August 20, 2011

ચાંલ્લો કરનાર આડકતરી રીતે કહેતો હોય છે કે ભાઇ જનુ, આ દીકરી તારી ભલે છે, પણ તારી જવાબદારીમાં અમે પણ તારી સાથે છીએ-દીકરીને અમારા આશીર્વાદ છે.

વાત ૫૦-૫૫ વર્ષ જૂની છે. એક જોષી-મહારાજને ત્યાં એમના દીકરાનું લગ્ન હતું. એ જમાનામાં રૂપિયો જ નહીં, ચાર-આઠ આના પણ મોટા હતા. જોષી-મહારાજના યજમાને તેમના દીકરાનાં લગ્ન નિમિત્તે આઠ આનાનો ચાંલ્લો ધર્યો. તેની સામે જોઇ તાડુકતાં મહારાજે કહ્યું. ‘મહિનામાં વીસ-વીસ દિવસ કુંડળી લઇને દોડી આવો છો ને મારા ઘેર લગ્ન છે ત્યારે આઠ આની ધરતાં શરમ નથી આવતી? રૂપિયા ૩૧થી ઓછો એક પૈસો પણ હું લેવાનો નથી.’ રૂપિયા ૩૧ તેમણે ચાંલ્લા પેટે પડાવ્યા હતા.

આમ દીકરાનાં લગ્નનો ખર્ચ એ જમાનામાં તેમને રૂપિયા અઢી હજાર આવ્યો હતો જે સામે ચાંલ્લો રૂપિયા ત્રણ હજાર મળ્યો હતો. આમ દીકરાના લગ્નમાંથી તેમને રૂપિયા પાંચસોનો ચોખ્ખો નફો થયો હતો. આ કિસ્સો અમે ફ્રોમ હોર્સિસ માઉથ એટલે કે ઘોડા પર બેસીને પરણવા ગયેલ જોષી-મહારાજના એ સુપુત્રના સ્વમુખે સાંભળ્યો હતો.

આ ક્ષણે મને તેમજ મારા ગીધુકાકાને ચાંલ્લાનો રિવાજ શોધનાર આપણા વ્યવહાર-ડાહ્યા વડવાઓને બે હાથે સલામ કરવાનું મન થાય છે. સોંઘવારી તો એ કાળમાં પણ નહોતી, ત્યારે સોનું ભલે દસ રૂપિયે તોલો હતું, પણ સરેરાશ નોકરિયાતનો માસિક પગાર માંડ રૂપિયા પાંચથી સાત હતો. અડધો તોલો સોનું ખરીદવું હોય તો કુટુંબે આખો મહિનો ભૂખમરો વેઠવો પડે. આજની જેમ જ એ વખતે પણ ધનિકો ઓછા હતા, બાકીનો સમાજ મધ્યમ વર્ગ અને ગરીબો વચ્ચે વહેંચાયેલો.

તો પણ આબરૂની બાબતમાં આ બંને વર્ગ શ્રીમંત વર્ગથી તસુભાર પણ ઊતરતો નહીં. આ આબરૂ એ એમની મૂડી, એ જ શ્રીમંતાઇ. આવા લોકોને સ્વમાનભંગ ન લાગે એ રીતે તેમને આર્થિક ટેકો કરવાની ભાવનાથી આ ચાંલ્લા-વ્યવહાર શરૂ થયો હોવો જોઇએ-ચાંલ્લો કરનાર આડકતરી રીતે કહેતો હોય છે કે ભાઇ જનુ, આ દીકરી તારી ભલે છે, પણ તારી જવાબદારીમાં અમે પણ તારી સાથે છીએ-દીકરીને અમારા આશીર્વાદ છે.

અને ઘણા ઉત્સવપ્રિય આત્માઓ કંકોતરી મળતાં જ લગ્નમાં પહોંચી જતા. પેટ શરમાય નહીં એટલું જમતાં, ધોરણસર ચાંલ્લો કરતા. તો કેટલાક લોકો કંકોતરી મળે એટલે માળિયામાં પડેલ ટ્રંકમાંથી ચાંલ્લાની નોટ શોધી એમાં જોઇ લેતા કે આપણી મંજુનાં લગ્નમાં બાલાભાઇનો કેટલો ચાંલ્લો આવેલો? આપણે પણ એટલો જ કરવાનો-દસ વરસમાં મોંઘવારી ક્યાં ખાસ વધી છે! અને અમુક વી.આઇ.પી.ઓ કોઇકને ત્યાં લગ્નમાં ઉપકારના ધોરણે હાજરી આપે એ જ મોટો ચાંલ્લો ગણાય, એ લોકો માટે તો ટાઇમ જ મની હોય છે, પછી રોકડા ચાંલ્લાની શી વિસાત! મારી દીકરીનાં લગ્નપ્રસંગ અગાઉ મેં એક મહાનુભાવને પત્ર લખી હાજર રહેવા આમંત્રણ આપ્યું.

તેમણે ઉત્તર આપ્યો કે લગ્નમાં અવશ્ય પધારશે, પરંતુ જમશે નહીં. તે આવ્યા. મેં તેમને વિનંતી કરી કે સાહેબ આપ આવ્યા છો તો જે કંઇ અનુકૂળ લાગે તે વાનગી જમશો તો મને ઘણો જ આનંદ થશે. એ તો ગયા, પણ દરવાજા પર સ્વાગત કરવા ઊભેલ મારા મિત્રને મારા જોગ સંદેશો આપતા ગયા હતા કે વિનોદભાઇને કહેજો કે મેં ડિશ લીધી નથી. આ સમાચાર તેમણે મને રાજી કરવા કહ્યા હશે કે પછી મને એવો ઇશારો કર્યો હશે કે મેં તમારી જેટલા રૂપિયાની ડિશ બચાવી તેટલી રકમ મારા ચાંલ્લા પેટે જમા લઇ લેજો!

*** *** ***

પુરાણા જમાનામાં તેમજ આજે પણ ચાંલ્લો ચલણમાં છે. તમે કોઇ લગ્નમાં જશો તો મંડપમાં પ્રવેશતાં જ તમને જમણી બાજુએ ગોઠવેલ ટેબલની પેલી તરફની બે ખુરશીઓમાં ચાંલ્લો લખવા બેઠેલા બે જણા દેખાશે. હોટલોમાં જમ્યા પછી બિલ ચૂકવવાનો રિવાજ હોય છે. અહીં તમે આગોતરું બિલ ચાંલ્લાના નામે અદા કરી શકો છો. વર્ષો પૂર્વે અમારી જ્ઞાતિમાં પરણેલી દીકરીનાં મા-બાપને કંકોતરી આપવા સાથે ચોખ્ખું કહેવામાં આવતું કે લગ્ન જોવા આવજો. (માત્ર લગ્ન જોવા) જમવા નહીં અને ચાંલ્લો તો ખરો જ. (એ સમજી જવાનું) અને આમ પણ તમારાથી દીકરીના ઘરનું ખવાતું હશે!

*** *** ***

કેટલાક જણ તો ચાંલ્લાની બાબતમાં ભારે ચીવટવાળા હોય છે. તેમને ત્યાં તમે લગ્નમાં ગયા ન હો તો રસ્તામાં ક્યાંક મળી જતાં આંતરીને પૂછશે: ‘લગ્નમાં કેમ કોઇ દેખાયું નહીં? કોઇ માંદું-સાજું?’- ટૂંકમાં તમારા ચાંલ્લાની ગેરહાજરીની નોંધ લેવાઇ જાય. (તારે ત્યાં અમે ચંબુ જેવા ૧૧ રૂપિયાનો ચાંલ્લો કરેલો, તું અગિયારમાંથીય ગયો?).

*** *** ***

બાબુભાઇ સ્કૂલ-ટીચર. દીકરાનું લગ્ન. સ્ટાફ-રૂમમાં તેમણે છુટ્ટા હાથે લગ્ન-પત્રિકાઓ વહેંચી. લગ્ન દૂરના ગામમાં. ચાલુ દિવસ એટલે શિક્ષકોથી રજા મૂકીને લગ્ન મહાલવા નીકળી શકાય નહીં. કોઇ લગ્નમાં ગયું નહીં. લગ્ન પત્યાના બીજા દિવસે બાબુભાઇ સાહેબ ટીચર રૂમમાં આવીને બોલ્યા: ‘તમે બધાં લગ્નમાં આવ્યા હોત તો મને વધારે ગમત. જોકે તમારી તકલીફ હું સમજું છું. પણ તમારા આશીર્વાદ તો મારા ગટુને જોઇશે જ, એ વગર નહીં ચાલે.’ અને થેલીમાંથી નોટ કાઢીને ત્યાં જ ચાંલ્લો લખવા બેસી ગયા હતા.

*** *** ***

જોકે મારા ગીધુકાકા લગ્નમાં જવા તેમજ ચાંલ્લો કરવા અંગે આગવા વિચારો ધરાવે છે. માત્ર ટપાલ કે પછી કુરિયર દ્વારા કોઇની કંકોતરી મળી હોય અને આમંત્રણ મોકલનાર યજમાન લગ્નમાં પધારવા ફોન કરવા જેટલો વિવેક પણ ન દાખવે તો તેને મન આપણે વોન્ટેડ નથી એવું જ માનવાનું, એ લગ્ન આપણી હાજરી વગર જ થવા દેવાનું.

અને અને ચાંલ્લો કરવામાં ઉતાવળ નહીં કરવાની, જમ્યા પછી જ ચાંલ્લો કરવાનો. આપણે કરેલ ભોજન કેટલો ચાંલ્લો ખમી શકે એમ છે એ બાબતનો યોગ્ય જવાબ તો આપણું ખિસ્સું જ આપી શકશે-ગીધુકાકાના આ બંને વિચારો ગમી જવાથી એને હું આચારમાં મૂકું છું.

*** *** ***

છેલ્લાં કેટલાંક વર્ષોથી, જેમની તિજોરીઓ તેમજ બેંક-ખાતાં રૂપિયાથી ફાટ ફાટ થતાં હોય એવા થોડાક લોકો લગ્નપત્રિકામાં નીચે લખતા હોય છે કે ‘ચાંલ્લો તેમજ ભેટ અસ્વીકાર્ય.’ આ લોકોની માનસિકતા ગીધુકાકાને સમજાતી નથી. ઇન્કમટેક્સના કાયદાની જરાતરાય સમજ હશે એવો માણસ આમંત્રણ-પત્રમાં નહીં લખે કે ચાંલ્લો લેવાનો નથી. કારણ એ જ છે કે ચાંલ્લા પેટે આવેલ રોકડા રૂપિયા ઓફિસિયલી બેંકમાં જમા કરાવી શકીએ.

ઇન્કમટેક્સ ઓફિસરો પણ ચાંલ્લાની નોટબુકસ જોવા નથી માગતા, ઉદાર હોય છે. કેટલાંક વર્ષો અગાઉ શંકરસિંહ વાઘેલા-બાપુએ લગ્ન-પત્રિકામાં સ્પષ્ટ લખ્યું હતું કે ચાંલ્લો અવશ્ય કરજો, બને એટલો વધારે કરજો, આ રકમ ચેરિટીમાં જવાની છે. એમ તો તાજેતરમાં એક પિતાએ પોતાની દીકરીનાં લગ્નમાં આવેલ ચાંલ્લાના રૂપિયામાં એક લાખ ઉમેરીને કેન્સર હોસ્પિટલને દાનમાં આપી દીધી. ટૂંકમાં ચાંલ્લો એ વ્યવહાર છે, એમાં અવ્યવહારુ ના થવાય.

No comments:

Post a Comment