September 16, 2011

ઓગષ્ટમાં એકપણ નવી નોકરી ન સર્જાતા હાલત કફોડી

- શ્રમ વિભાગ અનુસાર બેરોજગારોની સંખ્યા 4,28,000 પર પહોંચી
- અગાઉ કરવામાં આવેલા 4,18,000ના દાવાથી આ સંખ્યા ઘણી વધારે
- નોકરીની એકેય તક ન સર્જાઈ હોય તેવો 1945 સુધીમાં ઓગષ્ટ પહેલો મહિનો


અમેરિકામાં ગયા સપ્તાહે રોજગારી ભથ્થા માટે આવેલી અરજીઓની સંખ્યામાં 11,000નો વધારો થયો હતો અને તેની કુલ સંખ્યા 4,28,000 થઈ ગઈ હતી.  લગભગ ત્રણ મહિનાઓમાં આ સંખ્યા સર્વોચ્ચ છે. આ જાણકારી અમેરિકાના શ્રમ વિભાગે તાજેતરમાં આપી હતી.

સમાચાર એજન્સી ઈએફઈના જણાવ્યા અનુસાર આ સંખ્યા તજજ્ઞો દ્વારા કરવામાં આવેલા 4,18,000ના દાવાથી ખાસ્સી વધારે છે.

અમેરિકાની અર્થવ્યવસ્થાએ ઓગષ્ટમાં પણ કોઈ નવી નોકરીઓ નહોતી સર્જી અને બેરોજગારીનો સત્તાવાર આંક 9.1 ટકા પર ટકી રહ્યો હતો. 1945થી લઈને અત્યારસુધીના આંકડાઓમાં રોજગારીની એકેય તક ન સર્જાઈ હોય તેવો ઓગષ્ટ પહેલો મહિનો છે.

ઓગષ્ટના આ નિરાશાજનક આંકડા ઉપરાંત શ્રમ વિભાગે જૂન અને જૂલાઈમાં પોતાના આંકડામાં પણ 58,000 સુધી ઘટાડો કર્યો છે એટલે કે બે મહિનાના ગાળા દરમિયાન ફક્ત 1,05,000 જેટલી નોકરીઓ જ સર્જાઈ શકી હતી.

અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર અમેરિકાની જનસંખ્યામાં વૃદ્ધિની સાથે-સાથે માત્ર તાલમેલ જાળવી રાખવા માટે જ દર મહિને નોકરીની 1,50,000 તકો ઉભી કરવી આવશ્યક છે. જ્યારે મંદી દરમિયાન ઘટી ગયેલી કુલ 84 લાખ નોકરીઓની ભરપાઈ કરવા ખાસ્સા ઉંચા દરથી નવી નોકરીઓ ઉભી કરવી જરૂરી છે.

ભૂતકાળમાં થયેલા આર્થિક સુધારામાં દર મહિને 2,50,000 નવી નોકરીઓ સર્જાઈ હતી અને બેરોજગારીનો દાવો કરનારાઓનો આંક 4,00,000 કરતા નીચે હતી.

Source: Divya Bhaskar

No comments:

Post a Comment