ લાગે પરંતુ આ સલાહને અમલમાં મૂકવામાં સહુથી મોટું જોખમ એ છે કે ક્યારેક જુની સિસ્ટમમાં એડજસ્ટ થતા, એને સમજતા, એનું પાલન કરતાં કરતાં માણસ એટલો ટેવાઇ જાય છે કે પછી કંઇ નવું કરવાનું છે, એ વાત જ ભૂલાઇ જાય, સીધેસીધું ચાલતું હોય ત્યાં નવા અખતરાનું જોખમ શું કામ લેવું? અરે વાહ, તમે તો તમારા પપ્પા (કે બોસ)નો વારસો બરાબર, અદલોઅદલ જાળવી રાખ્યો, ‘આ કમેન્ટને પ્રશંસા ગણીને માણસ જુના-પુરાણા ઢાંચાને વળગી રહે અને પછી તો કોઇ નવો વિચાર લઇને આવે તો એને પણ કહી દે, ‘વર્ષોથી આ જ રીતે ચાલીને અમે સક્સેસફૂલ થઇ ગયા છીએ પહેતા તમે આ તો શીખો...’ અને તેમ છતાં કોઇ માથાફરેલી વ્યક્તિ જોખમ લઇને જુદે રસ્તે ચાલે, એમાં નિષ્ફળ જાય તો પછી હસવાનું કે, અમે તો કહેતા જ હતા કે વર્ષોથી ચાલી આવેલી સિસ્ટમ બરાબર જ હતી. વડીલો કે અમે કોઇ મૂરખ નહોતા.’ બેક ટુ ધ્રુવા! તમે એને શું જવાબ આપશો?‘
વિન્સેન્ટ સ્મિથ લખે છે કે હિન્દુસ્તાનમાં ૨૩૧૧ વર્ષ પહેલાં આવું શ્રેષ્ઠ કારોબારવાળું અને વેલ ઓર્ગેનાઇઝ્ડ શહેરોવાળું કેળવાયેલું રાજ હોઈ શકે તેની કોઈને કલ્પના જ ન આવે.

ચાણક્ય એ તેના પિતાના નામ પરથી ‘ચણકનું અપત્ય’ (અપત્ય એટલે સંતાન) પડ્યું હશે. બુદેલખંડના નાગૌદાનગર નજીક ચણક ગામના નિવાસી હોવાથી ચાણક્ય કહેવાયા તેવોય મત છે. હકીકતમાં તેઓ કુટલ ગક્ષેત્રમાં જન્મ્યા હોવાથી કૌટિલ્ય કહેવાયા.

ચાણક્યે ઉપદેશેલી રાજનીતિ નૈતિકતા વગરની કે કુટિલ નહોતી! શુદ્ધ હેતુ કે શુદ્ધ સાધ્યને સિદ્ધ કરવા માટેનો થોડોક વાંકો માર્ગ પણ તેણે ચિંધ્યો છે. કૌટિલ્ય બ્રાહ્નણ હતા. વધુ ભણવા તક્ષશિલા વિદ્યાપીઠ ગયા અને ત્યાં વેદશાસ્ત્રો અને રાજનીતિ શાસ્ત્રનો ખાસ અભ્યાસ કર્યો. પછી તે આચાર્ય બન્યા. ત્યારનો સમય રાજકીય ઊથલપાથલનો (૨૧મી સદી જેવો) હતો.

કભી કભી મૌત ભી જબ એક કિતાબ લિખતી હૈ
તો જિંદગી સે એક ભૂમિકા લિખવાને કે લિયે આતી હૈ...
વહ જબ બોધિ વૃક્ષ સે ગુજરી થી બુદ્ધ કબ આંખ ખોલેંગે યહી દેખતી પેડ કે પત્તે કી તરહ વહ કાંપતી રહી
ફિર ઉસને હવાઓ કા કાગજ સામને રખા તો બુદ્ધને કરુણા કી ગાથા કહી થી
ઉસને જબ કૃષ્ણ કી બાંસુરી સુની તો એક પેડ કે પીછે ખડી
ગોપિયોં કી રાસલીલા દેખતી રહી કૃષ્ણ કે રથ કી લગામ પકડી
ઔર જબ હવાઓં કા કાગજ સામને રખા
તો કૃષ્ણને હંસકર ગીતા સુનાઈ થી
મૌત કી કંઈ કાલી કિતાબે હૈ પર ચાંદ-સૂરજ કી રોશની જૈસી
કંઈ ભૂમિકા એ હૈ જો હમારા મરણ-મિટ્ટીવાલો કા ખજાના હૈ -અમૃતા પ્રીતમ

ભગવાન કૌટિલ્ય? હા, કનૈયાલાલ મુનશીની એક નવલકથામાં ચાણક્ય ઉર્ફે વિષ્ણુગુપ્ત ઉર્ફે કૌટિલ્યને ‘ભગવાન કૌટિલ્ય’ કહ્યા છે. ૧૯૪૭-૪૮માં અમારે મુંબઈ યુનિવર્સિટીના ફર્સ્ટ યર કોમર્સના ગુજરાતી પાઠ્ય પુસ્તક તરીકે ભગવાન કૌટિલ્યની નવલકથા ચાલતી. આજે ૨૧મી સદીમાં ભારત અને વિદેશના લેખકો તેમજ પ્રકાશકો ચાણક્યનીતિ વિશે પુસ્તકો પ્રગટ કરવામાં જાણે ભોગ ખાઈને પાછળ પડ્યા છે. તો શું કામ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકો કૌટિલ્ય અને ખાસ તો તેની ચાણક્યનીતિ વિશે ન જાણે?

તે માટે મેં ચાર એનસાઈકલોપીડિયા ભગવદ્ ગોમંડળ અને ખાસ તો મહાન ફિલસૂફ અને સંસ્કૃતિક ઈતિહાસવેત્તા વીલ ડુરોનો ગ્રંથ ‘ધ સ્ટોરી ઓફ સિવિલાઈઝેશન’નો આધાર લીધો. મને સૌથી આધારભૂત અને પ્રેરક વાત ગુજરાતી વિશ્વકોશના પાંચમા ખંડમાંથી મળી. વિકિપીડિયા પાસે કોઈ ખાસ માહિતી જ નહોતી. દશરથભાઈ વેદિયા અને એચ. જી. શાસ્ત્રીએ કૌટિલ્યની ટૂંકી જીવનગાથા લખી છે તે યુવાપેઢી કે તેમના માતા-પિતા વાંચી જાય. પરંતુ ભલે માત્ર બેંતાલીસ લીટી જ લખી હોય પણ એનસાઈકલોપીડિયા બ્રિટાનિકાની કૌટિલ્યની ટૂંકી ગાથા પણ મજેદાર છે. પ્રથમ આપણે વિશ્વકોશને જોઈએ.

‘કૌટિલ્ય અર્થશાસ્ત્ર’ નામનો તેના રાજનીતિ વિશેનો ગ્રંથ વિશ્વમાં પોલિટિક્સ વિશેના પ્રાચીન ગ્રંથોમાં પ્રથમ નંબર ધરાવે છે. ચાણક્ય એ તેના પિતાના નામ પરથી ‘ચણકનું અપત્ય’ (અપત્ય એટલે સંતાન) પડ્યું હશે. બુદેલખંડના નાગૌદાનગર નજીક ચણક ગામના નિવાસી હોવાથી ચાણક્ય કહેવાયા તેવોય મત છે. હકીકતમાં તેઓ કુટલ ગક્ષેત્રમાં જન્મ્યા હોવાથી કૌટિલ્ય કહેવાયા.

તેઓ કુટિલ રાજનીતિ ઉપદેશતા કે આચરતા તેથી કૌટિલ્ય કહેવાયા તે મત અને અર્થ બિલકુલ સાચો નથી(!?) ચાણક્યે ઉપદેશેલી રાજનીતિ નૈતિકતા વગરની કે કુટિલ નહોતી! શુદ્ધ હેતુ કે શુદ્ધ સાધ્યને સિદ્ધ કરવા માટેનો થોડોક વાંકો માર્ગ પણ તેણે ચિંધ્યો છે. કૌટિલ્ય બ્રાહ્નણ હતા. વધુ ભણવા તક્ષશિલા વિદ્યાપીઠ ગયા અને ત્યાં વેદશાસ્ત્રો અને રાજનીતિ શાસ્ત્રનો ખાસ અભ્યાસ કર્યો. પછી તે આચાર્ય બન્યા. ત્યારનો સમય રાજકીય ઊથલપાથલનો (૨૧મી સદી જેવો) હતો. ભારતમાં અનેક સ્વતંત્ર રાજ્યો અને ગણતંત્રો હતાં. સંકુચિત અને લોભી વૃત્તિ થકી બધા રાજા વેરવિખર હતા. એ સમયે ગ્રીસનો સિકંદર ભારત આવી પહોંચેલો.’

‘તક્ષશિલામાં આચાર્ય બનેલા કૌટિલ્યએ ચારેકોર સિકંદરનો ભય લાગવા લાગ્યો છે તે જોયું, તે તેને ગમ્યું નહી. આ ભય નિવારવા વિદ્યાર્થીઓ તેમ જ જનતાને કૌટિલ્યએ જાગૃત કર્યા. દેશભક્તોનું સંગઠન કર્યું. એક બ્રાહ્નણ આચાર્ય આમ લડવૈયો બન્યો.

તે સમયના ચંદ્રગુપ્ત મૌર્ય નામના મગધના રાજપુત્રની દોરવણીમાં સૌને એકત્રિત કર્યા. બધાં રાજ્યો સંગઠિત થયાં. મગધનું એક વિસ્તૃત બળવાન સામ્રાજ્ય ઊભું કર્યું. સરદાર પટેલ ૨૦મી સદીના કૌટિલ્ય ગણાય છે તે કેટલું બધું યથાર્થ છે! આ એક વિદ્વાન બ્રાહ્નણ તેની વિદ્વતાના બળે અને સરદાર પટેલની ઢબે આખા ભારતવર્ષને સંગઠિત કરે છે અને જાણે કવિ દિનકરની કવિતા ગાતા હોય તેમ લલકાર તેમણે કર્યો.

માત્ર મનુષ્ય નહીં ઈશ પુત્ર હૂં મૈં
મેરી કલ્પના કી જીભ મેં ભી ધાર હોતી હૈ
બાણ હી હોતે વિચારોં કે નહીં કેવલ
સ્વપ્ન કે ભી હાથ મેં તલવાર હોતી હૈ
આદમી કા સ્વપ્ન? હૈ વહ બુલબુલા જલ કા?
આજ બનતા ઔર કલ ફિર ફૂટ જાતા હૈ?
કિન્તુ તો ભી ધન્ય, ઠહરા આદમી હી તો
બુલબુલો સે ખેલતા જીવન કવિતા બનાતા હૈ!

કવિ દિનકરની કવિતાનો આવો સ્પિરિટ કૌટિલ્યમાં હતો. તેમનાં સ્વપ્નને અને કલ્પનાને પોતાની વિદ્યા, કુટિલ નીતિ અને એક રાજાનો સંગાથ લઈને હિન્દુસ્તાનને જગાડ્યું. હિન્દુસ્તાન આખાનું પ્રાણવાન જીવન-કાવ્ય જાણે રચ્યું.

આપણે એનસાઈકલોપીડિયા બ્રિટાનિકાએ લખેલી ટૂંકી જીવનગાથા જોઈએ. ૨૩૧૧ વર્ષ પહેલાં કૌટિલ્ય ઉર્ફે ચાણક્ય ઉર્ફે વિષ્ણુગુપ્ત નામનો એક હિન્દુ રાજપુરુષ થઈ ગયો. આ માનવે એક કલાસિકલ ગ્રંથ લખ્યો તે ભલે અર્થશાસ્ત્ર કહેવાય, પણ તેમાં અનેક પ્રકારની વિદ્યા છે. ૧૯૨૯માં તેમના સંસ્કૃત ગ્રંથનો (અર્થશાસ્ત્ર) અંગ્રેજી અનુવાદ થયો અને એક જ વર્ષમાં ૩ આવૃત્તિ થઈ ગઈ. તેમના આ ગ્રંથમાં માનવની મિલકતો, રાજકારણ, ભૌતિક સફળતા અને અર્થશાસ્ત્ર વિશે લખ્યું છે. કૌટિલ્ય બ્રાહ્નણ કુટુંબમાં જન્મ્યા અને તક્ષશિલામાં (અત્યારે તે પાકિસ્તાનમાં છે) શિક્ષણ લીધું. કૌટિલ્યને આરોગ્ય વિજ્ઞાન, ઔષધ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રનું પણ ઊંડું જ્ઞાન હતું. અથૉત્ તે દરેક વિદ્યામાં પારંગત હતા. ગ્રીક અને પિર્શયન ભાષાથી પરિચિત હતા. ૨૩૧૧ વર્ષ પહેલાં તે ચોવીસ વર્ષ સુધી ચંદ્રગુપ્ત મૌર્યના રાજકીય સલાહકાર હતા.

મગધના પાટલીપુત્રના રાજા સંકુચિત હતા. તેને ફગાવી દેવામાં ચાણક્યે ચંદ્રગુપ્તને મદદ કરેલી. તમામ કારભારમાં કૌટિલ્યનો ગ્રંથ એક માર્ગદર્શક (ગાઈડ) જેવો હતો. કૌટિલ્યે સૌથી મહત્વની વાત એ લખી કે (ખુલ્લમ ખુલ્લા) રાજાએ કે રાજકર્તાએ એકદમ ચકોર, ચતુર અને દેશભક્ત એવા જાસૂસોનું જૂથ ઊભું કરવું જોઈએ. (જે બાબતમાં પાકિસ્તાન ઉસ્તાદ છે અને આપણે ઢ છીએ). સમાજના દરેક સ્તરે જાસૂસો રાખવામાં કોઈ વાંધો નથી અને એ કોઈ દેશનો દુશ્મન પુરવાર થાય તો તેને ખતમ કરવામાંય વાંધો નથી.

આ ગ્રંથ (અર્થશાસ્ત્ર)નાં પંદર પ્રકરણો છે તેમાં રાજનીતિનું પ્રકરણ શ્રેષ્ઠ છે. ઘણા પશ્ચિમના ફિલોસોફરો અને રાજનીતિઓ કૌટિલ્યને ફ્રેંચ પ્રિન્સ મેકિયાવેલી સાથે સરખાવે છે અને ઘણા તેમને એરિસ્ટોટલ અને પ્લેટો જેવા જ રાજકીય ફિલોસોફર ગણે છે. કૌટિલ્ય દેશના દુશ્મનો માટે રુથલેસ હતા-જે આજે ભારતના ડૉ. મનમોહનસિંઘ શું કે પહેલાંના અટલબિહારી શું કે રાજીવ ગાંધી શું. પાકિસ્તાન કે ચીન પરત્વે કદી રુથલેસ નહોતા. નહેરુ પણ નહીં. સરદાર પટેલ રુથલેસ હતા પણ તેમની રુથલેસનેસનો પણ અમલ થઈ શક્યો નહી. કૌટિલ્યનું સાઉન્ડ પોલિટિકલ વિઝડમ આજે ભારતને જરૂરી છે. કૌટિલ્યએ જે રાજનીતિ બતાવી તેને કારણે મૌર્ય શાસનમાં છેક સમ્રાટ અશોક સુધી તેને મોડેલરૂપે અપનાવાઈ હતી.

વીલ ડુરો નામના ફિલસૂફે લખેલા ૧૧ દળદાર ગ્રંથોનું નામ છે ‘અવર ઓરિએન્ટલ હેરિટેજ.’ આ ગ્રંથના પ્રથમ ભાગમાં જ (‘ધ સ્ટોરી ઓફ સિવિલાઈઝેશન’) કૌટિલ્ય વિશે વીલ ડુરોએ લખ્યું છે. આ ગ્રંથના સોળમા પ્રકરણમાં ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્ય વિશે લખ્યું છે. વીલ ડુરોએ કૌટિલ્યના જીવન વિશે લખ્યું તેમાં જાણે કૌટિલ્યે સ્વામી વિવેકાનંદના કાવ્યમાંથી પ્રેરણા લીધી હોય તેવી વાત છે.

પ્રચંડ આવેગ અગાધ દુ:ખના
આ ઉભરાતા દરિયા મહીં
ફેંકાવું લોઢો (મોજાં) અહીથી તહી
દુ:ખો રહ્યાં સુખના સ્વપ્નમાં કદી
અહીં જિંદગી તે બસ મોત જીવતું
ને મૃત્યુનું તો ફરી ચક્ર ચાલતું
અનાદિને અંત વિના પ્રચંડ
દુ:ખો-સુખોનાં જહીં નિત્ય દ્વંદ્વ...

વીલ ડુરોએ કૌટિલ્ય વિશે આ કવિતાને મૂર્તરૂપ દેતા હોય તેમ લખ્યું છે. ‘ચંદ્રગુપ્ત એક ક્ષત્રિય રાજા હતો. તેને નંદકુળના રાજાએ મગધના રાજમાંથી ફેંકી દીધો. ચંદ્રગુપ્તની છુપાયેલી શક્તિઓ જોઈને કૌટિલ્ય તેની ભેરે ચઢ્યા. ત્યાં સુધી હિન્દુસ્તાન રાજાઓના અંદરોઅંદરના દ્વેષથી પીડાતું હતું. પ્રજા દુ:ખી હતી. એટલે કૌટિલ્ય ફ્રેંચ રાજપુરુષ મેકિયાવેલીની ઢબના સલાહકાર બન્યા અને મગધનું આખું સામ્રાજ્ય પાછું મેળવ્યું.

હિન્દુસ્તાનની પ્રજા માટે સુખનાં દ્વાર ખોલ્યાં. ચંદ્રગુપ્ત મૌર્ય અને ખાસ તો તક્ષશિલાની ગાથા તો મજેદાર છે પણ તક્ષશિલા વિશે પછીથી. ‘ચંદ્રગુપ્તના સાચા સલાહકાર કૌટિલ્ય હતા. કૌટિલ્ય ધર્મનું રાજકીય મૂલ્ય સમજતા હતા. પરંતુ તે માટે સાવ બબૂચક કહેવાય તેવા ઢીલાઢાલા પુસ્તકિયા ‘ધર્મિષ્ઠ’ નહોતા. તેમણે જ મગધમાં નકામા રાજા સામે બળવો કરાવ્યો. યુવાનોને પ્રેરણા આપી. જે કોઈ સામે થાય તેને ખતમ કર્યા.

તેમનું અનસ્ક્રૂપલસ વિઝડમ-કોઈને ગાંઠ્યા વગરનું ડહાપણ રાજા ચંદ્રગુપ્તને કામ લાગ્યુ. વીલ ડુરોની ભાષામાં વિથ કૌટિલ્ય-હેલ્પ ‘ચંદ્રગુપ્ત મેઈડ હિઝ ગવર્નમેન્ટ ધ મોસ્ટ પાવરફુલ ધેન એક્ઝિસ્ટિંગ ઈન ધ વર્લ્ડ.’ કેવું જબ્બર પ્રમાણપત્ર! કૌટિલ્યની રાજનીતિ થકી જ ચંદ્રગુપ્તનો ડંકો જગતભરમાં વાગી ગયો. કૌટિલ્ય ઘણી વખત દ્રોહી પણ પુરવાર થતા, પરંતુ રાજા પ્રત્યે કદી જ દ્રોહી થયા નહીં.

જ્યારે રાષ્ટ્રનું, પ્રજાનું કે રાજાનું હિત હોય તો મિત્ર દ્રોહ કે પતિ કે પત્ની દ્રોહ કરવામાં વાંધો નથી તેમ કહેતા. વીલ ડુરો લખે છે કે ‘દેશમાંથી હકાલપટ્ટી થઈ હોય, અમુક વખતે પરાજય સહન કરવો પડ્યો હોય, મરણના ભયવાળું સાહસ હોય, રાજકારણોની ગૂંચો હોય, કોઈને પતાવી દેવાનો હોય ત્યારે તે ઠંડા કલેજેથી વર્તતા. અરે ખાસ, વિજય વખતે તેમને કોઈ જ ગુમાન કે ચહેરા પર કોઈ વધુ પડતા હર્ષની લકીર પણ દેખાતી નહી.

કૌટિલ્યે સૌથી મોટું કામ એ કર્યું કે રાજનીતિની ફોર્મ્યુંલા તેમણે સંસ્કૃત ભાષામાં લખી તે અર્થશાસ્ત્રની આજે કરોડો નકલો અનેક ભાષામાં જગતભરમાં વેચાય છે. વિન્સેન્ટ સ્મિથ લખે છે કે હિન્દુસ્તાન જેવા દેશમાં ૨૩૧૧ વર્ષ પહેલાં આવું શ્રેષ્ઠ કારોબારવાળું અને વેલ ઓર્ગેનાઇઝ્ડ શહેરોવાળું સ્વચ્છ, સુંદર, કેળવાયેલું રાજ હોઈ શકે તેની કોઈને કલ્પના જ ન આવે. ચાણક્યના દીવાનપદ હેઠળ ઉદ્યોગોનું નિયંત્રણ થતું.

દેશમાં અજાણ્યો આવે તેના રેકોર્ડ રખાતા. ૩૦ જેટલા ધુરંધરોનાં કમિશનો બનાવેલાં. દરેક કમિશન જુદી જુદી કામગીરી નિષ્ઠાથી બજાવતા, જન્મમરણ નોંધાતા, અમુક ચીજોમાં ભાવનું ય નિયંત્રણ થતું. અરે વજનનાં કાટલાં પણ નિયમિત તપાસાતાં! દરેક વેચાણ ઉપર માત્ર ૧૦ ટકા સરખો વેરો લેવાતો. તે વેરો તમામ નાગરિક પ્રામાણિકતાથી ભરતા. એ જમાનામાં ગ્રામપંચાયતો હતી જ. દુષ્કાળની અગમચેતી તરીકે ધાનના કોઠાર રખાતા. જ્યારે પણ અર્થતંત્રમાં મંદી નડે તેને રાજા તરફથી મદદ મળતી. આ બધું કૌટિલ્યને આભારી છે. એ કૌટિલ્યની દરેક નીતિની અલગ કથા સાંભળવા જેવી છે. જરૂર સંભળાવીશ.
સંબંધ બહુ નાજુક હોય છે. એને જાળવવો પડે છે. એનું જતન કરવું પડે. પણ સંબંધની સાથે અપેક્ષા સંકળાય છે ત્યારે સંબંધ જીવલેણ થાય છે. માત્ર લોહીના સંબંધ નહીં માત્ર સ્વાર્થના સંબંધ નહીં પણ કોઈ પણ કારણ વિના કોઈપણ હેતુ વિના કોઈને આવકારવા અને પોતાના કરવા એ એક અપૂર્વ ઘટના છે. જીવન એટલે ગુલાબનો રસ્તો નહીં એમાં તો ઝાડી-ઝાંખરા હોય, કાંટાઓ હોય, બધું જ હોય. બધું અનુકૂળ ન હોય અને છતાંયે તમે જે રસ્તા પર ચાલો છો એ રસ્તાને પૂરેપૂરો પ્રેમ કરી શકો અને આગની સાથે રમી શકો તો અપૂર્વ ઘટના ઘટે. જે પંથ છે એ તમારી લગનીનો પંથ છે અને જ્યાં સુધી લગનીનો અગ્નિ પ્રજવલિત ન થાય ત્યાં સુધી આવી કોઈ અપૂર્વ ઘટના બને નહીં. આ ગઝલની સાથે ગઝલના સ્વરૂપ તરીકે માણવા માટે ખલીલ ધનતેજવીની ગઝલ વાંચો.

આગમન તારું સતત તાજી હવા જેવું છે
મારું હોવાપણું ટમટમતા દીવા જેવું છે
મનની મિરાત સંબંધોમાં હવે ક્યાંય નથી
ચાહવું, મળવું બધું દંતકથા જેવું છે
હું દિમાગોનું નહીં દિલનું કહ્યું માનું છું
દિલનું ફરમાન પયગંબર કે ખુદા જેવું છે
કોઈ પણ સત્ય સરળતાથી ગળે ના ઊતરે સાચનું કામ સદા કડવી દવા જેવું છે
કોઈનો પ્રેમ ન હો, ક્યાંય કોઈ મિત્ર ન હો
એ જીવન મૃત્યુથી ભૂંડું છે, સજા જેવું છે
એવું શું છે જે મુસીબતમાં બચાવે છે મને
એ ગમે તે હશે પણ માની દુવા જેવું છે
સેંકડો પ્રશ્ન છુપાયાં છે બખોલોમાં હજી
દિલ આ નાનકડું પહાડોની ગુફા જેવું છે
હા ખલીલ, આજે પણ ધનતેજ યાદ આવે છે દિલ હજી કે છે કે
ક્યારેક જવા જેવું છે
જ્યારે તમારા માર્ગમાં રુકાવટ આવે છે ત્યારે તે માટે બીજા કોઈ જવાબદાર નથી. માત્ર તમારું વલણ જવાબદાર હોય છે. જે સાચી પ્રભુપ્રીત્યાર્થે પ્રવૃત્તિ કરે છે તેને કોઈ રુકાવટ નથી. હવે આ પ્રભુપ્રીત્યાર્થ શું છે? ગોડ શું છે? તમે ગોડ એટલે પ્રેમ કહી શકો. તમે ગોડ એટલે ગુડનેસ કહી શકો પણ ઈશ્વરનું શ્રેષ્ઠ નામ કોમ્પેશન છે. માયાળુતા છે. કરુણા છે. અનુકંપા છે. સહાનુભૂતિ છે. આ ગુણ પૂર્ણ પ્રમાણમાં તમારામાં વિકસ્યા હોય તો તમે જ ઈશ્વર છો અને તેથી પ્રેમનાં સૌથી મોટા હક્કદાર બનો છો. વળી, ઈશ્વર તમારી પાસેથી શું અબળખા રાખે છે? એ પીસફુલ હાર્ટ. તમે શાંતિથી ભરેલા હો તો તમે ઈશ્વરથી ભરેલા છો તે ડો. એકહાર્ટનું શ્રેષ્ઠ સૂત્ર છે.

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ 'રા.વન'ને લઈને ઘણી મુસીબતોમાં ફસાઈ રહ્યો છે. બેગ્લોરના એક બિઝનેસમેને કિંગ ખાન પર 'રા.વન'ની મોબાઈલ ગેમ લોન્ચ કરવાનો આઈડિયા ચોરવાનો આરોપ લગાડીને કાનૂની નોટિસ મોકલી છે. આ મામલે 40 કરોડની ભરપાઈ પણ માંગી છે.

બેગ્લોરમાં હોસ્પિટાલિટી બિઝનેસ ચલાવતા 27 વર્ષીય શાકિર આગાનો દાવો છે કે 'રા.વન'ની રિલીઝ પહેલા ફિલ્મની મોબાઈલ ગેમ લોન્ચ કરવાનો આઈડિયા તેણે જ શાહરૂખને આપ્યો હતો. શાકિરના કહેવા અનુસાર કોઈ ફિલ્મને હિટ કરવા માટે રિલીઝ પહેલા તેના મોબાઈલ ગેમ લોન્ચ કરવાનો આઈડિયા 2010માં તેના મગજમાં આવ્યો હતો. આ આઈડિયા તેણે રેડ ચિલી એન્ટરટેનમેન્ટના સીએફઓ (બ્લેસન ઓમેન)ને ઈમેલ દ્વારા જણાવ્યો હતો.

આ વિશે તેણે 18 માર્ચે ઓમેનને ફરીથી એક મેલ કર્યો જેનો તેણે 14મી ડિસેમ્બર 2010ના રોજ જવાબ આપ્યો હતો. ઓમેનને આ આઈડિયો ગમ્યો હતો અને સમય આવ્યે તેના વિશે તે શાકિર સાથે આગળ વાતચીત કરશે. શાકિરના કહેવા અનુસાર તેણે આ વર્ષે 6મે ના રોજ ફરીથી પેલા મેલની યાદ અપાવતા એક મેલ કર્યો હતો. જેનો કોઈ જવાબ નહોતો આપ્યો. "મારા ઘણા ઈમેલ, ફોન કોલ્સ અને ફેક્સ મેસેજ મોકલ્યા પછી પણ રેડ ચિલી એન્ટરટેનમેન્ટ તરફથી કોઈ જવાબ નહોતો અપાયો."

શાકિરે આગળ જણાવ્યુ હતું કે થોડા મહિના પછી ઓમેનનો જવાબ આપ્યો હતો કે શાહરૂખ ઘણો વ્યસ્ત હતો, અને તે બહુ જ ટૂંક સમયમાં તેનો સંપર્ક કરશે. અને કહેવામા આવ્યું હતું કે એસઆરકે પોતાની આવનારી ફિલ્મ સાથે ફોન ગેમ્સ લોન્ચ કરશે. અગાના વકિલે મુકર્રમે જણાવ્યું કે "શાહરૂખની કંપનીએ અગાને ક્રેડિટ આપ્યા વગર જ ફોન ગેમ લોન્ચ કરી દીધી. એટલે સુધી લોન્ચિંગ પહેલા અગાને જાણ પણ નહોતી કરાઈ. શાહરૂખ અને તેની કંપનીએ મારા મુવક્કિલનો આઈડિયો ચોર્યો છે, નોટિસ મોકલવામાં આવી છે."

તેમણે આગળ જણાવ્યુ હતું કે "કોઈની વિરુદ્ધ કેસ દાખલ કરતા પહેલા તેને કાનૂની નોટિસ મોકલવી જરૂરી હોય છે. જે માટે અમે નોટિસ મોકલી છે અને ભરપાઈ પેટે 40 કરોડની માંગ કરી છે."

શાહરૂખે 'રા.વન' તરફથી 400 કરોડની આવકનો અંદાજો લગાડ્યો છે.
કોંગ્રેસ સિવાયના લગભગ તમામ રાજકીય પક્ષોએ જાતભાતનાં ગતકડાં દ્વારા રાંધણગેસના ભાવવધારાનો વિરોધ કર્યો. આવા વાંઝિયા વિરોધ વારંવાર થયા છે. સરકાર રીઝીને પાંચ - પંદર રૂપિયા ઘટાડે એવું ક્યારેક બને છે, હંમેશાં નહીં. દરેક ભાવવધારા પછી કકળાટ થાય છે અને પછી ભાવવધારો કોઠે પડી જાય છે. આ ભાવવધારા પાછળનાં રાજકીય અને આર્થિક કારણો તપાસીએ.

અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિબેરલ ૯૧.૨૩ ડોલર છે. એક બેરલ દીઠ ૧૫૮.૯૯ લિટર થાય એટલે એક લિટર ક્રૂડનો ભાવ ૨૫.૫૩ રૂપિયા થાય. તેમાં રિફાઇનિંગ માટેનો ખર્ચ ઉમેરવો પડે. પ્રોડક્શન લોસને પણ ઉમેરવો પડે. આ બધું ગણતા લગભગ ૧૫ રૂપિયાનો ઉમેરો થાય ત્યારે એક લિટર પેટ્રોલ બને. અથૉત્, લગભગ ૪૦ રૂપિયે લિટર પેટ્રોલ બને. તેમાં ૧૮ રૂપિયા ટેક્સના ઉમેરતા લગભગ ૫૮ રૂપિયે લિટર પેટ્રોલ મળે.

સરકારો સામાન્ય નાગરિક માટે નહીં, ઉદ્યોગો માટે જ છે. ઔદ્યોગિક વિકાસનો કે ઉદ્યોગોનો વિરોધ કરવાનો ઉપક્રમ અહીં નથી. ઉપક્રમ સરકારનાં બેવડાં ધોરણોનો છે. જ્યારે નાગરિકને સુવિધા આપવાની વાત આવે ત્યારે સરકારના મંત્રીઓ એક એક પાઇની સબસીડીની ગણતરી કરાવે છે. ઓઇલ કંપનીઓને ૭૧,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ કઇ રીતે જશે તે સમજાવે છે. કેટલા રૂપિયાની રાહત ગેસ ઉપર ને કેટલા રૂપિયાની રાહત કેરોસીન પર આપે છે એ પણ ગણાવી દે છે. પણ, જ્યારે ઉદ્યોગોને આપેલી છુટની વાત આવે ત્યારે તેનું મોં સિવાઇ જાય છે.

ગેસનો ચૂલો સળગાવતા પહેલાં હૈયું સળગી જાય એવો ભાવવધારો રાંધણગેસમાં થયો અને દેશની કરોડો ગૃહિણીઓની આંતરડી કકળી ઊઠી. સરકાર ભલે કહે કે ઓઇલ કંપનીઓનું નુકસાન ઘટાડવા માટે પેટ્રો પેદાશોનો ભાવવધારો અનિવાર્ય હતો પણ, સામાન્ય જનતા એવું જ માને છે કે સરકાર લૂંટવા બેઠી છે. જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. જે ગેસનો બાટલો હવે ૪૧૦ રૂપિયે તમારા ઘરમાં આવશે તે સરકારને કેટલા રૂપિયામાં પડે છે? ખાનગી કંપનીઓ એટલો જ ગેસ ૭૦૦ રૂપિયામાં બજારમાં વેચે છે. સરકાર કહે છે કે હજી ૩૦૬ રૂપિયા સબસીડી રાંધણ ગેસ પર આપવામાં આવે છે.

અથૉત્, લગભગ ૭૧૬ રૂપિયા ગેસના બાટલાની પ્રોડક્શન કોસ્ટ સરકાર પણ ગણી રહી છે. હકીકતમાં આવું નથી. ખાનગી ઓઇલ રિફાઇનરીઓ ૪૧,૦૦૦ રૂપિયે એક ટનના હિસાબે એલપીજી સરકારી કંપનીઓને વેચે છે. અથૉત્, ૪૧ રૂપિયે કિલોનો ભાવ થયો. ૧૪ કિલો ૨૦૦ ગ્રામ ગેસનો (બાટલામાંના ગેસનો) ભાવ ૫૮૨ રૂપિયા થયો, તેનાથી વધુ જેટલા રૂપિયા સરકાર ગણે તે ટેક્સ થયો. પેટ્રોલ અને ડીઝલ ઉપર કુલ ટેક્સ ૪૩ ટકા જેટલો થાય છે.

અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિબેરલ ૯૧.૨૩ ડોલર છે. એક બેરલ દીઠ ૧૫૮.૯૯ લિટર થાય એટલે એક લિટર ક્રૂડનો ભાવ ૨૫.૫૩ રૂપિયા થાય. તેમાં રિફાઇનિંગ માટેનો ખર્ચ ઉમેરવો પડે. પ્રોડક્શન લોસને પણ ઉમેરવો પડે. આ બધું ગણતા લગભગ ૧૫ રૂપિયાનો ઉમેરો થાય ત્યારે એક લિટર પેટ્રોલ બને. અથૉત્, લગભગ ૪૦ રૂપિયે લિટર પેટ્રોલ બને. તેમાં ૧૮ રૂપિયા ટેક્સના ઉમેરતા લગભગ ૫૮ રૂપિયે લિટર પેટ્રોલ મળે.

૨૦૦૮માં ૧૧મી જુલાઇના રોજ ક્રૂડનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી ઊંચી સપાટી ૧૪૭.૨૭ ડોલર પ્રતિ બેરલ થયો ત્યારે ગણતરીઓ મૂકાતી હતી કે આ ભાવે પેટ્રોલ વાસ્તવમાં ૭૦ રૂપિયે લિટર પડે. સરકાર પોતે જ આવા આંકડાઓ ટાંકતી હતી. પણ જ્યારે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં ૭૧ રૂપિયે લિટર થઇ ગયો છે ત્યારે ક્રૂડનો ભાવ ૧૪૭ ડોલર નથી.

મૂળ મુદ્દો એ નથી કે સરકારને રસોઇગેસ કેટલા રૂપિયામાં પડે છે. મૂળ મુદ્દો એ છે કે સરકાર કંઇ વેપારી નથી. એક રૂપિયો પણ સબસીડી સામાન્ય નાગરિકને નહીં આપવાનું વિચારનાર સરકારને કંપની જ કહેવી પડે. કલ્યાણ રાજ્યની ભાવનાનો લોપ થઇ રહ્યો છે અને એ જ સરકાર જ્યારે ઉદ્યોગોને સગવડો આપવાની હોય ત્યારે તેમને ટેક્સ વેકેશન આપે છે, પાણીના મૂલે જમીન આપે છે, જોઇએ એટલી વીજળી આપે છે, અને લગભગ તમામ સુવિધાઓ સબસિડાઇઝ રેટથી પૂરી પાડે છે.

ચિત્ર એવું ઊભું થાય છે કે સરકારો સામાન્ય નાગરિક માટે નહીં, ઉદ્યોગો માટે જ છે. ઔદ્યોગિક વિકાસનો કે ઉદ્યોગોનો વિરોધ કરવાનો ઉપક્રમ અહીં નથી. ઉપક્રમ સરકારનાં બેવડાં ધોરણોનો છે. જ્યારે નાગરિકને સુવિધા આપવાની વાત આવે ત્યારે સરકારના મંત્રીઓ એક એક પાઇની સબસીડીની ગણતરી કરાવે છે. ઓઇલ કંપનીઓને ૭૧,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ કઇ રીતે જશે તે સમજાવે છે. કેટલા રૂપિયાની રાહત ગેસ ઉપર ને કેટલા રૂપિયાની રાહત કેરોસીન પર આપે છે એ પણ ગણાવી દે છે. પણ, જ્યારે ઉદ્યોગોને આપેલી છુટની વાત આવે ત્યારે તેનું મોં સિવાઇ જાય છે.

ભાવ વધારાની વાત આવે ત્યારે માત્ર કેન્દ્ર સરકારને જ ધીબેડવામાં આવે તે પણ યોગ્ય નથી. રાજ્ય સરકારો પશ્ચિમ બંગાળનું અનુકરણ કરી શકે. મમતા બેનરજીએ રાજ્યનો ટેક્સ હટાવીને રાંધણગેસને ૧૬ રૂપિયા સસ્તો કરી આપ્યો છે. બીજાં રાજ્યો આવું કરી શકે પણ કરતાં નથી. આર્થિક રીતે નબળાં રાજ્યો તો ઠીક ગુજરાત જેવાં સદ્ધર રાજ્યો પણ આવા નિર્ણય તાત્કાલિક લેતાં નથી. ટેક્સની આવક નાગરિકો માટે ગુમાવવાનું કોઇ સરકાર વિચારતી નથી.

ભારત જે રીતે ગેસ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી રહ્યું છે તે જોતાં આપણી આજુબાજુના ફેઇલ્ડ સ્ટેટ જેવા દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ વગેરેની હરોળમાં આવી રહ્યું છે. જે રાષ્ટ્ર વિશ્વની મહાસત્તા બનવાનાં સપનાં જોઇ રહ્યું છે તેણે સરખામણી વિકસિત રાષ્ટ્રો સાથે કરવી જોઇએ. પાકિસ્તાનમાં ગેસના સિલિન્ડરનો ભાવ ૫૭૭.૧૮ રૂપિયા, શ્રીલંકામાં ૮૨૨.૩૫ રૂપિયા, નેપાળમાં ૭૮૨.૮૪ રૂપિયા અને બાંગ્લાદેશમાં ૫૩૭.૩૭ રૂપિયા ગયા વર્ષે હતો. જ્યારે પેટ્રોલના ભાવ વધે ત્યારે એક એસએમએસ વહેતો થાય છે, પાકિસ્તાનમાં પેટ્રોલ ૩૭ રૂપિયે લિટર વગેરે વગેરે.

આ ખોટો અને ગેરમાર્ગે દોરનાર મેસેજ છે. પાકિસ્તાનમાં ૮૭ રૂપિયે લિટર પેટ્રોલ વેચાય છે. છતાં સરખામણી આ દેશો સાથે ન જ હોવી જોઇએ. વિકસિત દેશોમાં નાગરિકોને સબસીડી કદાચ ઓછી આપવામાં આવતી હોય પણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓ બહુ જ સસ્તી છે અને, બેરોજગારી ભથ્થું તથા નિવૃત્તિ ભથ્થું એટલું સારું અપાય છે કે નાગરિકો આરામથી જીવી શકે. આપણા નેતાઓ આ બાબતે ભારતની સરખામણી ક્યારેય કરતા નથી.

ભારત દેશ પરિવર્તનના એક એવા સમયમાંથી પસાર થઇ રહ્યો છે જેમાં વિકાસ અને કલ્યાણ વચ્ચે સમતુલા જાળવવી બહુ જ જરૂરી છે. માત્ર વિકાસને નજર સમક્ષ રાખીને લેવામાં આવી રહેલા નિર્ણયો લાંબાગાળે નુકસાનકારક જ પૂરવાર થશે. મોંઘવારીને નાથવામાં સરકાર નિષ્ફળ નથી ગઇ, સમજી વિચારીને જ નિષ્ક્રિય છે. અર્થશાસ્ત્રી વડાપ્રધાન સમજે છે કે પૈસો લોકોના ખિસ્સાંમાં કે તિજોરીમાં નહીં, બજારમાં રહે તો જ વિકાસ વધે. પણ, તેઓ એ નથી સમજતા કે લોકોની આવક કરતાં જરૂરી ખર્ચ વધી જાય તો અર્થતંત્ર માંદું પડી જાય.

ભારતનો વિકાસદર ૨૦૧૦માં ડબલ ડિજિટનો થઇ જવાની અપેક્ષા આજથી સાત વર્ષ પહેલાં હતી. પણ, ૨૦૧૧માં પણ આ સપનું સાચું પડ્યું નથી. વિશ્વ ફરીવાર મંદીના ભરડા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે એ સમજવાની જરૂર છે કે ૨૦૦૮-૨૦૦૯ની મંદીમાંથી ભારત બચી ગયું હતું એ રીતે ભવિષ્યમાં પણ બચી જશે એવું માનવું ભૂલભરેલું છે. ભારતીયોની બચત કરવાની માનસિકતાએ તે વખતે મંદીને ખાળી હતી, જો બચત કરવા જેટલા નાણાં જ પ્રજા પાસે નહીં રહે તો શું થશે?

સામાન્ય માનવી બિચારો સરકારનો સીધો વિરોધ કરી શકતો નથી. રાજકીય પક્ષો જેવા તાયફા અને ગતકડાં પૃથકજનને આવડતાં નથી. પણ, મતદાન કરવાની વેળા આવે ત્યારે એ જ આમ આદમી વેર વાળી લે છે. એરણની ચોરી કરીને સોયનું દાન કરવા જેવડાં રોલ-બેકથી કોઇને સંતુષ્ટિ થતી નથી. સરકાર પાસે કમાવાના અનેક રસ્તા છે. કેરોસીન અને ગેસ જેવી સામાન્ય માણસને પણ સીધી અસર કરતી કોમોડિટીમાં ભાવવધારો કરવાથી જનતા પર જેટલી આર્થિક અસર થાય છે તેનાથી કેટલાય ગણી માનસિક અસર પડે છે. દેશભરમાં જે હોબાળો થાય તેની અસરો આર્થિક નહીં, રાજકીય હોય છે. જનતાની યાદશક્તિ ખરેખર ટૂંકી હોય છે? ના.
મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં મોટામાં મોટી લાઈબ્રેરી ઊભી કરેલી. તેને જ હું જ્ઞાનમંદિર કહું છું. મહાન ફ્રેંચ ફિલસૂફ રેને ડેસ્કાર્ટીસ તો કહે છે કે જ્યારે તમે સારાં પુસ્તકો વાંચો છો ત્યારે ભૂતકાળના ઉત્તમ પુરુષો સાથે જાણે વાતો કરવાનો મોકો ઝડપો છો. ભારતના કે જગતના ભવ્ય ભૂતકાળનો આખો આત્મા પુસ્તકોમાં પડેલો છે. એ આત્મા સાથે મિલન થાય છે.

૨૧મી સદીમાં ગમે તેટલી સમૃદ્ધિ આવી હોય, ખૂબ જ કામઢા હો પણ જો વાંચવાની ફુરસદ મેળવીને તમારા જ્ઞાનમાં વૃદ્ધિ નહીં કરો તો બધી જ લક્ષ્મી ધૂળ બરાબર છે. ડેસ્કાર્ટીસ બચપણથી જ વાંચવામાં એટલા તલ્લીન થઈ જતા કે ધ્યાનસ્થ બની જતા. તેને દિવ્ય અનુભવ થતો. ડેસ્કાર્ટીસ માનતા કે સારાં પુસ્તકોનું વાંચન એ મને પ્રભુ પ્રાર્થના જેવું લાગતું અને મને દિવ્ય સ્ફુરણા થતી.

તેણે જે સૂત્ર કહ્યું છે તે પ્રમાણે તમે રામાયણ વાચતાં હો ત્યારે રામની સાથે કે સીતા સાથે ગોષ્ઠિ કરો છો. મહાભારત કે ગીતા વાચતાં હો ત્યારે કૃષ્ણ સાથે વાત કરતા હો છો. ફ્રેંચ ફિલસૂફ અને ગણિતશાસ્ત્રી ડેસ્કાર્ટીસનો સ્વિડનની રાણી ક્વીન ક્રિસ્ટીનાએ ટ્યુટર તરીકે રાખેલા અને તેથી જ રાણીએ મહેલમાં જ પુસ્તકાલય વસાવ્યું અને તેણે જ સ્વિડશિ લોકોને વાચતા કર્યા. આ સ્વિડનમાંથી જ આજે દર વર્ષે નોબેલ પ્રાઈઝનું વિતરણ થાય છે.

વાંચનનું મહત્વ મારે સમજાવવું પડે તેટલા દિવ્ય ભાસ્કરના વાચકો વાંચનના લાભથી અજાણ નથી. પરંતુ ૪થી ફેબ્રુઆરીએ સાહિત્યનું બુકર પ્રાઈઝ મેળવનારા લેખક યાન માટેંલ કેટલાક સુંદર ચૂંટેલાં પુસ્તક લઈને બચપણથી તેના જાણીતા મિત્ર કેનેડાના વડાપ્રધાન સ્ટિફન હાર્પર પાસે ગયા. એક મહિના સુધી માથાકૂટ કરીને તેણે વડાપ્રધાનના વાંચન માટે પુસ્તકો પસંદ કરેલાં. ફ્રાંઝ કાફકા, કર્ક ગાર્ડ, રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીનાં પુસ્તકો હતાં. આ વડાપ્રધાનના જન્મદિવસની ભેટ હતી. વડાપ્રધાન કામમાં વ્યસ્ત હતા એટલે સેક્રેટરીએ પુસ્તકો માટે આભાર માન્યો પણ એકેય પુસ્તકને ખોલીને જોયું પણ નહીં. બહુ કામ છે, બહુ કામ છે એમ સતત એ માણસ કહ્યા કર્યું.

તમે ગમે તેટલા મોટા પત્રકાર હો, નરેન્દ્ર મોદી હો કે સોનિયા ગાંધી હો કે ગૌતમ અદાણી કે કિશોર બિયાણી હો તમે ધનપતિ કે સત્તાપતિ થયા એટલે જગતમાંથી નવું જાણવાનું સમાપ્ત થતું નથી. મન અને આત્મા તો સદાય જ્ઞાન માટે ભૂખ્યો છે તેને ખોરાક આપનાર પુસ્તકો છે. ‘વાંચે ગુજરાત’ની ઝુંબેશ કરનારા નરેન્દ્ર મોદી આરએસએસમાં હતા ત્યારે વાંચતા તેટલું હવે ભલે ન વાંચી શકે પણ જો તે નહીં વાંચે તો ગુજરાત ક્યાંથી વાંચશે?

એ સાચું કે આજે દરેક જણ કામઢો છે. પહેલાં ફુરસદ જ ફુરસદ હતી. આજે સમયના પ્રેશરમાં વાંચન માટે સમયે કાઢવો અઘરો છે. પણ જે અઘરું હોય તેને જ સરળ કરવું એ તો માનવનું કામ છે. ગમે તે રીતે સમય ચોરીને વાંચન તો કરવું જ જોઈએ. સાહિત્યનું ઈનામ મેળવનારા સાહિત્યકાર માર્ટલ કહે છે ‘એ સાચું કે આજના જમાનામાં વાંચન માટે સમય કાઢવો મુશ્કેલ છે પણ વાંચનનું મહત્વ એક લીટીમાં સમજાવવું હોય તો કહીશ કે ‘બુકસ રિપ્રેઝેન્ટ એ વિઝન ઓફ ફ્રીડમ.’ પુસ્તકો તમને સ્વાતંત્ર્ય અને મુક્તિનો અનુભવ કરાવે છે. જેલમાં લોકમાન્ય ટિળક, ગાંધીજી, મહાદેવ દેસાઈ એ તમામ વાંચતા-લખતા. અહીં મુક્તિનો વિશાળ અર્થ લેવાનો છે.

તમારા કપરા સંજોગોમાંથી પુસ્તકો મુક્તિ અપાવે છે. તમારી મહત્વાકાંક્ષાઓ ઠુકરાઈ હોય અને હતાશ થઈ ગયા હો તો હતાશામાંથી પુસ્તકો તમને મુક્ત કરે છે. તમે સ્વાતંત્ર્યનો ઈતિહાસ વાચ્યો હોય તો આજે ઇજિપ્તથી માંડીને પાકિસ્તાન કે ભારતમાં સરમુખત્યારો કે સત્તાધીશો સૌપ્રથમ લેખકો અને કવિઓને જેલમાં નાખતા. સાહિત્યકારો અને વિદ્યાગુરુઓ જ નહીં લાઈબ્રેરીઓને પણ તાળાં મારતા. આજે શું થાય છે? આજે જગતભરમાં જ્યાં ડેમોક્રસી છે ત્યાં લોકો વાંચતા નથી તેથી લાઈબ્રેરીઓને તાળાં મરાવા માંડ્યાં છે! બ્રિટન જેવા દેશમાં ૪૫૦ જેટલી લાઈબ્રેરીઓ બંધ કરવાનું સરકાર વિચારે છે. ત્યારે લંડનના સાહિત્યકારો સરકારને શેઈમ શેઈમ કહે છે.

આની સામે વિરોધ કરવા યોર્ક શાયર, લેંકે શાયર, ગ્લોસેસ્ટર શાયર અને એક્સફર્ડ-શાયરની માતાઓ તેની દીકરીઓને આંગળીએ વળગાડીને સત્યાગ્રહ કરવા આખી રાત તેમના ગામની લાઈબ્રેરીઓમાં ગાળવા માંડી હતી. લાઈબ્રેરીમાં જ ટિફિન ખોલીને ખાતી. ઓકસફર્ડ શાયર નામના નાના ગામની લાઈબ્રેરીમાં તો ૧૧ વર્ષની ઉંમરના કુમારો પણ વાંચવા આવતા અને તેમના સભ્ય પિતાને લાઈબ્રેરીમાંથી પંદર પંદર પુસ્તકો ઘરે લઈ જવા મળતા તે પુસ્તકો તેની નોકર બાઈ પણ વાચતી.

લાઈબ્રેરીઓ બંધ થાય છે કે ફંડ વગર ભૂખે મરે છે તે સમસ્યા બ્રિટિશ પાલૉમેન્ટમાં પણ ઉઠાવાય છે. પણ આપણા સાંસદો કે રાજકારણીઓ ભારત કે ગુજરાતમાં પોતે જ વાંચતા નથી કે લાઈબ્રેરીનાં પગથિયાં ચડ્યા નથી તેને લાઈબ્રેરીનું શું મહત્વ હોય? ભાવનગર રાજ્યમાંથી ઘણા કવિઓ અને સાક્ષરો પેદા થયા છે કારણ કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગામડે ગામડે ૭૫ વર્ષ પહેલાં પંચાયતમાં લાઈબ્રેરી માટે ભંડોળ આપતા.

વાચકોનો સંયુક્ત રાષ્ટ્રસંઘે તાજેતરમાં સર્વે કર્યો તો જણાયું કે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, સેલફોન અને બીજા કોમ્યુનિકેશનનાં આધુનિક સાધનો પછી જગતભરના લોકો ઓછું વાચે છે. ૧૩ વર્ષની ઉંમરનાં બાળકો ૨૦ વર્ષ પહેલાં ૧૦૦ ટકા વાંચતાં તે આજે ત્રીજા ભાગનાં જ વાચે છે. ૧૫થી ૨૪ વર્ષની ઉંમરના અમેરિકનો સરેરાશ બે કલાક ટીવી જુએ છે અને સરેરાશ માત્ર સાત મિનિટ વાંચે છે. ઈન્ટરનેશનલ રીડિંગ એસોસિયેશનના વડા ટિમોથ શાનાહાને કહ્યું કે આજે માનવીનું એકાંત લૂંટાઈ ગયું છે. એકાંત મળે તો પુસ્તક તેનો સાથીદાર બને. પુસ્તક મિત્ર બને. આજે તો બટન દબાવ્યું ત્યાં ઈન્ટરનેટ ઉપર ફાલતુ મિત્રો મળે છે.

માઈક્રોસોફટના બિલ ગેટ્સ કહે છે કે હું નાનો હતો ત્યારે ઘણાં સપનાં જોતો. એ સપનાં એટલા માટે જોતો કે હું સાત વર્ષની વયથી વાંચતો થયો. તેણે કહ્યું કે રીડર્સ આર લીડર્સ. જે વાંચશે તે જ નેતાગીરી કરશે. કેટલાક ડોક્ટરો, વકીલો કે વેપારી ભણતા ત્યારે નંબર લાવતા નહીં પણ પછી કોલેજ છોડીને વાંચતા થયા ત્યારે ખૂબ આગળ આવ્યા. અમેરિકાની ફૂટબોલ ટીમે સૂત્ર રાખ્યું છે ‘રીડ ટુ એચિવ’ કંઈક પ્રાપ્ત કરવા માટે વાંચો. પાકિસ્તાન આજે પાછળ રહી ગયું છે. હિંસા વધી છે શું કામ? તેનો કોઈ પણ નેતા વાંચતો નથી. પાકિસ્તાનમાં માત્ર ૪૪ ટકા જ લખી વાંચી શકે છે અને પુસ્તકો વાચનારાના આંકડા જ મળતા નથી.

આજે હજીય ફ્રાંસમાં વાંચન ઘટ્યું નથી. પેરિસમાં હું ગયો ત્યારે એક બાગમાં ફરવા ગયો તો બાગના પ્રવેશ દ્વાર પાસે પાંચ-છ જુનાં પુસ્તકોના સ્ટોલ ફૂટપાથ ઉપર હતા. ત્યાં છોકરા કરતાં છોકરીઓની વધુ ગીરદી હતી. પેરિસ આખું વાચક શહેર છે. લંડનમાં ભૌતિક સમૃદ્ધિ છે. ન્યુ યોર્કમાં પણ ભૌતિકતા વધી છે. તેની સરખામણીમાં પેરિસ નાણાંની છાકમછોળ માટે નહીં પણ સાહિત્યકારો અને કવિઓ માટે વધુ પ્રખ્યાત છે અને તેથી બુદ્ધિ-વિચારોની સમૃદ્ધિ ત્યાં વધુ છે. યોગાનુયોગ ૨૦ ફેબ્રુઆરીએ પેરિસના સૌથી મોટા વાચક અને લાઈબ્રેરીમાંથી પ્રેમિકા મેળવનારા ક્રાંતિકારી-સાહિત્યકાર વોલ્તેયરની ૩૧૭મી જન્મતિથિ હમણાં ગઈ. વોલ્તેયર કહે છે કે હું વાંચતો થયો તેથી બળવાખોર થયો. વાંચતો થયો તેથી પ્રેમી બન્યો.

તેના બળવાખોર વિચારો માટે તેના ઉપર વોરંટ નીકળ્યું ત્યારે મેડમ ચેટેલેટ નામની અતિ બુદ્ધિમંત સાહિત્યકારના બંગલામાં સંતાઈ ગયા. મેડમ ચેટેલેટની ઓળખાણ એક લાઈબ્રેરીમાં થઈ હતી અને લાઈબ્રેરીમાંથી જ પ્રેમ થયો. વોલ્તેયર માટે પ્રેમિકાએ કહ્યું કે He taught me to think clearly. આજે માનવીને વિચાર કરવાનો સમય મળે છે? મુંબઈ અમદાવાદના સમૃદ્ધ ગુજરાતીઓને વાંચવાનો કે વિચારવાનો સમય મળે છે? ‘વાંચે ગુજરાત’ની વાત આવે ત્યારે હું ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને અલગ પાડું છું. ‘ગુજરાત’ ઓછામાં ઓછું. પછી સૌરાષ્ટ્ર વધુમાં વધુ વાંચે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર સૌથી વધુ વાંચે છે. પણ કચ્છ તેનાથીય વધુ વાંચે છે. કારણ કે સૌરાષ્ટ્ર કચ્છમાં લોકોને વિચારવાનો અને વાંચવાનો સમય મળે છે.

આર્જેન્ટિનાના મહાન સાહિત્યકાર જ્યોર્જ લૂઈ બોર્જિસ બચપણથી જ વાંચી વાંચીને આંખની દ્રષ્ટિ લગભગ ગુમાવી બેઠેલા તો પણ તે પુસ્તકોનો મોહ છોડતા નહીં. ન્યુ યોર્કના એક બુક સ્ટોરમાં ગયા ત્યા આલ્બર્ટો મેનગુએલ નામનો યુવાન નોકરી કરતો હતો. આલ્બર્ટો આ મહાન સાહિત્યકારને પુસ્તકો વાંચી સંભાળવતો. આલ્બર્ટો મેનગુએલ પોતે ય મૂળ આર્જેન્ટિનાનો છે હાલ કેનેડામાં છે. આલ્બર્ટોના પિતા ઈઝરાયલમાં એલચી હતા ત્યારે ત્યાંની લાઈબ્રેરીમાં પડ્યા પાથર્યા રહેતા.

તેને વાંચનનું મહત્વ સમજાતાં તેમણે ‘એ હિસ્ટ્રી ઓફ રીડિંગ’ નામનું પુસ્તક લખ્યું. તેણે કહ્યું છે કે માણસ વાંચતો થાય તો જ નવલકથાકાર થાય. જો તે વાર્તા, લેખ કે નવલકથા વાંચે અને તે બધું તેને બકવાસ લાગે ત્યારે તેને પોતાનું સર્જન-લેખન કરવાનો ઉમંગ-ફોર્સ જાગે છે અને ત્યારે તે પોતે વાર્તાકાર બને છે.

અંતે તો કહી શકાય કે માનવી જન્મે ત્યારથી જ તે વાચક છે. બાળક માતાનો ચહેરો વાંચે છે. ખગોળશાસ્ત્રીઓ આકાશને વાંચે છે. જુગાર રમનારો સામેના જુગારીનો ચહેરાના હાવભાવ વાંચીને દાવ ખેલે છે. ખેડૂત આસમાનને વાંચે છે. જો આમ હોય તો પ્લીઝ હવે પાછા પુસ્તક વાચતાં થાઓ ને?