October 13, 2013

21 મી સદીનું થીંકીંગ : શબ્દ અને સ્વાદનો સમન્વય એટલે દશેરા


આજનું શીર્ષક જોઇને એમ થાય છે કે દશેરામાં શબ્દ તો બરાબર છે પરંતુ આ સ્વાદનો સમન્વય જરા અજુગતું લાગે. પરંતુ આ સ્વાદ એ અમદાવાદીઓના ફાફડા-જલેબી અને ચોરાફળી સાથે જોડાયેલો છે. પહેલાના સમયમાં સવારે નહાઈને પરિવાર સાથે મંદિરે જવાનો ક્રમ હતો જે આજના જમાનામાં બદલાઈ ગયો છે. આજે સવારે નહાવાને બદલે સીધા ઉઠી, બ્રશ કરીને બર્મુન્ડો - ટી-શર્ટ પહેરીને સ્કૂટરની કિક મારીને સીધા ગાંઠિયા, જલેબી, ચોરાફળી લેવા પહોંચી જવાનું કેમ કે પછી ભીડ બહુ થાય યાર !

ઘરમાં જો વડીલ વ્યક્તિ હોય તો કહે કે દીકરા, પહેલા સ્નાન પતાવીને મંદિરે તો જા. તો દીકરો બોલે, પપ્પા ગઈકાલથી તમે કહેતા હતા ને કે ગાંઠિયા જલેબી ખાવા છે તો પહેલા લેતો આવું પછી બહુ લાઈન લાગશે. વર્ષ 2011 ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે અમદાવાદમાં લગભગ 25 કરોડ રૂપિયાના ફાફડા-જલેબીનું વેચાણ થાય છે તો વખતે ભાવવધારાને પરિણામે આંકડો 40 કરોડ સુધી તો પહોંચી જશે.

આપ જો સૌરાષ્ટ્રમાં જાઓ તો ત્યાં ફાફડા-જલેબીના બદલે તમને મિક્ષ મીઠાઈના તૈયાર બોક્ષ મળે અને એમાં જો રામકૃષ્ણ ડેરીની મીઠાઈ મળે તો તો મોઢામાં પાણી પાણી..

ગઈકાલે ટીવી 9 ગુજરાતી ઉપર સમાચાર આવેલા કે અમદાવાદના કુલ 25 ફરસાણ માર્ટને ત્યાં ફૂડ વિભાગના દરોડા અને સેમ્પલ ચેક કર્યા પછી 22 મીઠાઈની દુકાનવાળાઓને નોટીસ પાઠવી. સમાચાર વાંચ્યા પછી લોકોએ ફાફડા-જલેબીની ખરીદી વધારી દીધી એટલા માટે કે કદાચ ખાલી થઇ જશે તો?

જલેબીનો ફોટો જોઇને ઘણા રીડર્સને એમ થતું હશે કે દીપકભાઈ, બ્લોગ લખવા કરતાં દુકાને જઈને ફાફડા-જલેબી ઝાપટો. પરંતુ દશેરા માત્ર ફાફડા-જલેબીનો તહેવાર નથી. આજે સવારે જયારે હું 7 વાગ્યે હેર સલુનમાં ગયો ત્યારે મેં વાળંદને કહ્યું કે, જયંતીભાઈ જરા જુવો તો ખરી સવારમાં 7 વાગ્યે પેલી દુકાને ફાફડા-જલેબીની ભીડ કેટલી છે. ત્યારે મને જયંતીભાઈએ કહ્યું કે દીપકભાઈ, આપણા દાંત છે ને જીભને એમ કહે કે તને હું ચપટીમાં કચડી નાખીશ. ત્યારે જીભે એમ કહ્યું કે, હું જો એક શબ્દ બોલીશ ને તો વગર હથિયારે તારા બધા દાંત પડી જશે.

જજીસ બંગલો રોડ ઉપર અમુક મીઠાઈઓની દુકાનવાળાઓએ તો બાઉન્સર રાખેલા છે. એમને એમ હશે કે કદાચ આજે ફાફડા-જલેબી લેવા માટે રાવણ આવી જાય તો શું કરવું ?

આજે મેં નક્કી કર્યું છે કે દશેરા ફાફડા-જલેબી વગરનો મનાવવો છે .

No comments:

Post a Comment