ભારત દેશની આઝાદીને
૬૫ વર્ષ પૂર્ણ થયા અને અત્યાર સુધીમાં જો આપણે પરિવર્તનો જોઈએ તો પૂર, હોનારત, ધરતીકંપ, કોમી રમખાણો, દુષ્કાળ, સદભાવના કાર્યક્રમથી લઈને સાબરમતી રીવર ફ્રન્ટના નિર્માણ સુધી તથા નવી કંપનીના
ઉદભવથી માંડીને તેમણે નોંધાવેલી નાદારી સુધી આપણે બધું જ જોયું છે.
આજનો સામાન્ય માનવી
નાનામાં નાની કરિયાણાની દુકાનને અલવિદા કહીને મોટા શોપિંગ મોલ તરફ વળ્યો છે અને
તેનું મુખ્ય કારણ છે પરિવર્તન. વર્ષ ૨૦૦૭ માં ૫ રૂપિયામાં મળતી ચોકલેટ આજે ૫૦
રૂપિયાની થઇ ગયી છે. રીક્ષાભાડાથી માંડીને પેટ્રોલના ભાવ અને હોટેલમાં જમવાની
થાળીથી માંડીને સુલભ શૌચાલય સુધી બધે જ પરિવર્તન આવી ગયું છે.
મોટા મોટા
મેનેજમેન્ટના ગુરુઓએ પણ પોતાના નોલેજને ટકાવી રાખવા માટે આજે પરિવર્તનને અપનાવ્યું
છે. જો આપણે કોર્પોરેટ જગતની વાત કરીએ તો ગ્લોબલ દ્રષ્ટિથી વિચાર કરતા ઉચ્ચ
કક્ષાની કંપનીના અધિકારીઓ આજે પોતાના કેરિયરની સાથે સાથે કંપનીના ભવિષ્ય માટે પણ
વિચાર કરે છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુગલ કંપની કે જે તેમના કર્મચારીઓને આ
વિચાર કરવા માટે પ્રોત્સાહન આપે છે અને તેને કંપનીમાં અથવા પ્રોડક્ટમાં યોગ્ય
ફેરફાર કરવા માટેની તક આપે છે.
મિત્રો આજે આપણે વાત
કરીશું આવી જ કંપનીઓની કે જે પોતાના કલ્ચર, સ્વતંત્ર નિર્ણયો લેવાની તક
અને કંપનીના હિતમાં વિચાર કરવા માટેનું યોગ્ય પરિબળને મુખ્ય પાસું ગણતી હોય અને
સાથે સાથે એવી કંપનીઓ પણ આપણે જોઈશું કે જે આ જ બધા પરિબળોને પરિણામે આજે કોર્પોરેટ
જગતમાં નામશેષ થઇ હોય.
આ લેખ જયારે કાગળ
ઉપર લખતો હતો ત્યારે મને એક પ્રખ્યાત ઓનલાઈન કંપની હોમશોપ ૧૮ ના કર્મચારીનો ફોન
આવ્યો કે “સાહેબ તમારું ઓર્ડર કરેલું પુસ્તક મારી પાસે આવી ગયું છે અને તેને આપવા માટે
મારે તમને મળવું છે તો આપને કયો સમય
અનુકુળ આવશે તે જાણવા માટે મેં આપણે ફોન કરેલો છે.” મેં કહ્યું કે “ભાઈ તું અત્યારે જ આવી જા કારણકે તારા જેવો માણસ પછી મારી જોડે આ રીતે સરસ
વાતચીત નહિ કરે.”
ખરા અર્થમાં આને
ગ્રાહકની સેવા જ કહી શકાય. આ પ્રકારની વાતચીત એ મારા મત મુજબ શ્રેષ્ઠ કસ્ટમર
સર્વિસ કહી શકાય અને તે માટે કંપનીના એચ આર વિભાગના કર્મચારીઓ અને કંપનીના ઉચ્ચ
કક્ષાના અધિકારીઓને એક વખત જરૂરથી સલામ આપી શકાય.. પરંતુ બધી જ જગ્યાએ આ પ્રત્યુતર
તમને મળે એ શક્ય નથી અને બધી જ કંપનીના એચ આર વિભાગના કર્મચારીઓ આ રીતે સ્ટાફને
ટ્રેનીંગ આપતા હોય એ પણ જરૂરી નથી.
દરેક વખતે આપણે
સાંભળીએ કે વાંચીએ છીએ કે પરિવર્તન એ એક દિવસની પ્રક્રિયા નથી. એ તો કંપનીના
કર્મચારીઓની લાંબાગાળાની મહેનત અને કંપનીની દીર્ધદ્રષ્ટીથી જ આગળ આવે છે. પરંતુ જો
કંપનીના ઉચ્ચ કક્ષાના મેનેજમેન્ટના વડા કે માલિકો જો આ પરિવર્તનને માનનાર ના હોય
તો ?
આપણે તો માત્ર કલ્પના
જ કરી શકીએ કે એ કંપનીનું મેનેજમેન્ટ અને કલ્ચર કેવું હશે. પરિવર્તનની વાત તો છોડો
મિત્રો આવી કંપનીમાં કામ કરવું એ પણ આજે એક શરમજનક બાબત કહેવાય પરંતુ આ વસ્તુ એ
બધાને ખબર હોતી નથી અને એટલા માટે જ આજે ફેસબુક અને બીજી સોશિયલ મીડિયા વેબસાઈટ
ઉપર ખુબ જ મોટા પાયે લોકો પોતાની કંપની વિશે હૈયા વરાળ કાઢે છે. પરંતુ લોકોને ખબર
નથી કે આ બધું કહેવાથી કંપનીના નિર્ણયમાં કે પરિવર્તનમાં કશો જ ફેરફાર થશે નથી એ
તો એમ જ
ચાલ્યા કરવાનું.
આઈ આઈ. એમ.
અમદાવાદના પ્રખ્યાત પ્રોફેસર એમ. એમ. મોનીપલ્લીએ એક પુસ્તક લખેલું છે જેનું નામ છે
“ધ પર્સ્યુએસિવ મેનેજર” જેમાં તેમણે જણાવ્યું છે કે
આજનો મેનેજર એ માત્ર એક સામાન્ય કર્મચારી નથી પરંતુ એ એક શક્તિશાળી અને ખુબ જ
બુદ્ધિશાળી છે અને તેને પોતાની સ્કીલને યોગ્ય સ્થળે ઉપયોગમાં લેવા માટે જરૂર છે
પ્રોત્સાહનની અને તે માત્ર કંપનીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જ તેમને આપી શકે. આજ પ્રોત્સાહન ક્યારેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓને
ભારી પડી શકે છે જેનું ખુબ જ રોદ્ર ઉદાહરણ છે એનરોન કંપનીનું આ જગતમાંથી નામશેષ થઇ
જવું.
આજનો કર્મચારી એ એક
બીજા ઉપર દોષારોપણ કરવા લાગ્યો છે અને તેનું મુખ્ય પરિબળ છે સતાનો અભાવ અને પોતાના
કામમાં ન આપવામાં આવતી કંપની તરફથી યોગ્ય નિર્ણય શક્તિની ખામી. હાર્વર્ડ
યુનીવર્સીટીના પ્રોફેસર ક્લેટન ક્રિસ્ટીને એક બહુ જ સરસ પુસ્તક લખેલું છે અને
તેનું નામ છે "હાઉ વિલ યુ મેઝર યોર સકસેસ". આ પુસ્તકમાં લેખક જણાવે છે
કે આજના ગ્લોબલ કર્મચારીએ જો પોતાનો અને કંપનીનો ગ્રોથ એકસાથે કરવો હશે તો તેમણે
કંપનીના ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સપોર્ટ
જોઇશે કે જે માગ્યા વિના મળશે નહિ.
તાજેતરમાં જ ફોર્બ્સ
ઇન્ડિયા નામના પ્રખ્યાત મેગેઝીને ફ્લીપ્કાર્ત નામની ઓનલાઈન વેચાણ ધરાવતી કંપનીની
પોલ ખુલી પાડીને હચમચાવી મૂકી છે. આ મેગેઝીનના વરિષ્ઠ
પત્રકારે ફ્લીપ્કાર્તના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે વાતચીત કરીને જણાવ્યું કે આ
કંપનીના માલિકો જો તમે આઈ આઈ ટી
દિલ્હીમાંથી ભણેલા હોય તો જ તમારી નિમણુક કરે છે અને તે પણ આ કંપનીના માલિકોની
શરતો મુજબ. આ તો થઇ ઓટોક્રિટિક પરિવર્તનની વાત. પરંતુ જો કંપનીના લાભાર્થે બધા
સાથે મળીને એક નવી વિચારશૈલીને રજુ કરે તો કંપની કેટલાયે શિખરો સર કરે. પહેલાના
જમાનાના ઉદ્યોગપતિઓ તેમના કર્મચારીઓનું ખુબ જ ધ્યાન રાખતા કારણકે તેમણે ખબર હતી કે
વસ્તુનું ઉપ્તાદન અમારાથી નહિ થાય તેમણે કરવા માટે મારા નીચેની કક્ષાના કામદારોની
જરૂર પડશે જ. અને તેથી જ કહેવાય છે કે
હેન્રી ફોર્ડે તેની સૌ પ્રથમ કાર એ જમાનામાં તેમના કામદારોને આપેલી.
આજકાલ તાત્કાલિક નફો
કમાઈ લેવાની લાલચમાં કંપનીના માલિકો કર્મચારીનું શોષણ કરીને ફાઈનાન્સિયલ રેકોર્ડમાં
ચેડા કરીને પ્રજાને મુર્ખ બનાવે છે અને
તેનું ઉદાહરણ છે સત્યમ કંપની કે જે વર્ષ ૨૦૦૭ માં કોર્પોરેટ જગતના સૌથી મોટા છળ
કપટનો ભોગ બની છે અને તે પણ તેના માલિક રામાલિંગા રાજુ દ્વારા. આ સંદર્ભમાં કીન્ગ્શુક
નાગ કે જેઓ એક સારા પત્રકાર હોવાની સાથે સાથે હૈદ્રાબાદની ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની
ઓફીસના વડા છે તેમણે એક પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે "ડબલ લાઈફ ઓફ
રામાલિંગા રાજુ”. આ પુસ્તકમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે રામાલિંગા રાજુએ છેક છેલ્લી ઘડી સુધી
સત્યમના કર્મચારીઓને ખબર ના ખબર ના પાડવા દીધી હતી કે આ ફ્રોડ એ બીજા કોઈએ નહિ
પરંતુ તેમના પોતાના માલિકે કરેલું છે.
મોટી મલ્ટીનેશનલ
કંપનીઓને સલાહ આપતી એક કંપનીના પાર્ટનરે તાજેતરમાં બીજી કંપની સાથે ફ્રોડ કરીને
ખુબ જ ચકચાર મચાવી મૂકી છે. કરોડો ડોલરના ફ્રોડ પાછળ તેમનું શૈતાન મગજ છેલ્લા ૭
વર્ષથી કામ કરતુ હતું. વિશ્વની પ્રખ્યાત યુનીવર્સીટીમાંથી એમ.બી.એ. ની ડીગ્રી લઈને
જો આવું નકારાત્મક પરિવર્તન લાવવું હોય તો એના કરતા ના લાવવું સારું. જો આપણે
વિશ્વ કક્ષાએ વાત કરીએ તો મોટોરોલા, ઝેરોક્ષ, કોડાક, એનરોન, સત્યમ, અમેરિકન એરલાઈન, નેપ્સ્તર, સ્વીઝએર, એબીતીબી બોવોટર અને લગભગ ૬૮ કંપનીઓ તો માત્ર ૨૦૦૮ માં જ નાદારી નોંધાવી હતી.
કોઈ જગ્યાએ
ફાઈનાન્સિયલ ફ્રોડ તો કોઈ જગ્યાએ કલ્ચરલ પ્રોબ્લેમને પરિણામે આ કંપનીઓએ પોતાનું
અસ્તિત્વ આજે વિશ્વમાંથી નામશેષ કરી નાખ્યું છે. સી બી આઈ, સેબી, એફ બી આઈ વગેરે જેવી સંસ્થાઓએ તપાસ કરતા માલુમ પડ્યું કે અત્યાર સુધીમાં આ
કંપનીઓની નિષ્ફળતા પાછળ માનવ સર્જક ભૂલ જ સાબિત થઇ છે. તાજેતરમાં ભારતમાં એક મોટી એરલાઈન
કંપનીએ પોતાની નાદારી નોંધાવી દીધી છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તેના માલિકના
પેટમાં પાણી પણ નથી હલતું.
આજના મલ્ટીનેશનલ
કંપનીઓના મેનેજમેન્ટમાં પરિવર્તનની જરૂર છે. પરંતુ આ પરિવર્તન કરશે કોણ તે પ્રશ્ન આજ દિવસ સુધી સુધી ચર્ચામાં રહેલો
છે. એ પછી અન્ના હજારેના આંદોલનનો પ્રશ્ન હોય કે બાબા રામદેવના વિદેશી મૂડી પાછી
લાવવાનો પ્રશ્ન હોય. ભારતમાં અન્ના હજારેનું આંદોલન નિષ્ફળ ગયું તેનું મહત્વનું
કારણ તેમના સભ્યોની અલગ અલગ વિચાર શક્તિ અને યોગ્ય નિર્ણયનો અભાવ એને તમે તેને નકારાત્મક
પરિવર્તન પણ કહી શકો. જે જુસ્સો આપણને શરૂઆતમાં અન્નાજીનો લાગતો હતો તે હવે દેખાતો
નથી.
રજત શર્મા કે જે
ઇન્ડિયા ટીવીના તંત્રી છે તેમણે એક વખત આપ કી અદાલતમાં બાબા રામદેવને પૂછ્યું હતું
કે "બાબા, લોકો એમ કહે છે કે બાબાએ આંદોલનના બદલે યોગાસન અને પ્રાણાયામમાં ધ્યાન આપવું
જોઈએ ના કે દેશને રાજકીય પ્રશ્નોમાં અટકાવવા." એ વખતે બાબા
રામદેવે સંતોષકારક જવાબ આપવાને બદલે એમ કહ્યું કે "પ્રજા જે કહે તે યોગ્ય છે
પરંતુ જો કોઈ વ્યક્તિ આ આંદોલનની શરૂઆત નહિ કરે તો કોણ કરશે?"
આજનો માનવ વર્ગ ખુબ
જ સમજદાર થઇ ગયો છે. તેમણે ખબર છે કોણ કેટલું કામ કરે છે અને કોણ નહિ. તેમાં પછી
કોર્પોરેટ જગત, રાજકીય પાર્ટીઓ, સમાજ અને બીજા વર્ગના લોકોનો પણ સમાવેશ થઇ જાય છે. એક બહુ જ સરસ વાક્ય મારી
ઓફીસમાં મેં લખ્યું છે કે "વ્યક્તિનો વિકાસ તેમની ઉમર વધવા સાથે નહિ પરંતુ
પરિવર્તનને સ્વીકારવાથી થાય છે અને જો એમ ના હોય તો અબ્રાહમ લિંકન ૫૬ વર્ષની ઉંમરે
અમેરિકાના પ્રમુખ ના બન્યા હોત.” અને તેથી જ આજે દરેક માનવીએ
પરિવર્તન કરવાની અને સ્વીકારવાની શરૂઆત પોતાનાથી જ કરવી પડશે તો જ આ સમાજ અને
રાષ્ટ્રનું નિર્માણ થશે.
લેખક વિશે: આઈ આઈ એમ કલકતા અને
અમદાવાદના ગ્રેજ્યુએટ હોવાની સાથે સાથે દિપક ભટ્ટ એક પ્રખર વક્તા પણ છે. તેઓ
ગ્લોબલ મેનેજમેન્ટ ના નામે મેનેજમેન્ટ કન્સલ્તંસી સર્વિસ અમદાવાદમાં ચલાવે છે. આ
લેખમાં દર્શાવેલા તમામ ઉદાહરણો તેમણે વાંચેલા પુસ્તકમાં દર્શાવેલા છે.
No comments:
Post a Comment