નાણાકીય ગેરશિસ્ત અને બંધારણીય અનિયમિતતાનો ભંગ છે ચીફ સેક્રેટરી તરીકે આદેશ કરી સરકારી ખર્ચ અટકાવવો હિતાવહ – સુરેશ મહેતાનો એ.કે.જોતિને પત્ર
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના ફાઇવસ્ટાર ઉપવાસનો ખર્ચ સરકારી તિજોરી ઉપર ભારણરૂપ બને નહીં તેની તકેદારી રાખી રાજ્યના ચીફ સેક્રેટરીએ આ ખર્ચ ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ તેવો આગ્રહ કરી પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ જણાવ્યું છે કે ઘરની પેઢીની જેમ સરકારી વહીવટ ચલાવી શકાય નહીં.
ચીફ સેક્રેટરી એ.કે.જોતિને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે નામદાર સુપ્રિમ કોર્ટે જાકીયા જાફરીના કેસમાં આપેલા ચુકાદાને ખોટી રીતે ચિતરીને જનતાને લખેલા પત્રમાં મોદીએ પોતાના વિરૂદ્ધના પ્રોસિડીંગ પર જાણે કે પડદો પડી ગયાનું જણાવી સદભાવના મિશનનો ત્રણ દિવસનો ઉપવાસ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે તે પ્રજાનું માત્ર ઇમોશનલ બ્લેકમેઇલીંગ નહીં પણ આડકતરૂં ન્યાયતંત્રના અવમાનનો અને તેના પરના દબાણનો પ્રયાસ છે.
સુરેશ મહેતાએ પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે સરકારની તિજોરીનો આ રીતે દુરપયોગ એ નાણાકીય ગેરશિસ્ત અને બંધારણીય અનિયમિતતા છે. સરકારી તિજોરીના નાણાં બંધારણના ભાગ 12 નીચે ત્રણજ રીતે ખર્ચી શકાય છે જેના માટે કાયદા,કાનૂન અને નિયમો છે. આ ખર્ચ કોન્સોલિડેટેડ ફંડ, કન્ટીન્જન્સી ફંડ કે પબ્લિક ફંડમાં પાડી શકાય તેમ નથી. ગુજરાત ફાઇનાન્સ રૂલ્સ-1971 નાણાકીય શિસ્ત માટે બંધારણના ચેપ્ટર-12 નીચે બનાવવામાં આવ્યા છે તેમાં પણ આ ખર્ચ થઇ શકતો નથી. આ જવાબદારી વ્યક્તિગત છે માટે સરકારી ખર્ચે આ કાર્યક્રમ માત્ર બંધારણીય ગેરરિતી જ નહીં, મીસ એપ્રોપ્રિયેશન બને છે. આ તબક્કે ચીફ સેક્રેટરી તરીકની આપની ફરજ આ ખર્ચને રોકવાની છે.
સુરેશ મહેતાએ રાજ્યપાલ ડો.કમલાનું ધ્યાન દોર્યું છે અને પત્રમાં કહ્યું છે કે રાજ્યપાલની વહીવટી સત્તા સિમિત છે પરંતું વહીવટના આપ કસ્ટોડીયન છો તેથી સરકારી નાણાનો વેડફાટ આપ અટકાવી રાજ્યની છ કરોડની જનતાના સાચા અર્થમાં રખેવાળ બનો તેવી મારી વિનંતી છે. - (જીએનએસ),ગાંધીનગર
No comments:
Post a Comment