- અઠવાડિક આવકમાં 11 પાઉન્ડનો ઘટાડો
- ફુગાવો 4.4 ટકાએ પહોંચતા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધ્યા
- કેટલાક પરિવારો હવે બહાર વાળ કપાવવા પણ નથી જતા
- વીજળી અને પેટ્રોલના વપરાશમાં પણ ઘટાડો
બ્રિટનમાં આર્થિક સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે ત્યારે અહીંના પરિવારો બે છેડા ભેગા કરવા માટે પોતાના ખર્ચાઓમાં કાપ મુકી રહ્યા છે. આપને જાણીને કદાચ નવાઈ લાગશે કે બ્રિટનના કેટલાક પરિવારમાં હવે વાળ પણ ઘરે જ કાપવામાં આવે છે અને પેટ્રોલનો ઉપયોગ પણ પહેલા કરતા અડધો કરી દેવાયો છે જેથી અન્ય જરૂરિયાતો સંતોષી શકાય.
વળી, હવે બ્રિટનના પરિવારોની અઠવાડિક આવકમાં 11 પાઉન્ડનો ઘટાડો થતા સ્થિતિ વધુ ગંભીર બની છે. જુલાઈ 2010ની સરખામણીમાં બ્રિટનના નાગરિકોએ વીજળી પાછળ કરેલો ખર્ચ પણ ઘટી ગયો હતો.
આ વર્ષે બ્રિટનના પરિવારોએ મોર્ગેજ લોનનું પેમેન્ટ કરવામાં અઠવાડિયામાં 166 પાઉન્ડ ખર્ચ્યા હતા જે ગયા વર્ષની સરખામણીમાં 6.4 ટકા ઓછા હતા.
બ્રિટિશ થિંક ટેંક આઈપીપીઆરના જણાવ્યા અનુસાર નોકરીઓ પર જોખમ તોળાતું હોય તેવા પરિવારોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ અંગેના અભ્યાસમાં જાણવા મળ્યુ હતુ કે છેલ્લા 2 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા હોય તેવા લોકની સંખ્યા હાલમાં ચાર લાખ પર પહોંચી છે જે 1997 પછીનો સૌથી ઉંચો દર છે.
આ બધી સમસ્યાઓ ઉપરાંત ફુગાવાનો દર પણ 4.4 ટકાએ પહોંચતા લોકોની પરેશાની વધી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે લોકોનું જીવન ધોરણ નીચું ગયું છે અને ખર્ચ વધારવાની ફરજ પડી છે.
Source: Divya Bhaskar
No comments:
Post a Comment