October 1, 2011

રિચર્ડ કોક એના ૮૦/૨૦ સિદ્ધાંત માટે જાણીતો છે. આ વિચારાધારા પ્રમાણે જીવનના દરેક ક્ષેત્રમાં વીસ ટકા પ્રયાસથી એંશી ટકા પરિણામ આવતું હોય છે. ઘણીવાર મહેનત કરીને થાકી જઇએ તો પણ ધાર્યું ફળ મળતું નથી જ્યારે ક્યારેક ઓછી મહેનતે ધાર્યું કામ પાર પડે છે. લેખકની દ્રષ્ટિએ આ નસીબ નથી પણ અહીં ૮૦/૨૦નો સિદ્ધાંત કામ કરે છે. આ સિદ્ધાંતનો જીવનમાં કઇ રીતે પ્રયોગ કરવો તે વિષય છે એના પુસ્તક ‘લિવિંગ ધ ૮૦/૨૦ વે’નો.

લેખક પોતાના સિદ્ધાંતના અનેક દાખલા આપે છે. જેમ કે વીસ ટકા જમીનમાં જ ખનિજ હોય છે, વીસ ટકા વાદળ વરસાદ લાવે છે વગેરે. જીવનમાં સફળ થવા માટે પણ આ વીસ ટકાનું ખાસ મહત્વ છે. આપણને જે વસ્તુ કે ક્ષેત્રમાં રસ હોય તેમાં ઓછી મહેનતે સફળતા મળે છે. આ દરેકના વ્યક્તિગત વીસ ટકા છે. જેને ઓળખવા જરૂરી છે જે આપણને એંશી ટકા પરિણામ અપાવે છે. માટે ઉપર્યુક્ત કાર્યની પસંદગી અત્યંત જરૂરી છે. હંમેશાં વ્યસ્ત રહેનાર વ્યક્તિ કંઇ નવું શોધી કે કરી શકતી નથી.

એના માટે રિલેકસ થવું જરૂરી છે જે ત્યારે શક્ય છે જ્યારે તમે પોતાની શ્રેષ્ઠ વીસ ટકા પ્રતિભાને ઓળખી તે ક્ષેત્રમાં કાર્યરત રહો. ભૂતકાળનો ગર્વ અને ભવિષ્યની આશા આ બંને કરતાં વર્તમાનની વાસ્તવિકતા વધારે મહત્વની છે. એક સાથે ઘણા કામો કરવા કરતાં આ વીસ ટકા પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળ થવામાં સરળતા રહેશે.

માણસ મહેનત ઉપરાંત વિચારી પણ શકે છે માટે આપણે શું જોઇએ છે અને શું નથી જોઇતું તેનો સ્પષ્ટ વિચાર જરૂરી છે. સફળ લોકો જે ખરેખર પામવું છે તેના પર જ ધ્યાન આપે છે. પૈસા કમાવાની દોટમાં આપણે જીવનને માણવાનું ભૂલી જઇએ છીએ. આવું ત્યારે થતું હોય છે જ્યારે આપણો ધ્યેય કમાણી કરતાં બીજાથી આગળ નીકળવાનો બની જાય છે. આવી સ્પર્ધા ખોટું ટેન્શન ઊભું કરે છે અને ક્યારેક ડિપ્રેશન પણ લાવી દે છે. કોઇ પણ કાર્યનો હેતુ સંતોષ હોવો જોઇએ. સંતોષ હશે તો કોઇ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. જ્યાં સુધી આપણા મિત્રો અને સંબંધીઓનો પ્રશ્ન છે તેમાં પણ ૮૦/૨૦નો આ સિદ્ધાંત લાગુ પડે છે.

ઘણાં પ્રેરણાત્મક પુસ્તકોમાં પોઝિટિવ વિચારો પર ભાર મૂકવામાં આવે છે. આ પુસ્તકના લેખકનું માનવું છે કે પોઝિટિવ થવું એટલું સહેલું નથી. આપણા માટે શું સારું છે તેની જાણ હોવા છતાં નેગેટિવ વિચારોને મગજમાંથી કાઢી નથી શકાતા. જે આપણું શ્રેષ્ઠ ક્ષેત્ર છે તેવા વીસ ટકામાં જો આપણે કાર્યરત રહી શકીએ તો પોઝિટિવ અભિગમ કેળવવામાં સરળતા રહે છે.

No comments:

Post a Comment