August 20, 2011

એલિઝાબેથ ડેવિસ નામનાં બહેને ટીવીએ આપણા ઘરમાં કેવું સ્થાન જમાવી દીધું છે અને આપણી રોજબરોજની જિંદગીમાંથી કેટલી બધી સારી બાબતો ઝૂંટવી લીધી છે તેના વિશે રસપ્રદ લેખ લખ્યો છે. બન્યું એવું કે એમના ઘરનું ટીવી મિકેનિકલ ખામીને કારણે કામ કરતું બંધ થઇ ગયું. તે વખતે ઘરની બીજી વ્યક્તિઓની સાથે એમની આઠ વરસની દીકરી પણ ટીવી જોવા બેઠી હતી. એટલું સારું થયું કે દીકરીએ પોતાની નજરે ટીવીનો સ્ક્રીન બંધ થઇ જતો જોયો હતો, નહીંતર એ માની બેસત કે એને ટીવી જોતી અટકાવવા માટે એનાં મા-બાપે જ ટીવી બંધ કરાવી દીધું છે!

ટીવી ખરાબ થઇ જવાથી એને રિપેર કરવા માટે મિકેનિકને બોલાવવાની જરૂર પડી. પણ બીજાં કામોમાં વ્યસ્ત હોવાથી થોડા દિવસો આવી શક્યો નહીં. ઘરમાં જાણે ભયાનક શૂન્યાવકાશ છવાઇ ગયો. દીકરીનો મૂડ ખરાબ થઇ ગયો કારણ કે એ એને પ્રિય એવી પોગો, કાર્ટૂન નેટવર્ક જેવી ચેનલો અને ફિલ્મો જોઇ શકતી નહોતી. માતા લખે છે તેમ એમના ઘરમાં પણ ટીવી એક વાર ચાલુ થયા પછી દીકરી પરાણે સૂવા માટે ન જાય ત્યાં સુધી એ બંધ કરી શકાતું નથી અને ઘરની બીજી વ્યક્તિઓ પણ ટીવી સામેથી ખસતી નથી.

ટીવી બગડવાથી ઘરમાં સન્નાટો છવાઇ ગયો હતો. જોકે એ કારણે ઘરના લોકોને સાથે બેસીને નિરાંતે વાતો કરવાનો સમય પણ મળવા લાગ્યો. માતાના આશ્ચર્ય વચ્ચે દીકરીએ પિયાનો પર પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. રાતે જમવાનો સમય તો અદભૂત અનુભવ બની ગયો. બધાં ખાવાની ચીજો પર ધ્યાન આપી, ટોળટપ્પા કરતાં આનંદભેર જમતાં હોય એવું ઘરમાંથી અર્દશ્ય થઇ ગયેલું વાતાવરણ પાછું આવી ગયું.

No comments:

Post a Comment